You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍશલી મૅડિસન : લગ્નેત્તર સંબંધો અને બેવફાઈ કરતા વિવાહિત લોકોનો વિશાળ ડેટાલીકનો મામલો કેવી રીતે બહાર આવ્યો હતો?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
'જો તમારી પત્ની હૉટ છે, તો અમારી પણ છે.' પરિણીતો માટેની ડૅટિંગ વૅબસાઇટ ઍશલી મૅડિસને અનેક દેશોમાં પોતાની જાહેરાતો માટે આવાં હૉર્ડિંગ્સ મૂકાવ્યાં હતાં. તેની સાથે એક સુંદર સ્ત્રીની તસવીર મૂકવામાં આવી હતી, જે કંપનીના સીઈઓનાં પત્નીની હતી, જેઓ પ્રોફેશનલ મૉડલ પણ ન હતાં.
નવી સદીમાં કૅનેડાસ્થિત ઍશલી મૅડિસન પરિણીત સ્ત્રી-પુરુષ લગ્નેત્તર સંબંધ બાંધવા માટે મેળાપ કરાવી આપતી. વ્યક્તિ સામેના પાત્ર સાથે કેવા પ્રકારનો સંબંધ ઇચ્છે છે તથા તેની કામેચ્છાઓ વિશે વિવરણ આપી શકે છે.
જ્યારે પરંપરાગત માધ્યમો આ કંપનીની જાહેરાત પ્રકાશિત કરવા તૈયાર ન થયાં, ત્યારે કંપનીએ ગુરિલા માર્કૅટિંગની પદ્ધતિ અપનાવી હતી, જેના કારણે લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું.
50 કરતાં વધુ દેશોમાં, 15 જેટલી ભાષામાં તે ઉપલબ્ધ હતી. કંપનીએ તેની ભારતીય આવૃત્તિ પણ લૉન્ચ કરી, જેના પ્રચારઅભિયાનને કારણે ભારે ચકચાર મચી જવા પામી હતી.
જોકે, જુલાઈ-2015માં બધું બદલાઈ જવાનું હતું. ઍશલી મૅડિસનનાં કરોડો વપરાશકર્તાઓનો ડેટા ડાર્કવૅબ ઉપર પહોંચી ગયો. જેમાં તેમની વ્યક્તિગત માહિતી, જાતીયતરંગો તથા અન્ય માહિતી સાર્વજનિક થઈ ગઈ હતી.
સૅલિબ્રિટી, પૉલિટિશિયન, ખેલાડીઓ, સરકારી અધિકારીઓ, સૈન્ય અધિકારીઓનાં વેબસાઇટ પર ઍકાઉન્ટ હોવાની શંકા ઊભી થઈ. અનેક દંપતીનાં લગ્નજીવન ડામાડોળ થઈ ગયાં, તો શરમના માર્યા કેટલાક યૂઝર્સે આત્મહત્યા કરી લીધી.
ઍશલી મૅડિસનના સીઈઓ માટે મોટી પીછેહઠ હતી, પરંતુ કંપની માટે તે અલ્પકાલીન નિવડી હતી. નૅટફ્લિક્સ દ્વારા ઍશલી મૅડિસન તથા તેના ડૅટા લીક વિશે ચર્ચા કરતી મિનિ-સિરીઝ રજૂ કરી છે, ત્યારે એક નજર કંપનીના ઇતિહાસ પર.
