બંધારણ વિશે ચૂંટણીપ્રચારમાં નિવેદન આપનાર ભાજપનાં નેતાઓનું શું થયું?

    • લેેખક, હર્ષ શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સહિત ગઠબંધનના 71 મંત્રીએ રવિવારે શપથ ગ્રહણ કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ ચૂંટણી પહેલાં “400 પારનો નારો” આપ્યો હતો. જોકે, મોદી સતત ત્રીજી વખત પૂર્ણ બહુમત મેળવી ન શક્યા અને ભારતીય જનતા પાર્ટી 240 બેઠક મેળવી શકી હતી, જેની સંખ્યા બહુમતથી 32 ઓછી છે.

ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં પડ્યો હતો.

ઉત્તરપ્રદેશમાં ભાજપને 80માંથી માત્ર 33 બેઠકો પર જ જીત મળી હતી. પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં 2014ની ચૂંટણીમાં 71 બેઠકો અને 2019ની ચૂંટણીમાં 62 બેઠકો મેળવી હતી. લોકસભા 2024ની ચૂંટણીમાં પાર્ટીને 2019ની તુલનામાં 29 સીટોનું નુકસાન થયું હતું.

આ જ રીતે ભાજપે રાજસ્થાનની છેલ્લી બે ચૂંટણીઓમાં 25માંથી 25 બેઠકો મેળવી હતી. જોકે, લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ 25 પૈકી 14 બેઠકો પર જ જીત મેળવી શક્યો હતો.

આ વખતે લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન સત્તાધારી ભાજપ અને વિપક્ષે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા, પરંતુ સૌથી વધારે ચર્ચા ભારતના બંધારણ અને અનામત પર થઈ હતી.

વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ બંધારણ અને અનામતને એક મોટો મુદ્દો બનાવ્યો હતો. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉદ્ધવ ઠાકરે સહિત વિપક્ષના લગભગ બધા જ નેતા કહેવા લાગ્યા કે જો મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે તો બંધારણ અને અનામત બંને પર ખતરો રહેશે.

મતદાનની શરૂઆત પહેલાં ભાજપનાં કેટલાંક નેતાઓએ બંધારણ પર કેટલાંક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં, જે ચર્ચિત રહ્યાં હતાં.

અયોધ્યામાં લલ્લુસિંહની હારની ચારેકોર ચર્ચા

ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ (હવે અયોધ્યા) ભાજપના ઉમેદવાર લલ્લુસિંહે કહ્યું હતું કે સરકાર તો 272 બેઠકો પર જ બની જશે, પરંતુ બંધારણ બદલવા કે તેમાં સંશોધન કરવા માટે બે તૃતીયાંશ બેઠકોની જરૂર છે.

જોકે, ભાજપના ઉમેદવાર લલ્લુસિંહ પોતાની બેઠક ફૈઝાબાદથી જ ચૂંટણી હારી ગયા. સમાજવાદી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અવધેશ પ્રસાદે ફૈઝાબાદથી 54 હજારથી વધારે મતો સાથે વિજય મેળવ્યો હતો.

રાજકીય વિશ્લેષક અને ઉત્તરપ્રદેશના રાજકારણ પર નજર રાખનાર રામદત્ત ત્રિપાઠીએ કહ્યું, “બંધારણ અને લોકતંત્રનો મુદ્દો દલિત, ઓબીસી અને લઘુમતીના મતદારો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હતો. આ ઉપરાંત ફૈઝાબાદની બેઠક પર સમાજવાદી પાર્ટીએ એક વરિષ્ઠ દલિત નેતાને ટિકિટ આપી હતી. આ બેઠક પર દલિત, ઓબીસી અને લઘુમતી સમુદાયના મતો સમાજવાદી પાર્ટીને મળતા ભાજપની ફૈઝાબાદથી હાર થઈ હતી.”

ભાજપના નેતાઓના બંધારણને લઈને વિવાદાસ્પદ નિવેદનની અસર ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં જોવા મળી?

આ સવાલનો જવાબ આપતા રામદત્ત ત્રિપાઠીએ કહ્યું, “આ ચૂંટણીમાં માયાવતીની પાર્ટી ખૂબ જ નબળી નજર આવી રહી હતી. આ ઉપરાંત બંધારણ અને અનામત એક મોટો મુદ્દો હતો. આ કારણે ઘણા દલિત મતદારોએ ભાજપની બદલે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધનને મતો આપ્યા હતા.”

