પાટણમાં હારી ગયા પણ ભાજપને 16 રાઉન્ડ સુધી હંફાવનારા ચંદનજી ઠાકોર કોણ છે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

મંગળવારે સવારે જ્યારથી લોકસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ત્યારથી ગુજરાતની પાટણની બેઠક ચર્ચામાં હતી.

પાટણના કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર શરૂઆતમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને હંફાવી રહ્યા હતા.

ચંદનજી ઠાકોર મતગણતરીના 16 રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી કરતા આગળ હતા પણ પછી પાછળથી તેમને મળેલી લીડ કપાઈ ગઈ અને તેઓ 31,876 મતોથી હાર્યા.

ભલે કાંટાની ટક્કર આપ્યા બાદ ચંદનજી ઠાકોર હારી ગયા હોય પરંતુ આખા દિવસ દરમિયાન તેઓ ચર્ચામાં રહ્યા કારણકે એક તબક્કે બનાસકાંઠાથી જીતનારાં ગેનીબહેન ઠાકોર પણ પાછળ થઈ ગયાં હતાં ત્યારે ગુજરાતની એકમાત્ર બેઠક પાટણથી કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ હતા.

પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી ચાર બેઠકો કૉંગ્રેસ પાસે છે જ્યારે કે ત્રણ બેઠકો ભાજપ પાસે છે.

છેલ્લી બે ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર સાંસદપદે ચૂંટાય છે.

આમ તો પહેલાં પાટણ બેઠક એ કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી પણ ભાજપે પહેલીવાર અહીં જીત નોંધાવી 1991માં. ભાજપે તે વખતે ગુજરાતી ફિલ્મોના સંગીતકાર મહેશ કનોડિયાને ટિકિટ આપી હતી. મહેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર દિવંગત નરેશ કનોડિયાના ભાઈ હતી. ગુજરાતી ફિલ્મોમાં બંને ભાઈઓની જોડી મહેશ-નરેશ તરીકે વિખ્યાત હતી.

હવે ભલે ચંદનજી ઠાકોર હારી ગયા છે પરંતુ મતગણતરીના શરૂઆતના રાઉન્ડમાં ભાજપના ભરતસિંહ ડાભી સામે લીડ મેળવનારા ચંદનજી ઠાકોર કોણ છે?

‘ભામાશા’ તરીકે ઓળખાય છે ચંદનજી ઠાકોર

ચંદનજી ઠાકોર કૉંગ્રેસ તરફથી સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે. 2017માં તેમણે ભાજપના ઉમેદવાર જયનારાયણ વ્યાસને હરાવ્યા હતા. જોકે, જયનારાયણ વ્યાસ હવે કૉંગ્રેસમાં આવી ગયા છે.

માત્ર દસમું ધોરણ સુધી ભણેલા ચંદનજી ઠાકોર વ્યવસાયે બિલ્ડર છે.

પાટણ જિલ્લાના સરસ્વતિ તાલુકાના સુજનીપુર ગામમાં જન્મેલા ચંદનજી પાટણમાં રહે છે.

પાટણના વરિષ્ઠ પત્રકાર હર્ષદ પંચોલી બીબીસી ગુજરાતીને જણાવે છે, "તેઓ પાટણ તાલુકા સરસ્વતી તાલુકાના ઠાકોર સમાજના તાલુકાના પ્રમુખ છે તેઓ છેલ્લા 16 વર્ષથી પાટણ જિલ્લા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે તેઓએ ગરીબ અને મધ્યમ વર્ગની તમામ દીકરીઓના સમૂહલગ્નમાં લાખો રૂપિયાનું દાન કર્યું છે પાટણ જિલ્લામાં તેમજ ઠાકોર સમાજમાં ચંદનજી ઠાકોરને ભામાશા તરીકે પણ ઓળખવામાં આવે છે અત્યાર સુધી ચંદનજી ઠાકોરે 3200 ઉપરાંત ગરીબ ઘરની દીકરીઓના લગ્ન કરાવ્યા છે તેઓ 42 ઠાકોર સમાજ ના પ્રમુખ છે સામાજિક ને સેવાકીય શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે."

રાહુલ ગાંધી પણ આવ્યા હતા ચંદનજી ઠાકોરનો પ્રચાર કરવા

ચંદનજી ઠાકોરનો પ્રચાર કરવા માટે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ આવ્યા હતા. આમ છતાં ચંદનજીને હારનો સામનો કરવાનો વારો આવ્યો.

ઉત્તર ગુજરાતના રાજકારણ પર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર હસમુખ પરમાર બીબીસી ગુજરાતીને જણાવે છે, "મતગણતરીના 16 રાઉન્ડ સુધી ચંદનજી આગળ હતા પરંતુ છેલ્લે કાંકરેજ અને ખેરાલુ વિધાનસભા મતવિસ્તારના મતોની ગણતરી થઈ જેમાં ભાજપે તેમની લીડ કાપી. ખેરાલુ એ ભાજપના જીતેલા ઉમેદવાર ભરતસિંહ ડાભીનું વતન છે અને ત્યાંથી ભાજપને પડેલા મતો ચંદનજીને ભારે પડ્યા."

પાટણ લોકસભા મતવિસ્તાર અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી ચાર કૉંગ્રેસ પાસે છે જ્યારે કે ત્રણ ભાજપ પાસે છે. ચાર બેઠકો હોવાને કારણે કૉંગ્રેસ માટે આ લોકસભા બેઠક જીતવાની વધુ તક હતી પરંતુ છતાં ચંદનજી હાર્યા.

જાણકારો કહે છે કૉંગ્રેસે એક ટીમ તરીકે કામ ન કર્યું હોવાને કારણે ચંદનજી હાર્યા.

હર્ષદ પંચોલી કહે છે, "કૉંગ્રેસ પાસે ભાજપની માફક બૂથ સ્તર સુધીનું સંગઠન નહોતું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પાટીદાર વોટબૅન્કને કૉંગ્રેસ તરફ વાળી ન શક્યા. પાટીદારે ઠાકોર ચહેરાને નકાર્યો અને ભાજપને પસંદ કર્યું જેને કારણે ચંદનજીની હાર થઈ."

હસમુખ પરમાર ચંદનજીના હારનું વધુ એક કારણ ગણાવતા કહે છે, "સાત મેના રોજ પાટણમાં ભયંકર ગરમી હતી. ગરમીને કારણે કૉંગ્રેસના પ્રતિબદ્ધ મતદારો બહાર ન આવ્યા. 2019ની સરખામણીએ અહીં મતદાન પણ ઓછું થયું."

ભરતસિંહ ડાભી બીજી વાર પાટણથી બન્યા સાંસદ

વર્ષ 2019માં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કૉંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 1.93 લાખ વોટથી હરાવ્યા હતા.

જાણકારો કહે છે કે ભરતસિંહ ડાભી ત્યારે પણ પીએમ મોદીના ફૂંકાયેલા પવનમાં જીત્યા હતા અને આ વખતે પણ પીએમ મોદીના ચહેરાને કારણે જીત્યા છે.

તેઓ સતત ત્રણ ટર્મ સુધી ખેરાલુ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ડાભીએ 2019માં ચૂંટણી જીત્યા બાદ સરસ્વતી તાલુકાનું કાનોસણ ગામ દત્તક લીધું હતું.

તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામના વતની છે. તેમણે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. 70 વર્ષના ડાભી છેલ્લાં 15 વર્ષથી ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

હર્ષદ પંચોલી જણાવે છે, "તેઓ વ્યવસાયે ખેડૂત છે. કેન્દ્ર સરકારમાં સંસદ સભ્ય પાટણ લોકસભા મેમ્બર ઇન્ડસ્ટ્રી કમિટી તથા પશુપાલન-ડેરી અને મત્સ્યોધ્યોગ મંત્રાલયની કમિટીમાં જવાબદારી નિભાવી છે."

