You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના વિરોધ છતાં રાજકોટથી કેવી રીતે જીતી ગયા?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા રાજકોટની બેઠક થઈ હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ જીત મેળવી છે.
તેમણે કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને 4,84,260 મતથી હરાવ્યા છે.
કેન્દ્રીય મત્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વિવાદ ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બન્યો હતો.
રૂપાલાએ માફી માગી પરંતુ રાજપૂતો મક્કમ હતા. ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ માફી માગી પરંતુ રાજપૂતોનો રોષ ઠંડો ન પડ્યો.
રાજપૂતોની એક જ માગ હતી કે રૂપાલાને રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે હઠાવવામાં આવે.
મામલો એટલો ગંભીર હતો કે ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો. પરંતુ તેમણે રૂપાલા પર ભરોસો મૂક્યો અને ઉમેદવાર બદલ્યા નહીં.
ઠેરઠેર પોસ્ટરો લાગ્યાં. મોટીમોટી રેલીઓ થઈ. વિવિધ ક્ષત્રિય સમાજોની સંકલન સમિતિઓની બેઠકો થઈ.
પણ આટઆટલો વિરોધ છતાં આ લોકસભા ચૂંટણીમાં પરશોત્તમ રૂપાલા છેવટે જીતી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે રૂપાલા સામે રાજપૂતોનો આટલો વિરોધ હોવા છતાં તેમની લોકસભાની રાજકોટ બેઠક પરથી જીત કેમ થઈ? આ સવાલનો જવાબ મેળવવા બીબીસીએ વિવિધ રાજકીય વિશ્લેષકો સાથે વાતચીત કરી.
'ક્ષત્રિયોમાં એકતાનો અભાવ'
જાણકારો કહે છે કે ક્ષત્રિયોમાં પહેલાથી જ એકતાનો અભાવ દેખાતો હતો અને તેઓ (ક્ષત્રિયો) મહદંશે ભાજપ સાથે જોડાયેલા હતા. ભાજપના ક્ષત્રિય નેતાઓએ બંધબારણે બેઠકો કરીને ક્ષત્રિય સમાજને મનાવવાની કોશિશ કરી જેમાં તેઓ કેટલાક અંશે તેઓ સફળ પણ થયા.
આ આંદોલન ચાલતું હતું ત્યારે બીબીસી ગુજરાતીએ રાજપૂત સમાજના ઘણા નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ખુલ્લા મને સ્વીકાર્યું હતું કે તેમના સમાજમાં એકતાનો અભાવ છે.
આ આંદોલન બાબતે પણ તેવું જ જોવા મળ્યું.
રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “રાજપૂત સમાજનાં આગેવાન પદ્મિનીબા વાળાએ જાણે કે આ લડાઈ વ્યક્તિગત બનાવી દીધી. તેમને રાજપૂત સમાજની સંકલન સમિતિમાં સ્થાન ન મળ્યું. તેમને બોલવા ન દેવાયાં. તેમને અહેસાસ થયો કે તેઓ આ લડાઈમાં એકલાં પડી ગયાં છે. તેઓ એકલા જ પ્રેસ કૉન્ફરન્સ કરતાં હતાં. તેમને એવું લાગ્યું કે સમાજે તેમને સમર્થન ન આપ્યું. છેલ્લે તેમણે રૂપાલાને માફ પણ કરી દીધા. તેમણે કહ્યું કે ચૂંટણી પતી ગઈ એટલે હવે તેઓ રૂપાલાને માફ કરે છે. એટલે રાજપૂત સમાજમાં બે ફાંટા પડી ગયા હતા.”
જોકે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે ક્ષત્રિયો એક હતા, પરંતુ રૂપાલાને રાજકોટના ભાજપ પ્રત્યે કૂણું વલણ ધરાવતા મતદાતાઓએ જીતાડ્યા.
રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે. “ક્ષત્રિયોએ રૂપાલાને હરાવવા બહુ મહેનત કરી પણ સામાન્ય મતદાતાઓને એવું લાગ્યું કે રૂપાલાની ભૂલની સજા ભાજપને કે પીએમ મોદીને ન આપવી જોઈએ.”
