પૂજા ખેડકર સામે યુપીએસસીએ FIR દાખલ કરવાનો નિર્ણય કર્યો, તપાસમાં શું સામે આવ્યું?

    • લેેખક, રોહન નામજોશી
    • પદ, બીબીસી માટે

યુપીએસસીએ ટ્રેઇની આઈએએસ અધિકારી પૂજા ખેડકર સામે એફઆઈઆર નોંધવાનો નિર્ણય કર્યો છે. યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર પૂજા ખેડકરની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ગઈ છે.

પૂછપરછમાં એ સામે આવ્યું છે કે પૂજા ખેડકરે પોતાનું નામ, પિતાનું નામ અને માતાનું નામ બદલીને યુપીએસસી સાથે છેતરપિંડી કરી છે. યુપીએસસીએ કહ્યું છે કે પૂજા ખેડકરે પરીક્ષા ફૉર્મ ભરતી વખતે પોતાનો ફોટો, સહી, ઇમેલ આઈ-ડી, મોબાઇલ નંબર અને સરનામું બદલીને પરીક્ષા દેવા માટે લિમિટ ક્રૉસ કરી દીધી હતી.

પૂજા ખેડકર સામે હવે અપરાધિક ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 2022માં તેમને યુપીએસસીની ઉમેદવારી કેમ રદ્દ ન કરવી જોઈએ એ અંગે તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવશે. આ સાથે જ તેમને ભવિષ્યમાં કોઈપણ પરીક્ષા આપવાથી રોકવામાં કેમ ન આવે એ અંગે પણ નોટિસ જાહેર કરવામાં આવશે.

આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે ટ્રેઇની આઈએએસ અધિકારી પૂજા ખેડકરનો ટ્રેઇનિંગ સમયગાળો રદ કરી દેવાનો આદેશ કર્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે વાશિમમાં પૂજા ખેડકરની ટ્રેઇનિંગ રોકી દેવાનો આદેશ આપ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે આ કાર્યવાહી લાલબહાદુર શાસ્ત્રી ટ્રેઇનિંગ એકૅડેમીએ આપેલા નિર્દેશો અનુસાર કરી હતી.

પૂજા ખેડકરને 23 જુલાઈના રોજ મસૂરી સ્થિત એકેડમીમાં ફરીથી હાજર થવાનું કહેવાયું છે.

અગાઉ સરકારે તપાસ સમિતિ બનાવી હતી

કેન્દ્ર સરકારે ટ્રેઈની આઈએએસ અધિકારી પૂજા ખેડકરના મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.

આ સમિતિ પૂજા ખેડકરની પસંદગી સંબંધે કરવામાં આવેલા દાવાઓ તથા અન્ય વિગતોની તપાસ કરશે એવું કહેવાયું હતું.

સિવિલ સેવા પરીક્ષા 2022 અને એ અગાઉ તેમણે જમા કરાવેલા દસ્તાવેજોની પણ તપાસ કરાશે.

પૂજા ખેડકર બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમની બદલી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં કરી નાખવામાં આવી છે.

પૂણે જિલ્લા હેડક્વાર્ટરમાં તાલીમ માટે નિમણૂકના સમયગાળા દરમિયાન અયોગ્ય માગણી અને અભદ્ર વ્યવહારને કારણે પૂજાની ચર્ચા થઈ રહી છે.

વાશિમ પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં પૂજા ખેડકરે જણાવ્યું હતું કે તેમને આ બાબતે કશું કહેવાની પરવાનગી નથી.

વાશિમના જિલ્લા કલેક્ટર એસ. ભુવનેશ્વરીએ બીબીસીને જણાવ્યું હતું કે તેમનું કામ સામાન્ય વહીવટ વિભાગના આદેશ અનુસાર શરૂ થઈ ગયું છે.

ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરનો શું છે આખો મામલો?

પૂજા દિલીપ ખેડકર 2023 બેચનાં આઈએએસ અધિકારી છે. પ્રોબેશન પીરિયડ દરમિયાન પૂણે જિલ્લામાં એડીએમ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

પ્રશિક્ષણ દરમિયાન તેમણે વહીવટી કામકાજને વધુ સારી રીતે સમજવાનું અને એ સંબંધી બાબતો શીખવાની હતી, પરંતુ તેમના પર આરોપ છે કે જોઈનિંગ પહેલાં જ તેમણે અનુચિત માગણીઓ શરૂ કરી દીધી હતી.

માગણી સ્વીકારાઈ હોવા છતાં તેઓ કોઈને કોઈ કારણસર ફરિયાદ કરતાં રહ્યા હોવાનો આરોપ છે. કલેક્ટર ઑફિસના અનેક અધિકારીઓએ આ બાબતે કલેક્ટર પાસે લેખિત ફરિયાદ પણ નોંધાવી છે.

એ પછી પૂણેના જિલ્લાધિકારી સુહાસ દિવસેએ તત્કાલીન વડા સચિવને તેમની ફરિયાદ કરી હતી.

વૉટ્સઍપ મૅસેજથી માગી હતી સુવિધાઓની માહિતી

સરકારી દસ્તાવેજો મુજબ, પૂજા ખેડકરે 2024ની ત્રીજી જૂને કલેક્ટર ઑફિસમાં ચાર્જ સંભાળવાનો હતો, પરંતુ તેમણે એ પહેલાં કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને વૉટ્સઍપ મૅસેજ મોકલીને તેમને મળનારી સુવિધાઓની માહિતી માગી હતી.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પૂજા ખેડકરે પહેલા દિવસે આ સુવિધા બાબતે પૂછ્યું ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે ટ્રેઈની અધિકારીઓને આ સુવિધાઓ આપવામાં આવતી નથી.

તેમને એ પણ જણાવવામાં આવ્યુ હતું કે રહેવા માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવશે. ખેડકર પાસેથી એવી અપેક્ષા હતી કે તેઓ 3થી 14 જૂન સુધી તમામ અધિકારીઓ સાથે બેસીને કામ વિશેની જાણકારી મેળવશે.

ફરિયાદ મુજબ, ખેડકરે ઑફિસ માટે પોતાની પસંદની જગ્યાની માગણી કરી હતી. તેમને ચોથા માળે ઑફિસ માટે એક ઓરડો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ એટેચ્ડ બાથરૂમ ન હોવાને કારણે તેમણે તે ઓરડામાં બેસવાનો ઇનકાર કર્યો હતો.

એ પછી તેમણે તેમના પિતા (જેઓ એક નિવૃત્ત વહીવટી અધિકારી છે) સાથે વીઆઈપી હૉલમાં સીટ માગી હતી, પરંતુ ઇલેક્ટ્રિક ફિટિંગ ન હોવાને કારણે તેઓ ફરી એક વાર પરેશાન થઈ ગયાં હતાં. એ પછી તેમના પિતાએ સ્થાનિક ઉપ-જિલ્લા અધિકારી સાથે વાત કરી હતી.

ખેડકરના પિતાએ કહ્યું હતું, “આ બેઠક કોઈ વ્યવસ્થા વિનાની ન હોવી જોઈએ. તમામ વ્યવસ્થા પહેલેથી જ કરી રાખવાની જરૂર હતી.”

પૂજા ખેડકર માટે ઑફિસની શોધ

એ પછી ખેડકર માટે બેસવાની જગ્યાની શોધ ફરી શરૂ કરવામાં આવી હતી. તેમણે તેમના પિતા સાથે 13 જૂને ફરી જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું.

ખેડકરના બેસવાની વ્યવસ્થા અધિક જિલ્લા કલેક્ટરની ઑફિસમાં કરવામાં આવી હતી. વાસ્તવમાં ખેડકરે તેમના પિતા સાથે મળીને અધિક જિલ્લા કલેક્ટરને વિનંતી કરી હતી.

