You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગેનીબહેનનું પારિવારિક ઘર કેવું છે? તેમની જીત પર પરિવારજનો શું બોલ્યા?
ગેનીબહેનનાં માતા-પિતા આજે પણ ગામડાના એક સામાન્ય પરિવારની જેમ જ પોતાનું જીવન બનાસકાંઠાના અભાસણા ગામમાં વીતાવે છે. ત્રણેય ભાઈઓનાં અલગ-અલગ મકાન ખરા, પરંતુ માતા પિતા મુખ્યત્વે વાડીમાં બનાવેલાં તેમના ઘરમાં રહે છે.
ગેનીબહેનની જીત બાદ, બીબીસી ગુજરાતીએ તેમના પરિવારજનો સાથે વાત કરી હતી અને તેમના વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ખુલ્લી વાડીમાં બનેલું એક ઘર, જેમાં લીમડાની નાચે આરામ કરતા ગેનીબહેનના પિતા નાગાજી ઠાકોર, અને થોડેક દૂર ખાટલા પર ખેતીનું કામ કરીને આવેલા મેવાજી ઠાકોર નજરે પડે છે. પહેલી નજરે કોઈ ધારાસભ્ય કે સાસંદનું ઘર ન હોય તેવું આ સામાન્ય ઘર હતું.
ગેનીબહેનનાં એક બહેન અને ત્રણ ભાઈ છે. કુલ પાંચ ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટાં છે. તેમના પિતા નાગાજી ઠાકોર કૉંગ્રેસના કાર્યકર્તા રહી ચૂક્યા છે, અને ગુજરાતમાં જ્યારે કૉંગ્રેસ તેની ઊંચાઈ પર હતી ત્યારથી તેઓ કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. બીબીસીએ તેમની જ્યારે મુલાકાત લીધી તો જાણ્યું કે વધુ ઉંમર થઈ જવાને કારણે તેઓ કંઈ બોલી-સાંભળી શકતા નથી, પરંતુ તેમનાં પત્ની એટલે કે ગેનીબહેનનાં માતાએ અમારી સાથે વાત કરી.
ગેનીબહેનના બાળપણ વિશે વાત કરવા માટે અમે તેમનાં માતા મશુબહેન ઠાકોર સાથે વાત કરી. તેઓ કહે છે કે, "આજથી 40 વર્ષ પહેલાં, આ ગામ કે વિસ્તારની વાત તો છોડો, પરંંતુ અમારા પરિવારમાં પણ જો કોઈ છોકરીને શાળાએ મોકલવી હોય તો અમારે લોકો સાથે ઝગડા કરવા પડતા હતા. ગેનીને પહેલાંથી જ ભણવામાં ખૂબ રસ હતો, અને કંઈ બનવાની લાલસા હતી. અમારે તેને ક્યારેય એવું નથી કહેવું પડ્યું કે, તું ભણવામાં ધ્યાન રાખજે, તે પોતાની રીતે જ ભણી અને આટલે સુધી પહોંચી છે."
ગેનીબહેન ઠાકોરનાં બહેન ગંગાબહેન કહે છે કે, તેમનાં મોટાં બહેને તેમને હંમેશાં ભણવા માટે પ્રોત્સાહિત કર્યાં છે. એટલું જ નહીં સમાજની અન્ય છોકરીઓને પણ તેઓ ભણવા માટે પ્રોત્સાહિત કરી છે.
ગેનીબહેન ઠાકોરે બનાસકાંઠામાં ભાજપનાં ડૉ રેખાબહેન ચૌધરીને હરાવીને ચૂંટણી જીતી છે. તેમણે ભાજપની લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો જીતીને હૅટ્રિક કરવાની ઇચ્છા પૂરી થવા નથી દીધી.
કેવું છે તેમનું ઘર અને કેવો છે તેમનો પરિવાર..ગેનીબહેનની જીત પર તેમના પરિવારજનો શું બોલ્યા? જાણો આ વીડિયો અહેવાલમાં....
શું કહેવું છે કૉંગ્રેસ નેતાઓનું?
છેલ્લાં 10 વર્ષથી જ્યાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની એક પણ સીટ આવતી ન હતી, ત્યાં ગેનીબહેને બનાસકાંઠાની સીટ કૉંગ્રેસ માટે જીતીને પાર્ટીમાં નવો જુસ્સો ભરી દીધો છે.
તેમના માટે બનાસકાંઠાના કૉંગ્રેસ પ્રમુખ કહે છે કે, "બહેન દરેક જગ્યાએ જાય તો તેમને ખૂબ માન, સન્માન મળે છે. તેઓ પહેલાંથી લોકોના સંપર્કમાં રહ્યાં છે અને લોકો સાથે જમીનથી જોડાયેલાં છે."
"ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે લોકોને કહ્યું હતું કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, અને દાન માટેની અપીલ કરી હતી. તે અપીલને કારણે તેમને દાન મળ્યું અને તેના આધારે જ તેઓ આ ચૂંટણી જીતી શક્યાં છે."