You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બીએમાં 65 ટકા છતાં હજુ માસ્ટર્સમાં પ્રવેશ નથી મળ્યો' ગુજરાતની સરકારી કૉલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળવાનો શું છે મામલો?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારે બૅચલર ઑફ આર્ટસમાં અંગ્રેજી વિષય સાથે 65 ટકા છે. મેં માસ્ટર્સ માટે ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન કર્યું હતું, પરંતુ બે રાઉન્ડ પૂરા થયા છતાં મારું ઍડમિશન થયું નથી. બીજી તરફ કૉલેજોમાં જગ્યા ખાલી બતાવે છે. સમજાતું નથી કે સમસ્યા શું આવી રહી છે?"
સારા માર્ક્સ અને ભણવાની ઇચ્છા છતાં અનુસ્નાતક માટેની કૉલેજમાં ઍડમિશન ન મેળવી શકનાર વિદ્યાર્થિની અમદાવાદનાં 23 વર્ષનાં જાગૃતિ પ્રજાપતિ કંઈક આ રીતે પોતાની મૂંઝવણ જણાવે છે.
ફરિયાદ છે કે આ વર્ષે હજારો વિદ્યાર્થીઓએ સેન્ટ્રલાઇઝ્ડ ઑનલાઇન ઍડમિશન સર્વિસિસ (જીસીએએસ) અને રાજ્યની સરકારી યુનિવર્સિટીના ઑનલાઇન પૉર્ટલની કથિત ખામીઓને કારણે કંઈક જાગૃતિ જેવી જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિદ્યાર્થીઓની રાવ છે કે રાજ્ય સરકારના શિક્ષણવિભાગ દ્વારા ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક પ્રવેશપ્રક્રિયાને સેન્ટ્રલાઇઝ્ડ અને ઑનલાઇન બનાવવાનો નિર્ણય તેમના માટે માથાનો દુખાવો સાબિત થયો છે.
નોંધનીય છે કે આ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન કૉલેજોની પ્રવેશપ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કૉલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જીસીએએસ પૉર્ટલની શરૂઆત કરાઈ હતી.
આખો મામલો એવો છે કે રાજ્ય સરકારે પહેલીવાર ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીની સ્નાતક અને અનુસ્નાતકના પ્રથમ વર્ષમાં પ્રવેશની પ્રક્રિયાને કેન્દ્રીકૃત અને ઑનલાઇન બનાવવાની વ્યવસ્થા કરી હતી.
નવી વ્યવસ્થા અંતર્ગત રાજ્યના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સરકારી કૉલેજમાં ઍડમિશન માટે જીસીએએસ ઉપર રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું હતું, પછી આ વિદ્યાર્થીઓએ જે-તે યુનિવર્સિટીના ઑનલાઇન પૉર્ટલ પર પણ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરવાની હતી.
ગુજરાત યુનિવર્સિટીના મામલામાં જીસીએએસ પૉર્ટલ પર રજિસ્ટ્રેશન બાદ યુનિવર્સિટીના સાર્થક પૉર્ટલ પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. તો અને તો જ વિદ્યાર્થીઓનું ઍડમિશન જે તે કૉલેજમાં કન્ફર્મ થઈ શકે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે આ બંને પૉર્ટલની કેટલીક ટૅક્નિકલ ક્ષતિઓ અને મર્યાદાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓનાં ઍડમિશન કન્ફર્મ થઈ શક્યાં નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માગતા હજારો વિદ્યાર્થીઓએ તો બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પ્રવેશથી વંચિત રહ્યા હોવાની ફરિયાદો ઊઠી હતી.
આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનો, અધ્યાપકમંડળો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઑનલાઇન પ્રવેશ પ્રક્રિયા મુદ્દે રજૂઆતો કરી હતી. આખરે રાજ્ય સરકારે સમસ્યાનો નિવેડો લાવવાની ખાતરી આપી અને પ્રવેશમાં મુશ્કેલી ભોગવનાર વિદ્યાર્થીઓ માટે ફરી એક વખત પૉર્ટલ ખુલ્લું મૂકવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ 'વ્યવસ્થા મામલે સામે આવેલા પ્રશ્નો'નું નિરાકરણ લાવવા આગામી 4 જુલાઈથી ઑફલાઇન ઍડમિશન પ્રક્રિયા શરૂ કરાશે.
નોંધનીય છે કે જીસીએએસ પૉર્ટલ મામલે વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે ઍડમિશન કન્ફર્મ કરાવવા માટે પૉર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાની વાતની તેમને જાણકારી નહોતી. આ સિવાય કૉલેજ ફાળવણી, ચૉઇસ ફિલિંગમાં ફેરફાર કરવા અક્ષમતા અને રિશફલિંગ મુદ્દે પણ પ્રશ્નો સર્જાયા હતા.
ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના સાર્થક પૉર્ટલ પર પણ વિદ્યાર્થીઓએ કંઈક આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
જાણકારોનો દાવો છે કે આ સ્થિતિને કારણે પ્રવેશ માટે ઉપલબ્ધ બેઠકોની કૃત્રિમ અછત જેવો માહોલ સર્જાયો હતો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન કૉલેજોમાં મોંઘી ફી ભરીને ઍડમિશન લેવું પડ્યું હતું.
બીબીસી ગુજરાતીએ સમગ્ર મામલા અંગે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
શું હતો સમગ્ર મામલો?
નવી વ્યવસ્થા અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં ઍડમિશન માટે પ્રયાસ કરનાર કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે તેમણે ગુજરાત યુનિવર્સિટીના સાર્થક પૉર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ જીસીએએસ પર રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું. જે કારણને આગળ ધરીને તેમને પ્રવેશ માટેનો મૅસેજ મળ્યા છતાં જ્યારે તેઓ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફાળવણી થયેલી કૉલેજે પહોંચ્યા ત્યારે તેમને પ્રવેશ મળ્યો નહોતો.
આ સિવાય કેટલાક પુરુષ વિદ્યાર્થીઓને મહિલા માટેની કૉલેજોમાં પ્રવેશ ફાળવી દેવાયાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
ઉપરાંત ફરિયાદ ઊઠી હતી કે બે પૉર્ટલને કારણે સર્જાયેલી 'મૂંઝવણ અને સંકલનના અભાવ'ને કારણે ગુજરાત યુનિવર્સિટીની જે તે કૉલેજોમાં બેઠકો ખાલી પડી હોવા છતાં વિદ્યાર્થીઓને ત્યાં પ્રવેશ મળી શક્યો નહોતો.
કેટલાક જાણકારોનો એવો પણ દાવો હતો કે આ સ્થિતિને કારણે સારા એવા માર્ક્સ હોવા છતાં કેટલાકને ખાનગી યુનિવર્સિટીઓમાં ઊંચી ફી ભરીને પ્રવેશ મેળવવા માટે મજબૂર થવું પડ્યું હતું.
જોકે, આ મામલે સંબંધિત સત્તાધિકારીએ આવા કોઈ મામલા તેમની સામે ન આવ્યા હોવાની વાત કહી હતી.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ સિવાય ચૉઇસ ફિલિંગ અને રિશફલિંગ સંબંધિત મર્યાદાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
'પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ'
વિદ્યાર્થીઓ માટે કૉલેજમાં પ્રવેશપ્રક્રિયાને કેન્દ્રીકૃત બનાવવાના આશયથી શરૂ કરાયેલ જીસીએએસ પૉર્ટલે સર્જેલી સમસ્યાને કારણે વિદ્યાર્થિની જાગૃતિ પ્રજાપતિ અગાઉની સ્થિતિને યાદ કરતાં બીબીસી ગુજરાતીને જણાવે છે કે," આ પહેલાં મેં જ્યારે બીએના પ્રથમ વર્ષમાં ઍડમિશન લીધું હતું, ત્યારે આ પ્રકારની કોઈ સમસ્યાનો સામનો કરવો નહોતો પડ્યો. આ વખતે પહેલા જીસીએએસ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ રજિસ્ટ્રેશન કરાવ્યું, પણ પ્રવેશ મળ્યો નથી."
તેઓ આ પૉર્ટલની વધુ મર્યાદાઓ તરફ ધ્યાન દોરતાં કહે છે કે, "હું ઓબીસી કૅટગરીમાંથી આવું છું. પૉર્ટલમાં જુદી જુદી કૅટગરીના વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે પણ પ્રશ્નો છે."
એક વિદ્યાર્થીના મોટા ભાઈ દીપક કંજરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારો ભાઈ દર્શન કંજરિયાએ બીસીએમાં પ્રવેશ મેળવવા માટે જીસીએએસ તેમજ ગુજરાત યુનિવર્સિટીના પૉર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કર્યું હતું, પણ તેને ઍડમિશનના બે રાઉન્ડ છતાં ઍડમિશન મળ્યું નથી. બીજી બાજુ ઓછી ટકાવારીવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો હતો."
ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકમંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવે આ મુદ્દે વિદ્યાર્થીઓની ફરિયાદો અંગે ગુજરાત યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,"ઑનલાઇન ઍડમિશન પૉર્ટલમાં કોઈ ટૅક્નિકલ ખામીના કારણે કેટલાક વધુ ટકાવારીવાળા વિદ્યાર્થીઓનેય ઍડમિશન મળ્યું ન હતું. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિંતા થવા લાગી હતી."
તેઓ આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓમાં ઍડમિશન લેવાં પડ્યાં હોવાની વાત કરતાં કહે છે :
"આ સ્થિતિને કારણે કેટલાક વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં ઍડમિશન લઈ રહ્યા હતા, પરંતુ સામેની બાજુએ ખરેખર તો ગુજરાત યુનિવર્સિટીની સરકારી કૉલેજોમાં માત્ર 25થી 30 ટકા ઍડમિશન થયાં હતાં. આ બાબત મારા ધ્યાનમાં આવતા મેં ઑફલાઈન પ્રવેશ આપવા માટેની માંગ કરી હતી. જે માંગ સ્વીકારવામાં આવી છે."
ડૉ. નીરજા ગુપ્તાએ વિદ્યાર્થીઓને ભોગવવી પડેલી 'હાલાકી'ને કારણે કેટલાક વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીમાં ઍડમિશન લેવાં પડ્યાં હોવાની વાત અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "મારા ધ્યાને આવા કોઈ કિસ્સા આવ્યા નથી."
ઊંચી ટકાવારી હોવા છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાની તેમજ તેની સામે ઓછી ટકાવારીવાળા વિદ્યાર્થીઓને ઍૅડમિશન મળી ગયાં હોવાની વાત સામે પોતાની પ્રતિક્રિયા આપતાં તેઓ કહે છે કે, "આ અફવા ફેલાવવામાં આવે છે. આવું કંઈ થયું નથી. જે વિદ્યાર્થીના વધુ ટકા છે, તેમને કોઈએ અન્ય જગ્યા પર ઍડમિશન લીધું હોય, તેથી તેમનું ઍડમિશન જે તે કૉલેજમાં ન થયું હોય."
પ્રવેશપ્રક્રિયા સામે સવાલ
નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા આ મુદ્દે જણાવ્યું હતું કે, "જીસીએએસ પૉર્ટલ અને સાર્થક પૉર્ટલ બંને નિષ્ફળ છે. જેને કારણે હજારો વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આ માટે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે."
તેમણે સમગ્ર પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, "પ્રવેશપ્રક્રિયાને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. પ્રવેશપ્રક્રિયામાં કોઇ પણ પ્રકારની પારદર્શિતા જોવા મળી રહી નથી. વિદ્યાર્થીઓની હેરાનગતિ માટે જવાબદાર હોય એ તમામ સામે પગલાં લેવાં જોઈએ."
આ સિવાય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું :
"જીસીએએસને કારણે વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા આ મુદ્દે કરાયેલ રાજ્યવ્યાપી આંદોલન બાદ વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિ મંડળને તમામ વિષયો અંગે સુખદ નિરાકરણની બાંયધરી આપવામાં આવી હતી."
શું કહે છે અધિકારીઓ?
ઓનલાઇન પ્રવેશપ્રક્રિયા મુદ્દે વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆત મુદ્દે પોતાની વાત મૂકતાં ડૉ. નીરજા ગુપ્તા કહે છે કે, "શિક્ષણવિભાગ સામે કેટલાક પ્રશ્નો આવ્યા હતા. જેથી તા. 4 જુલાઈ 2024થી ઑફલાઇન વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આથી, વધુ હું આ અંગે વાત નહીં કરી શકું. કારણ કે આ દરેક યુનિવર્સિટીના પ્રશ્નોની વાત છે. આ અંગે એક મિટિંગ થશે."
પુરુષ વિદ્યાર્થીઓને મહિલા કૉલેજમાં પ્રવેશ અને જાતિને લગતી કૅટગરી બાબતે સર્જાયેલી મુશ્કેલીઓ અંગેની ફરિયાદો અંગે તેમણે કહ્યું હતું કે, "ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમર્થ પૉર્ટલને ઍડમિશન માટેની કામગીરી આપવામાં આવી છે. આ પોર્ટલમાં જેન્ડર અને કૅટગરી અંગેના પ્રશ્નો હતા. જે અંગે જાણ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. જે પુરુષ વિદ્યાર્થીઓને મહિલા કૉલેજમાં ઍડમિશન મળ્યું હતું, તેમને આગળના રાઉન્ડમાં ઍડમિશન મળી જશે."
આ સમગ્ર વિવાદ બાદ રાજ્ય સરકારના શિક્ષણવિભાગના અગ્ર સચિવ મુકેશકુમારે એક પત્રકારપરિષદને સંબોધન કર્યું હતું તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, "જીસીએએસ પૉર્ટલ મારફતે આગામી 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે, તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે જીસીએએસ પૉર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે."
અગ્ર સચિવે આગળ કહ્યું હતું કે, "જીસીએએસ પૉર્ટલ મારફતે કૉલેજ-યુનિવર્સિટીઓમાં વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કૉલેજ ટૅક્નિકલ બાબતો માટે ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ (જીઆઇપીએલ)સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કૉલેજ કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે. જીસીએએસ પૉર્ટલ મારફતે વિદ્યાર્થી દ્વારા કૉલેજ-યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઇચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટી કે કૉલેજમાં જઈ પોતાના પ્રવેશ રદ કરાવી શકશે."
તેમણે આગળ જણાવ્યું હતું કે, "જીસીએએસ પૉર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના 1.32 લાખ અને અનુસ્નાતક કક્ષાના 31,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગત તા. ૨૭ જૂનથી ૨૯ જૂન સુધી બીજા રાઉન્ડ માટે જીસીએએસ પૉર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને ઍડમિશન ઑફર આપી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ આગામી તા. ૧ થી ૩ જુલાઈ સુધી તેમને ફાળવાયેલી કૉલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે."