શું ‘ઇસ્લામિક ખિલાફત’નું સપનું સાકાર કરવું વાસ્તવમાં શક્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મેહરાન મોવહિદ
- પદ, બીબીસી સંવાદદાતા, કાબુલ (અફઘાનીસ્તાન)થી
ઇસ્લામની વાત કરનારાં સંગઠન કે જેહાદી સલાફી સમૂહ(અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવાં સગઠનો )ના ઉદયનો સીધો અને ગાઢ સંબંધ ઇસ્લામી ખિલાફત (શાસન) સાથે છે.
આ કે આ પ્રકરાના જ કેટલાંક સંગઠન ઇસ્લામી ખિલાફત એટલે તુર્કી કે ઑટોમાન સામ્રાજ્યના પતનને એક મોટી દુર્ઘટના તરીકે નિહાળે છે.
એમને લાગે છે કે આ ઘટના બાદ દુનિયાનો મુસ્લિમ સમાજ નબળો અને બેહાલ બની ગયો.
આ જ કારણે તમામ સંગઠનોએ ઇસ્લામી ખિલાફતની પુનઃસ્થાપનાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે.
એમનું માનવું છે કે ખિલાફતની સ્થાપના સાથે મુસલમાનોને પોતાના એ સોનેરી દિવસો પાછાં મળી જશે.
આ સંગઠનોમાં અફઘાનિસ્તાનમાં ઊભરી રહેલાં ઇખ્વાનુલ મુસલેમીન સૌથી વધારે સક્રિય અને મુખ્ય છે.
કારણ કે આ પ્રકારના અન્ય સંગઠન જેવા કે હિઝબુત તહરીર અને સલાફી આંદોલન ઇખ્વાનુલ મુસલેમીનને જ પોતાનો પ્રેરણાસ્રોત ગણે છે.

60ના દાયકામાં...

ઇમેજ સ્રોત, Getty Images
19મી સદીના 60ના દશકમાં સૈયદ કુતુબ શહીદના ઇસ્લામવાદી લેખોના પ્રચાર-પ્રસારની સાથે-સાથે ઇખ્વાનની અંદર જ કેટલાંક એવા જૂથોનો ઉદય થયો જે પાછળથી સૈયદ કુતુબના અનુયાયી બની ગયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૈયદ કુતુબને જ તેઓ પોતાનો આદર્શ માનવા માંડ્યાં. આ ગાળામાં આવા જૂથોનો વ્યાપ પણ વધ્યો.
તમે આ વાંચ્યું કે નહીં?
આ લોકો સૈયદ કુતુબના મતનું અનુસરણ કરતા અને ત્યારના ઇસ્લામી સમાજને અજ્ઞાની ,પથભ્રષ્ટ માનતા હતા.
એમનું કહેવું હતું કે ફરીથી મૂળ ઇસ્લામ તરફ પાછું ફરવું પડશે જે માટે ઇસ્લામી શાસનની પુનઃસ્થાપના જ એક માત્ર માર્ગ છે.
જ્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિ નાસિરે સૈયદ કુતુબ અને બીજા કેટલાક લોકોની એકસાથે હત્યા કરી નાખી.
ત્યારે ઇખ્વાનની અંદર એમની અતિવાદી વિચારધારાને માનનારા લોકો વધી ગયા અને મધ્યમમાર્ગી વિચારધારાને માનનારા લોકો નબળા પડી ગયા.
આ જ રીતે અલ-કાયદા અને પોતાને ઇસ્લામિક સ્ટેટ કહેવડાવનારા સંગઠન પણ સૈયબ કુતુબની વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા.
આ તમામ ચર્ચા બાદ હવે એ સવાલો ઊભો થાય કે શું સમકાલીન સ્થિતિમાં ઇસ્લામી ખિલાફત (જેને ઘણી વખત ઇસ્લામી હકૂમત પણ કહેવામાં આવે છે)ની ફરીથી સ્થાપના કરવી શક્ય છે ખરી?

