You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સ્પીકર સર, તમે મોદીજી સામે ઝૂકી કેમ જાઓ છો?' રાહુલ ગાંધીની ટિપ્પણી પર કેમ ચર્ચા થઈ રહી છે?
સોમવારે લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા ભાષણ પર મંગળવારે પણ ચર્ચા ચાલુ રહેવા પામી હતી.
કૉંગ્રેસના નેતા ગાંધીના ભાષણની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે ભાજપના નેતા રાહુલ ગાંધીના ભાષણની ક્લિપ શૅર કરીને તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિશે કહેલી વાત પણ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. બિરલાએ બીજી વખત પદભાર સંભાળ્યો ત્યારથી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કહી રહ્યા છે કે તેમને પણ સમાન તક આપવામાં આવે.
ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું, "સંસદ કેટલી શાંતિપૂર્ણ રીતે ચાલે છે, એનો સવાલ નથી. પ્રશ્ન એ છે કે ભારતના લોકોનો અવાજ ઉઠાવવા માટે કેટલી મંજૂરી મળે છે."
વિપક્ષનો આરોપ છે કે સ્પીકરએ બંધારણીય પદ હોવા છતાં ઓમ બિરલા સત્તાપક્ષના ઇશારે કામ કરે છે. રાહુલ ગાંધીએ સ્પીકરપદે ઓમ બિરલા ફરીથી ચૂંટાઈ આવ્યા, એ દિવસની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
રાહુલની વાત, બિરલાનો જવાબ
સ્પીકર તરીકે ચૂંટાયા બાદ ઓમ બિરલાને લઈને નરેન્દ્ર મોદી તથા રાહુલ ગાંધી તેમની ખુરશી સુધી દોરી ગયા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું, "સ્પીકર સર, તમારી ખુરશી ઉપર બે જણ બેઠા છે. એક લોકસભાના સ્પીકર, જે ભારતીય સંઘના સ્પીકર છે. બીજા ઓમ બિરલા છે. જ્યારે મોદીજી ગયા અને તમારી સાથે હાથ મિલાવ્યા અને મેં હાથ મિલાવ્યા, તો મેં એક બાબત નોંધી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ ઉમેર્યું, "જ્યારે મેં તમારી સાથે હાથ મિલાવ્યા, તો તમે સીધા ઊભા રહ્યા, જ્યારે મોદીજીએ હાથ મિલાવ્યા ત્યારે તમે ઝૂકી ગયા અને તેમની સાથે હાથ મીલાવ્યા."
રાહુલ ગાંધીના નિવેદનને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમની બેઠક ઉપરથી ઊભા થયા અને કહ્યું, 'આ સ્પીકરના આસન ઉપર આરોપ છે.' એ પછી એનડીએના સંસદસભ્યોએ પણ વિરોધ નોંધાવ્યો.
આને પગલે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, "માનનીય વિપક્ષના નેતા, માનનીય વડા પ્રધાન આ સંસદના નેતા છે. મને મારી સંસ્કૃતિ અને સંસ્કાર કહે છે....વ્યક્તિગત જીવનમાં, સાર્વજનિક જીવનમાં અને આ પદ પર પણ. જે આપણાથી મોટા છે, તેમની સામે નમીને નમસ્કાર કરો. મને આ શીખવ્યું છે. સમોવડિયા સાથે સમાન રીતે વ્યવહાર કરો."
ઓમ બિરલાએ કહ્યું, "મેં આ વાત આસન પરથી કહું છું કે આ મારી સંસ્કૃતિ અને સંસ્કારછે. મોટા સામે નમીને અને જરૂર પડ્યે ચરણસ્પર્શ કરીને સન્માન કરો. જેઓ ઉંમરમાં નાના છે, એમની સાથે સમાન વ્યવહાર કરો. આ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છે તથા હું તેનું પાલન કરું છું."
આ પછી રાહુલ ગાંધીએ ઊભા થઈને કહ્યું, "સ્પીકર સર, તમારી વાતને હું સન્માનજનક રીતે સ્વીકારું છું, પરંતુ આપને કહેવા માગું છું કે આ સંસદમાં સ્પીકરથી મોટું કોઈ નથી હોતું. સ્પીકર અમારા બધાથી ઊંચા છે અને અમારે બધાયે સ્પીકરની સામે નમવું જોઈએ."
ઓમ બિરલા સામે હાથ જોડીને નમીને રાહુલ ગાંધીએ કહ્યું, "હું તમારી સામે નમીશ તથા સમગ્ર વિપક્ષ તમારી સામે નમશે. આ લોકશાહી છે અને તમે આ ગૃહના નેતા છો. તમારે કોઈની સામે ઝૂકવું ન જોઈએ. તમે રખેવાળ છો." આને પગલે એનડીએના સંસદસભ્યોએ કહ્યું હતું કે ગૃહના નેતા વડા પ્રધાન હોય છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું, "લોકસભામાં સ્પીકરનું કહ્યું જ માન્ય રહે છે. એટલે લોકસભાના સંસદસભ્યના હોવાને કારણે આપણે સ્પીકરને અધીન છીએ. હું એવું માનું છું. શક્ય છે કે આ ગૃહના અન્ય કોઈ સંસદસભ્ય આ વાત ન માનતા હોય, પરંતુ હું તથા વિપક્ષ એવું જ માનીએ છીએ કે અમે તમારે અધીન છીએ."
ભૂતકાળના બનાવો
સંસદમાં રાહુલ ગાંધી તથા ઓમ બિરલાની વચ્ચે જે ઘટના વિશે ચર્ચા થઈ, તેના વિશે સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચા છેડાઈ ગઈ હતી.
કેટલાક લોકોએ વર્ષ 2009 તથા 2014માં સ્પીકરની નિમણૂક સમયની ક્લિપ્સ શૅર કરી હતી. 2009ના વીડિયોમાં જોઈ શકાય છે કે સ્પીકરપદે મીરાકુમાર ચૂંટાયાં પછી વિપક્ષનના નેતા લાલકૃષ્ણ અડવાણી તથા તત્કાલીન સ્પીકર ડૉ. મનમોહન સિંહ તેમને સ્પીકરની ખુરશી સુધી દોરી ગયા હતા.
સ્પીકરની ખુરશી સુધી જતાં પહેલાં મીરાકુમારે પહેલાં ઝૂક્યા વગર મનમોહનસિંહ તથા અડવાણીને નમસ્કાર કર્યા હતા. જ્યારે મીરાકુમાર ખુરશીની નજીક પહોંચ્યાં, ત્યારે તેમણે ફરી એક વખત આ બંને નેતાને નમસ્કાર કર્યા હતા. એ પછી તેમણે અડવાણીને નમસ્કાર કર્યા હતા અને તેમના પ્રત્યે સન્માનપૂર્વક ઝૂક્યાં હતાં.
સોશિયલ મીડિયા ઉપર વર્ષ 2014ની ક્લિપ પણ વ્યાપક રીતે શૅર થઈ રહી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી અને કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત અનેક નેતા તેમને સ્પીકરની ખુરશી સુધી દોરી ગયા હતા.
એ સમયે સુમિત્રા મહાજને વડા પ્રધાન સામે સીધા રહીને નમસ્કાર કર્યા હતા, પરંતુ પાસે રહેલા અડવાણીને ઝૂકીને નમસ્કાર કર્યા હતા. તેમણે આવી જ રીતે મલ્લિકાર્જુન ખડગેને પણ નમસ્કાર કર્યા હતા.
વર્ષ 2019માં ઓમ બિરલા પહેલી વખત સ્પીકર બન્યા અને પોતાની ખુરશી સુધી પહોંચ્યા હતા ત્યારે તેમણે વડા પ્રધાન મોદીને અડધા નમીને નમસ્કાર કર્યા હતા.
જોકે, અધીર રંજન ચૌધરી તથા અન્ય નેતાઓને સીધા રહીને જ નમસ્કાર કર્યા હતા. આ નેતાઓમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા સુદીપ બંગોપાધ્યાયનો પણ સમાવેશ થતો હતો, જેઓ ઉંમરમાં વડા પ્રધાન મોદી કરતાં મોટા છે.