'...અફેયર કરી લો'
કંપનીના સ્થાપકના ભાઈ માર્ક મૉર્ગનસ્ટનના કહેવા પ્રમાણે, "મારા ભાઈ ડેરેને એક સર્વે વાંચ્યો હતો, 'જે મુજબ, 30 ટકા પરિણીત સ્ત્રી-પુરુષો લગ્નેત્તરસંબંધ બાંધવા માટે તત્પર હતાં. આ આંકડો તેના માટે ખૂબ ચોંકાવનારો હતો. તેણે આવાં સ્ત્રીપુરુષોને માટે ડૅટિંગ સર્વિસ શરૂ કરવાનું વિચાર્યું. તે કોઈ પૉર્ન કે ઍડલ્ટ વેબસાઇટ ન હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ઉચ્ચમધ્યમ વર્ગની સુંદર યુવતીઓમાં પ્રચલિત 'ઍશલી' અને 'મૅડિસન' એમ બે નામને ભેગાં કરીને વેબસાઇટનું નામ નક્કી થયું હતું. વર્ષ 2002માં શરૂઆતના સમયમાં 'એક પાર્ટનરથી જિંદગીમાં નિરસતા આવી જાય છે,' એવા મતલબની ટૅગલાઇન હતી.' બે-એક વર્ષમાં કંપનીના સભ્યોનો આંકડો માંડ ચારેક લાખ સુધી પહોંચ્યો હતો.
આવા સમયે નોએલ બિડરમૅન નામની વ્યક્તિ કંપનીમાં સીઈઓ અને પછી સહ-સંસ્થાપક તરીકે જોડાઈ. તેમણે વેબસાઇટને નવી ટૅગલાઇન આપી, જે તેની ઓળખ સાથે જોડાઈ જવાની હતી. 'જિંદગી ટૂંકી છે. અફેયર કરી લો.'
આ એ સમય હતો કે જ્યારે ટેલિવિઝન ચૅનલો ઍશલી મૅડિસનની જાહેરાત તેમના નેટવર્ક્સ ઉપર ચલાવવા માટે તૈયાર ન હતી. ગૂગલ અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા કંપનીઓ 'જાયન્ટ' તો નહોતી બની, પરંતુ તેમનો દબદબો પ્રસ્થાપિત થઈ ગયો હતો.
જ્યારે સર્ચ એંજિન પર 'લગ્નેત્તર સંબંધ કે અફેયર' એવા શબ્દોથી સર્ચ કરવામાં આવે તો તેના પરિણામોમાં જીવનસાથી દ્વારા તમારી સાથે બેવફાઈ કરવામાં આવતી હોય તો તેને કેવી રીતે પકડવી તેના વિશે ટીપ્સ અને સેવાઓ આપતી કંપનીઓના સર્ચરિઝલ્ટ અગ્રેસર રેહતાં.
કંપની ગુરિલ્લા માર્કેટિંગ કરી રહી હતી. જો ગૂગલ ઉપર 'શું ઍશલી મૅડિસન કૌભાંડ છે?' એમ સર્ચ કરવામાં આવે તો જે કોઈ વેબસાઇટ્સ સર્ચરિઝલ્ટમાં આવે, તેની ઉપર ઍશલી મૅડિસનની ભરપૂર જાહેરાતો રહેતી, જેની ઉપર વેબસાઇટ 'સાચી અને વિશ્વસનીય' છે એવા નિવેદન આપતાં લોકોની ભરમાર રહેતી.
ફેસબુક ઉપર 'લગ્નમાં બેવફાઈ', 'લગ્નેત્તર સંબંધ' અને 'અફેયર' જેવા શબ્દો સાથેની જાહેરાતો જ લેવામાં નહોતી આવતી.
કથિત રીતે એક ડિવૉર્સ લૉયર દ્વારા લગ્નસંબંધને બચાવવા માટે ચલાવવામાં આવતી વેબસઇટ ઉપર કે લગ્નસંબંધની હિમાયત કરનારા વાસ્તવમાં ઍશલી મૅડિસનની પૅરન્ટ કંપની ઍવિડ લાઇફ મીડિયાના ઈમેલ ઍડ્રેસનો ઉપયોગ કરતા હતા.
આવા સમયમાં પરંપરાગત ટેલિવિઝન ચૅનલો ઉપર નોએલ કંપનીનો ચહેરો બની ગયા હતા. તેઓ લગ્નેત્તર સંબંધ, એકપતિ કે પત્નીત્વ ઉપર ચર્ચાઓમાં ભાગ લેતાં અને પક્ષ રજૂ કરતા. વકીલાતનો અભ્યાસ કર્યો હોવાથી તેઓ પરંપરાગત માધ્યમો પર ખૂબ જ સારી રીતે લગ્નેત્તર સંબંધ કે કંપનીનો પક્ષ રજૂ કરી શકતા. તેમના કારણે કંપનીને આડકતરી પ્રસિદ્ધિ મળતી.