'ઇસ્લામી ખિલાફત'નું આકર્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
હકીકત તો એ છે કે ઇસ્લામી ખિલાફતનું સપનું ખૂબ મોહક અને આકર્ષણ ભરેલું છે.
અત્યારસુધી આ સપનાને કારણે ઘણાં લંપટ પ્રકારના મુસલમાન યુવાનો એના મોહમાં ફસાઈ ચૂક્યા છે.
ઇસ્લામવાદી એ તારણ પર પહોંચવા માંડ્યા છે કે જો ઇસ્લામી ખિલાફતનો વાવટો લઈને આગળ વધીશું તો લોકોને પોતાની સાથે જોડી શકીશું અને સમાજમાં પ્રભાવ ફેલાવી શકીશું.
ઇસ્લામી વિચારક પોતાના આ વિચારનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે કે ખરું જોતાં તો 'ખિલાફત' જ મૂળ ઇસ્લામ છે અને એનો વિરોધ કરનારા ઇસ્લામ સાથે છેતરપિંડી કરનારા છે,એના દુશ્મન છે.
સાથે સાથે આ ઇસ્લામવાદી વિચારક એ પણ જણાવે છે ઇસ્લામનો 'સુવર્ણ યુગ' અને એની ભવ્યતા, ખિલાફતને કારણે જ હતાં.
અને આજે મુસલમાનોનું જે પતન થયું છે તેને માટે ખિલાફતની ગેરહાજરીને જવાબદાર મનાય છે.

ઇસ્લામી એકતા

ઇમેજ સ્રોત, Getty Images
આ વિચારકોનું એ પણ માનવું છે કે ઇસ્લામી ખિલાફત પહેલાં ઇસ્લામી એકતા મેળવવી જરૂરી છે.
તેઓ માને છે કે ઇસ્લામી દુનિયાની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતામાં એકતા એ ઇસ્લામની શક્તિ છે અને આ જ ઇસ્લામી સામ્રાજ્યનું બળ છે.
ઇસ્લામી ખિલાફતની તરફેણ કરનારા લોકો એમ માને છે કે ખિલાફતને કારણે જ ક્રૂસેડમાં પશ્ચિમની શક્તિને હાર આપી હતી અને પોતાના ગુમાવેલા ભૂ-ભાગને પાછો મેળવ્યો હતો.
અને અત્યારે પણ ધારે તો ઇસ્લામી ખિલાફતને પુન:સ્થાપિત કરી પશ્ચિમના વર્ચસ્વમાંથી બહાર નીકળી શકે છે.
પણ ઇસ્લામી ખિલાફતનું સપનું સાકાર થાય તે શક્ય નથી.

આધુનિક રાષ્ટ્ર-રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images
આજની વાસ્તવિક પરિસ્થિતિથી એટલું સ્પષ્ટ છે કે ઇસ્લામિક ખિલાફતની બહાલી ફરીવાર શક્ય નથી અને જે લોકો આ પ્રયત્નમાં લાગેલા છે, તેઓ હવામાં વિચારે છે.
આધુનિક રાષ્ટ્ર-રાજ્યની અવધારણા સાથે, રાજ્યની સ્થાપનાના માપદંડમાં પણ ફેરફાર થયો છે.
આમાં સૌથી અગત્યની વાત એ છે કે રાજ્યની પાસે એક નિશ્ચિત ભૂ-ભાગ હોય પરંતુ ત્યાં જ ધર્મનું મહત્વ અત્યંત ઓછું બની રહ્યું છે.
સમકાલીન સમાજના તાણાવાણા જૂના જમાનાના સમાજની રૂપરેખાથી તદ્દન વિપરીત છે.
એટલે જે લોકો એ ખ્યાલમાં રહે છે કે ઇસ્લામી સામ્રાજ્યની ફરીવાર સ્થાપના થશે, તેઓ અતીતમાં જીવી રહ્યાં છે.

મુસ્લિમ જગતની સમસ્યાઓ

ઇમેજ સ્રોત, Getty Images
આજે આંતરરાષ્ટ્રીય સંબંધો પરસ્પર લાભ ઉપર આધાર રાખે છે, ધાર્મિક નિષ્ઠા અને ભાવના પર નહીં.
એક અગત્યનો મુદ્દો એ પણ છે કે આજનું મુસ્લિમ જગત અલગ-અલગ મતોને માનનારાઓ તથા જૂથોમાં વહેચાયેલું છે.
અને જો તેઓની વચ્ચે એકરૂપતા ઠોકી બેસાડવામાં આવશે તો પરસ્પર યુદ્ધની ઝાળ લાગી શકે છે, જેને લીધે મુસ્લિમ જગતની સમસ્યાઓનું પ્રમાણ વધશે.
એક વધુ અગત્યની તકલીફ એ પણ છે કે ઇસ્લામિક ખિલાફતના વિચારકો અને સમર્થકોમાં પણ વૈચારિક એકતા નથી.
એક જૂથનો મત છે કે ઇસ્લામિક ખિલાફતનો ઉદ્દેશ જેહાદ, યુદ્ધ અને નાસ્તિકોની જમીન ઉપર કબજો કરવાનું છે, જયારે અન્યનું માનવું છે કે ઇસ્લામિક ખિલાફતમાં ફક્ત ઇસ્લામી કાયદા લાગુ કરવા એ જ તમનો ઉદ્દેશ છે.

રાજકીય સ્વતંત્રતાની બાંહેધરી

ઇમેજ સ્રોત, Getty Images
એટલું જ નહીં એક એવો પણ સમૂહ છે જે ઇચ્છે છે કે ઇસ્લામિક ખિલાફત એક એવું સામ્રાજ્ય સ્થાપિત કરશે જે રાજકીય સ્વતંત્રતાની બાંહેધરી પણ આપશે અને વ્યક્તિની સ્વતંત્રતાનું પણ સન્માન કરશે.
'ઇસ્લામિક ખિલાફત'માં જે મતભેદ છે, તેનું કારણ એ છે કે એના વિચારક હજુ સુધી ઇસ્લામિક રાજ્યના સંચાલન ઉપર કોઈ નક્કર વિચારો આપી શક્યા નથી.
કેટલાંક ઇસ્લામિક વિદ્વાનો અને વિચારકો એમ માને છે કે 'ખિલાફત' એક થિયોક્રૅટિક રાજ્ય એટલે કે ધર્માધારીત રાજ્ય હશે.
પરંતુ સત્ય એ છે કે ખિલાફતના રાજ્ય સંચાલનનો ઢાંચો ખોખલો નજરે પડે છે અને એનો આજની સામાજિક પરીસ્થિતિ સાથે મેળ બેસતો નથી.
અને આ જ કારણથી અગાઉના જમાનામાં પણ ઇસ્લામિક રાજ્ય ઉથલ-પાથલનો શિકાર રહ્યાં છે.

ખિલાફતનું સપનું

ઇમેજ સ્રોત, Getty Images
ઇસ્લામિક રાજ્ય અથવા ખિલાફત એક જ પરિસ્થિતિમાં સફળ થઇ શકે છે કે સંપૂર્ણ ખિલાફતમાં એક જ શાસક હોય, કોઈ સીમા ના હોય, ભૌગોલિક અને સાંસ્કૃતિક એકતા હોય, જે આજના જમાનામાં શક્ય નથી.
ઇસ્લામિક ખિલાફતનું સપનું જોનારાઓને જો એક તરફ મૂકીને જોવામાં આવે તો ઇસ્લામિક ખિલાફત દરમિયાન મુસલમાનોની વચ્ચે ક્યારેય પણ એકતા રહી જ નથી.
તેઓ વારંવાર પરસ્પર લડતા રહ્યાં, ખિલાફત ક્યારેય તેઓને એકજૂથ કરી શકી જ નહીં, આ જ કારણસર બહારના દુશ્મનનો ભય બતાવીને તેઓને એકજૂથ કરવાનો પ્રયત્ન કરવો પડતો હતો.
ઇસ્લામિક ખિલાફતની સતત વકીલાત કરનારાઓ અત્યાર સુધી શું હાંસલ કરી શક્યા છે?
ઇસ્લામવાદી સંગઠનોના અનેક સભ્યોએ છેલ્લા ઘણાં દશકાઓમાં ખાસ કરીને ઑટોમાન સામ્રાજ્યના પતન બાદ ખિલાફતની ફરીવાર સ્થાપના કરવાના પોતાના મક્સદ માટે જીવ ગુમાવ્યો છે.