ઉત્તરપ્રદેશની 17 અનામત બેઠકો પૈકી ભાજપ આઠ બેઠકો જ જીતી શકી, જ્યારે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધનને નવ બેઠકો મળી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપે 2019ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 17 અનામત બેઠકો પૈકી 14 અને 2014ની ચૂંટણી બધી જ અનામત બેઠકો પર વિજય મેળવ્યો હતો.

રાજસ્થાનની નાગૌર બેઠક પરથી જ્યોતિ મિર્ધાનો પરાજય

રાજસ્થાનની નાગૌર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર જ્યોતિ મિર્ધાનું એક નિવેદન પણ વાઇરલ થયું હતું. એક વીડિયોમાં જ્યોતિ મિર્ધા કહેતાં સંભળાય છે કે દેશના હિતમાં કેટલાક કડક નિર્ણય લેવાની જરૂર પડે છે. આપણે આ માટે બંધારણીય ફેરફારો કરવા પડશે.

લલ્લુસિંહની જેમ જ જ્યોતિ મિર્ધાનો પણ નાગૌર બેઠક પર પરાજય થયો છે. આ બેઠક પરથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નેતા હનુમાન બેનીવાલે 42 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો.

જોકે, વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચૂંટણીપ્રચાર દરમિયાન આ વિશે સ્પષ્ટતા કરી હતી કે બંધારણમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

રાજસ્થાનના બાડમેરમાં મોદીએ એક ચૂંટણીસભાને સંબોધતા કહ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર પોતે પણ બંધારણને ખતમ કરી ન શકે. આપણું બંધારણ સરકાર માટે ગીતા, રામાયણ, મહાભારત, બાઇબલ અને કુરાન છે.

વરિષ્ઠ પત્રકારે ત્રિભુવને બીબીસીને કહ્યું, “જ્યોતિ મિર્ધાની વાત કરીએ તો બંધારણ પર જ્યોતિ મિર્ધાના નિવેદનનો વીડિયો વાઇરલ થયો હતો. જોકે, તેમણે સ્પષ્ટતા આપી હતી કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. આ મુદ્દો દરેક બેઠક પર હતો જ પણ નાગૌર બેઠક પર જ્યોતિ મિર્ધા માટે બીજા મુદ્દાઓ પણ ભારે પડ્યા અને તેમની સામે હનુમાન બેનીવાલ જેવા તાકાતવર નેતા ચૂંટણી લડી રહ્યા હતા.”

રાજસ્થાનની રાજનીતિ પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકારે ત્રિભુવને જણાવ્યું, “રાજસ્થાનમાં સાક્ષરતા ઘણી ઓછી હતી. જોકે, રાજસ્થાનમાં છેલ્લાં 25 વર્ષમાં શિક્ષિત લોકોની ટકવારીમાં ઘણો સુધાર થયો છે. ખાસ કરીને દલિત, આદિવાસી અને લઘુમતીના યુવાઓનું શિક્ષણ સ્તર સુધર્યું છે, તેમાં પણ મહિલાઓની સાક્ષરતાનું સ્તર મોટા પાયે ઊંચું આવ્યું છે. આ કારણે દલિતો અને આદિવાસી લોકોમાં એક નવી ચેતનાનો સંચાર થયો છે.”

તેમણે ઉમેર્યું, “આ છોકરાઓ અને છોકરીઓ પોતાના ઘરથી દૂર રહે છે અને ટીવી જોતાં નથી. તેઓ યૂટયૂબના માધ્યમથી માહિતી મેળવે છે. ટીવી જોનાર લોકો માટે તો તમે એજન્ડા સેટ કરી શકો છો, પરંતુ યૂટ્યૂબ પર તે શક્ય નથી. બીજી તરફ ભાજપના “400 પાર”ના નારાને કારણે તેમને શંકા થઈ કે ભાજપ જો ભારે બહુમત સાથે સરકારમાં આવશે તો ભાજપ અનામતમાં ફેરફાર કરી શકે છે. આમ, આ મુદ્દાની અસર દરેક બેઠક પર વત્તાઓછા પ્રમાણમાં જોવા મળી હતી.”

અનંતકુમાર હેગડેની ટિકિટ કપાઈ

આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા અને છ વખત સંસદસભ્ય રહેલા અનંતકુમાર હેગડેએ એક નિવેદનમાં કહ્યું હતું, “બંધારણને ફરીથી ઘડવાની જરૂર છે. કૉંગ્રેસે આ બંધારણમાં બિનજરૂરી વસ્તુઓ ઉમેરીને બંધારણના મૂળ સ્વરૂપને વિકૃત કરી દીધું હતું. ખાસ કરીને એવા કાયદાઓ જેનો ઉદ્દેશ્ય હિન્દુ સમાજને દબાવવાનો હતો. જો આ વસ્તુઓ બદલવી હોય તો વર્તમાન બહુમતી સાથે શક્ય નથી.”