કંપની સામે વિરોધપ્રદર્શન અને તેની સામેના લેખ પણ કંપનીને નકારાત્મક પ્રસિદ્ધિ આપતાં હતાં, જે કંપનીના નામ અને વ્યવસાયને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થતાં.
બેવફા થકી નફા
સામાન્ય રીતે કોઈપણ ડૅટિંગ સાઇટ ઉપર સભ્યફી લેવામાં આવે છે અને સ્ત્રી-પુરુષ બંનેએ સભ્યફી ભરવી પડે છે. જોકે, ઍશલી મૅડિસનનું બિઝનેસ મૉડલ અલગ પ્રકારનું હતું. તેમાં મહિલા સભ્યોએ કોઈ રકમ ચૂકવવી નહોતી પડતી, જ્યારે પુરુષોએ ઈમેલ કરીને સંવાદની શરૂઆત કરવા માટે ક્રૅડિટ ખરીદવી પડતી.
મહિલાના મૅસેજલિસ્ટમાં નામ ઉપર આવે તે માટે પુરુષે વધારાના પૈસા ચૂકવવા પડતા. આ સિવાય કોઈ મહિલાને 'વિંક' મોકલી શકાતું, તેના માટે પણ ક્રૅડિટ ખરીદવી પડતી.
વેબસાઇટ ઉપર સભ્ય ખોટાં નામ, સરનામાં કે ઈ-મેલ ઍડ્રેસ પણ આપી શકતાં. તેમનું ઇમેલ ઍડ્રેસ વૅરિફાય પણ કરવામાં આવતું ન હતું. જોકે, ક્રૅડિટકાર્ડના વ્યવહારો વેબસાઇટ અને કંપનીને જોડતાં હતાં, પરંતુ 'ગુપ્તતા'એ કંપનીના પ્રચાર-પ્રસારની મુખ્ય ખાસિયત હતી. ગુપ્તતા અને વિશ્વસનિયતાની મહોર મારતા અનેક લોગો કંપનીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા હતા.
ઍડલ્ટ ગૅમ્સ, ડર્ટી ટૉક, ડાન્સિંગ, આગોશ અને આલિંગન, પરંપરાગત શારીરિકસંબંધ, સાહસિક શારીરિકસંબંધ, સામાન્યસંબંધ, શારીરિકસંબંધ, સ્વૈરવિહારી શારીરિકસંબંધ, જેવા અનેક વિકલ્પ આપવામાં આવતાં. જેમાંથી વિઝિટરે તેની ઇચ્છાઓ વ્યક્ત કરવાની રહેતી.
વિજાતીય પાત્રની ઊંચાઈ, ચામડીનો રંગ, વજન, વંશ વગેરેની પસંદગી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવતો, જેના આધારે અમુક પાત્રોના સર્ચરિઝલ્ટ યૂઝરને જોવાં મળતાં.
એટલું જ નહીં, જો વેબસાઇટ ઉપરથી ખાતું 'સંપૂર્ણપણે ડિલીટ' કરવું હોય તો 19 ડૉલરની ચૂકવણી કરવી પડતી. કંપનીની વીડિયો જાહેરાતમાં કપલને રૉમાન્સ કરતું નજરે પડતું, એની સાથે મૅસેજ આવતો, 'આ બંને પરિણીત છે, પરંતુ એકબીજાં સાથે નહીં.'
સામાન્ય રીતે મિત્રવર્તુળ, ઑફિસ કે પરિવારજનોમાં અફેયર થવાની શક્યતા રહેતી, એવા સમયે ઍશલી મૅડિસનને કારણે સાવ અજાણ્યાં લોકો પણ નજીક આવતાં અને તમામે મર્યાદાઓ ઓળંગી જતાં. કેટલાક માત્ર શુષ્ક અને નિરસ જિંદગીમાં વૈવિધ્ય લાવવા કે આકર્ષણ મેળવવા માટે ઍશલે મૅડિસન વેબસાઇટ ઉપર જતાં.