નિરંકુશ તાનાશાહી

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આ કુરબાની અને આ પ્રયત્નો સાચી દિશામાં નહોતા, એ લોકો પોતાના પ્રયત્નમાં નિષ્ફળ રહ્યાં એટલું જ નહીં બલકે તેઓએ અતિવાદી વિચારધારાને પ્રોત્સાહન આપ્યું.
જેને લીધે ઇસ્લામિક જગતને ફાયદાને બદલે ભારે નુકસાન વેઠવું પડ્યું અને મુસ્લિમ જગત ઘાયલ અને લોહીલુહાણ કરી દીધું.
દાખલા તરીકે અફઘાનીસ્તાનમાં ઇખ્વાનુલ મુસ્લેમીનનાં છેલ્લા 90 વર્ષના પ્રયત્નોનું એ પરિણામ આવ્યું કે આ ક્ષેત્રમાં દમનકર્તા નિરંકુશ શક્તિઓને આગળ વધવાની તક મળી.
આ સરમુખત્યારો પશ્ચિમી દુનિયાને એવો ભરોસો અપાવવામાં સફળ રહ્યા કે જો આ ધર્માંધ લોકોને તેઓ અટકાવી ના શક્યા અને તેની મદદ કરવામાં ના આવી તો એ જ પ્રકારના સમાજની રચના થશે જેવો સમાજ યુરોપમાં ફ્રાંસની ક્રાંતિ (1789) પહેલાં હતો.
તેઓ એક એવા સમાજની સ્થાપના કરવાની વાત કરે છે જે વિકાસ અને આધુનિકતાના પ્રખર વિરોધી છે.

વ્યક્તિની સ્વતંત્રતા

ઇમેજ સ્રોત, Diy13/Getty Images
જો ઇસ્લામવાદી શક્તિઓ હજુ પણ ઇચ્છે તો બદલાવ અને વિકાસમાં પોતાનું યોગદાન આપી જ શકે છે.
તેઓ માટે બહેતર એ છે કે જરીપુરાણા જર્જરિત સમાજને ફરી જીવંત ના કરીને, એક નવા, સભ્ય અને આધુનિક સમાજના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવે.
એક એવા રાજકીય શાસન માટે પ્રયત્ન કરે જે લોકોની આકાંક્ષાઓ અને આશાઓ પર ખરું ઉતરે, જ્યાં વ્યક્તિની સ્વતંત્રતાની કદર થાય!
ઇસ્લામવાદીઓને પોતાના અતીતમાંથી પાઠ ભણીને એ માની લેવું જોઈએ કે કોઈ પણ રાજકીય ઢાંચો અભાવો વિહીન નથી અને ખિલાફતના નિઝામ તો આજની પરિસ્થિતિમાં કદાપી સફળ થઈ શકે નહીં.
ઇસ્લામવાદીઓના પ્રચાર ઉપરાંત ઇસ્લામિક ખિલાફતનું કોઈ નક્કર પ્રમાણ ઇસ્લામિક ગ્રંથો અથવા ઈતિહાસમાં મળતું નથી.
બલકે ધર્મભ્રષ્ટ મુસ્લિમ રાજવીઓના પરાક્રમોને વાજબી ઠેરવવા માટે તેમના દરબારી ધર્મગુરુઓએ એ રીતે વ્યાખ્યા કરી કે તેને ખિલાફતના રંગે રંગી શકાય અને નિરંકુશ શાસનને જાળવી શકાય.
કેટલાક એવા પણ ઇસ્લામવાદી છે જે ઇસ્લામના ઈતિહાસને જ અસલી ઇસ્લામ માને છે, એવું કરીને તેઓ હકીકતમાં ઇસ્લામ પંથથી વિમુખ થઈ ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ













