You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશમાં ભાજપના નબળા પ્રદર્શન પાછળ યોગીની ભૂલ જવાબદાર કે કેન્દ્રીય નેતૃત્વની નિષ્ફળતા?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ગોરખપુરની વચ્ચોવચ લગભગ 50 એકરમાં ફેલાયેલા ગોરખનાથ મંદિરમાં એક મોટું દવાખાનું, આયુર્વેદિક ઔષધી કેન્દ્ર, સંસ્કૃત વિદ્યાલય અને અનેક આધુનિક હોસ્ટેલ છે. મંદિરની નજીક જ એક જૂનું લાલ-ગુલાબી રંગનું બે માળનું જૂનું મકાન છે. તેના પહેલા માળે મંદિરના આવેલા એક ઓરડામાં મહંત અને સંસદસભ્ય અવૈદ્યનાથ રહેતા હતા.
તેમના દેહવિલય પછી મંદિરના પ્રમુખ મહંત બનેલા યોગી આદિત્યનાથ તેમના ગુરુના ઓરડામાં શિફ્ટ થઈ ગયા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ત્રીજી જૂનની વહેલી સવારે રાબેતા ઊઠી, તૈયાર થઈ અને આવાસની બાજુમાં આવેલા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરીને પાછા આવ્યા હતા. પછી તેઓ ગૌશાળામાં ગયા હતા અને નક્કી થયું હતું કે એ દિવસે તેઓ રાજધાની લખનૌ પાછા ફરશે.
આવાસના એક લાલ ઓરડામાં તેઓ સંસદસભ્ય તરીકે લોકોને મળે છે. તે સિલસિલો આજે પણ ચાલુ છે.
એ લાલ કક્ષ પાસેથી પસાર થતાં એક જૂના કર્મચારીએ પૂછ્યું, "મહારાજ જી, આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે અને એ પછીના દિવસે આપનો જન્મદિવસ પણ છે. આપના દર્શન એ પછી થશે?"
યોગી આદિત્યનાથ માત્ર સ્મિત કરીને આગળ વધી ગયા હતા. તેમણે કદાચ વિચાર્યું નહીં હોય કે આગામી કેટલાક દિવસો બહુ પડકારજનક સાબિત થવાના છે.
પાસું પલટાયું
ચોથી જૂનના પરિણામે સૌને ચોંકાવી દીધા. લોકસભામાં પૂર્ણ બહુમતિ મેળવવા માટે 272 બેઠકો જીતવી પડે છે, પણ ભારતીય જનતા પાર્ટી આપબળે તે આંકડે પહોંચવામાં 32 બેઠકોથી પાછળ રહી ગઈ.
લોકસભાની 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં ભાજપને ગત ચૂંટણીની માફક 60થી વધુ બેઠકો મળવાની આશા હતી, પરંતુ પક્ષ બહુ ખરાબ રીતે પાછળ રહી ગયો. સમાજવાદી પક્ષ તેનાથી વધુ બેઠકો જીત્યો, જ્યારે ભાજપે માત્ર 33 બેઠકોથી સંતોષ માનવો પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ-એનડીએ ગઠબંધનને 36 બેઠકો મળી, જ્યારે કૉંગ્રેસ-સમાજવાદી પક્ષના વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લૉકને 43 બેઠકો મળી. ભાજપ માટે તે જોરદાર ઝટકો છે, કારણ કે ગત ચૂંટણીમાં એનડીએ પાસે 64 બેઠકો હતી.
લોકસભા અને વિધાનસભાની ગત ચૂંટણીમાં જીતનું શ્રેય યોગી આદિત્યનાથને મળ્યું હતું, પરંતુ આ વખતના પરિણામે તેમને અંદરથી હલબલાવી નાખ્યા છે.
સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે 37 અને કૉંગ્રેસના રાહુલ ગાંધીએ પોતાના પક્ષ માટે છ બેઠકો જીતીને યોગીને પછાડ્યા છે.
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીના કહેવા મુજબ, "નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર કરતાં ભાજપને રાજ્ય સરકારોએ લઘુમતીને વધારે સીધું નિશાન બનાવી હતી તથા ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં બુલડોઝર એક સરકારી પ્રતીક બની ગયું હતું. નવા રામમંદિરવાળા પ્રદેશમાં હિંદુત્વના રાજકારણને જોરદાર આંચકો લાગ્યો અને જે સમાજવાદી પક્ષ પર ભાજપ મુસ્લિમ-પરસ્ત હોવાનો આક્ષેપ કરતી છે તેને બહુમતી હિંદુ વસ્તીવાળા પ્રદેશમાં ઘણા વધારે મત મળ્યા.ભાજપ જે બેઠકો પર હારી છે તેમાં અયોધ્યા (ફૈઝાબાદ)નો પણ સમાવેશ થાય છે."
હકીકત એ છે કે 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં 49.6 ટકા મત મળ્યા હતા, જે 2024માં ઘટીને 41.4 ટકા થઈ ગયા છે.
બીજી હકીકત એ છે કે એનડીએના સાથી પક્ષો જોડી મળીને ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની રચના થઈ ગઈ છે અને નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન જવાહરલાલ નેહરુના રેકૉર્ડની બરાબરી કરી છે.
હાર માટે કોણ જવાબદાર?
લખનૌના હઝરતગંજ સ્થિત ભાજપની ઑફિસમાં વાતાવરણ 2014થી જ બદલાયેલું છે. ઊંચી છતો, મોટા દરવાજા અને દીવાલમાં અનેક જગ્યાએ તિરાડોવાળી જૂની ઇમારત અનેક મોટા પરિવર્તનની સાક્ષી છે.
એ ઑફિસે 1990થી 2004 સુધી સ્થાનિક સંસદસભ્ય અને બાદમાં વડા પ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયીની કેન્દ્ર સરકાર, કલ્યાણ સિંહ તથા રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારોને પણ જોઈ છે.
એ જૂની ઑફિસે 2004માં ભાજપ સરકારની ઇન્ડિયા શાઇનિંગના નારાવાળી સામાન્ય ચૂંટણીમાં વાપસી કરવાના નિષ્ફળ પ્રયાસ પણ જોયા હતા.
2014 પછી અમિત શાહ પ્રદેશમાં ભાજપના કેમ્પેઇન ઇન્ચાર્જ બન્યા ત્યારે એ ઑફિસને નવો ઓપ આપવામાં આવ્યો હતો.
એ સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલાં નવા ઓપવાળી આ ઑફિસમાં એક વૉર રૂમ બનાવવામાં આવ્યો હતો, જેમાં દરેક બૂથના રિપોર્ટ્સ રાખવામાં આવતા હતા.
આ નવી ઑફિસે થોડાં વર્ષોમાં યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન બનતા પણ જોયા હતા, પરંતુ હવે લગભગ એક દાયકા પછી ચોથી જૂન, 2024ની સવારે ટ્રેન્ડ આવવો શરૂ થતાંની સાથે આ ઑફિસે સન્નાટા તથા નિષ્ફળતાનો અનુભવ ફરી કર્યો હતો.
ગોરખપુરના રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર મહેન્દ્ર કુમાર સિંહ માને છે, "આ પ્રદર્શનની પાછળ એક મોટું ફૅક્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોની ઓછી હિસ્સેદારી અને ભાજપના ગ્રાસરૂટ કાર્યકરોનું ઘટેલું મનોબળ છે, કારણ કે એ પૈકીના મોટા ભાગના લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં વિખૂટા પડી ગયા હોવાની લાગણી અનુભવતા હતા."
આ ઑફિસમાં મને ગત લોકસભા તથા વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ આવતાંની સાથે જ એક નવી ચીજ દેખાવા લાગી હતી. સમર્થકો વિજયની ઉજવણી કરવા માટે બુલડોઝરોમાં આ ઈમારતના દરવાજે આવતા હતા.
આ વખતની ચૂંટણીના પ્રચાર દરમિયાન યોગી આદિત્યનાથે પોતાના ભાષણોમાં "ગુનેગારો અને ખોટું કરનારા પર બુલડોઝરના ઉપયોગ"ની વાતનો પુનરોચ્ચાર અનેક વખત કર્યો હતો.
બિહારમાં ગત 23 મેના રોજ યોજાયેલી એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું, "હું તમને બધાને ધન્યવાદ આપું છું કે તમે મારા અહીં આવતા પહેલાં જ બુલડોઝર મંગાવી રાખ્યું છે. તે માફિયાઓ અને આતંકવાદીઓ માટે સૌથી યોગ્ય ઇલાજ છે."
આ ભાષણના એક સપ્તાહ પહેલાં જ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ ભાષણની નોંધ લેવા જણાવ્યું હતું, જેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "બુલડોઝર ક્યાં ચલાવવું જોઈએ, એ જાણવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ યોગી આદિત્યનાથ પાસેથી ટ્યુશન લેવાની જરૂર છે."
ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થવા પહેલાં કોઈના ઘર કે ઇમારત પર બુલડોઝર દ્વારા બળ પ્રયોગને મતદાતાઓએ સ્પષ્ટ રીતે નકારી કાઢ્યો છે તે સ્પષ્ટ છે.
ટિકિટની વહેંચણી કોણે કરી હતી?
ઉત્તર પ્રદેશમાં અનેક ચૂંટણી કવર કરી ચૂકેલાં વરિષ્ઠ પત્રકાર નિધિ રાઝદાનના કહેવા મુજબ, "અબકી બાર 400 પાર અને મોદીની ગેરંટીવાળા માહોલમાં ઉત્તર પ્રદેશમાંના આરએસએસના કાર્યકરો વિખૂટી પડી ગયાની લાગણી અનુભવી રહ્યા હતા."
નિધિ કહે છે, "ટિકિટ વિતરણમાં સ્થાનિક નેતાગીરી કરતાં કેન્દ્રીય નેતાગીરીની ભૂમિકા વધારે જોવા મળી હતી, જે ખોટી સાબિત થઈ. ખુદ યોગી અને વડા પ્રધાન તેમના ભાષણોમાં બુલડોઝરની વાતોનો પુનરોચ્ચાર કરતા હતા, ત્યારે આગળ જતાં ભાજપ યોગીને બદલી શકે છે, તેવા સમર્થનવિહોણા સમાચારો આવતા રહ્યા હતા."
‘કડક મુખ્યપ્રધાન’ યોગી આદિત્યનાથના વહીવટથી મોટાભાગના લોકો ખુશ છે, તેવું નેરેટિવ સ્થાનિક મીડિયામાં ચલાવવામાં આવતું હતું.
તેમ છતાં, હકીકત એ છે કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, બિહાર અને ઝારખંડ જેવા પાડોશી રાજ્યોમાં સારો દેખાવ કરનાર ભાજપ પોતાના જ ગઢ ઉત્તર પ્રદેશમાં સમેટાઈ ગઈ.
ઉત્તર પ્રદેશનો લાંબો પ્રવાસ કરીને પાછા ફરેલા વરિષ્ઠ પત્રકાર સબા નકવી માને છે, "દોષનો ટોપલો કોઈક પર તો ઢોળાવાનો જ હતો. ભલે દબાયેલા અવાજે હોય, પરંતુ ઉત્તર પ્રદેશમાં ખરાબ પ્રદર્શન માટે અત્યારે તો યોગીને જ જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે."
વિધાનસભાની ગત બે ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ઉત્તર પ્રદેશમાં ચૂંટાયેલા એક દલિત નેતાએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે બીબીસીને કહ્યું,"ઉત્તર પ્રદેશની 80 બેઠકો પૈકીની ઓછામાં ઓછી 25 બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી અમારા કેન્દ્રીય નેતૃત્વએ કરી હતી, જ્યારે યોગી ત્યાંથી કોઈ અન્યને ઉમેદવારી આપવા ઈચ્છતા હતા. અખિલેશ યાદવે આ વખતે ઉમેદવારોની પસંદગી પર વધારે ધ્યાન આપ્યું હતું અને ટિકિટની વહેંચણીમાં ચાણક્યની ભૂમિકા ભજવી હતી."
યોગી આદિત્યનાથ અને ભાજપની ટોચની નેતાગીરી વચ્ચે બેઠકોની વહેંચણી બાબતે ભલે ગમે તે મતભેદ હોય, પરંતુ એ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે વિપક્ષી ઇન્ડિયા બ્લૉક ગઠબંધને પોતાની નજીકના અનેક લોકોને મનાઈ છતાં કેટલીક ટિકિટ આપી હતી, જે હુકમના એક્કા જેવી સાબિત થઈ હતી.
દાખલા તરીકે, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ દ્વારા માત્ર પાંચ યાદવ ઉમેદવારોને ટિકિટ આપવાનો કે પાંચ-છ મુસલમાન ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે તેઓ બરાબર હિસાબ કરીને જ મેદાનમાં ઉતર્યા હતા.
તેનો અર્થ એ કે ઇન્ડિયા બ્લૉકે ઓબીસી-દલિત કાર્ડનો ઉપયોગ જે ઉત્તમ રીતે કર્યો તેને સમજવામાં ભાજપને બહુ વાર લાગી.
ઉત્તર પ્રદેશ સરકારના એક વરિષ્ઠ પ્રવક્તાએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, "વિરોધ પક્ષ લોકોને સતત જણાવતો રહ્યો હતો કે ભાજપ સરકાર ફરી આવશે તો બંધારણ બદલી નાખવામાં આવશે, એક નવા ભારતનું નિર્માણ થશે, અનામત ખતમ કરી નાખવામાં આવશે. આ વાતને મતદાનના પ્રથમ તબક્કામાં જ પકડવાની જરૂર હતી, પરંતુ થયું તેનાથી ઊલટું."
નુકસાનની ભરપાઈના પ્રયાસ
ચોથી જૂનની સાંજ સુધીમાં ખબર પડી ગઈ હતી કે ઉત્તર પ્રદેશમાં લોકોએ ભાજપમાં ઓછો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રામ મંદિર નિર્માણ અને હજારો કરોડ રૂપિયાના ખર્ચે અયોધ્યાના નવીનીકરણ તથા બુલડોઝરથી ન્યાય આપવાના દાવાઓની પણ કોઈ ખાસ અસર થઈ નથી.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે પણ આ કોયડો હવે સરળ બની રહ્યો હતો.
રાજ્યમાં કેટલા સરકારી પદો ખાલી છે, તેની તેમણે સાતમી જૂને પ્રયાગરાજમાં પ્રદેશ સિવિલ સેવા આયોગ સાથે વાત કરીને તપાસ કરી હતી.
યોગી આદિત્યનાથે આઠમી જૂને લખનૌમાં પોતાના પ્રધાનમંડળની બેઠક યોજીને બધાને કહ્યું હતું, "હવે બહુ થયું. વીઆઈપી કલ્ચરથી તમે લોકો દૂર રહો. પોતપોતાના મતવિસ્તારમાં જાઓ. લોકો સાથે ફરીથી સંપર્ક સ્થાપો. મોટરકારો પર આ હૂટર-વૂટર લગાવવાનું બંધ થવું જોઈએ."
જાણકારોના કહેવા મુજબ, ઉત્તર પ્રદેશના યુવાઓમાં એ વાતનો રોષ છે કે નીચલા સ્તરની સરકારી ભરતી વારંવાર ટાળવામાં આવતી રહી છે અને સરકારે મફત રાશન તથા ફ્રી ગેસ જેવી યોજનાઓ પર વધારે ધ્યાન આપ્યું છે.
ચૂંટણીના પરિણામથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઇન્ડિયા બ્લોકને જાતીય સમીકરણના આધારે ટિકિટ વહેંચવાનો લાભ મળ્યો છે. સાથે યુવા વર્ગે પણ તેમને વધારે મત આપ્યા છે.
ઉત્તર પ્રદેશમાં અનેક કેન્દ્રીય પ્રધાનો અને યોગી કેબિનેટના પ્રધાનોએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમાં સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, મહેન્દ્ર પાંડે, અજય મિશ્રા ટેની, સંજીવ બાલિયાન, કૌશલ કિશોર અને બી પી એસ વર્માનો સમાવેશ થાય છે.
વધેલી મોંઘવારી, અગ્નિવીરની ભરતી, સરકારી પરીક્ષાઓમાં પેપર લીક થવાં અને તેના પછી સરકારી નોકરીઓમાં ભરતીમાં વિલંબ આ બધાની અસર ઉત્તર પ્રદેશમાં યુવા વોટરો પર થઈ છે.
તેમ છતાં મહત્ત્વનો મુદ્દો એ છે કે અહીં યોગી આદિત્યનાથને કૉંગ્રેસ-સમાજવાદી પાર્ટીએ ઝટકો આપ્યો છે કે બીજા કોઈએ?
યોગી આદિત્યનાથની નજીકના લોકો તો એવું જ કહે છે, “ઉત્તર પ્રદેશમાં ભાજપે પોતાની સાખ ફરી બનાવવી હશે તો એ કામ યોગી આદિત્યનાથ જ કરી શકશે, કારણ કે તેઓ જ હિન્દુત્વના મસીહા છે.”
જોકે, યોગી આદિત્યનાથની ભાજપના જ કેટલાક વરિષ્ઠ નેતાઓ એ વાત યાદ અપાવે છે કે "યોગી બહુ જલદી આગળ નીકળી જવા ઇચ્છતા હતા, પરંતુ રાજકારણમાં દરેક ચીજ પોતાના સમયે અને થોડી ધીરજ સાથે જ બનતી હોય છે."