You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ પાડોશી રાજ્યમાં ભાજપની આવી હાલત કેમ થઈ ગઈ?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
લોકસભા ચૂંટણીમાં ગુજરાતના પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની વાપસી થઈ છે. જાણકારો કહે છે કે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે મરાઠી મતદાતાઓની સહાનુભૂતિનો લાભ 'મહાવિકાસ અઘાડી ગઠબંધન'ને મળ્યો છે.
બીજી તરફ ભાજપ અને એનાં સહયોગી દળોને ભારે નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો લગભગ અડધી થઈ છે અને એને માત્ર નવ બેઠકોથી જ સંતોષ કરવો પડ્યો છે. જ્યારે ભાજપના મહાયુતિ ગઠબંધને માત્ર 17 બેઠકો મળી છે. આ ગઠબંધનમાં સામેલ એકનાથ શિંદેના શિવસેના શિંદે જૂથને સાત બેઠક મળી છે.
બીજી તરફ મહાવિકાસ અઘાડી ગઠબંધને 30 બેઠકો મેળવી હતી. જેમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથને નવ બેઠકો, શરદ પવારની એનસીપી પાર્ટીને આઠ અને કૉંગ્રેસે 13 બેઠકો મળી છે. કૉંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની છે અને તેને 13 બેઠકો મળી છે. રાજ્યમાં સૌથી ખરાબ પ્રદર્શન અજિત પવારના પક્ષનું રહ્યું છે. તેમની નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીને માત્ર એક જ બેઠક મળી છે. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર પણ બારામતી બેઠક પરથી હારી ગયાં છે.
રાજ્યમાં ભાજપે કુલ 28 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર નવ બેઠકો પર જ વિજય હાંસલ કરી શક્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં 23 બેઠકો મળી હતી. એ રીતે જોતાં આ વખતે ભાજપને 14 બેઠકોનું નુકસાન થયું છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાના ભાગલા થવાને કારણે 13 સાંસદો એકનાથ શિંદે સાથે ચાલ્યા ગયા હતા. એકનાથ શિંદેની શિવસેનાને માત્ર સાત બેઠકો મળી છે. જોકે તેઓ તેમનો થાણાનો વિસ્તાર અકબંધ રાખવામાં સફળ રહ્યા. જેમાં એક બેઠક એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેની કલ્યાણ બેઠક પણ સામેલ છે.
ખેલાડી બન્યા ઉદ્ધવ
ઉદ્ધવ ઠાકરેની જીતમાં સહાનુભૂતિનું મોજું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. મુખ્ય મંત્રીપદ છોડ્યા બાદ અને પાર્ટી તૂટ્યા બાદ ઉદ્ધવ ઠાકરે એક યોદ્ધાની જેમ આ લોકસભાની ચૂંટણીમાં ઊભરી આવ્યા છે.
જાણકારો માને છે કે તેમણે શિવસૈનિકોનું મનોબળ તૂટવા ના દીધું અને તેને કારણે જ મહાવિકાસ અઘાડી ગઢબંધનમાં ન માત્ર સૌથી વધુ બેઠકો હાંસલ કરી, પણ ભાજપ જેટલી જ બેઠકો પણ મેળવી છે.
ઉદ્ધવે ચૂંટણીપ્રચારમાં પોતાના પુત્ર આદિત્ય સાથે મંચ પર મોરચો સંભાળ્યો. પત્ની રશ્મિ ઠાકરે પણ જનતા વચ્ચે ગયાં હતાં. જેને કારણે ભાગલા બાદ પાર્ટીમાં નવી ઊર્જાનો સંચાર થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી મરાઠીના એડિટર અભિજિત કાંબલે આ વિશે વાતચીત કરતાં જણાવે છે, “જે પ્રકારે શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી તૂટી અને ત્યારબાદ જે થયું, એનાથી લોકોની સહાનુભૂતિ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે ભળી. આ સહાનુભૂતિ થકી તેઓ તેમના તરફી મતદાનમાં કરાવવામાં સફળ થયા.”
પાર્ટી તૂટ્યા બાદ પણ ઉદ્ધવ ઠાકરે ઘરે નહોતા બેઠા અને કાર્યકરો સાથે જે રીતે તેમણે સંવાદ બનાવી રાખ્યો એ પણ આ પરિણામમાં મહત્ત્વનો સાબિત થયો હતો.
ભાજપને સૌથી વધુ નુકસાન
આ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ નુકસાન ઉઠાવવું પડ્યું.
મુંબઈના વરિષ્ઠ પત્રકાર મયુર પરીખ બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કરતા કહે છે, “આ ચૂંટણી ભાજપ માટે મોટો ઝાટકો છે. લાગે છે કે જે પ્રકારે શિવસેના સાથે એનું ગઠબંધન હતું એવું ગઠબંધન શિંદે જૂથ કે અજિત પવાર જૂથ સાથે થઈ શક્યું નહોતું. મહારાષ્ટ્રના મતદારો ભાજપ-શિંદે અને અજિત વચ્ચેના ગઠબંધનને સ્વીકારી નથી શક્યા.”
