You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ એવું શું કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને લોકસભામાં ઊભા થઈને જવાબ આપવો પડ્યો?
રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બોલવા ઊભા થયેલા રાહુલ ગાંધીની લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે ઉગ્ર બોલાચાલી થઈ.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત હાથમાં બંધારણની કૉપી લઈને કરી. જોકે, ભાષણ દરમિયાન તેમણે ભગવાન શિવની તસવીર બતાવતાં જે ટિપ્પણી કરી એનાથી ગૃહમાં હોબાળો થઈ ગયો. ભાજપના સાંસદો રાહુલનો વિરોધ કરવા લાગ્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ખુદ બેઠક પર ઊભા થયા અને તેમણે કહ્યું કે 'સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું એ યોગ્ય નથી.'
રાહુલ ગાંધીએ મોદી સરકારની અગ્નિવીર યોજના પર પણ હુમલો કર્યો અને કહ્યું કે અગ્નિવીર સૈનિક 'યુઝ એન્ડ થ્રો' મજૂર બની ગયા છે. જેના પર સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે ખોટાં નિવેદનો આપીને સંસદને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ ના થવા જોઈએ.
રાહુલના 'હિંદુ'વાળા નિવેદન પર હોબાળો
રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન ભગવાન શંકરની તસવીર બતાવતાં કહ્યું, "મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિંદુસ્તાને ક્યારેય કોઈ પર હુમલો નથી કર્યો. એનું કારણ એ છે કે હિંદુસ્તાન અહિંસાનો દેશ છે. એ ડરતો નથી."
"આપણા મહાપુરુષોએ એ સંદેશ આપ્યો - ડરો નહીં, ડરાવો નહીં. શિવજી કહે છે - ડરો નહીં, ડરાવો નહીં અને ત્રિશૂલને જમીનમાં ખોંપી દે છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા-હિંસા...નફરત-નફરત-નફરત... તમે હિંદુ છો જ નહીં. હિંદુ ધમમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઈએ."
રાહુલ ગાંધીના નિવેદન પર સત્તા પક્ષના સભ્યોએ હોબાળો કરી દીધો છે. એ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઊભા થયા અને કહ્યું, "વિષય ભારે ગંભીર છે. સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવો એ ગંભીર વિષય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, રાહુલ ગાંધીએ વળતો જવાબ આપતાં કહ્યું કે પીએમ મોદી અને ભાજપ સમગ્ર હિંદુ સમાજ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું, "અગ્નિવીર સૈનિક યુઝ એન્ડ થ્રો મજૂર"
રાહુલ ગાંધીએ કહ્યું, "બારુદી સુરંગથી એક અગ્નિવીર સૈનિક શહીદ થયો. હું એને શહીદ કહી રહ્યો છું પણ ભારત સરકાર અને નરેન્દ્ર મોદી તેને શહીદ કહેતાં નથી, એને અગ્નિવીર કહે છે. તેને પેન્શન નહીં મળે. એ ઘરને વળતર નહીં મળે, શહીદનો દરજ્જો નહીં મળે."
રાહુલ ગાંધીએ ઉમેર્યું, "ભારતના એક સામાન્ય સૈનિકને પેન્શન મળશે પણ એક અગ્નિવીર જવાન સુધ્ધાં નહીં કહેવાય. અગ્નિવીર યુઝ એન્ડ થ્રો મજૂર છે. એને તમે છ મહિનાની ટ્રેનિંગ આપો છો, જેને બીજી તરફ પાંચ વર્ષની ટ્રેનિંગ મેળવેલા ચીનના જવાન સામે ઊભો કરી દેવામાં આવે છે."
સરકાર પર તેમણે આરોપ લગાવતાં કહ્યું, "એક જવાન અને બીજા જવાન વચ્ચે ફૂટ પાડી દો છો. એકને પેન્શન મળશે, શહીદનો દરજ્જો મળશે અને બીજાને ન તો પેન્શન મળશે કે ન તો શહીદનો દરજ્જો મળશે. અને એ પછી પોતાને દેશભક્ત કહો છો. આ કેવા દેશભક્તો છે?"
રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું, "દેશનું સૈન્ય જાણે છે, સમગ્ર દેશ જાણે છે. અગ્નિવીર સ્કીમ, સૈન્યની નહીં, પીએમની સ્કીમ છે. સમગ્ર સૈન્ય જાણે છે કે સ્કીમ પ્રાઇમ મિનિસ્ટરનું બ્રેઇન ચાલ્ડ છે."
અગ્નિવીર પર રાહુલના સવાલ, રાજનાથ અને અમિત શાહનો જવાબ
રાહુલ ગાંધીના ભાષણ વચ્ચે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઊભા થઈને સફાઈ આપી. રાજનાથસિંહે કહ્યું, “તેમણે(રાહુલ ગાંધીએ) ખોટાં નિવેદનો આપીને ગૃહને ગેરમાર્ગે ન દોરવું જોઈએ.”
તેમણે કહ્યું, “હું સ્પષ્ટતા કરવા માગુ છું કે યુદ્ધ દરમિયાન કે સીમા સુરક્ષા દરમિયાન કોઈ અગ્નિવીરનું મૃત્યુ થાય છે તો તેમના પરિજનોને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે છે.”
અમિત શાહે પણ રાહુલ ગાંધીને ગૃહમાં જુઠ્ઠું ન બોલવાની સલાહ આપી.
અમિત શાહ કહ્યું, “તેઓ કહે છે કે એક કરોડ રૂપિયા નથી મળતા. રાજનાથસિંહે કહી દીધું કે જે અગ્નિવીર મૃત્યુ પામે છે, જે શહીદ થાય છે તેમને એક કરોડ રૂપિયા મળે છે. આ ગૃહ જુઠ્ઠું બોલવાની જગ્યા નથી.”
તેમણે કહ્યું, “અહીં સત્ય બોલવું જોઈએ. જો તેઓ તેમના નિવેદનને સાબિત નહીં કરે તો ગૃહની માફી માગવી જોઈએ.”
અમિત શાહના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ફરી પોતાની વાત કરી. તેમણે કહ્યું, “અગ્નિવીરની સચ્ચાઈ મેં ગૃહમાં મૂકી છે. રાજનાથસિંહજીએ જે કહ્યું છે તે ભારતીય સેના અને અગ્નિવીરોને ખબર છે. તેમના કે મારા કહેવાથી કોઈ ફરક પડતો નથી. તેમને ખબર છે કે સત્ય કોણ બોલી રહ્યું છે.”
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂ જવાબ આપવા ઊભા થયા. તેમણે કહ્યું, “વિષય ગંભીર છે. રાહુલ ગાંધીજીએ જે કહ્યું કે રાજનાથસિંહજીના બોલવાથી શો ફરક પડે છે. નેતા વિપક્ષ આટલા હળવાશથી તેમના નિવેદન કઈ રીતે આપી શકે. રાહુલ ગાંધીએ જે કહ્યું તેની પુષ્ટિ કરવી જોઈએ.”