You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૈતર વસાવા : મજબૂત ગણાતા આપના નેતા ભરૂચમાં કેમ હાર્યા? છતાં તે ભાજપ માટે પડકાર કેમ મનાય છે?
- લેેખક, શીતલ પટેલ અને રૂપેશ સોનવણે
- પદ, ભરૂચથી બીબીસી ગુજરાતી માટે
આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને તમામ 26 લોકસભા બેઠકો જીતવા માટે પડકારરૂપ બનનારા ગણતરીના ઉમેદવારોમાંથી એક હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા.
જોકે, ચૈતર વસાવાની સામે સતત સાતમી વખત ભાજપના ઉમેદવાર બનેલા મનસુખ વસાવા 85,696 મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા છે. મનસુખ વસાવાને કુલ 6,08,157 મતો મળ્યા, જ્યારે ચૈતર વસાવા 5,22,461 મતો જ મેળવી શક્યા હતા.
નોંધપાત્ર બાબત એ છે કે ભરૂચ બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભારત આદિવાસી પાર્ટીના દિલિપ છોટુભાઈ વસાવા પણ હતા, જે ભરૂચના આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર છે. જોકે દિલિપ વસાવાને આ બેઠક પર માત્ર દસ હજાર મતો મળ્યા છે. જ્યારે ભરૂચ બેઠક પર ‘નોટા’ (નન ઑફ ધ અબાઉ)ના વિકલ્પને 23,283 મતો મળ્યા છે.
બીબીસી ગુજરાતીએ ભરૂચના રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરીને આ ચૈતર વસાવાની હાર અને મનસુખ વસાવાની જીત અને તેમને મળેલી વિજયી સરસાઈમાં નોંધપાત્ર ઘટાડા પાછળનાં કારણો જાણ્યાં.
આ વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો મનસુખ વસાવાની જીત કરતાં ચૈતર વસાવાની હારને ભાજપ માટે ભવિષ્યના એક પડકારરૂપે જોઈ રહ્યા છે. જ્યારે ચૈતર વસાવાની હાર માટે વિશ્લેષકો કૉંગ્રેસની નિષ્ક્રિયતા અને આદિવાસી વિસ્તારો સિવાયના વિસ્તારોમાં ચૈતર વસાવાના ઓછા પ્રભાવને કારણરૂપ માને છે.
ભરૂચની બેઠક માટે કેવો જંગ રહ્યો?
ગત બે લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર ફેરવીએ તો ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરી હતી. સમગ્ર દેશમાં ભાજપ માટે ચૂંટણીની દૃષ્ટિએ ‘અતિશય મજબૂત’ ગણાતાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. પરંતુ ગત બે લોકસભાની ચૂંટણીની સરખામણીએ ગુજરાતમાં વિપક્ષે મજબૂતીથી મુકાબલો કર્યો હોવાનું પ્રથમ દૃષ્ટિએ ફલિત થાય છે.
ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. 23 બેઠકો પર કૉંગ્રેસના અને બે બેઠકો પર આપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને મળેલી બે બેઠકોમાંથી એક બેઠક હતી ભરૂચ લોકસભાની બેઠક.
ગુજરાતની આ લોકસભા બેઠક પર આપના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવાએ પોતાના પ્રચાર, લોકપ્રિયતા અને લડાયક મિજાજથી ચૂંટણી દરમિયાન ખૂબ ચર્ચા જગાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ચૂંટણીનાં પરિણામોમાં ચૈતર વસાવા તેમના મજબૂત પાસાં છતાં જીત મેળવી શક્યા નથી.
ચૈતર વસાવા જીત્યા નહીં પણ મનસુખ વસાવાની સરસાઈ ઘટાડી
વર્ષ 1989થી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે તથા 1998થી મનસુખ વસાવા ભાજપના સાંસદ તરીકે અહીંથી આસાનીથી ચૂંટાઈ આવતા હતા. ઉત્તરોતર ગત બે લોકસભાની ચૂંટણીમાં તેમની જીતના માર્જિનમાં પણ વધારો થયો હતો.
વર્ષ 2019માં તેઓ ભરૂચથી 3.34 લાખ કરતાં પણ વધુ મતોથી વિજયી બન્યા હતા.
