નવા ફોજદારી કાયદા વિશે પોલીસ કર્મચારીઓ શું કહી રહ્યા છે?

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

પહેલી જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદાઓ - ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ - સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે.

નવા કાયદાઓએ દેશના મૂળભૂત ફોજદારી કાયદા – ઇન્ડિયન પીનલ કૉડ (આઈપીસી) 1860, ક્રિમિનલ પ્રોસિજર કૉડ (સીઆરપીસી) – 1973 અને – 1872ની જગ્યા લીધી છે.

નવા ફોજદારી કાયદાઓ લાગુ થયા બાદ બીબીસીએ દિલ્હી અને નોઇડાના ચાર પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. નવા કાયદાને લાગુ કરવા સાથે સંકળાયેલા વિષયો પર 15 પોલીસકર્મીઓ સાથે વાત કરી હતી.

સામાન્ય સમજ એવી છે કે હાલમાં નવા કાયદાની અસરનું મૂલ્યાંકન કરવું ખૂબ જ વહેલું ગણાશે.

કેટલાકનું માનવું છે કે નવા કાયદાના કારણે તપાસ એજન્સીઓની જવાબદારી વધી ગઈ છે. દાખલા તરીકે તપાસ કરતી વખતે વીડિયો રૅકર્ડિંગ કરવું અને સાત વર્ષથી વધુની જેલની સજા થઈ શકે તેવાં જઘન્ય અપરોધની તપાસમાં ફૉરેન્સિક ઍનાલીસિસને ફરજિયાત કરવું.

તેમના પ્રમાણે જો કર્મચારીઓની સંખ્યા વધારવામાં નહીં આવે તો તપાસમાં વિલંબ પણ થઈ શકે છે.

અમે જે પણ લોકો સાથે વાત કરી તેમાંથી મોટા ભાગના લોકોએ કહ્યુ્ં કે તેમને તાલીમ આપવામાં આવી છે. જોકે, કેટલાક લોકોએ કહ્યું કે આ તાલીમ ખૂબ જ ટૂંકી હતી.

તેમનું કહેવું હતું કે તેઓ હવે કામ કરતાંકરતાં શીખશે કારણ કે નવા કાયદા હવે અમલમાં આવી ગયા છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

નવા કાયદાઓને અમલ કરવા માટે પોલીસ તાલીમ

પહેલી જુલાઈના રોજ પત્રકારપરિષદ યોજીને ગૃહમંત્રી અમિત શાહએ જણાવ્યું હતું કે ઘણી સંસ્થાઓને અધિકૃત કરીને 23 હજારથી વધુ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે 22 લાખ 50 હજાર પોલીસકર્મીઓને તાલીમ આપવા માટે 12 હજાર માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ન્યાયતંત્રમાં 21 હજાર સબોર્ડિનેટ જ્યુડીશરીની તાલીમ પૂરી થઈ ગઈ છે. સાથેસાથે 20 હજાર સરકારી વકીલોને પણ તાલીમ આપવામાં આવી છે.

'બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ' અનુસાર પોલીસ કર્મચારીઓ માટે ગૃહમંત્રાલયે ઘણાં તાલીમ મૉડ્યુલ તૈયાર કર્યાં છે. પરંતુ અમે જે પોલીસકર્મીઓ સાથે વાત કરી તેમની કેટલીક શંકાઓ પણ હતી.

એક કૉન્સ્ટેબલનું કહેવું હતું કે તેમને માત્ર એક દિવસ તાલીમ આપવામાં આવી હતી. બીજી બાજુ એક સબ ઇન્સ્પેક્ટર અનુસાર તેમણે પાંચ દિવસની તાલીમ લીધી હતી.

બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વેબસાઇટ પર જે માહિતી મૂકવામાં આવી છે તેમાં ટ્રેનિંગ મૉડ્યુલ બતાવવામાં આવ્યાં છે. માહિતી પ્રમાણે ટ્રેનિંગ બેથી લઈને પાંચ દિવસ સુધીની હોઈ શકે છે. પોલીસ કર્મચારીને તેની વરિષ્ઠતાના આધારે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

જોકે, વાતચીત દરમિયાન તમામ પોલીસકર્મીઓએ કહ્યું હતું કે તેઓ કામ કરતાંકરતાં જ નવા કાયદા શીખશે.

નોઇડા ફેઝ 1ના સ્ટેશન હાઉસ ઑફિસર (એસએચઓ) અમિતકુમાર ભડાના બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "અમે વસ્તુનો અભ્યાસ કરી રહ્યા છીએ અને તેને સમજી રહ્યા છીએ. અમને એકથી ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી છે જે પૂરતી નથી."

તેઓ કહે છે કે ઇન્ડિયન પીનલ કૉડ(IPC)માં કામ કરતાં 20 વર્ષ થઈ ગયાં છે અને તેથી નવા કાયદાઓને યોગ્ય રીતે સમજવામાં સમય તો લાગશે.

જોકે, તેઓ એમ પણ કહે છે કે ગુનાઓ સમાન હોવાથી તેમને નવા કાયદાનો અમલ કરવામાં વધુ મુશ્કેલી નહીં પડે.

"કામ તો થઈ જશે. જો કોઈ સમસ્યા આવશે તો અમે પૂછીને કામને પૂર્ણ કરીશું."

ખેદ પ્રકટ કરતાં અન્ય એક પોલીસકર્મીએ કહે છે, "પહેલાં સામાન્ય માણસ પણ આઈપીસીની જોગવાઈઓ વિશે માહિતી ધરાવતો હતો. જ્યારે 302 અને 402 જેવી કલમનો ઉપયોગ કરીએ ત્યારે બધા સમજી જતા હતા. હવે આ બધું બદલાઈ જશે."

ઓળખ ગુપ્ત રાખવાની શરતે દિલ્હીના ઓછામાં ઓછા ત્રણ પોલીસ કર્મચારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને હજુ સુધી તાલીમ લીધી નથી.

એક સબ-ઇન્સ્પેક્ટર અનુસાર તેમને નવા કાયદાનાં પુસ્તકો હજી સુધી આપવામાં આવ્યાં નથી. તેમને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પુસ્તકો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ઑનલાઇન સામગ્રીનો ઉપયોગ કરો.

કાયદામાં ભ્રમની સ્થિતિ

અમે જ્યારે પોલીસકર્મીઓ સાથેની વાતચીત કરી તો જાણવા મળ્યું હતું કે કાયદાના અમલને લઈને હજુ પણ એક ભ્રમની સ્થિતિ છે.

જ્યારે અમે તેમને પૂછ્યું કે જો ગુનો એક જુલાઈ પહેલાં થયો હોય અને વ્યક્તિ ફરીયાદ દાખલ કરવા માટે એક જુલાઈ પછી આવે તો આવી સ્થિતિમાં શું થશે. ફરીયાદ જૂના કાયદા હેઠળ નોંધવામાં આવશે કે નવા કાયદા હેઠળ. આ પ્રશ્નનો અમને જુદાજુદા જવાબ મળ્યા.

દિલ્હીના હઝરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં બબીતા કહે છે કે, "આ વસ્તુ વિશે તો અમારે પૂછવું પડશે. આ વિશે કોઈ માહિતી નથી."

નોઇડા સેક્ટર 20માં એક ઇન્સ્પેક્ટર અને કૉન્સ્ટેબલએ વિપરીત જવાબ આપ્યો.

ગ્રેટર નોઇડાના ડેપ્યુટી કમિશનર એસ.એમ. ખાન કહે છે કે, "જે તારીખે એફઆઈઆર નોંધવામાં આવી હતી, તે તારીખ પ્રમાણે કાયદો લાગુ થશે. જો પહેલી જુલાઈએ એફઆઈઆર કરવામાં આવી તો નવો ફોજદારી કાયદો લાગુ થશે.''

આ અભિપ્રાય અમે બીજા પોલીસ અધિકારીઓ સાથે શૅર કર્યો, જેઓ પોતાની ઓળખ જાહેર કરવા માગતા નહોતા.

નોઇડા ફેઝ-1 પોલીસકર્મીઓ ભિન્ન મત ધરાવતા હતા.

સોમવારે એક પત્રકારપરિષદમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જો ગુનો એક જુલાઈ પહેલાં આચરવામાં આવ્યો હોય તો જૂના ફોજદારી કાયદો જ લાગુ પડશે.

વીડિઓ પુરાવા

આ ઉપરાંત પણ એવી ઘણી બાબતો છે જેને લઈને પોલીસકર્મીઓમાં મૂંઝવણ છે.

'ભારતીય સાક્ષ્ય અધિનિયમ' હેઠળ ઘણા કેસમાં પોલીસકર્મીઓને જે જગ્યાએ ગુનો આચરવામાં આવ્યો હોય તે જગ્યાનું રૅકોર્ડિંગ કરવું પડશે.

