મોદી સરકાર ગઠબંધનમાં કેટલી બંધાયેલી રહેશે?

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડા પ્રધાન બનીને ઇતિહાસ રચવાના છે.

અગાઉ આવું એક જ વખત થયું છે. બ્રિટિશ શાસનથી આઝાદી મેળવ્યા પછી જવાહરલાલ નેહરુ 16 વર્ષ સુધી આઝાદ ભારતના વડા પ્રધાન રહ્યા હતા.

જોકે, નરેન્દ્ર મોદીની જીતમાં તેમના પક્ષની 63 બેઠકો પર થયેલી હાર પણ સામેલ છે. આપબળે સરકાર ન બનાવી શકવાને કારણે તેઓ તેમના સહયોગી પક્ષો પર સંપૂર્ણપણે આશ્રિત છે.

નરેન્દ્ર મોદીએ તેમની રાજકીય કારકિર્દીમાં ક્યારેય ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું નથી. ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા ત્યારે પણ નહીં કે કેન્દ્રમાં છેલ્લા બે કાર્યકાળમાં પણ નહીં. બીજી તરફ કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધનને અપેક્ષા કરતાં વધારે બેઠકો મળી છે.

મજબૂત વિરોધ પક્ષ સામે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની નબળી સ્થિતિને ધ્યાનમાં લેતાં પક્ષમાં તેમજ સરકાર ચલાવવામાં સ્થિરતા જાળવી રાખવાનું કામ એક પડકાર હશે.

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીના પરિણામને વડા પ્રધાનની નૈતિક હાર ગણાવ્યું હતું અને પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું, “દેશે મોદીજીને કહ્યું છે કે અમને તમે જોઈતા નથી.”

ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીની માફક 2024ની ચૂંટણી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ લડી હતી. મતવિસ્તારના ઉમેદવારનો ઉલ્લેખ હોય કે ન હોય, નરેન્દ્ર મોદીનો ચહેરો દરેક પોસ્ટર પર હતો.

ચૂંટણીપ્રચાર દરમિયાન દરેક જાહેર સભામાં તેમણે “મોદી કી ગૅરન્ટી” નારાનો પુનરોચ્ચાર કર્યો હતો. પાછલા દાયકા દરમિયાન તેમની સરકાર દ્વારા અમલી બનાવાયેલી નીતિઓ ચાલુ રહે એ પોતે સુનિશ્ચિત કરશે, તેવું વચન આપ્યું હતું.

તેથી આ પરિણામ તેમની રાજકીય પ્રતિષ્ઠાને ઘટાડનારા હોવાનું માનવામાં આવે છે.

ન્યૂઝ વેબસાઇટ ધ વાયરનાં તંત્રી સીમા ચિશ્તીએ બીબીસીને કહ્યું હતું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબિને ધક્કો લાગ્યો છે. અત્યાર સુધી લોકોનો બહુમત મળવાને કારણે ભાજપના હિન્દુત્વ પ્રોજેક્ટને એક કાયદેસરતા મળી રહી હતી. તેથી હવે પક્ષ આપબળે સરકાર બનાવી શકે તેમ નથી એટલે આ એક મોટું પરિવર્તન છે.”

ભાજપનાં પાંચ વર્ષના કાર્યકાળમાં મીડિયાને દબાવવાના અને વિરોધ પક્ષને નિશાન બનાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

મોદી સરકારના મુસ્લિમ વિરોધી માનવામાં આવતા નાગરિકત્વ કાયદાઓ સીએએ-એનઆરસી સામે વ્યાપક વિરોધપ્રદર્શન થયું હતું અને ખેડૂતોના આંદોલન બાદ કૃષિકાયદા પાછા લેવા પડ્યા હતા.

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે એક ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન ચૂંટણી પરિણામને “તંત્ર પર લોકોની જીત” ગણાવ્યું હતું.

મોદી અજેય નથી

આમ છતાં નરેન્દ્ર મોદી પક્ષના કાર્યકરોને સંબોધન કરવા ભાજપની ઑફિસે પહોંચ્યા ત્યારે જોરશોરથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફૂલોનો વરસાદ થયો હતો અને ‘જય શ્રી રામ’ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. તેમના મનમાં આગામી કાર્યકાળ બાબતે કોઈ ચિંતા છે કે કેમ તે જાહેર થયું ન હતું.

તેમણે આ પરિણામને દુનિયાની સૌથી મોટી જીત ગણાવ્યું હતું અને કહ્યું હતું, “આ મને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે.”

નરેન્દ્ર મોદી માટે આગામી સમય નવો અને મુશ્કેલ હોઈ શકે છે. પહેલી વાર ગઠબંધન સરકાર ચલાવવા માટે વધારે મહેનતની જરૂરનો ઇનકાર પણ કરી શકાય નહીં.

આ ચૂંટણી પહેલાં ભાજપે તેના સૌથી જૂના સહયોગી પક્ષ અકાલી દળનો સાથ ગુમાવ્યો હતો અને બીજા જૂના સાથી પક્ષ શિવસેનાના બે ભાગલા કરી નાખ્યા હતા.

તેનાથી પક્ષના તેના નાના સહયોગી પક્ષો પ્રત્યેના વલણનો ખોટો દાખલો બેઠો છે.

અંગ્રેજી દૈનિક ધ હિન્દુ બિઝનેસ લાઇનનાં પૉલિટિકલ ઍડિટર પૂર્ણિમા જોશીએ બીબીસીને કહ્યું હતું, “નરેન્દ્ર મોદીની રાજકીય પ્રતિષ્ઠામાં મોટો ઘટાડો થયો છે અને હવે તેઓ પાછલા બે કાર્યકાળની માફક એકતરફી નીતિઓ બનાવવા અને નિર્ણયો કરવાની સ્થિતિમાં નહીં હોય.”

પૂર્ણિમા જોશીના કહેવા મુજબ, ભાજપ દ્વારા મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવતાં નિવેદનો ખુલ્લેઆમ કરવાના પાછલાં દસ વર્ષના વલણમાં પણ ગઠબંધનના દૌરમાં અંકુશ લાગી શકે છે.

લઘુમતી મુસલમાન

2024ની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત મુસલમાન સમુદાય વિરુદ્ધ બોલ્યા હતા અને તેમણે ‘ઘૂસણખોર’ પણ કહ્યા હતા.

એક જાહેર સભામાં તેમણે લોકોને કહ્યું હતું કે હવે તેમણે ‘વોટ જેહાદ’ અને ‘રામરાજ્ય’ વચ્ચે પસંદગી કરવાની છે.

એક મુસ્લિમ સ્ત્રીએ બીબીસીને કહ્યું હતું, “હવે કશું છુપાયેલું નથી. બધાની સામે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે છે.”

જોકે, હિન્દી બેલ્ટ કહેવાતા ઉત્તર ભારતના વિસ્તારોમાં મંદિર અભિયાનના કેન્દ્ર અયોધ્યા-ફૈઝાબાદમાં પણ ભાજપનો પરાજય થયો છે.

પક્ષના ધાર્મિક ધ્રુવીકરણના પ્રચારે વિરોધ પક્ષના ટેકેદારોને જોડવાનું કામ કર્યું અને ધર્મનિરપેક્ષ ભારત માટે બંધારણને બચાવવાની વિરોધ પક્ષની અપીલ માટે લોકોએ મતદાન કર્યું.

સીમા ચિશ્તીને આશા છે કે “તેઓ 2014ની ચૂંટણી અચ્છે દિનના વાયદા સાથે લડ્યા હતા. 2019ની ચૂંટણી બાલાકોટ હુમલા મારફત પાકિસ્તાનને કરેલા નુકસાનના મુદ્દે અને 2024ની ચૂંટણી મંગલસૂત્ર, મટનના નામે મુસ્લિમોને નિશાન બનાવીને લડ્યા હતા. લોકોએ તેમને નકાર્યા એ બહુ મોટી વાત છે.”

રામમંદિર અને અનુચ્છેદ 370 પછી ભાજપનો ત્રીજો સૌથી મહત્ત્વનો મુદ્દો તમામ ધર્મના લોકો માટે સમાન નાગરિક સંહિતા કે યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી) અમલી બનાવવાનો છે.

લૈંગિક સમાનતાના વચનવાળા યુસીસી વિશે લઘુમતી સમુદાયોના મનમાં એવી શંકા છે કે યુસીસી તેમના રીત-રિવાજો અને જીવન જીવવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે.

નરેન્દ્ર મોદીએ તેમના આ ત્રીજા કાર્યકાળમાં યુસીસી સહિતની કોઈ નીતિ અમલી બનાવતા પહેલાં પોતાના સાથી પક્ષોના સામાજિક-આર્થિક એજન્ડાને ધ્યાનમાં રાખીની સહમતિ સાધવી પડશે.

