અમદાવાદમાં ભાજપ-કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની શરૂઆત કેવી રીતે થઈ હતી? ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, અમદાવાદ

સામાન્ય રીતે કોઇ કાર્યક્રમ વગર નેતાની ભીડ ન દેખાતી હોય તેવા રાજીવ ગાંધી ભવન પર બુધવારની સવારથી કૉંગ્રેસી નેતાઓ જોવા મળી રહ્યા છે.

ભવનની અંદર પ્રવેશતા મુખ્ય ગેટ પાસેના રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળો રંગ દેખાઈ રહ્યો છે. રાહુલ ગાંધીના પોસ્ટર હોય કે પછી ‘ભારત જોડો’ યાત્રાનાં ચિત્રો હોય, ભવનની બહાર ઘણી જગ્યાએ કાળો રંગ ચોપડવામાં આવ્યો હોય તેવું જોવા મળે છે.

મંગળવારના રોજ રાહુલ ગાંધીનાં હૉર્ડિગ્સ પર બજરંગદળના કાર્યકર્તાઓએ કાળો રંગ લગાવી દીધો હતો. હવે તે હૉર્ડિગ્સ હવે દૂર કરી દેવામાં આવ્યા છે.

બુધવારની સવારથી જ જિજ્ઞેશ મેવાણી, અમિત ચાવડા, શૈલેશ પરમાર જેવા નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો અને આ ઘટના બાદ કૉંગ્રેસે શું કરવું જોઇએ તેના પર ગહન ચર્ચા ચાલી હતી.

જોકે, કૉંગ્રેસ નેતા અને મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આટલી મોટી ઘટના બન્યા બાદ પણ બુધવારની સાંજ સુધી અમારી પોલીસ ફરીયાદ નોંધવામાં નથી આવી.

તેઓ પોલીસ પર આરોપ લગાવતા કહે છે, “રાજીવ ગાંધી ભવન પર થયેલા હુમલાના સંદર્ભે અમે મંગળવારના રોજ અરજી કરી હતી પરંતુ અમારી અરજી પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.”

કૉંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “અમારી ફરીયાદ નોંધાઇ નથી અને ભાજપની ફરીયાદના આધારે અમારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. આ બબાલની શરૂઆત ભાજપના કાર્યકર્તાઓએ કરી હતી.”

આ મામલે લોકસભામાં વિપક્ષ નેતા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, "ગુજરાત કૉંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર મામલે મારા વિચારને મજબૂત કરે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને નથી સમજતા. ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાંણાને જોઈ રહી છે. તે ભાજપને પાઠ ભણાવશે. હું ફરીથી કહું છું- INDIA ગુજરાતમાં જીતશે."

શું કહેવું છે ભાજપનું?

સોમવારના રોજ લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન બાદ ગુજરાત ભાજપના નેતાઓ હરકતમાં આવ્યાં હતા. ગાંધીએ લોકસભામાં કહ્યું હતું, “પોતાને હિન્દુ કહેવડાવતા લોકો આખો દિવસ નફરત ફેલાવવાનું કામ કરે છે.”

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રાહુલ ગાંધી અને કૉંગ્રેસ સામે દેખાવો થયા હતા. અમદાવાદ ઉપરાંત વડોદરા અને આણંદ જેવાં સ્થળોએ પણ ભાજપના કાર્યકર્તાઓએ પ્રદર્શનો કર્યા હતા.

અમદાવાદમાં આ વિરોધ પ્રદર્શન ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ વિનય દેસાઇના વડપણ હેઠળ થયું.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વિનય દેસાઇ કહે છે કે, “સંસદમાં રાહુલ ગાંધીની હિન્દુ ધર્મ વિરોધી વાત પછી અમે કૉંગ્રેસ ભવન ખાતે શાંતિપૂર્ણ દેખાવો કરવા પહોંચ્યા હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસની હાજરીમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ અમારા કાર્યકર્તાઓ પર પથ્થરમારો કરી તેમને બેટ તેમજ લાકડીઓથી માર માર્યો છે. અમારા શાંતિપૂર્ણ વિરોધની સામે તેમણે એક હિંસાની યોજના પહેલેથી જ બનાવી રાખી હતી. તેમની આ હરકત સામે અમે પોલીસ ફરિયાદ કરી છે.”

ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “અહિંસાની વાત કરતી કૉંગ્રેસે, ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યો છે. માત્ર કાર્યકર્તાઓ જ નહીં, પરંતુ પથ્થરમારો કરવામાં તેમના વરિષ્ઠ નેતા શૈલેષ પરમાર પણ સામેલ હતા.”

ભાજપના નેતાઓનું કહેવું છે કે તેઓ તેમના કાર્યકર્તાઓને ન્યાય અપાવવા માટે છેલ્લે સુધી લડશે.

