You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીની કૉંગ્રેસ ભવનમાં તોડફોડ બાદ તાત્કાલિક ગુજરાત મુલાકાત રાજકીય રીતે શું સૂચવે છે?
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
'ડરો નહીં, ડરાવો નહીં' એ નારા સાથે ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે પોસ્ટરમાં રહેલા રાહુલ ગાંધીના હાથમાં શિવજીનો ફોટો હતો, જે તેમણે લોકસભામાં પણ બધાને દેખાડ્યો હતો.
રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી બાદ પહેલી વાર શનિવારે ગુજરાત આવ્યા ત્યારે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને 'શિવભક્ત' ગણાવ્યા હતા.
આ મુલાકાત અગાઉ અમદાવાદમાં આવેલા રાજીવ ગાંધી ભવન પર તોડફોડની ઘટના ઘટી હતી અને કૉંગ્રેસે ભાજપના કાર્યકરો પર તોડફોડનો આરોપ લગાવ્યો હતો. તો સામે પક્ષે ભાજપે કૉંગ્રેસ પર પથ્થરમારો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
કૉંગ્રેસ ભવનમાં આ તોડફોડ થઈ એ અગાઉ રાહુલ ગાંધીએ લોકસભામાં ‘ભાજપ અને હિન્દુ, હિન્દુત્વ’ મુદ્દે એક નિવેદન આપ્યું હતું, જેનો ભાજપના નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રાહુલ ગાંધીએ સંસદમાં જે પ્રકારે હિન્દુ વિશે નિવેદનો કર્યાં હતાં તેના વિરોધમાં બજરંગદળના કાર્યકર્તાઓએ અમદાવાદમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.
રાહુલ ગાંધીએ ગુજરાત આવીને કૉંગ્રેસના કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો અને ભાજપને ગુજરાતમાંથી ઉખાડી ફેંકવાનો દાવો પણ કર્યો હતો.
ગુજરાતમાં કૉંગ્રેસ ભવનમાં તોડફોડ બાદ રાહુલ ગાંધીની મુલાકાતને રાજકીય વિશ્લેષકો આગામી ચૂંટણીઓના સંદર્ભમાં ‘એક તક’ના રૂપમાં પણ જોઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં શું કહ્યું?
ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે માત્ર એક બેઠક (બનાસકાંઠા) જીતી છે અને આ જીત બાદમાં કૉંગ્રેસ પક્ષમાં એક પ્રકારનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે કૉંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ શરૂ થયો છે અને શરૂઆતમાં રાહુલ ગાંધીએ કરી છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કૉંગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં ભાજપને હરાવશે, જે દાવો એમણે લોકસભામાં પણ કર્યો હતો.
રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે આપણા ભવનમાં તોડફોડ કરીને આપણને પડકાર ફેંક્યો છે અને હવે આપણે ભાજપને હરાવવાનો છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "તેમણે આપણા કાર્યાલયને તોડ્યું છે, મેં વિચાર્યું કે તક મળી ગઈ. હવે આપણે તેમને પાઠ ભણાવવાનો છે. જે પ્રકારે તેમણે આપણું કાર્યાલય તોડ્યું છે, હવે આપણે તેમની સરકાર તોડવા જઈ રહ્યા છીએ."
"તમને અંદાજ હતો કે અયોધ્યામાં ભાજપ હારશે? એ લોકો જેવી રીતે અયોધ્યામાં હાર્યા એ જ રીતે અહીં પણ હારશે. તમારે બસ ગુજરાતના લોકોને એક જ વાત કહેવાની છે કે તમે ડર્યા વગર લડશો તો ભાજપ સામે ઊભો નહીં થાય."
રાહુલ ગાંધીએ ગુજરાત પર ફોકસ કેમ વધાર્યું?
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અને કૉંગ્રેસની વર્તમાન સ્થિતિ અને આગામી રણનીતિને સમજાવતા રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા બીબીસી સાથે વાત કરતા કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો રાજકીય સત્તા તરફનો ઉદય ક્યાંથી થયો એ સમજવું જોઈએ. એમાં ગુજરાતનું ખૂબ મોટું યોગદાન છે.
"જો ગુજરાતમાં હિન્દુત્વની લૅબોરેટરી સફળ ન રહી હોત તો બીજાં રાજ્યોમાં ભાજપને જે પગપેસારો કરવા મળ્યો એ ન મળ્યો હોત. જો આવું ન થયું હોત તો ભાજપે જે સત્તા હાંસલ કરી છે એને એ કયારેય ન મળી હોત."
"આજે દેશનાં તમામ રાજ્યોમાં હિન્દી બેલ્ટ, થોડાં ઉત્તરનાં રાજ્યો સિવાય ભાજપનો ખાસ ક્યાંય દબદબો રહ્યો નથી. જ્યારે કૉંગ્રેસ એક સમયે સમગ્ર દેશમાં પથરાયેલી હતી એ પણ હિન્દી રાજ્યો પૂરતી (દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારને બાદ કરતા) સીમિત થઈ ગઈ છે, ત્યાં એની થોડી ઘણી પણ હાજરી હજુ છે. તો આવા સમયે કૉંગ્રેસે ફરી બેઠું થવું હોય, સત્તામાં ફરી આવવું હોય તો હિન્દી બેલ્ટ, મહારાષ્ટ્ર, ગુજરાત જેવાં રાજ્યો પર કબજો જમાવવો પડે."
"જો તમે ગુજરાતમાં ફરી કબજો મેળવી શકો, ભાજપને અહીં હલાવી શકો તો કહી શકાય કે એક વટવૃક્ષનાં મૂળિયાં તમે હલાવી દીધાં. જો એ કરવામાં કૉંગ્રેસ સફળ થાય તો કૉંગ્રેસ માટે અઘરું નથી. ગુજરાત કરતાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, ઉત્તરપ્રદેશમાં જાતિગત સમીકરણો કે જાતિવાદ મૂળિયાં એટલાં મજબૂત છે કે તેના આધારે કૉંગ્રેસને ફરી બેઠું થવું અઘરું નથી."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીનું ગૃહરાજ્ય ગુજરાત છે અને અહીંથી તેઓ કેન્દ્રમાં સત્તાસ્થાને પહોંચ્યા છે.
હરેશ ઝાલા કહે છે, "એટલા માટે રાહુલ ગાંધી ગુજરાતને ટાર્ગેટ કરે છે. પાર્ટી નેતૃત્વ, એના રણનીતિકારને એ અહેસાસ થયો કે જો તમે ગુજરાત કબજે કરો, ગુજરાતમાં ભાજપને હલાવો તો સીધો ઘા નરેન્દ્ર મોદી પર થાય અને એટલા માટે ગુજરાત પર ફોકસ કરતા હોય એવું દેખાય છે."
ગુજરાતમાં કૉંગ્રેસ સત્તાથી દૂર અને આશાનો નવસંચાર
ગુજરાતમાં વિધાનસભાની વાત કરીએ તો કૉંગ્રેસે અંદાજે 30 વર્ષથી સત્તાથી બહાર છે અને ગત 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન (17 બેઠક) રહ્યું હતું. ત્યાર પછી પણ કૉંગ્રેસના ચાર સભ્યોએ રાજીનામાં આપ્યાં અને પછી ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા છે. કૉંગ્રેસ પાસે હાલમાં વિધાનસભાના બાર ધારાસભ્યોનું સંખ્યાબળ છે.
ગુજરાતમાં તાજેતરમાં રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગનો મુદ્દો પણ કૉંગ્રેસે ઉઠાવ્યો છે અને પીડિતોને ન્યાય માટેનું આંદોલન છેડ્યું છે.
આ સિવાય કૉંગ્રેસ મોરબી, સુરત તક્ષશિલા, વડોદરા હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને પણ ન્યાય માટે લડી રહી છે. રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી.
કૉંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે હરેશ ઝાલા કહે છે, "રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ડર કાઢી નાખો. તમારા મનમાંથી ભાજપનો ડર કાઢી નાખો તો એને હરાવવો અઘરું નથી, એટલે માનસિક વૉર ચાલુ કરી છે. એટલે તેમણે (રાહુલ ગાંધી) પોતાના નેતાઓ, કાર્યકરોને માનસિક રીતે તૈયાર કરવાનું શરૂ કર્યું છે. એટલે એમણે ભાજપનો ડર કાઢી નાખવા માટે બીજ રોપ્યું છે, જો હવે તેઓ બીજને સીંચી શકે તો લડવા માટે સેનાને તૈયાર કરી શકે. એક વાર સેના લડવા તૈયાર થાય તો એ કામ અઘરું નથી."
"કૉંગ્રેસની જે નબળાઈઓ, ગુજરાત કૉંગ્રેસની જે નબળાઈઓ છે એની સમજ પડી ગઈ છે. સવાલ એ છે કે ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે એ તાલમેલ જમાવી શકે છે કે કેમ. જો એ શક્ય બને તો આજે તેઓ જે શબ્દો બોલ્યા છે એ 2027ની ચૂંટણીમાં પરિણામમાં પરિવર્તિત થતા વાર ન લાગે."
રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને કાર્યકરોના જોશ ભરવાના સંદર્ભમાં જુએ છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "ગુજરાતમાં બજરંગદળે તેમના પર હુમલો કર્યો કે રાહુલ ગાંધી હિન્દુ નથી, હિન્દુવિરોધી છે. તેમણે હિન્દુઓનું અપમાન કર્યું છે. અગાઉ તેઓ જલદી પ્રત્યુત્તર નહોતા આપતા, પણ આનો જવાબ આપવામાં રાહુલ ગાંધીએ મોડું કર્યું નથી. જ્યાં તે થયું ત્યાં (અમદાવાદ) તેઓ ગયા છે. એ દર્શાવવાની કોશિશ છે કે તેઓ તેમના સમર્થકો સાથે છે."
"પાર્ટી સાથે ઊભા રહેવું એ દર્શાવે છે કે અમે ગુજરાતમાં પણ તમને (ભાજપ) આડે હાથ લેશું. ગુજરાતમાં તમને માત આપીશું. કાર્યકરોનો તેનાથી ઉત્સાહ વધે છે કે અમારો નેતા અમારી સાથે ઊભો છે."
રાહુલ ગાંધીની સક્રિયતા અંગે તેઓ કહે છે, "રાહુલ ગાંધીનું લોકસભાનું ભાષણ દર્શાવે છે કે તેમને લોકોએ જે મેન્ટેડ આપ્યો છે, તેને તેઓ ગંભીરતાથી લઈ રહ્યા હતા. એટલે કે હવે તેઓ સરકારને સવાલ કરી રહ્યા છે."
તેઓ એમ પણ કહે છે કે "લોકસભામાં શિવજીનો ફોટો લઈ જવાની શી જરૂર હતી? વાસ્તવિક મુદ્દાઓ કોરાણે ન મુકાઈ જાય એનું પણ રાહુલ ગાંધીએ ધ્યાન રાખવું પડશે."
નીરજા ચૌધરી કહે છે કે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ અને હિન્દુત્વના મુદ્દા પર વધુ ભાર આપવો એ પણ એક સવાલ છે.
ગુજરાત કૉંગ્રેસની નબળાઈ અંગે રાહુલ શું બોલ્યા?
ગુજરાત કૉંગ્રેસમાં સમયાંતરે નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ અને સંગઠનની નબળાઈઓની ચર્ચા પણ થતી રહેતી હોય છે.
રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં કહ્યું કે "મારા રૂમમાં આવીને કૉંગ્રેસના કાર્યકરો મને કહે છે કે તમે જે કર્યું છે એ અમને સારું લાગ્યું નથી. અમારો કાર્યકર અમને વાત કરતા ડરતો નથી."
રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસની ખામીઓ અંગે કહ્યું કે "એવું પણ નથી કે ગુજરાત કૉંગ્રેસમાં ખામીઓ નથી. એક કૉંગ્રેસ કાર્યકરે મને કહ્યું કે બે પ્રકારના ઘોડા હોય છે. એક રેસનો ઘોડો હોય છે અને બીજો લગ્નનો ઘોડો હોય છે. ક્યારેક ક્યારેક કૉંગ્રેસ પાર્ટી એવું કરે છે કે રેસના ઘોડાને લગ્નમાં અને લગ્નના ઘોડાને રેસમાં લગાવી દે છે. આ બંધ કરવું જોઈએ. આપણે ગુજરાતમાં આ કરવાનું છે."
રાહુલ ગાંધીનો આ ઈશારો ચૂંટણી લડતા ઉમેદવારો, સંગઠનશક્તિમાં યોગ્ય નેતાની પસંદગી વગેરે તરફ હતો.
તેમણે અમદાવાદમાં સ્વીકાર્યું કે "અમે ગત (2022 વિધાનસભા) ચૂંટણીમાં ભાજપ સામે યોગ્ય રીતે ચૂંટણી લડ્યા નથી, પણ હવે પૂરો જોમ સાથે લડવાનું છે."
રાહુલ ગાંધીની મુલાકાત પર ભાજપે શું કહ્યું?
તો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર ઇફકોના ચૅરમૅન અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને સવાલો ઉઠાવ્યા છે.
તેમણે સ્થાનિક મીડિયાના પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધી છે. રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુત્વ વિરોધી નિવેદન આપ્યું છે. તેઓ બસ મીડિયામાં ચમકવા માટે ગુજરાત આવ્યા છે."
લોકસભામાં રાહુલ ગાંધીએ જ્યારે નિવેદન આપ્યું એ સમયે ગુજરાત ભાજપે ટ્વીટ કરતા લખ્યું હતું, "રાહુલજી તમારે તમારી આંખોને ગંગાજળથી સાફ કરવાની જરૂર છે. તમે પહેલાં હિંદુઓને હિંસક કહો છો અને ભાજપના કાર્યકર્તા જ્યારે શાંતિપૂર્વક આ વાતનો વિરોધ કરવા માટે કૉંગ્રેસના કાર્યાલય પર જાય છે ત્યારે તમારા કાર્યકર્તા તેમના પર પથ્થરોથી હુમલો કરે છે. તમે અને તમારા નેતા બંધારણને હાથમાં લઈને જુઠ્ઠું બોલે છે, પરંતુ આખા દેશને ખબર છે કે ઇમરજન્સી કોણે લગાવી હતી, કોણે બંધારણ પર હુમલો કર્યો હતો અને કોણે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કોણે હિન્દુઓને હિંસક કહ્યા હતા? ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ભાજપની સાથે હતું, છે અને હંમેશાં રહેશે."
રાહુલ ગાંધીના લોકસભાના ભાષણની ચર્ચા
રાહુલ ગાંધીએ લોકસભાના સત્રને સંબોધતી વખતે ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે "આપણા મહાપુરુષોએ એ સંદેશ આપ્યો છે – ડરો નહીં, ડરાવો નહીં. શિવજી કહે છે – ડરો નહીં, ડરાવો નહીં અને ત્રિશૂળને જમીનમાં ખોંપી દે છે. બીજી તરફ જે લોકો (ભાજપની સામે જોતા) પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા-હિંસા....નફરત-નફરત-નફરત... તમે હિંદુ છો જ નહીં. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઈએ."
ભાજપ સાથે હિંદુને સાંકળીને રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "આ વિષય અતિ ગંભીર છે. સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો એ ગંભીર વિષય છે."
જોકે, તરત વચ્ચે બોલતા કહ્યું કે "નરેન્દ્ર મોદીજી તમે સમગ્ર હિંદુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિંદુ સમાજ નથી. આરએસએસ સમગ્ર હિંદુ સમાજ નથી."
ગૃહની બહાર એનડીએ સરકારના ઘણા મંત્રીઓ રાહુલ ગાંધીના નિવેદનની ટૂંકી ક્લિપ્સ શેર કરીને તેમના પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવ્યા હતા.