આણંદમાંથી નકલી માર્કશીટથી વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું ‘કૌભાંડ’ કેવી રીતે પકડાયું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત સહિત ભારતમાં હાલના સમયમાં નીટ-યુજીસી નેટની પરીક્ષા મામલે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે અને વિદ્યાર્થીઓ સરકાર સામે એક પ્રકારનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.

એવા સમયમાં ગુજરાતના આણંદમાં નકલી માર્કશીટને આધારે સ્ટુડન્ટ વિઝા પર મોકલવાનું કથિત કૌભાંડ ઝડપાયું છે અને પોલીસે 19 જૂને મોડી રાતે એફઆઈઆર નોંધીને આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા અને એમાંય ગેરકાયદે જવાના કિસ્સા ઘણી વાર પ્રકાશમાં આવતા રહે છે. ક્યારેક આ લોકો એજન્ટના ચુંગાલમાં ફસાઈ જતા હોવાના મીડિયા અહેવાલો પણ જોવા મળે છે.

બીબીસીએ આ મામલે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ કેવી રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા.

વિદ્યાર્થીઓને કેવી રીતે વિદેશ મોકલતા હતા?

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, મૂળ અમદાવાદના નવરંગપુરાના સિદ્દીક શાહ શૅરબજાર, ટ્રાવેલ એજન્ટનું કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે વિદેશ મોકલનાર એજન્ટ પર તવાઈ આવી હતી અને યુરોપના દેશોના વિઝા ઝડપથી નથી મળતાં એટલે સિદ્દીક શાહ આર્થિક તંગીમાં હતા.

સિદ્દીકની અમદાવાદના નવરંગપુરામાં આઈટી અને ટ્રાવેલ એજન્ટ્સની ઑફિસ આવેલી છે, એની નજીકના એક જાણીતા કાફેમાં બેઠક હતી.

અહીં એમનો પરિચય કોરોનાકાળમાં નોકરી છૂટી ગયા પછી કામ શોધી રહેલા ભાવિન પટેલ અને વડોદરાના મેહુલ રાજપૂત સાથે થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ બંને જણા નકલી દસ્તાવેજો બનાવવામાં માહેર હતા. સિદ્દીક શાહે આ બંનેની પૈસાની જરૂરત જાણી લીધી અને કૉર્પોરેટ સ્ટાઇલમાં ગેરકાયદે વિદેશ મોકલવાનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું.

સિદ્દીક શાહે ત્રાંગડના માર્કેટિંગના એક્સપર્ટ ધીરજ ભગેલ અને નરોડાના ગુંજન શાહને મૅનેજર તરીકે નોકરીએ રાખ્યા હતા.

આણંદ-વિદ્યાનગર રોડ પર ક્રિશ્ના કૉમ્પ્લેક્સમાં ઑફિસ શરૂ કરી હતી અને ઍજ્યુકેશનનું હબ ગણાતા વિદ્યાનગરમાં હૉસ્ટેલમાં રહેતા નાપાસ થયેલા અને વિદેશ જવા માગતા છોકરાઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું. તેઓ બે લાખમાં વિદેશ જવા માટેની નકલી માર્કશીટ બનાવી આપતા હતા.

પોલીસે કેવી રીતે નકલી માર્કશીટ બનાવનારને પકડ્યા?

છેલ્લા આઠ મહિનાથી આણંદમાં ઑફિસ ખોલીને નકલી માર્કશીટને વિઝાના કારોબાર વિષે વાત કરતા આણંદના ડીવાયએસપી જેએન પંચાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "વિદ્યાનગર અને આણંદ રોડ પર આવેલી એક ઑફિસમાં ગેરકાયદે વિઝા અને નકલી માર્કશીટનો કારોબાર ચાલતો હોવાની બાતમી મળી હતી. અમે એસઓજીની ટીમે અહીં વોચ રાખી હતી, એમનો માર્કેટિંગ માટે અપાતી જાહેરાતો શંકાસ્પદ લાગી હતી."

"આણંદ અને વિદ્યાનગરના કેટલાક છોકરાઓની અવરજવર જોવા મળી. આ દરમિયાન વિદ્યાનગરમાં એક નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. એની તપાસમાં ખબર પડી કે વિદ્યાનગરથી સસ્તી નકલી માર્કશીટ આ ક્રિશ્ના કૉમ્પ્લેક્સમાં બને છે, એટલે અમે ત્યાં સ્ટાફ હાજર હોય એ સમયે દરોડો પાડ્યો હતો. તો એના માર્કેટિંગ એક્સપર્ટે ભગેલે કહ્યું કે એ માત્ર પરદેશ જવા માટે વિઝાના માર્કેટિંગનું કામ કરે છે, બાકી ડૉક્યુમેન્ટ સિદ્દીક શાહ પોતે જુવે છે."

તેઓ વધુમાં કહે છે, "એ સમયે અમે સિદ્દીકની ઑફિસમાં એને પકડ્યો તો એની સાથે એની મૅનેજર ગુંજન શાહ અને એમનાં પત્ની અમી શાહ હતાં. અમે ઑફિસમાં ડૉક્યુમેન્ટ ચેક કર્યા તો ખબર પડી કે વિઝા કન્સલ્ટિંગની આડમાં બે લાખ રૂપિયામાં નકલી માર્કશીટ બનાવી આપતા હતા."

"અમને ત્યાંથી પરદેશ જવા માટેના ડૉક્યુમેન્ટ સાથે એટેચ કરવા માટેની ફાઇલમાંથી ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણાની અલગઅલગ યુનિવર્સિટીની 90 માર્કશીટ મળી. સિદ્દીક પોતાની ઑફિસમાં કોઈ પુરાવા રાખતો નહોતો, પણ એના મોબાઇલ ફોનમાંથી અમદાવાદના ભાવિન પટેલ અને વડોદરાના મેહુલ રાજપૂતના નંબર મળ્યા, જેમાં નકલી માર્કશીટ કેટલા માર્કની બનાવવાની છે એના વૉટ્સઍપ મૅસેજ હતા. અને આ માર્ક્સ સિદ્દીક પાસેથી મળેલી નકલી માર્કશીટમાં લખેલા હતા."

પંચાલ કહે છે કે "આ ફોન નંબરના આધારે અમે ભાવિન પટેલ અને મેહુલ રાજપૂતની ધરપકડ કરી છે. જાણવા મળ્યું કે એમની પાસે સિદ્દીક 50,000 રૂપિયામાં નકલી માર્કશીટ બનાડાવતો હતો. આ ત્રણેય લોકો સામે ગુનો દાખલ કરીને એમના રિમાન્ડ લીધા છે. રિમાન્ડ બાદ એ લોકોએ કેટલા લોકોને ગેરકાયદે પરદેશ મોકલ્યા છે એનો ખુલાસો થશે."

ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા કેમ છે?

ગુજરાતમાંથી વિદેશ જવાની ઘેલછા અને ગેરકાયદે પકડાઈ જવાના કિસ્સા અગાઉ પણ બનતા રહ્યા છે. જાણકારોના મતે, તેનાં કેટલાંક આર્થિક અને સામાજિક કારણો પણ છે.

જાણીતા સમાજશાત્રી સંજય પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મધ્ય અને ઉત્તર ગુજરાતના લોકોમાં આ ઘેલછા વધુ જોવા મળે છે. એનાં બે કારણો છે, એક તો ડૉલરમાં કમાવવા મળે છે એટલે વધુ પૈસા બચાવીને ભારત મોકલી શકે છે, કારણ કે અહીં મધ્યમ વર્ગના યુવાનો નાનું કામ કરતા ખચકાટ અનુભવે છે, પણ પરદેશમાં ડિલિવરીબૉય, વેઇટર જેવું કામ કરીને પૈસા કમાવવામાં વાંધો નથી અને ભારત આવે ત્યારે સારી એવી મૂડી લઈને આવે છે."

"બીજું કારણ એ છે કે છોકરો પરદેશ હોય તો એનાં લગ્ન ઝડપથી થઈ જાય છે, એટલે પરદેશ જવાની ઘેલછા વધુ છે, જેને પૂલ ફેક્ટર કહે છે. એટલે પરદેશ જઈ બીજો માણસ સફળ થયો તો હું થઈ શકીશ અને એ પૂલ ફેક્ટરને કારણે વિદેશ જવાની ઘેલછા વધુ છે."

જાણીતા વિઝા કન્સલ્ટન્ટ અનિલ પટેલ કહે છે કે "ગુજરાતમાં નાનાં શહેરોમાં છોકરાઓનાં લગ્ન ઝડપથી થતાં નથી. જો છોકરો પરદેશ હોય તો એનાં લગ્ન ઝડપથી થાય છે. લોકોની એક માનસિકતા બનેલી છે કે પરદેશમાં સરળતાથી પૈસા કમાઈ શકાય છે, એટલે એ લોકો પરદેશ જવા માટે નકલી માર્કશીટના આધારે સ્ટુડન્ટ વિઝા પર જાય છે."

"ઓછું ભણેલા લોકો જેમને વિઝા મળતાં નથી એ લોકો મૅક્સિકો અને કૅનેડાની જોખમી બૉર્ડર ક્રૉસ કરીને એજન્ટ મારફતે લાખ્ખો રૂપિયા ખર્ચીને ગેરકાયદે પરદેશ જાય છે, ત્યાં ગેરકાયદે ગયા પછી આપણા જ ગુજરાતીઓને ત્યાં ઓછા પગારે મોટેલ કે સ્ટોરમાં કામ કરે છે. જોકે આ પ્રકારે જવામાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે, પણ આ ધંધો બંધ નથી થતો."

ભારતમાંથી ગેરકાયદે વિદેશ કેટલા લોકો ગયા છે?

રાજ્યસભામાં ડિસેમ્બર 2023માં પુછાયેલા 1354 નંબરના પ્રશ્નના લેખિત જવાબમાં મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર જણાવ્યું હતું કે 2018-19માં 8027, 2019-20માં 1227, 2020-21માં 30,662, 2021-22માં 63,923 અને 2022-23માં 96917 ભારતીયો ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ લીધો હતો.

મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેરના સત્તાવાર આંકડા પ્રમાણે ભારતમાંથી અલગઅલગ દેશમાં કાયદેસર રીતે 13,24,954 વિદ્યાર્થીઓ ભણવા માટે ગયા છે, જેમાંથી 8% ગુજરાતી વિદ્યાર્થીઓ છે.