અભિજિત કાંબલે વધુમાં જણાવે છે, “આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દા પર નહીં પરંતુ સ્થાનિક મુદ્દા પર લડાઈ હતી. રાષ્ટ્રિય મુદ્દાનું નૅરેટિવ આ વખતે કામ કરી શક્યું નથી. ખેડૂતોના મુદ્દા હતા. તેનું નુકસાન ભાજપે અને તેના સહયોગીઓને ઉઠાવવું પડ્યું છે.”
“ગત વખતે પ્રકાશ આંબેડકરનો ફાયદો ભાજપને મળ્યો હતો. આ વખતે તેઓ જો ભાજપ સાથે હોત તો કૉંગ્રેસને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોત. જોકે, તેમનું ફેક્ટર ભાજપને નડ્યું છે. આ સાથે રાજ ઠાકરે ભાજપ સાથે આવ્યા પરંતુ તેનો કોઈ ફાયદો ભાજપને થયો હોત તેવું દેખાતું નથી.”
આ અંગે વધારે માહિતી આપતાં મયુર પરીખ જણાવે છે, “ભાજપના નેતાઓમાં અજિત પવારને સાથે લેવા બદલ કચવાટ હતો. એ ઉપરાંત ભાજપના નેતાઓમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો, જેની અસર પણ પરિણામ પર જોવા મળી છે.”
અભિજિત કાંબલેનું માનવું છે કે હવે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપે તેની રણનીતિ બદલવી પડશે કારણ કે આ પ્રકારનું પ્રદર્શન રહેશે તો મહારાષ્ટ્રની સત્તામાંથી તેમણે હાથ ધોવાનો વારો આવી શકે છે.
તેઓ કહે છે, “હવે ભાજપના પડકારો વધ્યા છે કારણ કે તેમની મહાયુતીએ સારું પ્રદર્શન કર્યું નથી. શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કૉંગ્રેસ હવે તેમના માટે મોટો પડકાર બની શકે છે.”
અજીત પવારના સૂપડા સાફ
સૌથી વધુ નુકસાન થયું હોય આ ચૂંટણીમાં તો તે અજિત પવારની એનસીપી પાર્ટીને થયું છે.
મયુર પરીખ બીબીસી સાથે વાતચીતમાં કહે છે, “લોકોએ વિચારધારા અને પાર્ટીમાંથી વિચારધારાને પસંદ કરી. એનસીપી પાર્ટીના ભલે ભાગલા પડ્યા પરંતુ લોકોએ અજિત પવારને સ્વીકાર્યા નથી. લોકોએ જુનિયર પવારની સામે સિનિયર પવારની પસંદગી કરી છે.”
ઉદ્ધવ ઠાકરે હવે એનડીએમાં જઈ શકે?
મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયામાં અટકળો ચાલી રહી છે કે હવે ચૂંટણીનાં પરિણામ બાદ કદાચ ઉદ્ધવ ઠાકરે ફરી ભાજપ સાથે હાથ મિલાવી શકે છે.
આ અંગે વાત કરતાં અભિજિત કાંબલે જણાવે છે, “રાજકારણમાં કોઈ પણ શક્યતાને નકારી ન શકાય પરંતુ હાલ ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મતભેદો એટલા વધી ગયા છે કે નજીકના ભવિષ્યમાં તેમના વચ્ચે સમાધાન થવાની શક્યતા નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી બંનેએ એકબીજા પર ગંભીર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહ્યાં છે. એવા સંજોગોમાં તેમના વચ્ચે જોડાણ થાય તેવું લાગતું નથી.”
કેવું રહ્યું હતું 2019 લોકસભા ચૂંટણીનું પરિણામ?
નોંધનીય છે કે લોકસભાની બેઠકોના આધારે દેશમાં ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર એવું બીજું મોટું રાજ્ય છે. 543 લોકસભા બેઠકો પૈકી મહારાષ્ટ્રમાં 48 બેઠકો છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધને 48 પૈકી 41 બેઠકો પર જીત મેળવી હતી. એ ચૂંટણીમાં કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને માત્ર પાંચ બેઠકો મળી હતી. એક બેઠક અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ અને બેઠક પ્રકાશ આંબેડકરની વીબીએના ગઠબંધને જીતી હતી અને એક બેઠક અપક્ષ નવનીત રાણાએ જીતી હતી. નવનીત બાદમાં ભાજપમાં સામેલ થઈ ગયાં.
આમ 2019ની ચૂંટણી એનડીએ માટે મહારાષ્ટ્રમાં પ્રચંડ વિજય અપાવનારી હતી. પરંતુ 2019થી 2024 દરમિયાન પાંચ વર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણો ફેરફાર આવી ચૂક્યો છે.
બે મોટી પાર્ટી એનસીપી અને શિવસેના તૂટી ગઈ છે. જે પૈકી દરેકનું એક જૂથ એનડીએ સાથે છે અને બીજું INDIA ગઠબંધન સાથે. આ ઉપરાંત એનસીપી શરદ પવાર જૂથ અને એનસીપી અજિત પવાર જૂથ તથા શિવસેના ઉદ્ધવ જૂથ અને શિવસેના શિંદે જૂથ પોતપોતાને અસલ પાર્ટી હોવાની પણ હોડમાં છે.