કેરળમાં પ્રિયંકા, યુપીમાં રાહુલઃ કૉંગ્રેસનો દાવ કેટલો અસરકારક?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે

દિલ્હીની સત્તા પર જવાનો રસ્તો જ્યાંથી થઈને જાય છે એવું જે રાજ્ય માટે મનાય છે તે ઉત્તર પ્રદેશમાં મહત્ત્વની કહેવાતી જીતનો સ્વાદ ચાખ્યાં બાદ કૉંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને વાયનાડ બેઠક છોડીને રાયબરેલી બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહ્યું છે. પક્ષના આ નિર્ણયને હવે વ્યૂહાત્મક રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે.

2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીએ 52 બેઠકો જીતી હતી. તેની સરખામણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં લગભગ બમણી એટલે કે 99 બેઠકો જીતવાનો શ્રેય રાહુલ ગાંધીના 'ગેઇમ ચેન્જિંગ' કૅમ્પેન 'ભારત જોડો યાત્રા' અને 'ન્યાય યાત્રા'ને આપવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે તેના કારણે પાર્ટી લોકો સુધી સીધી રીતે જોડાઈ ગઈ.

આ બધું એક અસરકારક ઝુંબેશમાં ફેરવાઈ ગયું જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે બંધારણમાં ફેરફાર કરવામાં આવશે જેથી દલિતોને અનામત ન મળે. રાહુલ ગાંધીના આ કૅમ્પેન સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત ખુદ મેદાનમાં ઉતર્યા હતા.

બીજી પાર્ટીઓના નેતાઓ સાથે ગાઢ સંબંધો બનાવીને ‘ઇન્ડિયા’ ગઠબંધન માટે આક્રમક રીતે પ્રચાર કરવાના કારણે પણ રાહુલ ગાંધીના કદમાં પણ વધારો થયો છે.

જાણીતા રાજકીય વિશ્લેષક આનંદ સહાય બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "આજે કૉંગ્રેસમાં રાહુલ ગાંધીની એ સ્થિતિ છે જે ભાજપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છે. આજે રાહુલ ગાંધી પણ એ આવેગથી વાત કરી શકે છે, જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરે છે. શું તમને લાગે છે કે ભાજપ તેનો અસ્વીકાર કરી શકે છે? રાહુલ ગાંધીનો પણ તેમના પક્ષમાં મોદી જેટલો જ પ્રભાવ છે.”

પ્રિયંકા ગાંધીને ચૂંટણીલક્ષી રાજકારણમાં ઉતારવાના નિર્ણયને પણ યોગ્ય માનવામાં આવી રહ્યો છે. તેનાથી દક્ષિણ ભારત સાથે ગાંધી પરિવારનું જોડાણ જળવાઈ રહેશે. કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં કૉંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. દ્રવિડ રાજકારણની ઓળખ ધરાવતાં તામિલનાડુમાં પણ પાર્ટીએ પોતાનો આધાર જાળવી રાખ્યો છે.

રાજકીય વિશ્લેષક એમજી રાધાક્રિષ્ણન બીબીસીને જણાવે છે કે, "પ્રિયંકા ગાંધી માટે આ ખૂબ જ સરળ રસ્તો બની રહેશે. આ નિર્ણયથી જો કોઈને મુશ્કેલી થશે તો એ ડાબેરી પક્ષો છે, જેમને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે."

રાહુલ ગાંધી માટે પડકારો

પરંતુ કૉંગ્રેસ પક્ષનો આ નિર્ણય ઉત્તર પ્રદેશમાં સંગઠનને પાયાના સ્તરથી ઊભા કરવાના એક અત્યંત જટિલ પડકાર સાથે સરખાવવામાં આવે છે, જ્યાં લોકસભાની 80 બેઠકો છે. કેરળમાં લોકસભાની 20 બેઠકો છે. ઉત્તર પ્રદેશમાં મેળવલ જીતના કારણે કૉગ્રેસ માટે ઉત્તર ભારતના એ રાજ્યો માટે રસ્તા ખુલી ગયા છે જ્યાં પાર્ટી અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે.

લખનઉ સ્થિત રાજકીય વિશ્લેષક શરત પ્રધાન બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "રાહુલ ગાંધી માટે વાસ્તવિક પડકાર 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં કૉંગ્રેસ પાર્ટીને તૈયાર કરવાનો છે. પરિણામ મેળવવા માટે તેમની પાસે માત્ર ત્રણ વર્ષ છે. આ એક એવું રાજ્ય છે જ્યાં પાર્ટીએ વારંવાર પ્રમુખો બદલ્યા છે, જેનાથી પક્ષની છબી ખરડાઈ છે.

જ્યારે ‘ન્યાય યાત્રા’ પોતાની ચરમ સીમાએ હતી ત્યારે શરત પ્રધાને બીબીસીને કહ્યું હતું કે યાત્રા ભલે સારી રીતે ચાલી રહી છે પરંતુ જમીની સ્તરે જનતા સુધી સંદેશ પહોંચાડવા માટે કોઈ કાર્યકર્તા નથી.

તેઓ વધુમાં કહે છે, “કૉંગ્રેસ પાર્ટીમાં કોઈ વ્યવસ્થાતંત્ર નથી. માત્ર 'વર્ડ ઑફ માઉથ' દ્વારા એટલે કે વાત કરીને રાહુલ ગાંધી દલિતો સાથે સંવાદ કરી રહ્યા હતા કે જો ભાજપને મોટી બહુમતી મળશે તો તે બંધારણ બદલી નાખશે. આ એક ગેમ ચેન્જર સાબિત થયું.”

લોકસભાની ચૂંટણી પહેલાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં પ્રવાસ કરનાર આનંદ સહાયે જે દાખલો આપ્યો તે શરત પ્રધાનના તર્કને આગળ લઈ જાય છે.

આનંદ સહાય કહે છે કે, "કૉંગ્રેસ માટે જે કૅડરે કામ કર્યું છે તે ઇન્ડિયા ગંઠબંધનના સહયોગી પક્ષ સમાજવાદી પાર્ટીનો કૅડર હતી. પોતાના જીવનમાં આ પહેલી વખત છે જ્યારે રાહુલ ગાંધીએ આટલી ધમાકેદાર ઍન્ટ્રી કરી છે. રાહુલ ગાંધીના પ્રચારને યુપીમાં અનુભવી શકાતો હતો. મેં આરએસએસના કેટલાક લોકો સાથે વાત કરી હતી જેમનું કહેવું હતું કે કે તેઓ કૉગ્રેસ અથવા સમાજવાદી પાર્ટીને વોટ આપવા માગતા નથી. તેઓ નરેન્દ્ર મોદીને વોટ કરવાની જગ્યાએ નોટાનું બટન દબાવશે. પરંતુ જોવા જેવી વાત એ છે કે તેઓ પણ સ્વીકારતા હતા કે રાહુલ ગાંધી જે કહી રહ્યા છે તે સાચું છે.”

આનંદ સહાય દેશમાં કૉંગ્રેસ પાર્ટીની નિરાશાજનક સ્થિતિ તરફ પણ ધ્યાન દોરે છે.

તેઓ કહે છે કે, "કૉંગ્રેસ પાર્ટીનો દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતમાં જનાધાર છે પરંતુ રાજસ્થાનને બાદ કરતા ઉત્તર ભારત કે પૂર્વ ભારતમાં ક્યાંય પણ નથી. મધ્ય પ્રદેશમાં હિંદુત્વ આધારિત સાંસ્કૃતિક ક્રાંતિએ પોતાની જગ્યા બનાવી લીધી છે જેના કારણે કૉંગ્રેસ છેલ્લાં 20 વર્ષથી અહીં હારનો સામનો કરી રહી છે.''

કેવી રીતે થયો રાહુલ ગાંધીને ફાયદો

લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ કર્ણાટકમાં પાર્ટીને નિરાશા હાથ લાગી છે. 2023માં વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ કર્ણાટકમાં સત્તામાં આવી હતી. રાજ્યમાં રાહુલ ગાંધીની ટીકા કરનાર સિવિલ સોસાયટીએ પણ આ વખતે તેમને અલગ દ્રષ્ટિકોણથી જોયા.

વ્યૂહરચનાના ભાગરૂપે રાહુલ ગાંધીએ શરૂઆતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેની ટીકા થઈ હતી. ઘણાને આશ્ચર્ય થયું હતું કે ગાંધી પરિવારની વ્યક્તિ જાતિવાદ વિશે કેમ વાત કરી રહી છે. પરંતુ તેનાથી પાર્ટીએ ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઓબીસી મતો અંકે કર્યા, જે ઘણાં વર્ષોથી પ્રાદેશિક પક્ષો પાસે જતા હતા.

સામાજિક ધરીને કૉંગ્રેસના મૅનિફેસ્ટો સાથે જોડવાની રાહુલની ક્ષમતાએ પક્ષની સંભાવનાઓને મજબૂત અને જરૂરી બળ પુરું પાડ્યું છે.

રાહુલ ગાંધીના પ્રચારનો લાભ યુપીમાં સહયોગી દળ સમાજવાદી પાર્ટીને પણ થયો છે.

શરત પ્રધાન કહે છે કે, "રાહુલ ગાંધીના પ્રચાર વગર અખિલેશ યાદવને કંઈ ન મળ્યું હોત. આપણે એ ન ભૂલવું જોઈએ કે જ્યારે ભાજપ સરકાર લોકો સામે બુલડોઝર ચલાવી રહી હતી ત્યારે અખિલેશ યાદવ ચૂપ હતા.”

પરંતુ રાહુલ ગાંધીની સામે એક મુશ્કેલ કામ છે.

શરત પ્રધાન કહે છે કે, "જો કૉંગ્રેસ યુપીમાં મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે તો તે તલવારની ધાર પર ચાલવા જેવી બાબત હશે. સમાજવાદી પાર્ટી સંકોચાઈ જશે અને આ વાત અખિલેશ યાદવ પણ જાણે છે.

શું વાયનાડની જનતા સાથે છેતરપિંડી થઈ છે?

એક પણ રાજકીય વિશ્લેષકે એવું કહ્યું નથી કે રાહુલ ગાંધીનું વાયનાડ બેઠક પરથી રાજીનામું આપવાથી પ્રિયંકા ગાંધીની રાજકીય સફરમાં મુશ્કેલી ઊભી થશે.

કૉંગ્રેસ પાર્ટીએ પહેલાં રાહુલ ગાંધીને મેદાનમાં ઊતાર્યા અને હવે પ્રિયંકા ગાંધીને ઊતારવાની છે. શું વાયનાડની જનતાને એવું નહીં લાગે કે પક્ષને અમારી કદર નથી?

શરત પ્રધાન કહે છે, “એક રીતે જોઈએ તો આ પ્રશ્નનો જવાબ છે હા. પરંતુ જનતાને એ કહેવામાં પણ ગર્વની અનુભૂતિ થાય છે કે દેશના સૌથી મોટા રાજકીય પરિવારના સભ્યો કેરળથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ કૉંગ્રેસનો મજબૂત ગઢ છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા માત્ર વાયનાડ સુધી સીમિત નથી. કેરળમાં મોટી સંખ્યામાં મલયાલી મતદારો કૉંગ્રેસને મત આપે છે.”

રાજકીય વિશ્લેષક એમજી રાધાકૃષ્ણન કહે છે, “જોવાની વાત છે કે પ્રિયંકા ગાંધીની જીતનું અંતર કેટલું રહે છે.”

2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 4.31 લાખ મતથી જીત મેળવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને 3.64 લાખ મતથી જીત મળી છે.

સહાય કહે છે, “ગાંધી પરિવારનું નામ ચાલે છે. ભલે રાહુલ ગાંધી મલયાલમ ભાષામાં વાત કરતા નથી પરંતુ તેઓ એક બ્રાન્ડ છે. આ મૂલ્યવાન છે.”

પ્રધાન કહે છે, “ જોવા જઈએ તો બંને ભાઈ અને બહેન સાથે કૉંગ્રેસ પાર્ટી આખા દેશને કવર કરી લેશે.”