શું કહેવું છે કૉંગ્રેસના નેતાઓનું?

કૉંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ એક વીડિયો સંદેશ મારફતે ભાજપના કાર્યકર્તાઓને પડકાર્યા હતા.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું, “ન્યાય અપાવવાની વાત હોય તો મોરબી પુલ દુર્ઘટના, હરણી બોટકાંડ, તક્ષશિલા આગકાંડ, રાજકોટ આગકાંડનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવો.”

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહીલે એક વીડિયો સંદેશ મારફતે જણાવ્યું, “ગુજરાતમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે વિચારધારાની લડાઇ વર્ષોથી ચાલતી આવી છે પરંતુ ક્યારેય ગુંડાગર્દી નહોતી. હવે 400 પારની વાત કરનારા ભાજપના નેતાઓ હવે ગભરાઈ ગયા છે અને આ પરંપરાને તોડવા પર ઉતરી આવ્યા છે.”

પોલીસની કામગીરી પર ટીકા કરતા ગોહીલે કહ્યું, “અગાઉ ભાજપની સાથે રહીને પોતાની ફરજ ચૂકનારા પોલીસ અધિકારીઓને તકલીફો પડી છે. તેમને ભાજપે કોઈ જ મદદ નહોતી કરી તેથી પોલીસ અધિકારીઓએ કોઈ પણ પક્ષની તરફેણ કર્યા વગર પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવી જોઈએ. સમય બદલાઈ પણ શકે છે.”

કૉંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “અમે કાયદા પ્રમાણે આગળ વધીશું. સૌથી પહેલું કામ તો અમારા કાર્યકર્તાઓ કે જેમની ધરપકડ થઇ છે, તેમને છોડાવવાનું છે.”

શું કહેવું છે પોલીસનું?

આ વિશે બીબીસી ગુજરાતીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર બી. ડી. જિલારીયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ આખી ઘટનામાં પોલીસે પોતાની કામગીરી યોગ્ય રીતે નિભાવી છે.

તેમનું કહેવું હતું, “ અમે યોગ્ય સમયે વ્યવસ્થિત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને પણ ઇજા થઇ છે. 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે અને બીજાને પકડવાના બાકી છે.”

કૉંગ્રેસના નેતાઓની પોલીસ ફરિયાદ નથી લેતી તેવા આરોપોનો જવાબ આપતા તેમણે કહ્યું, “કોંગ્રેસના નેતાઓ હજી સુધી તેમની પાસે ફરિયાદ નોંધવવા માટે આવ્યા ન હોવાથી તેમની ફરિયાદ નોંધાઇ નથી. તેમની અરજી મળી છે. પરંતુ નિવેદન બાદ ફરિયાદ નોંધવામાં આવશે.”

આ વિશે બીબીસી ગુજરાતીએ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ નીરજ બડગુજર તથા ડીસીપી શિવમ વર્મા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી.

શું નોંધાયું છે પોલીસ ફરિયાદમાં?

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય પાસે બંદોબસ્તમાં હાજર કર્મરાજસિંહ ભગવતસિંહ નામના પોલીસ કૉન્સ્ટેબલની એક ફરિયાદમાં નોંધાયું છે કે તેઓ જ્યારે બંદોબસ્તમાં હતા ત્યારે કૉંગ્રેસ કાર્યાલય તરફથી અને ભાજપનાં ટોળાં તરફથી પથ્થરમારો થઈ રહ્યો હતો અને તેઓ જ્યારે મામલાને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમને માથા પર ઇજા થઈ હતી.

કર્મરાજસિંહે તેમની ફરિયાદમાં નોંધાવ્યું છે કે કૉંગ્રેસ તરફથી શહેઝાદખાન પઠાણ, હેતાબહેન, પ્રગતિબહેન નંદાણિયા જેવા લોકો પથ્થર મારતા હતા જ્યારે કે તેમની ફરિયાદમાં ભાજપના કોઈ નેતા કે કાર્યકર્તાઓનું નામ નથી. આ ફરિયાદમાં તેમણે ભાજપ તરફી 150થી 200ના ટોળાએ પથ્થરમારો કર્યો હોવાનો ઉલ્લેખ જ કર્યો છે.

ઘાયલ થયેલા કર્મરાજસિંહને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા.

આ વિશે પોલીસે ભારતી ન્યાય સંહિતાની વિવિધ કલમો 189(2) 191(2), 191(3), 190, 125(b) તેમજ બીજી કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ વિનય દેસાઈએ પણ ફરિયાદ નોંધાવી છે જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ તથા યુવા કૉંગ્રેસ પ્રમુખ સંજયસિંહ સોલંકી જેવા નેતાઓના નામ સામેલ છે.