જોકે, આ લોકસભામાં તેમની જીતનું માર્જિન ઘટ્યું છે અને તેઓ માત્ર 85,696 મતોથી વિજયી બન્યા છે.
‘ઇન્ડિયા’ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની આદિવાસી સમાજમાં લોકપ્રિયતા તેમના પક્ષે મોટું જમા પાસું હતી. તેઓ સ્વયં પણ આદિવાસી સમાજના નેતા ગણાય છે.
આ સિવાય કૉંગ્રેસ સાથે થયેલા ગઠબંધનને કારણે મુસ્લિમ મતો પણ તેમની તરફેણમાં જશે એમ મનાતું હતું. અહીં ઉલ્લેખનીય છે ભરૂચ લોકસભા ગુજરાતની એવી એકમાત્ર બેઠક છે જેમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં હોય.
આ કૉમ્બિનેશન તેમના પક્ષમાં જતું હોવા છતાં પણ મનસુખ વસાવાની 2019ની વિજયી સરસાઈને તેઓ ઘટાડી શકશે કે કેમ એ મોટો પ્રશ્ન હતો. જોકે ચૂંટણીનું પરિણામ દર્શાવે છે કે ચૈતર વસાવાએ મનસુખ વસાવાના વિજયની સરસાઈ નોંધપાત્ર રીતે ઘટાડવામાં સફળ રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે કે, "ભરૂચમાં ભલે ચૈતર વસાવા ન જીત્યા પરંતુ ભાજપની લીડ અતિશય ઘટી છે. 2019ની ચૂંટણીમાં 3.34 લાખની સરસાઈ સામે આ વખતે ભાજપ માત્ર 85 હજાર મતે જ જીત્યો છે. આમ આદમી પાર્ટીએ પ્રચાર પણ ઘણો સારો કર્યો હતો અને ગઠબંધન પણ કર્યું હતું. પરંતુ પ્રાથમિક તારણો પરથી એવું લાગી રહ્યું છે કે કેટલાંક પૉકેટ્સ કે જ્યાં ચૈતર વસાવાને મતો મળી શકે તેમ હતા ત્યાં પ્રચાર થઈ શક્યો ન હતો અને કેટલાક વિસ્તારોમાં કૉંગ્રેસ તરફથી પણ કચાશ રહી ગઈ હોય તેવું લાગે છે."
ચૈતરને કૉંગ્રેસનું પૂરતું સમર્થન ન મળ્યું?
જ્યારથી ચેતર વસાવા ભરૂચથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારથી કૉંગ્રેસમાં નારાજગીનો સૂર જોવા મળી રહ્યો હતો. આ બેઠક માટે કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે સતત દાવો કર્યો હતો અને તેમણે જાહેરમાં નારાજગી પણ વ્યક્ત કરી હતી. આથી કૉંગ્રેસના અનેક સ્થાનિક નેતાઓ પણ ચૈતર વસાવાની ઉમેદવારીથી નારાજ હોય તેવું માનવામાં આવતું હતું.
ભરૂચના પત્રકાર જીગર દવે ચૈતર વસાવાની હારમાં કૉંગ્રેસની ભૂમિકા વિશ્લેષણ કરતાં કહે છે, "આ બેઠક પર ચૂંટણી દરમિયાન કૉંગ્રેસની નિષ્ક્રિયતા જોવા મળી, ઇન્ડિયા ગઠબંધન હતું તે ગઠબંધન ભરૂચ બેઠક પર દેખાયું નહોતું. આથી ચૈતર વસાવા પોતાની તાકાત અને આમ આદમી પાર્ટીના આધારે જ અહીં ચૂંટણી લડ્યા હતા. કૉંગ્રેસને પણ એવો ભય હોઈ શકે કે જો ચૈતર વસાવા જીતી જાય તો આ ચૂંટણીમાં તો કૉંગ્રેસ બૅલેટપેપર પરથી ગઈ છે, પરંતુ પછી ભરૂચમાંથી જ તેનું નામોનિશાન નીકળી જશે."
ચૂંટણી પહેલાં કથિતપણે વનવિભાગના અધિકારીઓને ધમકાવવાના મામલામાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જ્યારે જેલમાં બંધ હતા ત્યારે જ તેમના સમર્થનમાં કેજરીવાલે રેલી પણ યોજી હતી.
સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ આક્રમક જોવા મળ્યા હતા. તેમણે સતત ચૈતર વસાવા પર પ્રહારો કર્યા હતા અને વાકયુદ્ધ ચાલુ રહ્યું હતું.
ચૈતર વસાવા જ્યાંથી ધારાસભ્ય છે એ ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 84 ટકા મતદાન થયું હતું જ્યારે આદિવાસી બહુલ ઝઘડિયામાં 77.36 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. જોકે તેનો પૂરતો લાભ ચૈતર વસાવાને મળી શક્યો નથી. જ્યારે ભાજપ માટે ફાયદાકારક ગણાતા શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થયું હતું પરંતુ એ એકતરફી ભાજપ તરફ થયું હોવાનું મનાય છે.
જીગર દવે ભાજપ તરફી મતદાનમાં મનસુખ વસાવાની ભ્રષ્ટાચારમુક્ત સ્વચ્છ છબીની સાથે સાથે યુવા મતદારોના માનસની પણ ભૂમિકા હોવાનું કહે છે. તેમણે કહ્યું, "હું વ્યક્તિગત રીતે માનું છું કે ભરૂચમાં મનસુખ વસાવા નથી જીત્યા, ભાજપનું બૅનર અને નરેન્દ્ર મોદીનું બ્રાન્ડિંગ જીત્યું છે. ભરૂચમાં છેલ્લી ત્રણ ટર્મમાં એક લાખ દસ હજાર જેટલા યુવા મતદારો ભરૂચમાં ઉમેરાયા છે, તેમને તો ભાજપ વિશે જ ખબર છે. "
"તેમને જ્યારથી મતાધિકાર મળ્યો છે, ત્યારથી તેમણે ભાજપને જ જોયો છે. એટલે એ લોકોના મગજમાં બીજો કોઈ વિકલ્પ પણ નથી. તેમના મગજમાં જે બાબત મનોવૈજ્ઞાનિક રીતે ફિટ થઈ છે તેને આધારે જ મત આપ્યા છે. આ ઉપરાંત મનસુખ વસાવાની સ્વચ્છ છબી પણ તેમને મદદરૂપ બની છે."
જોકે, ચૈતર વસાવાની હાર પાછળ ભરૂચના વરિષ્ઠ પત્રકાર તરુણ બૅન્કર તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવાના અનુભવની ઊણપને પણ કારણ માને છે. તેમણે કહ્યું, "ચૈતર વસાવા પાસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભા જેવી પ્રમાણમાં નાની ચૂંટણીઓ લડવાનો અનુભવ છે, પરંતુ લોકસભાની ચૂંટણી ખૂબ મોટી હોય છે અને તેનો અનુભવ તેમની પાસે ઓછો પડ્યો."
બૅન્કર પણ કૉંગ્રેસે ચૈતરનું પૂરેપૂર સમર્થન ન કર્યું હોવાના કારણને અનુમોદન આપે છે. તેમણે કહ્યું, "ભરૂચમાં મુસ્લિમ સમુદાયના મતોની સંખ્ય લગભગ સાડા ત્રણ લાખથી ચાર લાખ જેટલી છે. કૉંગ્રેસના નેતા અહમદ પટેલના પુત્ર કે પુત્રી માટે કોઈને ટિકિટ ન મળી તેથી તેમની નારાજગી પણ ચૈતર વસાવાને નડી હોય તેમ પણ બને."
મનસુખ વસાવા નરેન્દ્ર મોદી અને ભાજપને લીધે જીત્યા?
જોકે તરુણ બૅન્કરના મતે ચૈતર વસાવા હારી ગયા હોવા છતાં પણ જીતી ગયા છે. તેમણે કહ્યું, "ચૈતર વસાવાએ છ-છ ટર્મથી જીતી રહેલા ભાજપના ઉમેદવારની સરસાઈ જે રીતે ઘટાડી દીધી છે તે જોતાં એક પ્રકારની જીત જ છે. ભાજપ માટે આ એક સંકેત છે કે ભવિષ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં આ ગઠબંધન રહ્યું તો એ ભાજપને ચોક્કસ નડશે."
તેઓ મનસુખ વસાવાની જીત પાછળનું મુખ્ય પરિબળ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને જ ગણાવે છે. તેમણે કહ્યું, "મનસુખભાઈની જીતનું સૌથી મોટું પરિબળ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી જ છે. તેમની સામે (પક્ષમાં જ) વિરોધનું વાવાઝોડું તૈયાર હતું. એ વિરોધ એમના સ્વભાવને કારણે જ હતો. મનસુખભાઈ નરેન્દ્ર મોદી અને ભાજપને કારણે જ જીત્યા છે."
"કોઈને પણ જાહેરમાં ગાળ દઈ દેવી કોઈને પણ ગમે તેમ ઉતારી પાડવા એ એમનો સ્વભાવ બની ગયો હતો. એટલે ઘણા કાર્યકર્તાઓ પણ નારાજ હતા. એટલે ભાજપનું નામ, નરેન્દ્ર મોદીની છબી અને ભરૂચ તથા અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારોને કારણે જ તેમની જીત થઈ છે."
રાજકીય વિશ્લેષક નરેશ ઠક્કર કહે છે, "મનસુખભાઈ સામે પક્ષમાં તેમના સ્વભાવને કારણે અસંતોષ અને વિરોધ હતો. સામે ચૈતર વસાવાએ પણ ખૂબ જ મુશ્કેલ અને મજબૂત પ્રતિકાર કરીને ચૂંટણીમાં લડત આપી છે. હવે ચૈતર ભરૂચમાં એક મજબૂત નેતા તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે."
ચૈતર વસાવા હાર વિશે અને મનસુખ વસાવા જીત માટે શું કહ્યું?
ચૈતર વસાવાએ પોતાની હારને સહજતાથી સ્વીકાર કરી છે. તેમણે ભરૂચના મતગણતરી કેન્દ્રની બહાર મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "અમે ભરૂચની જનતાએ આપેલા જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. આ સંસદીય ક્ષેત્ર અમારા માટે નવું હતું, છતાંય આટલા મોટા વિસ્તારના તમામ લોકોના સમુદાયે અમને જે સહકાર આપ્યો છે, અમને નેતા તરીકે સ્વીકાર્યા તે બદલ તેમનો આભાર પણ માનીએ છીએ."
તેમણે ઉમેર્યું, "અમે ઇન્ડિયા ગઠબંધન હેઠળ તમામ સાથીઓ આ ચૂંટણી એવી સરસ રીતે લડ્યા છીએ કે સામેની ભાજપની પાર્ટી અને તેમના ઉમેદવાર પાંચ લાખની લીડની વાત કરતા હતા તેમને એક લાખની નીચે લાવી દીધા છે. એજ અમારી મોટી જીત છે."
"આવનાર દિવસોમાં પણ અમે ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહીશું. લોકોના જે પણ પ્રશ્નો છે, તેમને વાચા આપવાનું કામ કરીશું. અને આજે જે રિઝલ્ટ આવ્યું છે, તે જનતાના જનાદેશનો સ્વીકાર કરીને આનાથી પણ વિશેષ રીતે આવનારી ચૂંટણી લડીશું. આ ચૂંટણી અને જીતવા માટે લડ્યા હતા પરંતુ હવે તેમાંથી શીખીશું, તેનું એનાલિસિસ કરીશું."
તેમણે કૉંગ્રેસનાં સંગઠન તથા મુમતાજ પટેલે તેમને આપેલાં સહકાર બદલ આભાર પણ માન્યો હતો.
તો બીજી તરફ મનસુખ વસાવાએ કહ્યું, "ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ વિધાનસભાઓમાં સખત મહેનત કરી છે. અમાને થોડું ડૅમેજ ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાં થયું છે, ત્યાં અમારી કોઈ ક્ષતિ રહી ગઈ હશે તો અમે તેની સમીક્ષા કરીને તેને દૂર કરીશું. એ વિસ્તારમાં વિકાસનાં કામો બાકી રહી ગયાં હશે તેને ભારત સરકારની યોજનાઓ સાથે વિકાસનાં કામો પૂરાં કરીશું."
અહમદ પટેલનાં પુત્ર-પુત્રીએ વ્યક્ત કરી હતી નારાજગી
ગુજરાતમાં કૉંગ્રેસ-આપના ગઠબંધન પર સહમતી સધાયા બાદ ભાવનગર અને ભરૂચ એમ બે બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી.
નોંધનીય છે કે ભરૂચ બેઠક કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલની બેઠક તરીકે ઓળખાતી આવી છે.
