હાથરસ દુર્ઘટના : 100થી વધારે લોકોનાં જેના કાર્યક્રમમાં મૃત્યુ થયાં એ ‘ભોલે બાબા’ કોણ છે?

    • લેેખક, દિનેશ શાક્ય
    • પદ, બીબીસી માટે

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સિકન્દ્રારાઉ વિસ્તારના ફુલરાઈ ગામમાં આયોજિત એક સત્સંગમાં થયેલી નાસભાગને કારણે અત્યાર સુધી 122 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

હવે સવાલો ઊઠી રહ્યા છે કે સત્સંગ કોનો હતો?

આ સત્સંગ નારાયણ સાકાર હરિ નામના કથાવાચકનો હતો, જેમનાં પૉસ્ટર હાથરસના રસ્તાઓ પર લગાડવામાં આવ્યાં હતાં.

લોકો આ કથાવાચક ને 'ભોલે બાબા' અને 'વિશ્વહરિ'ના નામથી પણ ઓળખે છે.

જુલાઈ મહિનાા પહેલા મંગળવારે થયેલા આયોજનને ‘માનવ મંગળ મિલન’ નામ આપવામા આવ્યું હતું. તેમના આયોજક તરીકે 'મંગલ મિલન સદ્ભાવના સમાગમ સમિતિ'નું નામ છે.

ઉત્તર પ્રદેશ પોલીસમાં કૉન્સ્ટેબલ

જોકે, આ લોકો વિશે અલીગઢના પોલીસ મહાનીરિક્ષક શલભ માથુરે જણાવ્યું હતું, “સત્સંગના આયોજક મંડળ અને બાબાઓ વિરુદ્ધ ગંભીર ધારાઓમાં કેસ દાખલ કરવામા આવ્યો છે.”

“આયોજક મંડળના સભ્યો અને ભોલે બાબાની શોધખોળ કરવામા આવી રહી છે. જોકે, દરેકે પોતાનો મોબાઇલ બંધ કરી રાખ્યો છે. આ કારણે આ લોકો વિશે કોઈ ચોક્ક્સ જાણકારી મળી નથી રહીં.”

સત્સંગવાળા બાબાની સાચી કહાણી કોઈ ફિલ્મની કહાણી જેવી જ છે.

સૂરજપાલ જાટવ નામના પૂર્વ પોલીસ કૉન્સ્ટેબલે નોકરી છોડીને આ રસ્તો અપનાવ્યો અને લાખો ભક્તો બનાવી લીધા.

આ અહેવાલમાં આપણે જાણીશું કે ભોલે બાબા નારાયણ સાકાર હરિ ઉર્ફે સૂરજપાલ જાટવ કોણ છે?

નારાયણ સાકાર હરિ એટા જિલ્લાથી અલગ થયેલા કાસગંજ જિલ્લાના પટિયાલીના બહાદુરપુર ગામના નિવાસી છે. ઉત્તર પ્રદેશ પોલીસની નોકરીના શરૂઆતી દિવસોમાં તેઓ સ્થાનિક અભિસૂચના ટીમમાં તહેનાત હતા. તેમણે લગભગ 28 વર્ષ પહેલાં છેડતીના એક મામલમાં દોષિત હોવાને કારણે સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.

સૂરજપાલ જાટવને આ પોલીસ સેવામાંથી બરતરફ કરવામા આવ્યા હતા. જોકે, સૂરજપાલ જાટવ તે પહેલાં લગભગ 18 પોલીસ સ્ટેશન અને સ્થાનિક અભિસૂચના ટીમમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા હતા.

ઇટાવાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંજયકુમારે જણાવ્યું કે છેડતીનાં મામલે સૂરજપાલ એટા જેલમાં ખૂબ જ લાંબા સમય સુધી રહ્યા અને જેલમાંથી છૂટ્યા પછી સૂરજપાલ બાબાના રૂપે લોકોની સામે આવ્યા.

પોલીસની નોકરી છોડવાનો નિર્ણય

પોલીસની નોકરીમાંથી બરતરફ થયા પછી સૂરજપાલ યાદવ ન્યાયલયની શરણે ગયા અને તેમને નોકરી પાછી મળી. જોકે, સૂરજપાલે 2002માં આગરા જિલ્લામાંથી પોલીસમાંથી વીઆરએસ લીધું હતું.