જે પશ્ચિમી રાજનેતાઓ ઉપર અફેયરના આરોપ લાગ્યા હોય, તેવા નેતાઓની તસવીરોને બિલબૉર્ડ ઉપર મૂકીને લોકોનું ધ્યાન ખેંચવામાં આવતું. કંપનીના સીઈઓની કૅબિન ઉપર 'મિનિસ્ટર ઑફ અફેયર'ની તકતી હતી, તો કૉન્ફરન્સરૂમનું નામ 'બિલ ક્લિન્ટન' હતું.
કંપની શૅરબજારમાં તેનું લિસ્ટિંગ કરાવવા માગતી હતી, જેથી કરીને જાહેરભરણાં દ્વારા નાણાં ઊભાં કરી શકાય, પરંતુ આવા સમયે કંપની ઉપર મોટી આફત આવી.
ઇમ્પૅક્ટ ટીમનો આઘાત
નોએલ દ્વારા સાર્વજનિક મુલાકાતો અને ટીવીની ચર્ચાઓમાં ખાતરી આપવામાં આવતી કે કંપનીને આપવામાં આવતો ડૅટા અજ્ઞાત અને ગુપ્તસ્થળોએ સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે. જોકે, 'ઇમ્પૅક્ટ ટીમ' નામનું હૅકર ગ્રૂપ આ બધાં દાવાની પોલ ખોલી નાખવાનું હતું. સાઇટ ઉપર મૂકવામાં આવેલાં સુરક્ષાસંબંધિત લોગો અને દાવા ખોટાં ઠર્યા હતા.
ઇવાનના કહેવા પ્રમાણે, 'તા. 13 જુલાઈ, 2015ના દિવસે હું ઑફિસમાં પહોંચ્યો ત્યારે ત્યાં સન્નાટો છવાયેલો હતો. સામાન્ય રીતે ઑફિસમાં ધમધમાટ, હાસ્ય અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણ રહેતું, પરંતુ એ દિવસે બેચેનીભર્યું મૌન હતું. મેં મારું કમ્પ્યૂટર ચાલુ કર્યું, તો તેની સ્ક્રિન ઉપર ધમાકેદાર મ્યુઝિક વાગી રહ્યું હતું. જો વેબસાઇટ બંધ કરવામાં ન આવે તો ગ્રાહકોનો ડૅટા સાર્વજનિક કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.'
'કર્મચારીઓને તેમનાં કમ્પ્યૂટરને નહીં અડકવાની સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાક્રમને કારણે કંપનીના આઈપીઓને અસર થઈ શકે તેમ હોવાથી નોએલ નહોતા ઇચ્છતા કે પોલીસ, પ્રેસ કે અન્ય કોઈ સરકારી એજન્સીને તપાસમાં સામેલ કરવામાં આવે.એટલે તેમણે સ્પેનથી સાયબર નિષ્ણાતોને બેલાવ્યા હતા.'
કોઈ નારાજ ગ્રાહક, નારાજ કર્મચારી, હરીફ કંપની, કટ્ટર ધર્માંધ વ્યક્તિએ આ કામ કર્યું હશે એવી ઑફિસમાં ચર્ચા હતી, એવા સમયે ટેકનૉલૉજી ઉપર રિપોર્ટિંગ કરતી એક વેબસાઇટે ઍશલી મૅડિસનમાં ડૅટા હેક થયો હોવાની વાત સાર્વજનિક કરી દીધી, જેના કારણે કંપનીના ગ્રાહકોમાં અંધાધૂંધી ફેલાઈ જવા પામી હતી.
કંપની સાથે જોડાયેલા પ્રૉડક્ટ ડાયરેક્ટર અમિત જેઠાણીના કહેવા પ્રમાણે, 'કંપનીની આંતરિક ચર્ચાઓમાં ગ્રાહકોના ડૅટાની સલામતી વિશે વારંવાર ચર્ચા થતી, પરંતુ અન્ય પ્રાથમિક્તાઓને કારણે તે બાબત હંમેશાં પાછળ રહી જવા પામતી.'