"તેઓ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા રહ્યા છે ઓછું બોલવું અને ગામઠી ભાષામાં વાત કરવાની તેમની એક ખાસિયત છે."

પાટણમાં કુલ 19.83 લાખ મતદાતા છે. જે પૈકી ઠાકોર પાંચ લાખ, મુસ્લિમ બે લાખ,દ લિત બે લાખ, દરબાર કે રાજપૂત દોઢ લાખ અને પટેલ 1.24 લાખ મતદારો છે.

હસમુખ પરમાર જણાવે છે, "પાટણમાં રાજકારણ જ્ઞાતિ આધારિત છે. અહીં ઠાકોરોનું પ્રભુત્વ છે અને તેથી ભાજપ અને કૉંગ્રેસ અહીંથી ઠાકોર જ્ઞાતિના ઉમેદવાર જ પસંદ કરે છે."

આ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના સાંસદ ચૂંટાય છે. 2014માં ભાજપે અહીંથી 80 વર્ષના લીલાધર વાઘેલાને ટિકિટ આપી હતી. 2019માં તેમના સ્થાને ભરતસિંહ ડાભીને ટિકિટ અપાઈ તેઓ પણ જીત્યા અને તેમને જ ભાજપે આ વખતની ચૂંટણીમાં પણ રિપીટ કર્યાં છે.

આ બેઠક પર પહેલીવાર પહેલીવાર 1991માં ભાજપની જીત થઈ હતી. આ જીતનો પાયો નાખનારા હતા ગુજરાતની ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર મહેશ કનોડિયા, કે જેઓ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયાના ભાઈ હતા.

ત્યાર બાદ 1996, 1998 એમ બે વાર ભાજપની ટિકિટથી તેઓ સાંસદ બન્યા.1999ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ટિકિટ આપી, જોકે, કૉંગ્રેસના પ્રવિણચંદ્ર રાષ્ટ્રપાલે તેમને 17 હજારથી પણ વધુ મતથી હાર આપી.

2004માં ભાજપે ફરીથી મહેશ કનોડિયાને ટિકિટ આપી, કૉંગ્રેસે પણ પ્રવિણચંદ્ર રાષ્ટ્રપાલને ટિકિટ આપી. પરંતુ જનતાએ મહેશ કનોડિયાને જીતાડ્યા.

2009માં ભાજપ અને કૉંગ્રેસ બન્નેએ ઉમેદવાર બદલી નાખ્યા. કૉંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી અને ભાજપે ભાવસિંહ રાઠોડને. અહીં ભાજપની હાર થઈ અને જગદીશ ઠાકોર જીતી ગયા.

2014 આવતાં આવતાં ભાવસિંહ રાઠોડ કૉંગ્રેસમાં જોડાઈ ગયા. કૉંગ્રેસે તેમને ટિકિટ આપી પણ મોદી લહેર સામે તેઓ ટકી શક્યા નહીં.

સરવૈયાની વાત કરીએ તો આ બેઠક પર કુલ 16 વખત ચૂંટણી યોજાઈ ગઈ છે. જેમાં પાંચ વખત કૉંગ્રેસ, એક વખત સ્વતંત્ર પાર્ટી, એક વખત કૉંગ્રેસ(ઑ), એક વખત બીએલડી, એક વખત ઇન્દિરા કૉંગ્રેસ, એક વાર જનતાદળ અને છ વાર ભાજપનો વિજય થઈ ચુક્યો છે.

આ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 2022ની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી કૉંગ્રેસમાંથી જીજ્ઞેશ મેવાણીની જીત થઈ હતી. આ સિવાય અન્ય ત્રણ બેઠકો પર પણ કૉંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે ત્રણ બેઠક પરથી ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો.