You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંસદમાં મોદી vs રાહુલ : કોનું ભાષણ કોના પર ભારે પડ્યું?
લોકસભામાં બે જુલાઈના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ આપ્યું.
બે કલાકથી પણ વધારે ચાલેલા વડા પ્રધાન મોદીના ભાષણ દરમિયાન વિપક્ષના સંસદ સભ્યો સતત મણિપુર અને નીટ જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા. વિપક્ષના સંસદ સભ્યો સતત ‘મણિપુરને ન્યાય આપો’ અને ‘વી વૉન્ટ જસ્ટિસ’ (અમારે ન્યાય જોઇએ) જેવા નારાઓ પોકારી રહ્યા હતા.
વડા પ્રધાન મોદીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું. મોદીએ તેમના ભાષણ વિશે કહ્યું, “કાલે જે થયું તેને દેશના લોકો સદીઓ સુધી માફ કરશે નહીં.”
આ ઉપરાંત વડા પ્રધાને 131 વર્ષ પહેલાં શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું, “હિંદુ સહનશીલ છે, આત્મીયતા સાથે જીવનારો સમૂહ છે, હિંદુઓ પર આજે આરોપ લગાડવાનાં કાવતરાં થઈ રહ્યાં છે.”
રાહુલ ગાંધીને વડા પ્રધાન મોદીનો જવાબ
સંસદમાં રાહુલ ગાંધીએ ગત સોમવારે અલગ-અલગ ધર્મોનો ઉલ્લેખ કર્યો હતો. આ વિશે વડા પ્રધાન મોદીએ કહ્યું કે વ્યક્તિગત રાજકીય સ્વાર્થ માટે આ પ્રકારના ખેલને દેશ કેવી રીતે માફ કરી શકે?
વડા પ્રધાન મોદી રાહુલ ગાંધીએ અગ્નિવીરો પર આપેલા નિવેદન પર પણ બોલ્યા હતા. તેમણે કહ્યું કે દેશની સેનાને આધુનિક બનાવવાનું કામ થઈ રહ્યું છે અને કૉંગ્રેસ ખોટી વાતો ફેલાવી રહી છે.
વડા પ્રઘાનને કહ્યું, “ભ્રષ્ટ્રાચાર પ્રત્યે ઝીરો ટૉલરન્સની જે નીતિ રહી છે તેને કારણે લોકોએ અમારી સરકારને ત્રીજી વખત ચૂંટી છે. અમારો એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર પ્રથમ છે. અમે તુષ્ટિકરણ નહીં, પરંતુ સંતુષ્ટિકરણના રાજકારણમાં માનીએ છીએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ધારા 370 હટાવવાની વાત કરી. તેમણે કહ્યું કે આ કારણે લોકતંત્રની તાકાત વધી છે. જમ્મુ-કાશ્મીરના લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું, “ત્રીજી ટર્મમાં અમે ત્રણ ગણું કામ કરીશું અને દેશના લોકોને ત્રણ ગણું પરિણામ આપીશું.” મોદીએ કહ્યું કે કૉંગ્રેસના ઇતિહાસમાં આ તેમનો ત્રીજો સૌથી મોટો પરજાય છે. તેઓ (કૉંગ્રેસ) હિંદુસ્તાનના નાગરિકોના મનમાં એવું ભરાવવાનું પ્રયાસ કરી રહ્યા છે કે કૉંગ્રેસે અમને હરાવ્યા છે.
રાહુલ ગાંધી પર આકરા પ્રહારો
નરેન્દ્ર મોદીએ કહ્યું, “બાળકનું મનોરંજન કરવાનું કામ ચાલી રહ્યું છે. બાળકબુદ્ધિને કોઈ વાતની સમજણ પડતી નથી.” આ પ્રકારની વાત નરેન્દ્ર મોદીએ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર કરી હતી. જોકે, તેમનો ઇશારો કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફ હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર ‘બાળકબુદ્ધિ’ શબ્દનો ઉપયોગ કેમ કર્યો?
આ સવાલ વિશે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક સંજીવ શ્રીવાસ્તવ બીબીસી સંવાદદાતા મહમદ શાહિદને કહ્યું, “મોદીજીએ સમજવું પડશે કે તેમની પાર્ટીના લોકો જેમને પપ્પુ કહેતા હતાં તેઓ હવે સમજદાર બની ગયા છે.”
“રાહુલ ગાંધીને હવે કોઈ પપ્પુ કે બાળક માનતા નથી. તેમણે ભારતીય રાજકારણમાં પોતાની ઓળખાણ બનાવી લીધી છે. તેઓ આ સમયે વિપક્ષના નેતા છે.”
“મંગળવારનું ભાષણ ફરીવાર એ વાતનો સંકેત હતો કે તેમનામાં પરિપક્વતા છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ ક્યારેક ભૂલ કરી શકે છે. આ વાતને કારણે પણ ઘણું નુકસાન છે. તમે જેટલી રાહુલ ગાંધીની મજાક ઉડાવશો તેટલું જ પોતાનું નુકસાન પણ કરશો.”
“કૉંગ્રેસ આર્થિક અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહી છે”
વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું, “કૉંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહી છે. જે રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર છે તે રાજ્યો દેશ પર આર્થિક ભારણ બનવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.”
“સીએએ વિશે અરાજકતા ફેલાવવામાં આવી હતી. આખી ઇકૉસિસ્ટમ એ વાતને બળ આપી રહી હતી, જે જેથી કરીને તેમના (કૉંગ્રેસના) રાજકીય ઇરાદાઓ સફળ થાય. દેશે રમખાણો ભડકાવવાના દૂષિત પ્રયાસો પણ જોયા છે.”
સંસદમાં રાહુલ ગાંધીના ભાષણનો જવાબ આપતા વડા પ્રધાને કહ્યું, “દેશે સંસદમાં બાળકો જેવું વર્તન જોયું છે. અહીં (સંસદમાં) બાળકબુદ્ધિનો વિલાપ ચાલી રહ્યો હતો. સહાનુભૂતિ મેળવવા માટે આ નાટક કરવામા આવ્યું. દેશ જાણે છે કે તેઓ હજારો કરોડોની ઉચાપતના મામલામાં જામીન પર બહાર છે.”
વડા પ્રધાને ઉમેર્યું, “બાળકબુદ્ધિમાં ન બોલવાનું ઠેકાણું હોય કે ન તો વ્યવહારનું. આ બાળકબુદ્ધિ જ્યારે માથા પર સવાર થઈ જાય ત્યારે સંસદમાં કોઈના પણ ગળે પડી શકે છે.”
2018માં રાહુલ ગાંધી લોકસભામાં પોતાની બેઠક પરથી ઊઠીને નરેન્દ્ર મોદીને અચાનક જ ભેટી પડ્યા હતા. વડા પ્રધાન મોદી ત્યારે પોતાની બેઠક પર બેઠા હતા અને રાહુલના આ વલણથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
વડા પ્રધાન મોદીએ કહ્યું, “અગ્નિવીર વિશે ખોટી વાત કરવામા આવી હતી. એમએસપી વિશે પણ આ જ કરવામા આવી રહ્યું છે. બંધારણની ગરિમા સાથે ચેડા કરવામા આવ્યા છે. કૉંગ્રેસ દલિતવિરોધી હોવાને કારણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. નહેરુએ પણ દલિત અને પછાત લોકો સાથે અન્યાય કર્યો હતો.”
કૉંગ્રેસ પર આકરા પ્રહારો
વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાનો સાધતાં વડા પ્રધાન મોદીએ કહ્યું, “ગઈકાલે જે ઘટના ઘટી તેને ગંભીરતાથી લીધા વગર સંસદીય લોકતંત્રને બચાવી નહીં શકીએ. આ હરકતોને બાલિશ ગણીને અવગણવી ન જોઇએ. કારણ કે આ પાછળ સારા ઇરાદાઓ નથી અને તેનાં ગંભીર જોખમો છે.”
તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું, “કૉંગ્રેસ જાણીજોઇને દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાનાં કાવતરાં કરી રહી છે. મંચ પરથી સ્પષ્ટપણે ધોષણા કરવામા આવી હતી કે તેમની મરજી પ્રમાણે પરિણામો ન આવ્યાં તો ચાર જુને આગ લગાડવામા આવશે. આ વાતની સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી.”
“વિશ્વનાં સૌથી વિશાળ ચૂંટણીઅભિયાનમાં લોકોએ અમને ચૂંટ્યા છે. હું કેટલાક લોકોનું દુખ સમજી શકું કે સતત ખોટા પ્રચાર છતાં પણ તેમનો કારમો પરાજય થયો.”
વડા પ્રધાને પોતાની સરકારના ટ્રેક રેકર્ડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે લોકોએ આ કામ જોઇને તેમને જીત અપાવી છે.
તેમણે પોતાના પ્રથમ કાર્યકાળનો ઉલ્લેખ કરતાં કહ્યું, “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટૉલરન્સને કારણે લોકોએ આશીર્વાદ આપ્યાં. મોદીએ પોતાના ભાષણમાં કટોકટીની 50મી વર્ષગાંઠનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તે સમયે ઇંદિરા ગાંધીના તત્કાલીન શાસન પર નિશાનું સાધ્યું હતું.”
વડા પ્રધાન મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી
રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીના ભાષણોમાં કોણ કોના પર ભારે પડ્યું?
આ સવાલનો જવાબ આપતા સંજીવ શ્રીવાસ્તવે કહ્યું કે રાહુલ ગાંધીએ ખૂબ જ સરસ ભાષણ આપ્યું તેમાં એક સરપ્રાઇઝ ફેકટર પણ છે. કારણ કે તેમણે સંસદમાં આટલા લાંબા અને ગંભીર ભાષણો ઓછાં આપ્યાં છે.
સંજીવ શ્રીવાસ્તવના મત પ્રમાણે, “હિંદુવાળા મુદ્દાને છોડીને તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા બરોબર નિભાવી હતી. કારણ કે હિંદુવાળા મુદ્દા પર તેઓ ફંસાઈ શકતા હતા. આ જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સદનના નેતાની ભૂમિકા પોતાના ભાષણના 45-50 મીનિટ પછી સારી રીતે નિભાવી હતી અને સારા જવાબો આપવાનો પ્રયત્ન કર્યો હતો. ”
જોકે, વડા પ્રધાન મોદીના બે કલાકના ભાષણનો સાર શો હતો? આ સવાલના જવાબમાં સંજીવ શ્રીવાસ્તવે કહ્યું કે બે કલાકનું ભાષણ હતું. વડા પ્રધાને એક જ વાત ત્રણ વખત બોલ્યા. સ્પીકર તરફ જોઇને બોલ્યા.
“પ્રથમ કલાકના ભાષણમાં કંઈ જ નવું નહોતું અને ઘણી જૂની વાતો હતી. 2014 પહેલાંની કહાણી હતી. જોકે, એક કલાક પછી ભાષણ રાજકીય રીતે તીક્ષ્ણ હતું અને તેમનો (વડા પ્રધાનનો) વિશ્વાસ પાછો ફર્યો.”
શ્રીવાસ્તવે કહ્યું, “વડા પ્રધાને હિંદુત્વના રાજકરણ પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. એ વાત સાચી છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વની રાજનીતિને ધક્કો લાગ્યો છે. હિંદુત્વની રાજનીતિને પાછળ ધક્કો લાગ્યો છે. જોકે, આ એક સંવેદનશીલ મુદ્દો છે.”
સંજીવ શ્રીવાસ્તવે કહ્યું, “રાહુલ ગાંધીએ ધ્યાન રાખવું જોઇએ કે આ એક એવું ‘જિન્ન’ છે જે બૉટલમાંથી ક્યારેય પણ બહાર આવી શકે છે. રાહુલ ગાંધી હિંદુઓ વિશે ખરાબ વાત નથી કરી રહ્યા, પરંતુ મોકો શું કામ આપવો જોઇએ? રાહુલ ગાંધીએ ધ્યાન રાખવું જોઈએ કે એવો સંદેશ ન જાય કે તેઓ હિંદુઓનું અપમાન કરી રહ્યા છે. ધ્યાન રાખવું જોઇએ કે કંઈક બોલવાથી કારણ વગર કોઈ મુદ્દો ન બની જાય.”
રાહુલે પોતાના ભાષણમાં શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન ભગવાન શંકરની તસવીર બતાવતાં કહ્યું, "મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિંદુસ્તાને ક્યારેય કોઈ પર હુમલો નથી કર્યો. એનું કારણ એ છે કે હિંદુસ્તાન અહિંસાનો દેશ છે. એ ડરતો નથી."
"આપણા મહાપુરુષોએ એ સંદેશ આપ્યો - ડરો નહીં, ડરાવો નહીં. શિવજી કહે છે - ડરો નહીં, ડરાવો નહીં અને ત્રિશૂલને જમીનમાં ખોંપી દે છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા-હિંસા...નફરત-નફરત-નફરત... તમે હિંદુ છો જ નહીં. હિંદુ ધમમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઈએ."
રાહુલ ગાંધીએ કહ્યું, "બારુદી સુરંગથી એક અગ્નિવીર સૈનિક શહીદ થયો. હું એને શહીદ કહી રહ્યો છું પણ ભારત સરકાર અને નરેન્દ્ર મોદી તેને શહીદ કહેતાં નથી, એને અગ્નિવીર કહે છે. તેને પેન્શન નહીં મળે. એ ઘરને વળતર નહીં મળે, શહીદનો દરજ્જો નહીં મળે."
રાહુલ ગાંધીએ ઉમેર્યું, "ભારતના એક સામાન્ય સૈનિકને પેન્શન મળશે પણ એક અગ્નિવીર જવાન સુધ્ધાં નહીં કહેવાય. અગ્નિવીર યુઝ એન્ડ થ્રો મજૂર છે. એને તમે છ મહિનાની ટ્રેનિંગ આપો છો, જેને બીજી તરફ પાંચ વર્ષની ટ્રેનિંગ મેળવેલા ચીનના જવાન સામે ઊભો કરી દેવામાં આવે છે."
સરકાર પર તેમણે આરોપ લગાવતાં કહ્યું, "એક જવાન અને બીજા જવાન વચ્ચે ફૂટ પાડી દો છો. એકને પેન્શન મળશે, શહીદનો દરજ્જો મળશે અને બીજાને ન તો પેન્શન મળશે કે ન તો શહીદનો દરજ્જો મળશે. અને એ પછી પોતાને દેશભક્ત કહો છો. આ કેવા દેશભક્તો છે?"
રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું, "દેશનું સૈન્ય જાણે છે, સમગ્ર દેશ જાણે છે. અગ્નિવીર સ્કીમ, સૈન્યની નહીં, પીએમની સ્કીમ છે. સમગ્ર સૈન્ય જાણે છે કે સ્કીમ પ્રાઇમ મિનિસ્ટરનું બ્રેઇન ચાઇલ્ડ છે."