ભાજપ ઘણાખરા ક્ષત્રિય સમાજના નેતાઓને મનાવવામાં સફળ થયું અને તેને પગલે આ આંદોલનની અસર ઓછી થઈ.
જાણકારોનું એમ પણ કહેવું હતું કે મોટા ભાગના રાજવી પરિવારો પણ ભાજપમાં છે. એટલે શરૂઆતમાં ભાવનગર અને જામનગરના રાજવીઓનો વિરોધ દેખાયો, પરંતુ પાછળથી તેઓ સક્રિય વિરોધ કાર્યક્રમમાં દેખાયા નહીં. બાદમાં પદ્મિનીબા વાળા અને પી. ટી. જાડેજા જેવા સમાજના નેતાઓએ આંદોલનને આગળ ધપાવ્યું, પરંતુ તેની અસર એટલી ન દેખાઈ.
સુરેશ પારેખ જણાવે છે, “ક્ષત્રિય સમાજને અન્ય જ્ઞાતિનું સમર્થન ન મળ્યું. રાજપૂતોની સંકલન સમિતિએ પદ્મિનીબા વાળા પર આરોપો લગાવ્યા અને પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે પણ આરોપો લગાવ્યા.”
ક્ષત્રિયોની સામે પટેલોની વોટબૅન્ક વધુ મહત્ત્વની સાબિત થઈ
જાણકારો કહે છે કે રાજકોટ એ ભાજપની પરંપરાગત બેઠક છે એટલે રૂપાલાને જીતવામાં કોઈ અવરોધ ન નડ્યા.
જગદીશ મહેતા કહે છે, “પટેલની સામે પટેલ ઉમેદવાર હતા, પણ પટેલોએ ભાજપને આપવાનું પસંદ કર્યું. માત્ર પ્રતિબદ્ધ મતદાતાઓ જ નહીં પરંતુ તટસ્થ મતદાતાઓએ પણ રૂપાલાને મત આપ્યો હોવાનું દેખાય છે.”
રાજકોટ લોકસભા મતવિસ્તારમાં 20.90 લાખ મતદાતાઓ હતા. જે પૈકી પાટીદારના સાત લાખ વોટ હતા. કોળી સમાજના દોઢ લાખ, દલિતોના દોઢ લાખ. મુસ્લિમોના દોઢ લાખ, વણિક-બ્રાહ્મણ-રઘુવંશી તથા સોનીના ત્રણ લાખ મતો છે. આમ પટેલોની સરખામણીએ ક્ષત્રિયોના વોટ નગણ્ય હતા.
રૂપાલા પોતે પણ પાટીદાર ચહેરો હતા.
જાણકારોના મત મુજબ ક્ષત્રિયોના વિરોધ હોવા છતાં રૂપાલાની પડખે પાટીદાર વોટબૅન્ક હતી જેને કારણે ક્ષત્રિયોનો વિરોધ હોવા છતાં તેમને જીતવામાં સરળતા રહી.
સુરેશ પારેખ જણાવે છે, “ક્ષત્રિયોની સરખામણીએ પટેલોના મતો વધારે છે. એટલે આ મતવિસ્તારમાં પટેલો હાવી રહે તે વાત સાચી. આમ તો પરેશ ધાનાણી પણ પટેલ સમાજમાંથી આવે છે પણ મહદંશે પટેલ સમાજને ભાજપના પ્રતિબદ્ધ મતદાતાઓ માનવામાં આવે છે. તેથી કૉંગ્રેસને નિરાશા મળી.”
ભાજપ ડૅમેજ કંટ્રોલ કરવામાં સફળ
ક્ષત્રિયોનો વિરોધ જોતાં ભાજપના તમામ નેતાઓ ડૅમેજ કંટ્રોલમાં લાગી ગયા હતા. પહેલાં માનવામાં આવતું હતું કે ભાજપમાં જૂથવાદ છે.
જાણકારો એમ પણ કહેતા હતા કે ભાજપે પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ રાણા, પ્રદીપસિંહ વાઘેલા, આઈ. કે. જાડેજા, હકૂભા જાડેજા જેવા આગેવાનોને કોરાણે મૂકી દીધા છે અને પટેલ લોબી પક્ષમાં હાવી થઈ ગઈ છે.
આ વિષય પર પ્રકાશ પાડતા સુરેશ પારેખ કહે છે, “ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિયોનું પહેલું સંમેલન યોજીને સમાધાનના પ્રયાસ આદર્યા ત્યારથી લઈને પીએમ મોદીએ જામસાહેબની આપેલી પાઘડી પહેરી ત્યાં સુધી ભાજપે આ આંદોલનને ખાળવાની કોશિશ કરી. આંદોલન ચાલ્યું પણ તેની અસર જીત પર નહીં વર્તાઈ.”
આ મામલો રૂપાલાનો હતો અને હાઈપ્રોફાઇલ હતો. તેથી તમામ રાજપૂત કે ક્ષત્રિય નેતાઓને પણ ભાજપે કામે લગાડ્યા. ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓએ પત્રો લખીને આંદોલનકારીઓને રૂપાલાને માફી આપવા માટે વિનંતી કરી.
રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “રૂપાલાએ પોતે પણ મહેનત કરી અને તેમની સાથે જે ભાજપનું જૂથ છે એ જૂથે પણ મહેનત કરી.”
ભાજપે આંદોલનકારીઓ સાથે પણ વિવિધ બેઠકો કરી. ભલે તેમને આંદોલન તોડવામાં સફળતા ન મળી પરંતુ કેટલાક પ્રભાવશાળી રાજપૂત નેતાઓ આ આંદોલનથી દૂર રહે અને રૂપાલાનો સક્રિય વિરોધ ન કરે તે માટે સમજાવવામાં તેમને સફળતા મળી.
ખુદ રૂપાલા સામેનાં મુખ્ય આંદોલનકારી પદ્મિનીબા વાળાએ એવા આરોપ કરવાં લાગ્યાં હતાં કે આ આંદોલનમાં સમાજની સંકલન સમિતિમાં કયા પ્રકારના નિર્ણયો લેવાય છે, તેની તેમને જાણ કરવામાં આવતી નથી.
જાણકારો કહે છે કે જ્યારે આંદોલનકારીઓ નહીં માન્યા, ત્યારે ભાજપે એવો પ્રચાર શરૂ કર્યો કે રાજપૂતો રૂપાલા સામે નારાજ છે, પરંતુ પીએમ મોદી સામે નારાજ નથી. એ પ્રચારની અસર પણ દેખાઈ.
જગદીશ મહેતા કહે છે, “રાજકોટના મતદાતાઓએ રૂપાલાને મત આપ્યો એમ કહેવાં કરતાં તેમણે એક સ્થિર સરકાર અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના ચહેરાને વોટ આપ્યો છે એવું કહીએ તો ખોટું નથી.”
પરેશ ધાનાણી માટે રાજકોટ નવું હતું
ભલે એક સમયે પરેશ ધાનાણીએ અમરેલીમાં પરશોત્તમ રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા હોય પંરતુ રાજકોટમાં રૂપાલાનો મુકાબલો કરવો ધાનાણી માટે મુશ્કેલ રહ્યો.
ધાનાણી માટે રાજકોટ લોકસભા મતવિસ્તાર નવો હતો.
જગદીશ મહેતા કહે છે, “આમ તો રૂપાલા માટે પણ રાજકોટ નવું ક્ષેત્ર હતું પરંતુ તેઓ પહેલાં ગુજરાત ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે તેનો તેમને ફાયદો થયો. જ્યારે કે અમરેલીથી અહીં આવેલા કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રચાર માટે અને ચૂંટણી વ્યવસ્થા માટે છેક અમરેલીથી માણસો લાવવા પડ્યા.”
જાણકારો કહે છે કે જે પ્રકારે રાજકોટમાં ભાજપનું સંગઠન છે તેવા પ્રકારના સંગઠનનો કૉંગ્રેસમાં અભાવ જોવા મળ્યો.
જગદીશ મહેતા કહે છે, “કૉંગ્રેસના કેટલાક આગેવાનોની નિષ્ક્રિયતા પણ દેખાઈ. તેઓ માત્ર કાર્યક્રમોમાં ફોટા પડાવવા આવતા હતા. તેમાં એક ટીમવર્કનો અભાવ દેખાયો.”
ક્ષત્રિયોના આંદોલનને કારણે કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં થોડી સક્રિયતા દેખાઈ પરંતુ તેમના વિરોધનો ફાયદો ઉઠાવવામાં પરેશ ધાનાણી નિષ્ફળ નિવડ્યા.
જગદીશ મહેતા કહે છે, “ધાનાણી પટેલ વોટબૅન્ક અને ક્ષત્રિયોના ભાજપ વિરોધી આંદોલનના ભરોસે રહ્યા પરંતુ રાજકોટમાં ન કોઈ દિગ્ગજ નેતાની સભા થઈ, ન કોઈ મોટું સંમેલન મળ્યું. ન રાજકોટની પ્રજા પર કૉંગ્રેસના પ્રચારની અસર થઈ, ન ચૂંટણીઢંઢેરાની. પરેશ ધાનાણીએ પોતાની કાબેલિયતથી ચૂંટણી લડી પરંતુ તેમની લડાઈ માત્ર રૂપાલા સામે નહોતી, તેમની લડાઈ ભાજપના મજબૂત સંગઠન સામે હતી અને તેની સામે કૉંગ્રેસ વામણી પુરવાર થઈ.”
જાણકારોના મત પ્રમાણે આ મતવિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાની બેઠકો હાલ ભાજપ પાસે છે. મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત જેવી ઘણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ ભાજપ પાસે છે.
એટલે જાણકારોના મત મુજબ સરવાળે ભાજપ પાસે જે નફાકારક પરિબળો હતા તે કૉંગ્રેસ પાસે નહોતા.
સુરેશ પારેખ જણાવે છે, “કૉંગ્રેસ રાજકોટના ઉમેદવાર પસંદ કરવામાં થાપ ખાઈ ગયું. રાજકોટ પહેલાથી જ ભાજપનો ગઢ છે. અહીં ગમે તે દિગ્ગજ ઉમેદવારને ઉતારો તો પણ ભાજપને તકલીફ ન પડે. જો કૉંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટની જગ્યાએ અમરેલીથી ઉતાર્યા હોત તો ત્યાં તેમની જીતની શક્યતા વધારે હતી. અહીં તેમની પાસે ન ફંડ છે ન કાર્યકર્તા. રેલી કે સંમેલનમાં માણસો ભેગા કરવા તકલીફો પડે છે. તેવા સંજોગોમાં તેમની જીત કેવી રીતે થઈ શકે?”
જાણકારો એમ પણ કહે છે કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ કૉંગ્રેસે આપ પાર્ટી સાથે ટિકિટની વહેંચણી કરી હતી. પરંતુ 2022 વિધાનસભાની ચૂંટણી વખતે જે પ્રકારે આપના નેતાઓએ રાજકોટમાં પ્રચાર કર્યો હતો તે પ્રકારનો પ્રચાર કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી માટે કર્યો હોય તેવું જોવા નથી મળ્યું.
શું બોલ્યા હતા રૂપાલા કે થયો હતો વિવાદ?
રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન દરમિયાન સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગી હતી.
રૂપાલાના વાઇરલ થયેલા આ વીડિયોમાં તેઓ એવું કહેતા સંભળાય છે કે, “ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું.”
તેમના નિવેદનમાં તેઓ આગળ કહે છે, “એ સમયે મહારાજાય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રુખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો.”
રૂપાલાએ પોતાના બચાવમાં કહ્યું, “એ દરમિયાન હું જે વાત કરી રહ્યો હતો, તેમાં મારો આશય વિધર્મીઓ દ્વારા આપણા દેશ પર કરાયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય નહોતો. આવું મારા મનમાં ક્યારેય ન હોઈ શકે.”
રૂપાલાએ આ ભાષણ બદલ માફી માગતા કહ્યું, “છતાં જો મારા આ ઉલ્લેખને કારણે કોઈ પણ વ્યક્તિની લાગણી જો દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. દિલથી માફી માગું છું. મારો ઇરાદો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો એ અંગે હું સ્પષ્ટતા કરું છું અને સૌને આ વિષય અહીં જ પૂરો કરવાની વિનંતી કરું છું.”
આ માફીની અસર રાજપૂત સમાજ પર પડી નહોતી અને જ્યાં સુધી ચૂંટણી ન પતી ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ જ રહ્યું હતું.