અગ્નિવીર અજયના મૃત્યુ બાદ પરિવારને કેટલા પૈસા મળ્યા? રાહુલ ગાંધી અને રાજનાથસિંહમાંથી કોણ સાચું?

    • લેેખક, ગુરમિંદર ગ્રેવાલ
    • પદ, બીબીસી પંજાબી માટે

“તેઓ અગ્નિવીર હતા તો તેમને સીમા પર દુશ્મનોની સામે તહેનાત કેમ કર્યા?”

પંજાબના લુધિયાણામાં આવેલા રામગઢ સરદાર ગામનાં બખ્શો દેવી જ્યારે આ સવાલ પૂછે છે ત્યારે તેમના ચહેરા પર પીડા, ગુસ્સો અને નારાજગીનો ભાવ દેખાય છે.

બખ્શો દેવીના ભાઈ અજયકુમાર અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં ભરતી થયા હતા. જાન્યુઆરી 2024માં જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં એક લૅન્ડમાઇન વિસ્ફોટમાં તેમનું મૃત્યુ થયું હતું.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે 18મી લોકસભાના પહેલા સત્રમાં અગ્નિપથ યોજનાના મુદો ઉઠાવ્યો હતો. આ સાથે જ અજયકુમારના પરિવારની પીડા ફરીથી તાજી થઈ ગઈ.

અજયકુમારના પિતા ચરણજિતસિંહને આજે પણ તે ક્ષણ યાદ છે જ્યારે 19 જાન્યુઆરીની દુખી સાંજે તેમને દીકરાના મૃત્યુના સમાચાર મળ્યા હતા. દીકરાનું મૃત્યુ એક વૃદ્ધ પિતા માટે દુખોના પહાડ જેવું હતું.

ચરણજિતસિંહે કહ્યું, “એ સાંજે મને ફોન આવ્યો કે એક લૅન્ડમાઇન વિસ્ફોટમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે, જેમાં તમારો દીકરો પણ સામેલ છે.”

ચરણજિતસિંહને છ દીકરી છે, જેમાંથી ચારનાં લગ્ન થઈ ગયાં છે. અજયકુમાર સૌથી નાના હતા.

પરિવારને અત્યાર સુધી કેટલી આર્થિક મદદ મળી?

પરિવારને મળેલી આર્થિક મદદ વિશે ચરણજિતસિંહે કહ્યું કે તેમના પરિવારને પંજાબ સરકાર તરફથી એક કરોડ રૂપિયાની મદદ મળી છે. પંજાબ સરકાર પોતાના રાજ્યના દરેક સૈનિકના મૃત્યુ પર તેમના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ કરે છે.

કેન્દ્ર સરકાર તરફથી મળેલી મદદ વિશે ચરણજિતસિંહે કહ્યું કે સેના તરફથી તેમને હાલમાં 48 લાખ રૂપિયા મળ્યા હતા.

જોકે, ચરણજિતસિંહ કેન્દ્ર સરકારથી નારાજ છે. તેમણે કહ્યું, “કેન્દ્ર સરકારે અમને ન તો કોઈ શોકપત્ર આપ્યો કે ન કોઈ આશ્વાસન આપ્યું કે તમારો પુત્ર સીમાની સુરક્ષા માટે ગયો હતો.”

ચરણજિતસિંહની માગ છે કે અગ્નિવીર યોજનાને રદ કરવામાં આવે. પરિવારનું કહેવું છે કે રક્ષામંત્રી રાજનાથસિંહે સંસદમાં જે દાવો કર્યો છે તે સાચો નથી. અમને થોડાક દિવસો પહેલાં જ 48 લાખ રૂપિયા મળ્યા છે.

“પરિવારને કોઈ પેન્શન આપવામાં ન આવ્યું અને સૈનિકની શહીદી પછી મળતી મદદ પણ મળી નથી. અમારા દીકરાના મૃત્યુ પર કેન્દ્ર સરકારે અમને આશ્વાસન પણ આપ્યું નથી.”

સંસદમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?

સોમવારે સંસદમાં બોલતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું, “થોડાક દિવસો પહેલાં હું પંજાબના એક નાનકડા ઘરમાં અગ્નિવીરના એક પરિવારને મળ્યો હતો. અગ્નિવીર જવાન લૅન્ડમાઇન વિસ્ફોટમાં શહીદ થઈ ગયા. હું એ જવાનને ‘શહીદ’ કહી રહ્યો છું, પરંતુ ભારત સરકાર તેમને ‘શહીદ’ કહેતી નથી.”

રાહુલે કહ્યું, “નરેન્દ્ર મોદી તેમને શહીદ કહેતા નથી, અગ્નિવીર કહે છે. તેમને પેન્શન નહીં મળે, વળતર નહીં મળે અને શહીદનો દરજ્જો પણ નહીં મળે.”

વિપક્ષના નેતાએ કહ્યું, “સામાન્ય જવાનોને પેન્શન મળશે. ભારત સરકાર સામાન્ય જવાનની મદદ કરશે, પરંતુ અગ્નિવીરને જવાન ગણતી નથી. અગ્નિવીર યૂઝ ઍન્ડ થ્રો મજૂર છે.”

“તમે તેમને છ મહિનાની ટ્રેનિંગ આપો, એક ચીની જવાનને પાંચ વર્ષની ટ્રેનિંગ મળે છે. રાઇફલ લઈને તેમની સામે ઊભા રહી જાઓ. બંને જવાનોમાં ફર્ક કરો. એકને શહીદનો દરજ્જો મળશે અને બીજાને નહીં.”

રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે રાહુલ ગાંધી ખોટાં નિવેદનો આપીને સંસદને ખોટા રસ્તે દોરી રહ્યા છે.

રાજનાથસિંહે કહ્યું કે યુદ્ધ દરમિયાન અને સીમાની રક્ષા દરમિયાન જ્યારે કોઈ અગ્નિવીર જવાન ‘શહીદ’ થાય છે તો તેમના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે.

મંગળવારે સંસદમાં બોલતી વખતે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના નિવેદનને ભ્રામક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ રીતે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.

અજયકુમારના પિતા ચરણજિતસિંહ રાજનાથસિંહના નિવેદનથી સહમત નથી.

ચરણજિતસિંહે કહ્યું, “કેન્દ્ર સરકાર અને ભારતીય સેના પાસેથી અમને એક કરોડ રૂપિયાની રકમ મળી નથી અને તેમને પેન્શન જેવા લાભ પણ મળી નથી રહ્યા. અમારી માગ છે કે અમને આ સુવિધાઓ મળે.”

રાહુલ ગાંધીની પરિવાર સાથે મુલાકાત

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ 29 મેના રોજ અજયકુમારના પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી. તેમણે પરિવારના સભ્યોના ખબરઅંતર પૂછ્યા હતા.

ચરણજિતસિંહનું કહેવું છે કે રાહુલ ગાંધી જ્યારે તેમના ઘરે આવ્યા ત્યારે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ (ગાંધી) અગ્નિવીર યોજનાને રદ કરી નાખશે. તેમણે સ્થાનિક સંસદસભ્ય અમરસિંહને પણ કહ્યું હતું કે પરિવારનું ધ્યાન રાખજો.

અજયકુમારનાં બહેન બખ્શો દેવીએ કહ્યું, “મારા ભાઈએ કાયમી ભરતી માટે તૈયારી કરી હતી. જોકે, કોવિડને કારણે પરીક્ષા ન થઈ અને તેઓ અગ્નિવીર યોજનામાં સામેલ થઈ ગયા.”

તેમણે જણાવ્યું કે લગભગ છ-સાત મહિનાની ટ્રેનિંગ પછી તેઓ ઑગસ્ટમાં ઘરે આવ્યા હતા. ત્યાર બાદ તેમને જમ્મુ-કાશ્મીરમાં તહેનાત કરવામાં આવ્યા હતા. છ મહિનાની અંદર તેમના મૃત્યુના સમાચાર મળ્યા.

ભારતીય સેનાની વેબસાઇટ પ્રમાણે, અગ્નિવીર યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ માટે ભારતીય સેનામાં ભરતી કરવામાં આવે છે.

ચાર વર્ષ પછી આ યુવાનોમાંથી 25 ટકા લોકોને નિયમિત ભરતીના ભાગરૂપે નોકરી આપવામાં આવે છે. આ યોજના હેઠળ ભરતી કરવામાં આવેલા યુવાનોનો શરૂઆતમાં વાર્ષિક પગાર ચાર લાખ 76 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને સેવા પૂરી થતા સમયે છ લાખ 92 હજાર સુધી પહોંચે છે.

તેમને ચાર વર્ષ પછી 11 લાખ 71 હજારનું વળતર આપવામાં આવે છે. મૃત્યુના સંજોગમાં 48 લાખ રૂપિયાનો જીવનવીમો આપવામાં આવે છે. સેવા દરમિયાન મૃત્યુ થવા પર 44 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા ગ્રાન્ટ આપવાની જોગવાઈ છે.

પોતાની સેવા દરમિયાન કોઈ 100 ટકા વિકલાંગ થઈ જાય તો તેમને 44 લાખ રૂપિયા, 75 ટકા વિકલાંગ થાય તો 25 લાખ રૂપિયા અને 50 ટકા વિકલાંગ થાય તો 15 લાખ રૂપિયા મળે છે.

ફરજ દરમિયાન જીવ ગુમાવનાર અગ્નિવીરને સરકાર તરફથી 44 લાખ રૂપિયા અને સેવાના બાકીના સમયનો આખો પગાર આપવાની જોગવાઈ છે. તેમના માટે રૅશન, યુનિફૉર્મ અને ભાડામાં છૂટછાટ જેવી જોગવાઈઓ પણ છે.

સેનાએ શું કહ્યું?

સેનાએ બુધવારે ઍક્સ પર જાહેર કરેલી એક પોસ્ટમાં આ મામલે પોતાની વાત મૂકી હતી.

સેના તરફથી કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ થકી માહિતી મળી છે કે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર અજયકુમારના પરિવારને વળતર આપવામાં આવ્યું નથી.

સેનાએ નિવેદનમાં કહ્યું, “ભારતીય સેના અગ્નિવીર અજયકુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. (તેમના) અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્યસન્માન સાથે કરવામાં આવ્યા હતા. અગ્નિવીર અજયના પરિવારને અપાતી કુલ રાશિમાંથી અગાઉ જ 98 લાખ 39 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે.”

“અગ્નિવીર યોજનાની જોગવાઈ પ્રમાણે, લગભગ 67 લાખ રૂપિયા અને બીજા લાભો પોલીસ વેરિફિકેશેન પછી તરત જ ફાઇનલ ઍકાઉન્ટ સેટલમેન્ટ કરીને આપવામાં આવશે. કુલ રકમ લગભગ એક કરોડ 65 લાખ થશે. શહીદ થયેલા સૈનિકોના પરિવારોને આપવામાં આવતું ભથ્થું તત્કાળ આપવામાં આવે છે, જેમાં અગ્નિવીર પણ સામેલ છે.”

અગ્નિપથ યોજના શું છે?

ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ યુવાઓ ચાર વર્ષ માટે ભારતીય સેનામાં સામેલ થઈ શકે છે, જેમને અગ્નિવીર કહેવામાં આવે છે.

આ ચાર વર્ષ દરમિયાન તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. ચાર વર્ષ પછી તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. જોડાયેલા યુવાનોના 25 ટકા લોકો સેનામાં સામેલ થઈ શકે છે. આ યુવાનોની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઇએ.

આ માટે 12મું ધોરણ પાસ કરવું જરૂરી છે. જોકે, કોઈ યુવાને દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હોય તો તેમને બારમા ધોરણની પરીક્ષા આપતાં પહેલાં પણ અગ્નિવીર યોજનામાં સામેલ કરી શકાય છે, પરંતુ તેમને પરીક્ષા પાસ કરવી પડે છે.

કેન્દ્ર સરકારે જૂન 2022માં અગ્નિપથ યોજનાની જાહેરાત કર્યા બાદ સેનામાં સામેલ થવાની ઇચ્છા ધરાવતા યુવાનોએ દેશના કેટલાય ભાગોમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. આ યોજનાના નિયમો અને યોજના હેઠળ મળતી સુવિધાને લઈને કેટલાક રાજકીય પક્ષો અને યુવાઓ નિરાશ હતા.

ભારતીય સંસદમાં વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન અગ્નિવીર યોજનાનો વિરોધ કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન અને સંસદના પ્રથમ સત્રમાં વિપક્ષનાં દળોએ દાવો કર્યો છે કે તેમની સરકાર બનશે તો અગ્નિવીર યોજનાને રદ કરવામાં આવશે.

બીજી તરફ સરકાર આ યોજનાને ભારતીય સેનાની ક્ષમતાને સુધારશે તેવી વાત કરી રહી છે. જોકે, કેટલાક રક્ષા વિશેષજ્ઞો પણ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.