હૅકર ગ્રૂપે નાણાંકીય માગ નહોતી કરી. દિવસો પસાર થતાં ગયાં અને તપાસમાં કશું નક્કર બહાર ન આવ્યું. 30 દિવસ પછી ઍશલી મૅડિસનના કરોડો ગ્રાહકોનો વ્યક્તિગત ડૅટા, જાતીયકલ્પનાઓ, તસવીરો વગેરે સાર્વજનિક થઈ ગયાં હતાં. લોકો હોલીવૂડ અને ટેલિવિઝનની સૅલિબ્રિટીઝ, રાજનેતા, વકીલો તથા અન્ય ખ્યાતનામ લોકોનાં નામ સર્ચ કરવા લાગ્યાં હતાં અને તેમના વિશે સમાચારમાધ્યમોમાં અહેવાલો છપાવા લાગ્યા હતા.
લગભગ 15 હજાર જેટલા ઈમેલ ઍડ્રેસની સાથે '.gov' કે '.mil' જેવા ઍક્સ્ટેન્શન હતાં, જેના કારણે અમેરિકાની સુરક્ષા તથા સરકારી તંત્રમાં પેઠ વિશે ચર્ચા થવા લાગી હતી. જોકે, ઇમેલ વૅરિફિકેશનની જરૂર ન હોવાથી, દરેક ઇમેલ ઍડ્રેસ જે-તે વ્યક્તિ સાથે જોડાયેલું હોય એ પણ જરૂરી ન હતું.
નામ જાહેર થવાનો અપરાધબોધ સહન નહીં કરી શકવાને કારણે અથવા લોકાપવાદને કારણે કેટલાક લોકોએ આત્મહત્યા કરી હોવાનું પણ બહાર આવ્યું. અનેક લગ્નજીવનમાં ભંગાણ પડ્યાંના અહેવાલ સાર્વજનિક થયાં, તો કેટલાક લગ્નસંબંધ અગાઉ જેવાં ન રહ્યાં અને તેમાં શંકાના બીજનું વાવેતર થઈ ગયું હતું.
આમ છતાં વેબસાઇટ બંધ નહોતી થઈ અને ચર્ચાઓ ચાલુ હતી કે હૅકરે વધુ એક ડૅટા સાર્વજનિક કરી દીધો. જેમાં નોએલના અંગત ઈમેલ, કંપનીની વ્યૂહરચના, બિઝનેસ પ્લાન, ટ્રૅડસિક્રેટ પણ સાર્વજનિક થઈ ગયાં હતાં.
આગળની તપાસમાં બહાર આવ્યું કે વેબસાઇટ ઉપર પુરુષોની સરખામણીમાં મહિલા વપરાશકર્તાઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. ઉપલબ્ધ સાર્વજનિક તસવીરો અને માહિતીના આધારે કંપનીના કર્મચારીઓ દ્વારા જ અનેક પ્રોફાઇલ બનાવવામાં આવી હતી. આ વાતનો ખુલાસો આઈપી ઍડ્રેસના આધારે થયો હતો. આ કામ માટે કૉન્ટ્રાક્ટ પર કર્મચારીઓ પણ રાખવામાં આવ્યાં હતાં. ગ્રાહકો સાથે સંપર્ક કરનારી મહિલા પ્રોફાઇલ 'રૉબોટ' હોવાનું પણ બહાર આવ્યું હતું.
જોકે, કંપની દ્વારા કહેવામાં આવતું કે સાઇટ ઉપરના અમુક ફિચર 'માત્ર મનોરંજન માટે છે,' જે કદાચ બચાવ માટેનો તેનો રસ્તો હતો.
કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે ડૅટાબેઝમાં તેમનાં ઇમેલ ઍડ્રેસ સાર્વજનિક થયા બાદ તેમને બ્લૅકમૅઇલિંગ કરતાં ઇમેલ આવ્યા હતા, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ ન ઇચ્છતા હોય કે પરિવારજનોને આના વિશે માહિતી મળે તો તેઓ અમુક રકમ ચૂકવે.
જે ગ્રાહકોએ 'હંમેશા માટે ઍકાઉનટ ડિલીટ' કરી દેવા માટે 19 ડૉલર ચૂકવ્યા હતા, તેમનો ડૅટા પણ ડિલીટ નહોતો થયો અને તેમની અંગત અને ગુપ્ત માહિતી કંપનીના સર્વર ઉપર ઉપલબ્ધ હતી અને ડૅટાલીકમાં સાર્વજનિક પણ થઈ હતી.
ઇન્ડિયામાં ઍશલી મૅડિસન
ઍશલી મૅડિસન 50 કરતાં વધુ દેશોમાં 15 જેટલી ભાષામાં ઉપલબ્ધ હતી. આ વેબસાઇટ કૅનેડા, યુકે, યુએસ, ઑસ્ટ્રેલિયા સહિત યુરોપિયન દેશોમાં ઉપલબ્ધ હતી. જાન્યુઆરી-2014માં તે ભારત પણ પહોંચી હતી.
ઇવાન બેકે 10 વર્ષ સુધી ઍશલી મૅડિસનના માર્કેટિંગ વિભાગમાં કામ કર્યું અને વાઇસ-પ્રૅસિડન્ટના પદ સુધી પહોંચ્યા હતા. તેઓ કહે છે, 'એ સમયે વેબસાઇટ ઉપર ટ્રાફિક લઈ આવવા માટે સહયોગી દ્વારા પ્રચાર કે અન્ય કોઈ માધ્યમ ખુલ્લા ન હતા. છતાં ઘણાં મહિના અમે માસ-દર-માસ બમણી ગતિએ વૃદ્ધિ કરી હતી.'
'અમે ભારતમાં વેબસાઇટને લૉન્ચ કરી ત્યારે અમારા પ્રચારની થિમ હતી, 'તમારાં માતા-પિતાએ તમારાં લગ્ન કરાવ્યાં, હવે અમે અફેયર કરાવીશું.' એ ખૂબ જ બૉલ્ડ થિમ હતી, જેના કારણે ભારતમાં ભારે વિવાદ થયો હતો.'
ભારત ઉપરાંત ફિલિપિન્સ, તુર્કી, જાપાન અને ચીન જેવા રૂઢિચુસ્ત મનાતા દેશોમાં પણ તેણે પગપેસારો કર્યો હતો.
ડૅટાનું વિશ્લેષણ કરીને સ્પેનની એક ડિજિટલ એજન્સીએ ગ્રાહકો વિશેની માહિતીનું વિશ્લેષણ કર્યું હતું, જે મુજબ, 38 હજાર 652 વપરાશકર્તા સાથે દિલ્હીમાં સૌથી વધુ વપરાશકર્તા હતાં.
મુંબઈમાં આ સંખ્યા (33 હજાર 36), ચેન્નાઈ (16 હજાર 434) અને કલકત્તામાં (11 હજાર 807) યૂઝર્સ નોંધાયેલાં હતાં. હૈદરાબાદમાં 12 હજાર 825, બૅગ્લોરમાં 11 હજાર 561 તો અમદાવાદમાં સાત હજાર છ વપરાશકર્તા હતા. આ સિવાય ચંદીગઢ, પટણા અને દેશનાં અનેક નાનાં-મોટાં શહેરોમાં પણ તેના યૂઝર્સ હોવાનું બહાર આવ્યું હતું.
ઇમ્પૅક્ટ ટીમની અસર
ડૉક્યુમૅન્ટ્રીના રિપોર્ટ પ્રમાણે, પ્રારંભિક દિવસો દરમિયાન કંપનીએ ડૅટા ક્યાંથી લીક થયો અને કોણે કર્યો, તેની તપાસ કરવા માટે સ્પેનથી નિષ્ણાતોને બોલાવ્યા હતા. જેમને 'અંદરની વ્યક્તિ'નું કામ જણાય આવ્યું હતું.
