You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કુંવરજી બાવળિયાને મુખ્ય મંત્રી બનાવવાની ચર્ચા કેમ થઈ રહી છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં લોકસભા ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, એવામાં બીજી જુલાઈએ લખાયેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો અને ગુજરાતમાં રાજકારણમાં એક જુદી ચર્ચા થવા લાગી.
કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કુંવરજી બાવળિયાને મુખ્ય મંત્રી બનાવવાની માગ મૂકી.
આ દરમિયાન કુંવરજી બાવળિયા દિલ્હી ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
જોકે ગુજરાતમાં વર્તમાન સરકારમાં મુખ્ય મંત્રી બદલવાની ખાસ ચર્ચા તો આ એક પત્રથી થઈ છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોળી સમાજને પ્રાધાન્ય આપવાની દિશામાં આ "એક આગોતરા પગલા" સમાન છે.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
વડા પ્રધાનને લખેલામાં પત્રમાં શું છે?
કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવાની માગણી કરી હતી.
ભૂપત ડાભી ગુજરાત કોળી અને ઠાકોર નિગમના પૂર્વ અધ્યક્ષ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાભીએ પોતાના પત્રમાં લખ્યું, "ભારત દેશમાં ત્રીજી વખત વડા પ્રધાન બન્યા તે બદલ ગુજરાત કોળી સમાજનાં હાર્દિક અભિનંદન."
તેમણે પત્રમાં લખ્યું, "ગત લોકસભામાં સૌરાષ્ટ્રના કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. તો કોળી સમાજની માગણી છે કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીનું પદ કુંવરજી બાવળિયાને મળે. ગુજરાત રાજ્યમાં કોળી સમાજની વસ્તી 32 ટકા છે."
ભૂપત ડાભીની આ માગણી પાછળનાં કારણો જાણવા માટે બીબીસીએ તેમની સાથે વાત કરી હતી.
ભૂપત ડાભીએ બીબીસીને કહ્યું, "ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની સંખ્યા 32 ટકા જેટલી છે. ચૂંવાળિયા અને તળપદા કોળી ઉપરાંત ઠાકોર સમાજ લાંબા સમયથી ભાજપના પડખે રહ્યો છે. કોળી સમાજ માત્ર એક જિલ્લા પૂરતો સીમિત નથી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ છે ત્યારે ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે કોળી આગેવાનની નિમણૂક થવી જોઈએ."
તેમણે દાવો કર્યો કે "મેં આ નિર્ણય જાતે નથી લીધો, કોળી સમાજના નેતાઓને મળીને એમની લાગણી મોકલી છે. ગુજરાતમાં 250થી વધારે સરપંચ કોળી છે. અમે સર્વે કર્યો છે કે લોકોને કુંવરજી જેવા નેતા જોઈએ છે."
"મેં કોળી અને ઠાકોર સમાજને વધુ પ્રાધાન્ય મળે તે માટે માગણી કરી છે, જેમાં કંઈ ખોટું નથી."
કુંવરજી બાવળિયાને મુખ્ય મંત્રી બનાવવાની માગ કેમ ઊઠી?
અચાનક કોળી સમાજના આગેવાનને મુખ્ય મંત્રી બનાવવાની માગણી ઊઠવા પાછળ શું તર્ક છે?
બીબીસીએ આ પ્રશ્ન વરિષ્ઠ પત્રકાર અને રાજ્યના રાજકારણને નજીકથી જોનાર ગુણવંત ત્રિવેદીને પૂછ્યો.
ત્રિવેદીએ કહ્યું, "આ ઘટનાની ક્રૉનૉલૉજી સમજવી જરૂરી છે. અજિત પટેલે મે 2022માં કુંવરજીને કોળી સમાજના અધ્યક્ષપદ પરથી દૂર કર્યા. આ સમયે પૂર્વ સંસદસભ્ય દેવજી ફતેહપરાએ તેમને સમર્થન આપ્યું હતું. જોકે, ત્યાર બાદ થયેલા વિવાદને ડામીને કુંવરજી ફરીથી પ્રમુખ બન્યા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજની બેઠક થઈ હતી. આ બેઠકમાં કોળી સમાજને વધુ ટિકિટ આપવાની માગણી કરવામાં આવી હતી."
કુંવરજી બાવળિયા એક જુલાઈએ રાષ્ટ્રીય કોળી સમાજની મિટિંગમાં દિલ્હી ગયા હતા. તેઓ ત્યાં સીઆર પાટીલને મળ્યા અને બીજા દિવસે ભાવનગરનાં સંસદસભ્ય નીમુબહેન બાંભણિયા સાથેની ગ્રાહક સુરક્ષાની કેન્દ્રીય કક્ષાની બેઠકમાં પણ હાજર રહ્યા હતા.
તેમણે વડા પ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી.
વરિષ્ઠ પત્રકાર ત્રિવેદીએ જણાવ્યું કે કુંવરજીએ ત્રણ જુલાઈએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરી હતી. આ દરમિયાન રથયાત્રા પૂરી થયા પછી પણ ભાજપની બેઠકમાં નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત ન થઈ. 7મી જુલાઈના રોજ ભૂપત ડાભીએ લખેલો પત્ર અચાનક વાઇરલ થયો અને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું.
ત્રિવેદીએ ઉમેર્યું કે કુંવરજી ગુજરાતમાં એવા લોકપ્રિય નથી કે એમને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવે. આ રાજકીય હવા પ્રધાનમંડળના વિસ્તરણની વાતો સાથે વહેતી થઈ છે.
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા પણ ગુણવંત ત્રિવેદીની વાત સાથે સહમત જણાય છે.