દાખલા તરીકે નવા કાયદાની કલમ 105 અને 185 હેઠળ પોલીસતપાસ અને કબજો લેવાની પ્રક્રિયા દરમિયાન રૅકોર્ડિંગ કરવાની જોગવાઈ છે.

જોકે, આ કેવી રીતે કરવી તે બાબતે મૂંઝવણ છે.

નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એમ.એલ. મીના કહે છે કે, "અમને એવા બેલ્ટ આપવામાં આવશે જેમાં કૅમેરા લાગેલા હશે."

આ કંઇક પશ્ચિમના દેશોની જેમ હશે જ્યાં પોલીસ કર્મચારીઓના શરીર ઉપર કૅમેરા ફીટ કરવામાં આવે છે. જોકે, કેટલાક પોલીસ કર્મચારીઓએ કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી.

એક ઇન્સ્પેક્ટરે વાતચીતમાં કહ્યું કે તેમને મોબાઇલ ટેબલેટ આપવામાં આવશે. પરંતુ આ વિશે તેમની પાસે કોઈની પાસે સ્પષ્ટ માહિતી નહોતી.

નોઇડા ફેઝ-1 પોલીસ સ્ટેશનના ચાર પોલીસ અધિકારીઓના એક જૂથનો અભિપ્રાય હતો કે તેમને પોતાના અંગત ફોનમાં ગુનાની જગ્યાનું રૅકોર્ડિંગ કરવું પડશે.

જોકે, એક અધિકારીએ એવું પણ કહ્યું કે એક નવી ઍપ 'સાક્ષ્ય'નો ઉપયોગ રૅકોર્ડિંગ માટે કરવો પડશે.

કામનું ભારણ વધશે

નવા કાયદાના અમલ બાદ કામનું ભારણ વધશે તેવું પણ લાગી રહ્યું છે.

પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે એક પોલીસ કર્મચારી કહે છે કે, "પહેલાં જ્યાં એક પોલીસકર્મીની જરૂર હતી ત્યાં હવે વીડિયોગ્રાફી અને અન્ય બાબતો માટે ત્રણ પોલીસકર્મીઓની જરૂર પડશે."

તેઓ પ્રશ્ન કરે છે, "આટલા બધા લોકો ક્યાંથી આવશે?"

આ ઉપરાંત, તેમણે એ જોગવાઈ પર પણ શંકા વ્યક્ત કરી હતી કે જેમાં સાત વર્ષથી વધુની જેલની સજા થઈ શકે તેવા જઘન્ય અપરાધની તપાસમાં ફૉરેન્સિક ઍનાલીસિસને ફરજિયાત કરવામાં આવ્યું છે.

તેઓ કહે છે કે, "છેલ્લાં બે –ત્રણ વર્ષમાં અમારી પાસે એવા ઘણા કેસ આવ્યા છે જે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે કારણ કે તેમાં ફૉરેન્સિક તપાસ બાકી છે."

તેઓ વધુમાં કહે છે કે, "હવે જ્યાં સુધી કર્મચારીઓની સંખ્યા ન વધે ત્યાં સુધી ટ્રાયલ ધીમી ગતિએ થશે."

તેમને ડર છે કે નવા સંજોગોમાં જૂના અને નવા કાયદાની બે સિસ્ટમ એકસાથે ચાલશે જેના કારણે કામનું ભારણ વધશે.

ગૃહમંત્રી અમિત શાહે પહેલી જુલાઈએ એક પત્રકારપરિષદમાં કહ્યું હતું કે સરકારે 2020ની સાલમાં જ નૅશનલ ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી બનાવી લીધી હતી."

તેમને વધુમાં જણાવ્યું હતું કે આ માટે પ્રશિક્ષિત લોકોની જરૂર પડશે અને ત્રણ વર્ષ બાદ દેશમાં દર વર્ષે 40 હજારથી વધુ પ્રશિક્ષિત લોકો ન્યાયિક વ્યવસ્થાની સેવામાં ઉપલબ્ધ થશે.

"કેન્દ્રીય કૅબિનેટે નિર્ણય લીધો છે કે નવ રાજ્યોમાં ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કૅમ્પસ ખોલવામાં આવશે અને છ સૅન્ટ્રલ ફૉરેન્સિક લૅબોરેટરીઓ પણ સ્થાપિત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાને લાગુ કરવામાં અને તકનીકને અપગ્રેડ કરવામાં ત્રણથી ચાર વર્ષ લાગશે."