કંપની સાથે કૉન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એક શખ્સે અગાઉ ગેરકાયદેસર રીતે કંપનીના નૅટવર્કને ઍક્સેસ કરવાની જવાબદારી સ્વીકારી, પરંતુ તેણે લીક પાછળ પોતાનો હાથ હોવાનો ઇન્કાર કર્યો હતો. એ પછી આ નિષ્ણાતોને લાગતું હતું કે ખુદ કંપનીના સીઈઓ નોએલ બિડરમૅને નૅગેટિવ પબ્લિસિટી માટે આમ કર્યું હોય શકે છે.
પરંતુ ડૅટા લીક થવાના એક અઠવાડિયા પછી તેમના વ્યક્તિગત ઇમેલ પણ સાર્વજનિક થઈ ગયા હતા, જેના કારણે તેમનું નામ પણ શંકાની પરિઘમાંથી બહાર નીકળી ગયું હતું.
તપાસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ, સાયબર સિક્યૉરિટીના નિષ્ણાતો અને પત્રકારોનું માનવું હતું કે ઇમ્પૅક્ટ ટીમ એ વાસ્તવમાં હૅકરોનો સમૂહ ન હતો, પરંતુ એક જ વ્યક્તિ હતી, કારણ કે જો એક કરતાં વધુ લોકો આ કામ સાથે જોડાયેલા હોત, તો પાંચ લાખ ડૉલરના ઇનામની લાલચે કોઈને કોઈ સગડ ચોક્કસથી મળ્યા હતો.
બીજું કે, કોઈપણ હૅકર ગ્રૂપ સામાન્ય રીતે એક જ ખુલાસો કરીને અટકી ન જાય, પરંતુ ઇમ્પેક્ટ ટીમે એક જ ખુલાસો કર્યો છે. બિડરમૅનના રાજીનામાં પછી તેમના નામ સાથે વ્યક્તિગત ટોણો પણ મારવામાં આવ્યો હતો. એથી એવી પણ શંકા ઊભી થઈ હતી કે આ ડૅટા લીકનો એકમાત્ર હેતુ નોએલની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકવાનો હતો.
બિડરમૅનનાં ઇમેલ્સ પરથી ખુલાસો થયો કે તેમણે નાની ઉંમરની છોકરીઓ મેળવવા માટે ઍસ્કૉર્ટ સર્વિસીઝને ઈમેલ કર્યા હતા. જ્યારે કંપની પ્રગતિપથ ઉપર અગ્રેસર હતી, ત્યારે અમાનદા અને નોએલ ટેલિવિઝનની ચર્ચાઓ દરમિયાન એકબીજા પ્રત્યે વફાદારીની વાત કરતાં, પરંતુ નોએલના અંગત ઈમેલમાં વિરોધાભાસ સાર્વજનિક થઈ ગયો હતો. નોએલના વકીલના મતે, ખુલાસા પછી પણ તેઓ 'સમર્પિત પતિ અને પિતા' છે. એ પછી બિડરમૅન બીજી કેટલીક ગૅમિંગ તથા ડૅટિંગ કંપનીઓ સાથે જોડાયા અને પરામર્શક સેવાઓ આપી.
ઍવિડ મીડિયા લાઇફે એક કરોડ 10 લાખ ડૉલર ચૂકવીને તેની ઉપર કેસ કરનારાઓ સાથે અદાલતની બહાર પતાવટ કરી લીધી. કંપની વેંચાઈ ગઈ. કથિત રીતે નવા મૅનેજમૅન્ટનો દાવો છે કે આજે વેબસાઇટ ઉપર આઠ કરોડ કરતાં વધુ વપરાશકર્તા છે.
'સારી વાત કરો કે ખરાબ વાત કરો, પરંતુ મારા વિશે ચર્ચા કરો.' નકારાત્મક પ્રસિદ્ધિ માટેનું આ વાક્ય કદાચ ઍશલી મૅડિસન માટે પણ સાચું ઠરે છે.