ફરિયાદ મુજબ, ખેડકરના પિતા સવાલ સ્વરૂપે એ પૂછવાનું ભૂલ્યા ન હતા કે “પ્રોબેશનરી અધિકારીઓ માટે અલગ હૉલ કેમ બનાવવામાં આવ્યો નથી?”

અધિક જિલ્લા કલેક્ટર 18થી 20 જૂન સુધી મંત્રાલયમાં હતા. દરમિયાન ખેડકરે એ ચેમ્બરમાંથી તમામ સામાન હટાવી નાખ્યો હતો. પોતાના નામનું બોર્ડ પણ બનાવ્યું હતું. ઉપરાંત પોતાનાં લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ અને સ્ટેમ્પ સહિતની તમામ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ ઘટનાને પગલે ધમાલ થઈ હતી. એ પછી કલેક્ટર સુહાસ દિવસેએ અધિક જિલ્લા કલેક્ટરના કક્ષને પૂર્વવત્ કરવાનો આદેશ આપ્યો હતો.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ખેડકરે સીધો કલેક્ટરને મૅસેજ મોકલ્યો હતો કે “તમે મને આ ખંડમાંથી કાઢી મૂકશો તો એ મારું બહુ મોટું અપમાન હશે અને હું તેને સહન કરી શકીશ નહીં.”

પૂજા ખેડકરના પિતાએ શું કહ્યું?

આ ઘટના પછી ખેડકરના પિતાએ તાલુકાદારને સંદેશો મોકલ્યો હતો કે “તમે મારી મહિલા અધિકારી દીકરીને હેરાન કરી રહ્યા છો. તેનું પરિણામ ભવિષ્યમાં તમારે ભોગવવું પડશે.”

આ પ્રકારની એક અન્ય ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ખેડકર પોતાની અંગત કાર પર એમ્બર લાઇટ દિવસ દરમિયાન પણ ચાલુ રાખે છે.

કલેક્ટર સુહાસ દિવસેએ ખેડકરને સમજાવવાનો પ્રયાસ કરતાં તેમને જણાવ્યું હતું કે તેમનું કર્તવ્ય તેમના અધિકારથી વધારે મહત્ત્વનું છે.

જિલ્લા અધિકારીએ તેમના વ્યવહારને અયોગ્ય ગણાવ્યો હતો. સચિવને મોકલવામાં આવેલી ફરિયાદમાં પણ દિવસેએ જણાવ્યું હતું કે ખેડકરે જે મૅસેજ મોકલ્યા હતા તે એક વહીવટી અધિકારી માટે અયોગ્ય હતા.

ખેડકરે અલગ-અલગ અધિકારીઓને મોકલેલા મૅસેજના સ્ક્રીનશૉટ્સ પણ દિવસેએ સચિવને મોકલેલી ફરિયાદમાં ઍટેચ કર્યા છે.

મેડિકલ ટેસ્ટ ક્યારે અને કેવી રીતે થાય છે?

સિવિસ સર્વિસની પરીક્ષા ત્રણ તબક્કામાં થાય છે. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. પરીક્ષા પહેલાં ફૉર્મ ભરતી વખતે જાતિ અને શારીરિક વિકલાંગતાનાં પ્રમાણપત્રો આયોગને આપવા પડે છે.

કોઈ ઉમેદવાર જ્યારે પ્રીલિમ્સ અને મેઇન્સની પરીક્ષા પાસ કરે છે પછી તેમને ઇન્ટરવ્યૂ માટે બોલવવામાં આવે છે. આ ઇન્ટરવ્યૂનું આયોજન દિલ્હીસ્થિત ધૌલપુર હાઉસમાં કરવામાં આવે છે. ત્યાર બાદ દિલ્હીની કેટલીક સરકારી હૉસ્પિટલોમાં ઉમેદવારોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે.

કેટલાક અધિકારીઓએ બીબીસી મરાઠીને જણાવ્યું કે જો શારીરિક વિકલાંગતા હોય તો તે ઉમેદવારનું પરીક્ષણ એઈમ્સ ખાતે કરવામાં આવે છે.

લોહી, આંખ, કાન અને હર્નિયા જેવા કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ સામાન્ય ઉમેદવારને જો ટેસ્ટમાં કોઈ ખામી કે વિકલાંગતા જોવા મળે તો તેમની પાસે આયોગમાં અપીલ કરવાની પરવાનગી છે.

બીબીસી મરાઠીએ મલ્ટિ-ડિસેબિલિટી કૅટેગરી થકી ચૂંટાયેલા એક અધિકારી સાથે પણ વાત કરી. તેમના ટેસ્ટ એઈમ્સમાં કરવામા આવ્યા હતા.

તેમણે કહ્યું કે ફૉર્મ ભરતી વખતે મલ્ટિપલ ડિસેબિલિટી પ્રમાણપત્ર આપવું પડે છે. આ માટે સરકારી હૉસ્પિટલનું પ્રમાણપત્ર જરૂરી છે.

તેમણે જણાવ્યું કે ઇન્ટરવ્યૂ પછી આ પ્રમાણપત્રની તપાસ માટે ઉમેદવારનો એઈમ્સમાં ફરીથી ટેસ્ટ કરવામાં આવે છે. આ કૅટેગરી થકી જ પૂજા ખેડકરની નિમણૂક થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે જો કોઈ આ ટેસ્ટમાં સામેલ ન થાય તો તેમની ઉમેદવારી તરત જ રદ કરવામાં આવે છે.

પૂજા ખેડકર પર આરોપો છે કે ઓબીસી કૅટેગરી ખોટી છે

પૂજા ખેડકરે 2022માં આયોજિત પરીક્ષા ઓબીસી કૅટેગરીનાં ઉમેદવાર તરીકે આપી હતી. આ પરીક્ષાની જાહેરાતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે કોઈ ઉમેદવારે ઓબીસી અનામતનો લાભ લેવો હોય તો તેમની પાસે નૉન ક્રિમિલેયર સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

ઓબીસી પ્રમાણપત્રની ખૂબ વિસ્તૃત તપાસ કરવામાં આવે છે. યુપીએસસી આ પ્રમાણપત્રની સત્યતા તપાસે છે અને જો ઉમેદવાર પરીક્ષા પાસ કરે તો કાર્મિક મંત્રાલય તેની તપાસ કરે છે.

જોકે, હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં તેમના પિતાએ દાખલ કરેલી એફિડેવિટ પ્રમાણે તેમની સંપત્તિ આઠ લાખથી અનેક ગણી વધારે છે. તો નૉન ક્રિમિલેયરનું પ્રમાણપત્ર કયા આધારે સ્વીકાર કરવામાં આવ્યું? આ એક મોટો સવાલ છે.

ઇન્ટરનેટ પર એક ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું કે તેમનાં માતા-પિતાના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને પૂજા તેમના માતા સાથે રહે છે.

જોકે, પિતાની એફિડેવિટમાં આ વાતનો ઉલ્લેખ નથી. પિતાની એફિડેવિટમાં માતાની સંપત્તિનો ઉલ્લેખ છે અને તે એક કરોડ કરતાં વધારે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બનાવટી જાતિ પ્રમાણપત્ર જમા કરાવે તો તે વ્યક્તિને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે.

2021માં સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયામાં (એસએઆઈ) પણ પૂજાની નિમણૂક થઈ હતી. તે સમયે તેમને દૃષ્ટિહીન કૅટેગરી હેઠળ નોકરી મળી હતી. જોકે, એક ઇન્ટરવ્યૂમાં પૂજાએ કહ્યું કે યુપીએસસી 2019ની પરીક્ષામાં પસંદગી ન થવાને કારણે તેમને એસએઆઈમાં પોસ્ટિંગ મળી હતી.

જોકે, તેમણે 2021માં યોજાયેલી સિવિલ સર્વિસ પરીક્ષામાં બહુવિધ-વિકલાંગતા શ્રેણી હેઠળ અરજી કરી હતી અને પાસ થયાં હતાં.

કોણ છે પૂજા ખેડકર?