જોકે, ભાજપે તેમના નિવેદનની અવગણના કરી અને તેમની ટિકિટ પણ કાપી નાખી હતી.

આમ, બંધારણને લગતા વિવાદાસ્પદ નિવેદનો આપનાર ભાજપના ત્રણ નેતાઓ પૈકી એકની ટિકિટ કપાઈ હતી, જ્યારે અન્ય બે નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

અનામત બેઠકો પર ભાજપને ભારે નુકસાન

લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ આવેલા આંકડાનો અભ્યાસ કરતા લાગે છે કે વિપક્ષના બંધારણ અને અનામત બચાવોના નારા ઉપરાંત અન્ય મુદ્દાઓ થકી ઇન્ડિયા ગઠબંધન દલિત મતદારોને પોતાની તરફ ખેંચવા માટે સફળ રહ્યો.

લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 131 બેઠકો અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત રાખવામાં આવી છે, જેમાંથી 84 બેઠકો એસસી ઉમેદવારો માટે અને 47 એસટી ઉમેદવારો માટે અનામત છે.

એસસી માટે અનામત 84 બેઠકો પૈકી ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં 40 બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસ સાત અને અન્ય પાર્ટીઓએ 37 બેઠકો જીતી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ 84 બેઠકોમાંથી 46 બેઠકો જીતી હતી, જ્યારે અન્ય પાર્ટીઓએ 32 અને કૉંગ્રેસને માત્ર છ બેઠકો જ મળી હતી. જોકે, ભાજપને 2019ની તુલનાએ 2024ની લોકસભા ચૂંટણીમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું.

2024ની ચૂંટણીમાં ભાજપ 80માંથી માત્ર 30 બેઠકો પર જ જીત મેળવી શક્યો હતો, 2019ની તુલનામાં 16 બેઠકોનું નુકસાન. બીજી તરફ કૉંગ્રેસે 2019માં છ બેઠકની તુલનામાં 20 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે અન્યને 84 અનામત બેઠકોમાંથી 34 બેઠકો મળી હતી.

એસટી માટે અનામત બેઠકોની વાત કરીએ તો ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં 47 બેઠકો પૈકી 25 બેઠકો પર જીત મેળવી હતી. જોકે, 2019માં ભાજપે આ બેઠકો પૈકી 32 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

સીએસડીએસ પ્રમાણે, લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને રાષ્ટ્રીય સ્તરે 2019ની તુલનામાં ત્રણ ટકા દલિત મતો ઓછા મળ્યા છે અને તેમના સહયોગી દળોએ પણ બે ટકા દલિત મતદારો ગુમાવ્યા છે. જોકે, રાજ્યોની વાત કરીએ તો ભાજપને સૌથી વધારે નુકસાન ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યું હતું, જ્યાં દલિત મતદારોએ સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધનને મતો આપ્યા હતા.

આ વિશે બીબીસી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક રાશિદ કિદવઈએ જણાવ્યું, “ચૂંટણીનાં પરિણામોને જોતા સ્પષ્ટ લાગે છે કે ભાજપનો “400 પારનો” નારો અને તેમના કેટલાક નેતાઓના બંધારણને લઈને વિવાદસ્પદ નિવેદનોને કારણે ભાજપને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવાં રાજ્યોમાં નુકસાન ભોગવવું પડ્યું છે. ઉપરાંત સિવિલ સોસાયટી અને બિન-સરકારી સંસ્થાઓએ પણ આ વિશે પ્રચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં દલિત મતદારોએ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મતો આપ્યા હતા, કારણ કે તેમને લાગી રહ્યું હતું કે ભાજપને ભારે બહુમતી આવશે તો પાર્ટી બંધારણ અને અનામત સાથે કોઈ છેડછાડ કરી શકે છે.”

તેમણે ઉમેર્યું, “અનામતની બેઠકો પર દલિત બહુમતીમાં છે એવું નથી. જોકે, ભાજપના નેતાઓએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં અને પાર્ટીએ સત્તાવાર રીતે આ નિવેદનોનું ખંડન ન કર્યું. આ કારણે અનામત અને બિનઅનામત બંને બેઠકો પર ભાજપને નુકસાન થયું છે.”