પોલીસમાંથી વીઆરએસ લીધા પછી સૂરજપાલ જાટવ પોતાના ગામ નગલા બહાદૂરપુર પહોંચ્યા. તેમણે ત્યાં થોડાક દિવસ રહ્યા પછી ઇશ્વર સાથે સંવાદ કર્યો હોવાનો દાવો કર્યો અને પોતાને 'ભોલે બાબા'ના રૂપે સ્થાપિત કરવાની દિશામાં કામ શરૂ કર્યું.

કેટલાંક વર્ષોની અંદર જ તેમના ભક્તો તેમને (સૂરજપાલને) અલગ-અલગ નામોથી બોલાવા લાગ્યા અને તેમના મોટાં-મોટાં આયોજન થવાં લાગ્યાં. આ આયોજનોમાં હજારો લોકો પણ સામેલ થવા લાગ્યા.

ઇટાવાના વરિષ્ઠ પોલીસ અધિકારી સંજય કુમાર જણાવે છે કે 75 વર્ષીય સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના ત્રણ ભાઈ છે.

સૌથી મોટા સૂરજપાલ, બીજા નંબર પર ભગવાન દાસ છે જેમનું મૃત્યુ થઈ ગયું છે. ત્રીજા નંબર પર રાકેશકુમાર છે અને તેઓ સરપંચ પણ રહી ચૂક્યા છે.

આ વાતની પુષ્ટિ કરવામા આવી છે કે બાબા પોતાના ગામમાં ઓછા આવતા હતા. જોકે, બહાદૂરપુર ગામમાં તેમનો ચેરિટેબલ ટ્રસ્ટ આજે પણ સક્રિય છે.

નારાયણ સાકારે પોતાના સત્સંગોમાં ઘણી વખત દાવો કર્યો છે કે તેમણે નથી ખબર કે સરકારી નોકરીથી અહીં તેમને ખેંચીને કોણ લાવ્યું

દાન-દક્ષિણા વિના ઘણા આશ્રમો

રસપ્રદ વાત એ છે કે નારાયણ સાકાર પોતાના ભક્તો પાસેથી કોઇ પણ દાન કે દક્ષિણા લેતા નથી તેમ છતાં તેમનાં આશ્રમો પણ છે.

ઉત્તર પ્રદેશમાં અન્ય ઘણી જગ્યાએ માલિકીની જમીન પર આશ્રમો સ્થાપવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.

નારાયણ સાકાર હરિ સત્સંગોમાં પોતાના ભક્તોની સેવા કરતા જોવા મળે છે. શક્ય છે કે તેઓ પોતાના ભક્તોમાં લોકપ્રિય થવા માટે જાણીજોઇને કરતા હોય.

તેઓ હંમેશાં સફેદ કપડાંમાં જ દેખાય છે. નારાયણ સાકાર જભો, પેન્ટ-શર્ટ અને શૂટમાં પણ જોવા મળે છે.

જોકે, તેઓ ઇન્ટરનેટ પર લોકપ્રિય નથી. સોશિયલ મીડિયા પર તેમના ભક્તો જોવા મળતા નથી. બાબાના ફેસબુક પેજ પર વધારે લાઇક નથી, પરંતુ હકીકતમાં તેમના ભક્તોની સંખ્યા લાખોમાં છે. તેમના દરેક સત્સંગમાં હજારો ભક્તોની મેદની જોવા મળે છે.

સેંકડો સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ આ આયોજનમાં સેવાનું કામ સંભાળે છે. ભક્તોની સમિતિ પાણી, ભોજન અને ટ્રાફિકની વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે તે માટે કામ કરે છે.

ઉત્તર પ્રદેશ પોલીસમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા રામનાથસિંહ યાદવ જણાવે છે, “આજથી ત્રણ વર્ષ પહેલાં ઇટાવાના નુમાઇશ મેદાનમાં પણ ભોલે બાબાએ એક મહિના સુધી સત્સંગ સમાગમનું આયોજન કર્યું હતું. આ સત્સંગમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આયોજનની આસપાસની કૉલોનીમાં રહેતા લોકોએ વહીવટી તંત્રના અધિકારીઓને વિનંતી કરી હતી કે ભવિષ્યમાં બાબાના કાર્યક્રમને પરવાનગી આપવામા ન આવે.”