મૅક્રૉને યુરોપની ચૂંટણીમાં હાર પછી અચાનક જ ફ્રાંસમાં કર્યું ચૂંટણીનું એલાન

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉને પોતાના હરીફ લે પેનની પાર્ટી નેશનલ રેલી યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં થયેલી વિશાળ જીત પછી દેશમાં અચાનક જ સંસદીય ચૂંટણીની જાહેરાત કરી હતી. ફ્રાન્સની આ ચૂંટણી મહિનાના અંતે યોજાશે.

ઍક્ઝિટ પોલનાં અનુમાનો પ્રમાણે જમણેરી પાર્ટી નેશનલ રેલીને 32 ટકા મતો મળી શકે છે. જે રાષ્ટ્રપતિ મૅક્રૉનની રેનેસૉં પાર્ટી કરતા બમણા છે, રેનેસૉં પાર્ટીને 13 ટકા મતો મળશે.

મૅક્રૉને દેશની સંસદને ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મતદાન 30 જૂન અને સાત જૂલાઈ એમ બે તબક્કામાં મતદાન યોજાશે.

મૅક્રૉને ટેલિવિઝન સંબોધનમાં આ ચોંકાવનારી જાહેરાત કરી હતી. તેમણે યુરોપિયન યુનિયનમાં ફ્રાન્સનું મતદાન ખતમ થયા પછી અને ઍક્ઝિટ પોલનાં પરિણામો સામે આવ્યા પછી એલિસી પેલેસથી ચૂંટણીની જાહેરાત કરી હતી.

આ પહેલાં નેશનલ રેલીનાં 28 વર્ષીય નેતા જૉર્ડન બાર્ડેલાએ રાષ્ટ્રપતિને સંસદીય ચૂંટણી કરાવવા માટે ખુલ્લેઆમ આહ્વાન કર્યુ હતું.

મૅક્રૉને પોતાના સંબોધનમાં ફ્રાન્સના લોકોને કહ્યું, “મેં તમારો સંદેશો સાંભળ્યો છે અને તેનો જવાબ આપ્યા વિના હું રહી નહીં શકું. ફ્રાન્સને શાંતિ અને સદ્ભાવ સાથે કામ કરવા માટે સ્પષ્ટ બહુમતીની જરૂર છે. હું એવી રીતે ન વર્તી શકું જાણે કશું જ થયું નથી. મેં નક્કી કર્યું છે કે તમને ચૂંટવાનો મોકો આપવામાં આવે. આ જ કારણે હું નેશનલ ઍસેમ્બલીને આજે રાતે જ ભંગ કરી રહ્યો છું.”

તેમણે કહ્યું કે મને ભરોસો છે કે ફ્રાન્સનાં લોકો આવાનારી પેઢીઓ માટે સાચો નિર્ણય કરશે.

મૅક્રૉનનો બીજો કાર્યકાળ પૂર્ણ થવામાં બે વર્ષ બાકી હતાં અને યુરોપિયન યુનિયનમાં થયેલા મતદાનની દેશની રાજનીતિ પર કોઈ સીધી અસર પડતી નથી. જોકે, મૅક્રૉને સ્પષ્ટપણે નિર્ણય કર્યો કે લોકપ્રિયતા વગર જો તેઓ કામ કરશે તો તંત્ર પર વધારે દબાણ આવશે.

લે પેન બે વખત મૅક્રૉન સામે ચૂંટણી હારી ચૂક્યા છે. તેમણે આ જાહેરાત પછી પ્રતિક્રિયા આપતા કહ્યું, "મારી પાર્ટી સત્તામાં આવવા માટે તૈયાર છે અને પાર્ટી મોટા પ્રમાણમાં આવી રહેલા અપ્રવાસીઓ પર રોક લગાડવા માટે પણ તૈયાર છે."

ઇઝરાયલના વૉર કૅબિનેટ મંત્રી બેની ગૅન્ટ્ઝે રાજીનામું આપ્યું

ઇઝરાયલના વૉર કૅબિનેટ મંત્રી બેની ગૅન્ટ્ઝે દેશની સરકારમાંથી રાજીનામું આપ્યું છે.

આ પગલાને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના યુદ્ધ પછી ગાઝા માટેની યોજના પર બંને નેતાઓ વચ્ચેના મતભેદરૂપે જોવામાં આવી રહ્યું છે.

ગૅન્ટ્ઝે રવિવારે તેલ અવીવમાં એક પ્રેસકૉન્ફરન્સ દરમિયાન પોતાનાં રાજીનામાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું, "મેં આ નિર્ણય ખૂબ જ દુખી મન સાથે લીધો હતો."

“દુર્ભાગ્યપણે નેતન્યાહૂ અમને એવી સાચી જીત સુધી પહોંચવામાં રોકી રહ્યા છે, જે વર્તમાન સંકટને ખતમ કરવા માટે યોગ્ય છે.”

નેતન્યાહૂ માટે આવનારી ચૂંટણીમાં પડકાર ગણાતા ગૅન્ટ્ઝે નેતન્યાહૂને દેશમાં ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે આહ્વાન કર્યું હતું.

નેતન્યાહૂએ ગૅન્ટઝના રાજીનામા વિશે એક્સ પર લખ્યું, “બેની આ અભિયાન છોડવાનો સમય નથી. આ સમય સેનામાં સામેલ થવાનો છે.”

સોશિયલ મીડિયા પર ઇઝરાયલના વિપક્ષના નેતા યેર લિપિડે ગૅન્ટ્ઝનું સમર્થન કર્યું અને તેમના નિર્ણયને જરૂરી અને સાચો ઠેરવ્યો હતો.

ગૅન્ટ્ઝના રાજીનામા પછી ઘોર દક્ષિણપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગવિરે વૉર કૅબિનેટમાં જગ્યાની માંગણી કરી હતી.

બેન-ગવિર દક્ષિણપંથી ગઠબંધનનો ભાગ છે. ગઠબંધને ધમકી આપી હતી કે ઇઝરાયલ જો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના યુદ્ધવિરામના પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો તેઓ સરકાર છોડી દેશે અને સરકાર પાડી દેશે.

પાકિસ્તાનના વડા પ્રધાને નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ભારતના વડા પ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે એક્સ પર અભિનંદન પાઠવતા કહ્યું, “નરેન્દ્ર મોદીને ભારતના વડા પ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 72 સભ્યો વાળા મંત્રીમંડળમાં 30 કૅબિનેટ મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 36 રાજ્યમંત્રીઓએ રવિવારે શપથ લીધી હતી.

મંત્રીઓને વિભાગો ફાળવવામા આવ્યા નથી.

નવી સરકારમાં 27 મંત્રી ઓબીસી, 10 મંત્રી એસસી અને પાંચ મંત્રી એસટી અને પાંચ મંત્રી લઘુમત્તી સમુદાયના છે.

જોકે, ભારતના સૌથી મોટા લધુમત્તી સમુદાય મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સરકારમાં નથી. નવી સરકારમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી.

કૅનેડાના વડા પ્રધાન ટ્રુડો તરફથી મળેલાં અભિનંદન પર મોદીનો જવાબ

નરેન્દ્ર મોદીએ ભારના વડા પ્રધાન તરીકે સતત ત્રીજી વખત શપથ લીધા છે. તેમણે આ વેળાએ વિશ્વભરના નેતાઓ તરફથી મળેલી શુભકામનાઓનો જવાબ આપ્યો હતો.

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા અઠવાડીયે નરેન્દ્ર મોદીને ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે અભિનંદન પાઠવતી વખતે 'માનવઅધિકાર' અને 'કાયદાનું શાસન' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅનેડાના વડા પ્રધાનનાં અભિનંદનનો જવાબ આપ્યો હતો.

તેમણે એક્સ પર લખ્યું, “કૅનેડાના વડા પ્રધાનનો અભિનંદન પાઠવવા બદલ આભાર. ભારત પરસ્પર સમજણ અને એકબીજાની ચિંતાઓ પ્રત્યે સમ્માન રાખીને કૅનેડા સાથે કામ કરવા માટે ઉત્સાહીત છે.”

કૅનેડાના વડા પ્રધાનકાર્યાલય તરફથી જાહેર કરવામા આવેલા સંદેશમાં મોદીને અભિનંદન પાઠવતાં કહેવામા આવ્યું હતું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન. કૅનેડા બન્ને દેશો વચ્ચે માનવઅધિકાર, વિવિધતા અને કાયદાના શાસન પર આધારિત સંબંધોને આગળ વધારવા માટે મોદી સરકાર સાથે કામ કરવા માટે તૈયાર છે.”

નોંધનીય છે કે ગયા વર્ષે હરદીપસિંહ નિજ્જરની કૅનેડામાં હત્યાની ઘટના ઘટ્યા બાદ બન્ને દેશો વચ્ચે સંબંધો તણાવભર્યા રહ્યા છે.

કૅનેડાએ ભારત સરકારના એજન્ટો પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારત આ આરોપોને પાયાવિહોણા ગણાવે છે.