વર્ષ 1977થી 1984 સુધી અહમદ પટેલ કૉંગ્રેસની ટિકિટ પર આ બેઠક પર લોકસભા ચૂંટણીમાં દબદબો યથાવત્ રહ્યો હતો.
જોકે, ફેબ્રુઆરી 2024માં કૉંગ્રેસ અને આપની સમજૂતી બાદ આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવાતાં અહમદ પટેલનાં સંતાનોએ 'દુ:ખ' વ્યક્ત કર્યું હતું.
કૉંગ્રેસ નેતા અને પિતા અહમદ પટેલ બાદ ભરૂચ બેઠક માટે કૉંગ્રેસનાં પ્રબળ દાવેદાર મનાતાં મુમતાઝ પટેલે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં પાર્ટીના આ નિર્ણય વિશે કહ્યું હતું કે, "દુ:ખ તો ઘણું થયું અને હતાશા પણ. પરંતુ જો દેશહિતમાં વિચારીને જે પણ નિર્ણય ગઠબંધન કમિટીએ લીધો છે, એનું અમે સન્માન અને પાલન કરીએ છીએ."
આ નિર્ણય અંગે ફેરવિચારણા કરવા માટે પાર્ટીને વિનંતી કરવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે, "આ તમામ નિર્ણયો પર અમારી ચર્ચા થઈ ચૂકી છે. અમે પાર્ટીના સંપર્કમાં રહ્યાં હતાં. પાર્ટીએ જે નિર્ણય કર્યો એ સમજી, વિચારીને જ કર્યો હશે. અમે આ નિર્ણયથી દુ:ખી છીએ, છતાં તેને સ્વીકારીએ છીએ."
ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા માટે પ્રચાર કરવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે, "પાર્ટી અમને આ સંદર્ભે જે દિશામાં આદેશ આપશે, અમે એ દિશામાં જ આગળ વધશું."
આ વાતચીતમાં તેમણે ભરૂચ પોતાના પિતાની અને પરિવારની પરંપરાગત બેઠક હોવાના દાવાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "લોકો કહે છે કે 1989 બાદ તો તમારા પિતા અહીંથી જીત્યા નહોતા, તો પછી આ તમારી પરંપરાગત બેઠક કેવી રીતે થઈ? તો તેમનો મારો જવાબ છે કે મારા પિતા રાજ્યસભામાં પણ હતા, એ પહેલાં ભરૂચના સાંસદ રહ્યા, પછી રાજ્યસભા પહોંચ્યા. ત્યાંથી પણ તેમણે ભરૂચનું નેતૃત્વ કર્યું છે, ભરૂચનો અવાજ ઉઠાવ્યો છે. સાંસદ તરીકેનાં 45 વર્ષ સુધી અહમદ પટેલે કૉંગ્રેસના નેજા હેઠળ ભરૂચના વિકાસ માટે કામ કર્યું છે. એટલે અમે એને કૉંગ્રેસની પરંપરાગત બેઠક કહીએ છીએ."
બીજી તરફ ભરૂચ બેઠક આપના ફાળે ગયા બાદ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, "હું અને પાર્ટીના કાર્યકર્તાઓ આ નિર્ણયથી ખુશ નથી. જોકે, હાઈકમાન્ડ કહેશે કે આ નિર્ણય લોકશાહી માટે જરૂરી છે તો અમે હાઈકમાન્ડને સમર્થન આપીશું."
ફૈઝલે એએનઆઈને કહ્યું હતું કે, "હું હાઈકમાન્ડ સાથે ફરીથી વાત કરીશ. નૉમિનેશન અને ચૂંટણી માટે હજુ ઘણો સમય છે અને મને આશા છે કે ભરૂચની બેઠક કૉંગ્રેસને મળશે."
ફૈઝલે ઉમેર્યું હતું કે ગાંધી પરિવાર મારો પણ પરિવાર છે. મને તેમના પર પૂરો ભરોસો છે કે તેઓ પટેલ પરિવારને આ બેઠક માટે જે લાગણી છે તે જરૂર સમજશે.
જોકે, બાદમાં સ્પષ્ટ છે કે એવું કંઈ પણ બન્યું નહોતું અને આ બેઠક આપ પાસે જ રહી હતી.