પૂજા ખેડકર 2023 બેચનાં આઈએએસ અધિકારી છે. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે.

2022માં આઈએએસપદ માટે પૂજાની પસંદગી મલ્ટિપલ ડિસેબિલિટી કૅટેગરી હેઠળ કરવામાં આવી હતી.

2021માં તેમની નિમણૂક સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયામાં સહાયક નિયામક તરીકે કરવામાં આવી હતી. તેમણે 2021માં જ મલ્ટિપલ ડિસેબિલિટી કૅટેગરી હેઠળ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હતી.

2022માં લેવાયેલી પરીક્ષામાં તેમને 821મો રેન્ક મળ્યો હતો. તેમના પિતા દિલીપ ખેડકર પણ મહારાષ્ટ્ર સરકારમાં વરિષ્ઠ અધિકારી હતા, જ્યારે તેમના નાના જગન્નાથ બુધવંત બંજારી સમુદાયના પહેલા વહીવટી અધિકારી હતા.

સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારોને તેમના રેન્ક અનુસાર અલગ-અલગ સેવાઓ અને પદો પર નિયુક્ત કરવામાં આવે છે.

આઈએએસ માટે પસંદગી પામ્યા પછી પૂજાની બે તબક્કામાં ટ્રેનિંગ થઈ હતી. પહેલી ટ્રેનિંગ લાલબહાદુર રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થાન, મસૂરીમાં થઈ હતી. એ પછી કેડરને કોઈ જિલ્લામાં ટ્રેઈની સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

ભૂતપૂર્વ વહીવટી અધિકારી અવિનાશ ધર્માધિકારીએ બીબીસીને કહ્યું હતું, “પ્રશિક્ષણના આ સમયગાળા દરમિયાન અધિકારીઓ કામકાજ શીખે તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે.”

“કલેક્ટર સહિતના બીજા અધિકારીઓએ પણ વિભાગ વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી હોય છે. એ સમયગાળા દરમિયાન અધિકારીઓ પાસે કોઈ વહીવટી સત્તા હોતી નથી. પ્રોબેશનના અંતે તેમની નિમણૂક કરવામાં આવે છે.”

જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ લેવાની હોય છે ટ્રેનિંગ

ટ્રેઈની અધિકારીએ નિમણૂક પહેલાં જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ 25થી 30 સપ્તાહ તાલીમ લેવાની હોય છે. એ સમયગાળા દરમિયાન ટ્રેઈની અધિકારી કલેક્ટર ઑફિસ, જિલ્લા પરિષદ અને અન્ય ઑફિસોમાં કામ કરે છે તથા અનુભવ પ્રાપ્ત કરે છે. એ પછી તેમણે એક સપ્તાહ સુધી રાજ્ય સચિવાલયમાં કામ કરવાનું હોય છે.

એ ઉપરાંત ટ્રેઈનીએ અલગ-અલગ ગામોમાં સ્ટડી ટૂર કરવાની હોય છે. રાજ્યોની ભાષા શીખવાની હોય છે અને વિભાગીય પરીક્ષાઓ જેવાં અનેક કામ કરવાનાં હોય છે.

અવિનાશ ધર્માધિકારીના કહેવા મુજબ, પૂજા ખેડકરની માગણીઓ અનુચિત છે અને માગણી સંતોષવા માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી.

માહિતી અધિકાર કાર્યકર વિજય કુંભારે પણ પૂજા ખેડકરની નિમણૂક બાબતે સવાલ ઉઠાવ્યા છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે તેઓ આ સંબંધે વહીવટીતંત્રમાં વિવિધ સ્તરે પોતાની વાત રજૂ કરશે.

વિજય કુંભારે કયા આધારે એ સવાલ પૂછ્યા હતા તેની માહિતી મળી નથી.

આ પાસાં બાબતે અમે પૂણેના જિલ્લા કલેક્ટર સુહાસ દિવસે સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનો અત્યાર સુધી સંપર્ક થયો નથી.