You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભાજપ 300 બેઠકો જીતશે' એવા પોતાના દાવા પર પ્રશાંત કિશોરનું હવે શું કહેવું છે?
લોકસભા ચૂંટણીનાં પરિણામોને લઈને કરેલા પોતાના દાવાઓ અંગે જાણીતા રાજકીય રણનીતિકાર અને જન સુરાજ અભિયાનના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું છે કે "300 બેઠકો જીતવાના મારા આ આંકલનને મારી નબળાઈનું પરિણામ કહી શકો છો."
બીબીસી સાથે વિશેષ વાતચીતમાં તેમણે ચૂંટણીપરિણામોમાં એનડીએ ગઠબંધન, ભાજપ, ઇન્ડિયા ગઠબંધન અને કૉંગ્રેસના પ્રદર્શનની સાથે-સાથે મોદીના પ્રદર્શન અંગે પણ વાત કરી હતી. આ સાથે જ એ વાત પર પણ ચર્ચા કરી હતી કે ભાજપનું કયું ડગલું તેના પર ભારે પડી ગયું?
ચૂંટણીપરિણામો પહેલાં પ્રશાંત કિશોરે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી એક ભવિષ્યવાણીમાં તેમણે કહ્યું હતુું કે એનડીએ વધુ મજબૂતાઈથી કમબૅક કરશે.
તેમણે કહ્યું હતું કે, "એનડીએ સરકાર ફરીથી સત્તામાં આવશે એ નક્કી છે. ભાજપ અને વડા પ્રધાન મોદી 2019ની જેટલી જ બેઠકોથી કે તેનાથી વધુ બેઠકો સાથે સત્તામાં આવશે."
તેમનું એ આંકલન સાચું ન પડ્યું. ચૂંટણીપરિણામોમાં ભાજપને 240 બેઠકો મળી છે જે 303 બેઠકોના આંકડાથી ઘણું ઓછું છે. એવામાં અનેક લોકોએ એ સવાલ ઉઠાવ્યો હતો કે તેમની આટલી મોટી આગાહી કઈ રીતે ખોટી પડી છે.
બીબીસી સાથે વાત કરતાં પ્રશાંત કિશોરે આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, "આ પ્રોફેશનલ અસેસમેન્ટ હતું. તેની પાછળ કોઈ ઇરાદો ન હતો. મેં જે આંકલન કર્યું તેની સરખામણીએ 20 ટકા બેઠકો ઓછી આવી છે. તેને તમે અમારી ભૂલ માની લો કે આંકલન કરવામાં મારી નબળાઈ માની લો. આ તેનું પરિણામ છે."
તેમણે કહ્યું, "મારા આંકલનનો આધાર ત્રણ બાબતો પર હતો- 1) મોદી સામે અંડરકરંટ ન હતો, ન તો તેમની સામે કોઈ મોટી નારાજગી હતી. 2) એક કો-ઑર્ડિનેટેડ વિપક્ષની ઊણપ હતી 3) એક નવો નેતા ચૂંટવાનો દેશનો મિજાજ ન હતો કે જે દેશને બદલી શકે."
તેમણે કહ્યું- "મેં ભાજપ માટે 303 કે તેનાથી વધુ સારા આંકડા સાથે જીતની વાત કરી હતી. મારી ધારણા પાછળ દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોમાં ભાજપને મળનારી સરસાઈનો અંદાજો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પરિણામો દર્શાવે છે કે અંડરકરંટ સમગ્ર દેશમાં ન હતો અને ભાજપને ગત ચૂંટણીમાં 37.7 ટકા મતો મળ્યા હતા જે આ ચૂંટણીમાં 36.56 થયા છે. આ યથાસ્થિતિ છે."
ભાજપની બેઠકો કેમ ઘટી?
"મને લાગે છે કે આનું એક કારણ ભાજપના વિરોધમાં લડી રહેલા લોકોમાં એકતા છે, તેમનું એકત્રીકરણ વધુ સારું હતું અને તેમનામાં ઉત્સાહ હતો."
"તેઓ ભાજપ કરતા વધુ સારી રીતે લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડવામાં સફળ રહ્યા હતા. તેમનો ધ્યેય તેમની સમક્ષ સ્પષ્ટ હતો કે તેમણે ભાજપને રોકવો છે."
"બીજી તરફ ભાજપના સમર્થકોને વધુ પડતો વિશ્વાસ હતો કે તેમની સરકાર તો રચાઈ રહી છે અને તેઓ મત આપે કે ન આપે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. આ આત્મવિશ્વાસ તેમના માટે મોંઘો સાબિત થયો."
"આ વાતનું સારું ઉદાહરણ વારાણસી છે, જ્યાં 2014ની સરખામણીમાં વડા પ્રધાન મોદીના વોટ શેરમાં લગભગ બે ટકાનો ઘટાડો થયો છે."
2014માં અરવિંદ કેજરીવાલ મોદી સામે ચૂંટણી લડ્યા હતા. તે સમયે મોદીનો વોટ શેર 56.37 ટકા હતો. આ વખતે ચૂંટણીમાં આ આંકડો ઘટીને 54.234 ટકા થયો છે.
જોકે, તેમના માર્જિનમાં નાટકીય રીતે ઘટાડો થયો છે. 2014માં તેમનું માર્જિન 25.85 ટકા હતું, જે 2024માં ઘટીને 9.38 ટકા થઈ ગયું. 2014માં તેમની સામે લડેલા કેજરીવાલને 21 ટકા મતો મળ્યા હતા જ્યારે આ ચૂંટણીમાં તેમના વિરોધીને 40.74 ટકા મતો મળ્યા હતા.
"મોદીજીનો વોટ શેર લગભગ સરખો રહ્યો પરંતુ વિપક્ષે વધુ સારી રીતે મતોનું સંકલન કર્યું અને કામ કર્યું, જેના કારણે તેમનો વોટ શેર વધ્યો."
‘અધૂરું સ્લોગન ભારે પડ્યું’
ચૂંટણીમાં સ્લોગન એ એવી ચીજ છે કે જે તમારી બાજી સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. અબકી બાર મોદી સરકારની જેમ જ કોઈકે લખી નાખ્યું કે અબકી બાર ચારસો પાર. પરંતુ સ્લોગનમાં એ ન કહેવામાં આવ્યું કે ચારસો પાર શા માટે?
ગત વખતે એવું લખવામાં આવ્યું હતું કે, બહુત હુઈ મહંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર. બહુત હુઆ મહિલા પર અત્યાચાર, અબકી બાર મોદી સરકાર. આ વખતે તેમણે સ્લોગન તો આપ્યું પરંતુ એ અધુરું હતું.
ભાજપના કેટલાક વધુ બોલનારા નેતાઓએ તેને પ્રજા સમક્ષ એ રીતે મૂક્યું કે અમને ચારસો પાર એટલા માટે જોઈએ છીએ કારણ કે અમારે બંધારણ બદલવું છે. આ વસ્તુ તેમને ભારે પડી ગઈ.
હવે કદાચ ભાજપ પણ તેનું વિશ્લેષણ કરી રહ્યો હશે કારણ કે લોકોને આ સૂત્રથી એવો જ સંદેશ ગયો કે તેઓ ચારસો પારથી બંધારણ બદલવા માંગે છે.
પોતાના આંકલનને લઈને શું કહ્યું?
તાજેતરમાં પ્રશાંત કિશોર વિવિધ સ્થળોએ અને વિવિધ મીડિયા ચેનલો પર તેમના અગાઉના મૂલ્યાંકનની ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકોને શંકા છે કે તેઓ ભાજપની તરફેણમાં વાત કરી રહ્યા છે.
આ અંગે પ્રશાંત કિશોર કહે છે કે, "ચૂંટણી પહેલાં મેં કહ્યું હતું કે મને લાગે છે કે ભાજપ પશ્ચિમ અને ઉત્તરમાં બેઠકો ગુમાવશે નહીં અને પૂર્વ અને દક્ષિણમાં બેઠકો મેળવશે. જેથી તેની સ્થિતિ યથાવત રહેશે."
"ઘણા સહકર્મીઓએ મને કહ્યું હતું કે ચૂંટણીની શરૂઆત પહેલાં, આવી બાબતો વિપક્ષનું મનોબળ તોડી શકે છે અને હું તેમની વાત સાથે સહમત થયો હતો. ત્યાર બાદ મેં આ વાત કહેવાનું બંધ કરી દીધુંં હતું. 80 ટકા મતદાન પૂર્ણ થયા પછી જ મેં કહ્યું હતું કે હું ભાજપને જીતેલો જોઉં છું."
"જો તબક્કાવાર જોવામાં આવે તો ભાજપે મતદાનના બીજા, ત્રીજા અને ચોથા તબક્કામાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ મારા આકલન પછી તેનું પ્રદર્શન તો વધુ ખરાબ રહ્યું હતું."
શું પ્રશાંતને અફસોસ છે કે તેનું મૂલ્યાંકન સાચું ન હતું?
આ સવાલ પર તેમણે કહ્યું, "એવું બિલકુલ નથી. અમારા જેવા લોકો, જેઓ આ કામમાં રોકાયેલા છે, તેઓ ડેટાના આધારે અંદાજ કાઢે છે. પરંતુ અમે જે ભૂલ કરીએ છીએ તે એટલા માટે થાય છે કે વોટને બેઠકોમાં કન્વર્ટ કરવાની કોઈ વિશ્વસનીય રીત નથી. બીજું કે મતદાર કેટલા ભયમાં તેમની વાત મૂકી રહ્યા છે તેનું ચોક્કસ મૂલ્યાંકન કરવાનો કોઈ રસ્તો નથી."
આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીનું ઉદાહરણ આપતા તેઓ કહે છે, "મેં છ મહિના પહેલાં કહ્યું હતું કે તેઓ ખરાબ રીતે હારવાના છે. પરંતુ અમે એ આગાહી કરી શક્યા ન હતા કે તેઓ 10થી પણ ઓછી બેઠકો પર સમેટાઈ જશે. "
"સરકાર જેટલી મજબૂત હોય છે, તેના ભયનું પરિબળ વધારે હોય છે. આ કારણે જ ઘણા રાજકીય વ્યૂહરચનાકારો લોકો સાથે વાત કર્યા પછી પણ તેનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતા નથી."
મોદીની ગઠબંધન સરકારનું ભવિષ્ય
પ્રશાંત કિશોરને નથી લાગતું કે નરેન્દ્ર મોદીની સરકારને કોઈ પરેશાની થશે. આંકડાઓ જોવામાં આવે તો તેમના પક્ષને 240 બેઠકો મળી છે.
"2009માં મનમોહન સરકાર સમયે કૉંગ્રેસ પાસે 206 બેઠકો હતી તો શું તમે તેમને સરકાર નહીં ગણો? એ ગાળામાં જ આર્થિક સુધારાઓ થયા છે."
"લોકોનું માનવું છે કે મોદી આ પ્રકારની સરકાર ચલાવવા માટે ટેવાયેલા નથી, પણ આપણે એ નક્કી કરનારા કોણ છીએ. મને લાગે છે કે તેઓ સારી રીતે સરકાર ચલાવી લેશે."
"પરંતુ સરકારની સ્થિરતા માટે આવનારો સમય મહત્ત્વપૂર્ણ છે જેમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જો અહીં વિપક્ષો સારું પ્રદર્શન કરશે તો સરકારની સ્થિરતા પર ખતરો મંડારવવા લાગશે. પણ ત્યાં સુધી કોઈ પરેશાની નહીં થાય."
"આવનારી સરકાર વન નેશન,વન ઇલેક્શન કે યુસીસી પર મોટા નિર્ણયો લઈ શકશે કે કેમ એ આ ચૂંટણીપરિણામો પર જ નિર્ભર રહેશે."
મોદી અને રાહુલની તાકાત અને નબળાઈ
"બીજી મોટી વાત એ છે કે આપણો સમાજ પોતાના શાસકને દયાળુ, ઉદાર અને સહિષ્ણુ જોવા માંગે છે. અને હું મોદીમાં આ નબળાઈ જોઈ રહ્યો છું કારણ કે તેઓ ઘણી તાકાત સાથે સત્તામાં બેઠેલા છે."
"આ ચૂંટણીનાં પરિણામોમાં ક્યાંક ને ક્યાંક આ દેખાઈ રહ્યું છે."
"બીજી તરફ જો આપણે રાહુલ ગાંધી વિશે વાત કરીએ તો તેઓ છેલ્લાં 10 વર્ષમાં લગભગ દરેક ચૂંટણી હારી ગયા છે. તેમ છતાં પણ તેમને લાગે છે કે તેઓ સાચા રસ્તે છે."
"તેઓ આ માર્ગ પર સતત આગળ વધી રહ્યા છે. હું માનું છું કે આ કરવા માટે ખૂબ હિંમત અને તેના વિચારમાં સંપૂર્ણ વિશ્વાસની જરૂર છે. આ તેમનું ચરિત્ર છે."
"હું કહું છું કે જો મોદીજી આ રીતે 90 ટકા ચૂંટણી હારી જાય, તો તેઓ આટલા મોટા નેતા રહી ન શકે. પરંતુ રાહુલ ગાંધી તેમ છતાં પણ મોટા નેતા જ રહ્યા જે તેમના ચરિત્રની તાકાત છે."
"હું એમ નહીં કહું કે વિપક્ષે મોદીને હરાવ્યા નથી પરંતુ હું એમ કહીશ કે તેમને થોડા રોક્યા છે. મોદી હજુ પણ પીએમ તો બની જ રહ્યા છે."
કૉંગ્રેસે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવું કંઈ કર્યું નથી જેનાથી હું કહી શકું કે કૉંગ્રેસ ફરીથી ઊભરી રહી છે.