ખાસ કરીને જનતા દળ યુનાઇટેડની સમાજવાદી વિચારધારાને કારણે મોટા ઉદ્યોગપતિને પ્રોત્સાહિત કરતી નીતિઓનો અમલ મોદી સરકાર માટે હવે મુશ્કેલ બની શકે છે.

દેશમાં અત્યારે લોકોની આવકમાં અસમાનતા ચરમસીમા પર છે અને દેશની મોટા ભાગની સંપત્તિ કેટલાક લોકો પાસે જ છે.

રાજકીય સ્થિરતા

ગઠબંધનના સાથી પક્ષોની જ નહીં, પોતાના પક્ષની અંદર ઊઠતા અવાજને પણ નરેન્દ્ર મોદીએ સાંભળવા પડે તે શક્ય છે.

પૂર્ણિમા જોશીએ કહ્યું હતું, “નરેન્દ્ર મોદીએ આ અગાઉની ચૂંટણીમાં મળેલા મજબૂત સમર્થનના બળે એકતરફી નિર્ણયો કર્યા હતા, પક્ષના વરિષ્ઠ નેતાઓને હટાવ્યા હતા અને લશ્કરી જનરલના આદેશને સૈન્ય અનુસરતું હોય તેમ પક્ષે તેમની પાછળ ચાલવું પડ્યું હતું.”

નરેન્દ્ર મોદી આવતા વર્ષે 75 વર્ષના થઈ જશે, જેને તેમણે પોતે જ ભાજપમાં નિવૃત્તિની વય જાહેર કરી હતી.

અલબત્ત, હવે તેઓ એ વાતથી પલટી ચૂક્યા છે અને તાજેતરની ચૂંટણી જાહેરસભાઓમાં કહી ચૂક્યા છે કે તેમને “પરમાત્માએ મોકલ્યા છે,” પરંતુ પક્ષમાં તેમના ટોચના પદે ટકી રહેવા બાબતે સવાલ ઉઠાવવામાં આવે એવી શક્યતાને નકારી શકાય નહીં.

આઝાદી

આ વેળાની ચૂંટણીમાં મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસ ગત વેળાની 53 બેઠકો પરની જીતને લગભગ બમણી કરવામાં સફળ થયો છે.

પરિણામ જાહેર થયા પછીની પત્રકારપરિષદમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બંધારણની એક નકલ હાથમાં લઈને જણાવ્યું હતું કે બંધારણને બચાવવા માટે દેશના સૌથી ગરીબ અને પછાત નાગરિકોએ વિરોધ પક્ષને મત આપ્યા છે.

ઇન્ડિયા અલાયન્સનો સૌથી મોટો પક્ષ હોવાને કારણે કૉંગ્રેસ અને બીજા વિરોધ પક્ષોનો અવાજ હવે સંસદમાં બુલંદ થવાની શક્યતા છે.

વિરોધ પક્ષોએ આ પહેલાં તેમની રાજ્ય સરકારોની નાણાકીય મદદ રોકવાનો આક્ષેપ ભાજપ પર કર્યો હતો.

ચૂંટણી પરિણામમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી હવે તેમને દેશનો સંઘીય ઢાંચો વધારે મજબૂત થવાની આશા છે.

ભાજપ પર ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાનો, મીડિયા પર દબાણ લાવવાનો અને પૈસાના લોભ અને તપાસના ડરથી રાજકીય નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

સીમા ચિશ્તીએ કહ્યું હતું, “આ બધું હોવા છતાં વિરોધ પક્ષ આટલું કરી શક્યો છે તો મને આશા છે કે તે છિન્નભિન્ન થયેલા ભારતીય સમાજને સાથે લાવવાનું વાતાવરણ બનાવશે.”

ટીવી અને ડિજિટલ મીડિયા પર સરકારી નિયંત્રણ વધારી શકાય એ કાયદો ફરી લાવવાનો પ્રયાસ ભાજપ ત્રીજા કાર્યકાળમાં કરે તે શક્ય છે.

મુખ્યધારાના મીડિયા પર, મોટી કંપનીઓ દ્વારા ખરીદવાને પગલે સરકાર સામે ઘૂંટણિયે પડવાના કે તેમના દબાણ હેઠળ કામ કરવાના આક્ષેપો થતા રહ્યા છે.

યોગેન્દ્ર યાદવને આશા છે કે ભાજપના ત્રીજા કાર્યકાળમાં એ દબાણમાં ઘટાડો થશે. તેમણે કહ્યું હતું, “મીડિયા હવે જાગશે અને પોતાનો અવાજ ફરી ઉઠાવશે, તેવી મને આશા છે.”