'ઝીણાએ મુસ્લિમો માટે દેશ માગ્યો હતો, ઇસ્લામિક રાષ્ટ્ર નહીં'

ઇમેજ સ્રોત, AFP
- મોહમ્મદ અલી ઝીણા મુસલમાનો માટે અલગ દેશ ઇચ્છતા હતા, ઇસ્લામિક રાષ્ટ્ર નહીં.
- ઝીણાની ઇચ્છા હતી કે ભારત અને પાકિસ્તાનના સંબંધો કેનેડા અને અમેરિકા જેવા હોય.
- ઝીણાએ હિંદુ મુસલમાન એકતા માટે ઘણું કામ કર્યું હતું.
- ઝીણાએ લોકમાન્ય બાલ ગંગાધર ટિળકનો કેસ લડ્યો હતો.
- ઝીણા જેલ ગયા નહોતા તો આંબેડકર પણ, એક પણ દિવસ જેલ ગયા નહોતા.
- શ્યામાપ્રસાદ મુખર્જીએ પણ બંગાળના વિભાજનની માંગણી કરી હતી.
ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના પૂર્વ સાથી સુધીન્દ્ર કુલકર્ણીએ કહ્યું છે કે અલીગઢ મુસ્લીમ યૂનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની છબીને લઈને મચેલો હોબાળો કારણ વગરનો છે અને આવું વાતાવરણ ઊભું ના કરવું જોઈએ.
બુધવારે બપોરે અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી(એએમયૂ)માં મોહમ્મદ અલી ઝીણાની છબી હટાવવાની માંગણી સાથે હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ કેમ્પસમાં પહોંચી ગયા હતા.
બાદમાં થયેલા હોબાળાને પગલે પોલીસને પરિસ્થિતી થાળે પાડવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘવાયા હતા.
હિંદુવાહિનીના કાર્યકર્તાઓની માંગણી હતી કે યૂનિવર્સિટીના યૂનિયન હૉલમાંથી ઝીણાની છબી દૂર કરી દેવામાં આવે.
લગભગ 80 વર્ષ પહેલાં આ તસવીર હૉલમાં લગાવવામાં આવી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
સુધીન્દ્ર કુલકર્ણીએ બીબીસી હિંદી સાથે ફેસબુક લાઇવ દરમિયાન આ મામલે વાત કરી હતી.
કુલકર્ણીએ ઝીણા પર ઘણું કામ કર્યું છે અને તેમણે '100 યર્સ ઑફ લખનઉ પૈક્ટ' નામનું પુસ્તક પણ લખ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સુધીન્દ્ર કુલકર્ણીએ શું જણાવ્યું?

સુધીન્દ્ર કુલકર્ણીએ જણાવ્યું કે યૂનીવર્સિટીમાંથી ઝીણાની છબી હટાવવાની માંગણી ગેરવાજબી છે. ઝીણાની છબી હોવાનો એ મતલબ નથી કે વિદ્યાર્થી માટે તે એક આદર્શ છે.
તેમણે કહ્યું, "આ છબી 1938માં લગાડવામાં આવી હતી. ત્યાં મહાત્મા ગાંધીની પણ છબી છે. સી. વી. રામનની પણ છબી છે. તો પછી અચાનક આ મુદ્દો કયાંથી આવ્યો?"
"એ સાચું છે કે આઝાદીની લડાઈમાં ઝીણા એક પણ દિવસ જેલમાં ગયા નથી. બી.આર. આંબેડકર પણ જેલ ગયા નથી, તો શું એમનો ફાળો કાંઈ ઓછો છે."
"1908માં જ્યારે લોકમાન્ય ટિળક પર દેશદ્રોહનો આરોપ લાગ્યો અને એમને બર્મામાં છ વર્ષની કાળા પાણીની સજા થઈ ત્યારે ટિળકનો કેસ મોહમ્મદ અલી ઝીણાએ જ લડ્યો હતો."
"1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એક કરાર થયો જેમાં એ નક્કી થયું કે હિંદુ અને મુસલમાનોએ ભારતની આઝાદી માટે સાથે મળીને લડવું જોઈએ."

ઇમેજ સ્રોત, AFP
કુલકર્ણીએ કહ્યું, "હું તો એમ કહીશ કે દેશના ભાગલા માટે ઝીણા તો દોષી હતા જ પણ તેઓ માત્ર એકલા ગુનેગાર નહોતા. લૉર્ડ માઉન્ટબેટેન પણ દોષી હતા, જવાહરલાલ નહેરુ પણ દોષી હતા."
"અહીં હું એ પણ જણાવવા માંગીશ કે ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પણ ઇચ્છતા હતા કે બંગાળ એક ના રહે અને એનું વિભાજન થાય."
"પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો સૌથી ગંભીર પ્રયાસ અટલ બિહારી બાજપેઈની સરકારમાં થયો હતો. પાકિસ્તાન સાથેના સબંધો સામાન્ય બનાવવાના અને મિત્રતાના પ્રયાસ બદલ હું નરેન્દ્ર મોદીનાં પણ વખાણ કરું છું. જ્યારે મોદી પાકિસ્તાન ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ પણ તેમની પ્રસંશા કરી હતી."
"વાસ્તવમાં ભાજપના બે અલગ અલગ મહોરાં છે. એક વાજપેયીનો ચહેરો અને બીજો જે આજકાલ ચલણમાં છે. સંઘમાં આજે પણ પાકિસ્તાન અને મુસ્લમાનોને લઈને દ્વેષની ભાવના છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