તેમણે કહ્યું, "મંત્રીમંડળના વિસ્તરણને ધ્યાનમાં રાખીને આ ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે મૂળ કૉંગ્રેસી ગોત્ર ધરાવતા કુંવરજી બાવળિયાને મુખ્ય મંત્રી બનાવે તો ભાજપમાં મોટો ભડકો થાય. ભાજપમાં કોળી જ્ઞાતિને વધુ મહત્ત્વ મળે એ પ્રયાસ છે."
"ભૂતકાળમાં પરસોત્તમ સોલંકીએ ભાજપનો ગુજરાતમાં પાયો મજબૂત કર્યો હતો. તેમણે અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લામાં વર્ચસ્વ વધાર્યું છે ત્યારે આ કદાચ પરસોત્તમ સોલંકીને કદમાં વેતરવાના પણ સંકેત હોઈ શકે."
કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
કૌશિક મહેતાએ કહ્યું, "મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોળીની સંખ્યા અહીં વધારે છે. આ સંજોગોમાં કુંવરજીભાઈને ભાજપમાં કોઈ મોટી જવાબદારી મળે, પરંતુ મુખ્ય મંત્રી બનાવવાની સંભાવનાઓ ઓછી છે, કારણ કે બીજી તારીખે લખાયેલો પત્ર ભાજપની કારોબારીની બેઠક પછી સાતમી તારીખે વાઇરલ થાય એ વાત બતાવે છે કે આ કામ આયોજનપૂર્વક થઈ રહ્યું છે."
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ભૂતકાળમાં એક વાર પટેલ સમાજના મુખ્ય મંત્રી હોવા જોઈએ એવી માગણી ચીમનભાઈ પટેલ વખતે 1970ના દાયકામાં ઊઠી હતી. અમરસિંહ ચૌધરી આદિવાસી મુખ્ય મંત્રી હતી ત્યારે પક્ષમાં તેમનો વિરોધ થયો હતો."
"1989ના પરાજય પછી માધવસિંહ સોલકીને ફરીથી મુખ્ય મંત્રી બનાવવાની માગણી થઈ હતી અને તેઓ છ મહિના માટે 1990માં મુખ્ય મંત્રી બન્યા હતા."
તેઓ વધુમાં ઉમેરે છે, "કોળી સમાજે 2022માં વધારે ટિકિટો આપવાની માગણી કરી હતી, પણ મુખ્ય મંત્રી પદ માટે ક્યારેય માગણી થઈ નથી, કારણ કે આનંદીબહેન પટેલ પછી નીતિન પટેલ મુખ્ય મંત્રીના પદ માટે નક્કી ગણાતા હતા, પરંતુ રૂપાણી મુખ્ય મંત્રી બન્યા હતા. રૂપાણીની આખી કૅબિનેટને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ કોળી સમાજે આવી કોઈ માગણી કરી ન હતી."
જોકે, કુંવરજી બાવળિયાએ આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી છે.
બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું કૅબિનટ મંત્રીના પદથી સંતુષ્ટ છું. મેં કોઈની પાસે કોઈ માગણી કરી નથી. મેં મારા ખાતાના કેન્દ્રીય મંત્રીઓ સાથે દિલ્હીમાં મળી મારા વિભાગની કામગીરી સારી થાય એ વિશે વાત કરી હતી. પત્ર લખાયો તેની મને જાણ નથી. આ કોઈએ ઊભું કરેલું ગતકડું છે."
કોણ છે કુંવરજી બાવળિયા?
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા તેમના મામા કરમશી મકવાણાના કહેવાથી રાજકારણમાં આવ્યા હતા. બી.એસ.સી. અને બી.એડ. થયેલા કુંવરજીએ નોકરી છોડી દીધી હતી.
સ્વર્ગીય મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ જ્યારે કોળી કણબી (પટેલ) અને મુસ્લિમની થિયરી લઈને આવ્યા ત્યારે કરમશી મકવાણા તેમના સૌથી વિશ્વાસપાત્ર નેતા હતા.
કુંવરજી બાવળિયા 1990ના દાયકામાં જનતાદળમાંથી ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા હતા. ત્યાર બાદ ચીમનભાઈ પટેલે બાવળિયાને એસ.ટી. નિગમના ચૅરમૅન બનાવ્યા હતા.
કુંવરજી બાવળિયા ત્યાર બાદ કૉંગ્રેસમાં જોડાયા અને 1995માં ધારાસભ્ય બન્યા હતા. તેઓ સતત કૉંગ્રેસમાંથી ચૂંટાતા આવ્યા. કુંવરજી 2009માં પહેલી વખત સંસદની ચૂંટણી લડ્યા અને ભાજપ પાસેથી બેઠક ઝૂંટવી લીધી હતી.
કુંવરજી બાવળિયા 2018માં ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2018થી સપ્ટેમ્બર 2021 સુધી એટલે કે રૂપાણી સરકારનાં સામૂહિક રાજીનામાં સુધી તેઓ પાણીપુરવઠો અને ગ્રામ ગૃહનિર્માણના મંત્રી રહ્યા હતા.
તેઓ પાછલી ઘણી ચૂંટણીઓથી રાજકોટની જસદણ વિધાનસભા બેઠકથી ચૂંટાતા આવ્યા છે. આ સિવાય તેઓ રાજકોટથી સાંસદ પણ રહી ચૂક્યા છે.
તેઓ હાલમાં ગુજરાતની ભાજપ સરકારમાં કૅબિનેટ મંત્રી છે અને અખિલ ભારતીય કોળી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.