ચિખોદરા : ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુસ્લિમ યુવાનની હત્યા અને એ બાદ ગામમાં ભયનો માહોલ - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારત ટી20 વર્લ્ડકપ જીત્યું એની ખુશી દેશભરમાં ભલે જોવા મળી રહી હોય પણ આણંદને અડીને આવેલા ચિખોદરામાં આજકાલ ક્રિકેટના કારણે સન્નાટો છવાયેલો છે. ગામના ચોતરે જ્યાં પહેલાં લોકોનાં ટોળાં જામતાં ત્યાં હવે રડ્યાખડ્યા બે-ચાર માણસો માંડ જોવા મળે છે.

ગામ પાસેથી બુલેટ ટ્રેન નીકળવાની હોવાથી ગામની જમીનના ભાવ આસમાને આંબી ગયા છે અને એટલે જે ગ્રામપંચાયતમાં જમીનની લે-વેચ માટે ભીડ જામતી ત્યાં હવે સુનકાર ભાસે છે. ગામની ગલીઓ સુની છે અને લોકોના ચહેરા પર તણાવ છે. કારણ છે - સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં થયેલા ઝઘડામાં એક મુસ્લિમ યુવાનનું મૃત્યુ. દર વર્ષે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટ આ વખતે લોહિયાળ બની છે અને એને પગલે ગામના બાર યુવાનોની ધરપકડ-અટકાયત કરાઈ છે.

ગત 22 જૂને ઘટેલી આ ઘટનામાં ભીડે 23 વર્ષના સલમાન મહમદ હનીફ વહોરા નામના યુવકની ઢોરમાર મારીને હત્યા કરી નાખી હતી.

સલમાનના નિવાસસ્થાને બીબીસીની ટીમ પહોંચી ત્યારે એમનાં પત્ની કોઈની પણ સાથે વાત કરવાની હાલતમાં નહોતાં.

સલમાનના પિતા મહમહ વહોરાએ બીબીસીને જણાવ્યું, "આણંદની ટીમ ફાઇનલમાં પહોંચી હતી એટલે મારો દીકરો એના મિત્ર સાથે મૅચ જોવા ગયો હતો. ચિખોદરાની ટીમ હારી રહી હતી અને મુસ્લિમ ક્રિકેટરો સારો દેખાવ કરી રહ્યા હતા, જેનો ગુસ્સો મારા દીકરા પર ઉતાર્યો અને એને માર્યો. એ સાવ નિર્દોષ હતો. મેં મારા જુવાનજોધ દીકરાને ગુમાવ્યો છે. એની પત્ની સગર્ભા છે. એનું સંતાન જન્મશે ત્યારે? અમારે ન્યાય જોઈએ છે."

આ ઘટનામાં ઈજા પામેલ અન્ય એક યુવાન ઇલિયાસ વહોરાની સારવાર ચાલુ છે અને તબીબી સલાહ અનુસાર પરિવાર સિવાય કોઈને મળવાની પરવાનગી નથી.

બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં ઇલિયાસ જણાવે છે, "હું અને સલમાન આણંદની 'માહિ ઇલેવન' અને ચિખોદરાની 'બાપજી ઇલેવન' વચ્ચેની ફાઇનલ મૅચ જવા માટે ગયા હતા. એ વખતે ભારે ભીડ હતી અને મૅચ રસાકસીભરી હતી. છેલ્લી ઓવર ચાલી રહી હતી અને ત્યાં જ મોટરસાઇકલ લઈને આવેલા બે યુવાનોએ હૉર્ન મારીને હઠવાનું કહ્યું અને એમાં થોડી બોલાચાલી થઈ. એટલે એ બીજા લોકોને પણ બોલાવીને લાવ્યા અને કંઈ સમજાય એ પહેલાં જ એમણે મારવાનું શરૂ કરી દીધું. સલમાન બચાવવા આવ્યો ત્યારે એને બૅટથી ફટકાર્યો. ત્યારબાદ ચાકુના ઘા માર્યા અને એમાં એમનું મૃત્યુ થયું."

રાજકીય સંડોવણીનો આરોપ

સલમાનના પિતા મહમંદ વહોરા આરોપ લગાવે છે, "પોલીસે ભલે અગિયાર લોકોને પકડ્યા હોય પણ રાજકીય વગ ધરાવતા લોકોને પકડવાના હજુ બાકી છે."

મહમદભાઈની વાત કાપતાં એમના પિતા અનવર વહોરા જણાવે છે, "આ ઘટના ઘટી ત્યારે ચિખોદરાના રાજકીય નેતાઓના દીકરા અને સગાં પણ એમાં સામેલ હતાં. એક ધારાસભ્યનો ભાણિયો પણ એમાં હતો પણ પોલીસ એને પકડતી નથી એ વાત દુખદ છે. અમે અમારો દીકરો ખોયો છે, અમારે ન્યાય જોઈએ છે." આટલું કહેતાં જ અનવરભાઈને ગળે ડૂબો ભરાઈ જાય છે.

અનવરભાઈનો આરોપ છે કે ચિખોદરામાં રહેતા અને ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના ભાણેજ શક્તિ પરમારની ઘટનામાં સંડોવણી છે અને પોલીસે હજુ સુધી એની ધરપકડ કરી નથી.

બીજી તરફ ભાજપ ગોવિંદ પરમાર આ આરોપને ફગાવે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "અહીં હિન્દુમુસ્લિમ વચ્ચે કોઈ વેરભાવ નથી. મારા ભાણિયાનું નામ રાજકીય રીતે જોડવામાં આવ્યું છે. મૅચમાં થયેલી મારામારીના વીડિયોમાં ક્યાંય મારો ભાણિયો દેખાતો નથી. અમને બદનામ કરવાનું આ રાજકીય કાવતરું છે. હું કાયદાનો રક્ષક છું અને મારાં કુટંબી કે સગાં આ ઘટનામાં સામેલ હોય તો હું ખુદ સામે ચાલીને એમને પોલીસના હવાલે કરી દઉં, પણ આ મને બદનામ કરવાનું રાજકીય ષડ્યંત્ર છે."

'મૅચ દરમિયાન હથિયાર લઈને કોણ આવે?'

આ ઘટનાની તપાસ કરવા માટે કૉંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે ગયા હતા. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "આ ઘટનામાં બીજી બે-ત્રણ વ્યક્તિઓને પણ ઈજા પહોંચી છે. એટલે આ ઘટનામાં કોણ સામેલ હતું એ એમણે જોયું છે. અમારી પાસે પણ એમની રજૂઆત આવી હતી અને અમે પોલીસને પણ રજૂઆત કરી છે કે આ ઘટનાની અંદર નિષ્પક્ષ કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આની અંદર સાહેદો મૌજૂદ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મૅચ દરમિયાન આવાં હથિયારો લઈને આવે એટલે સ્વાભાવિક છે કે પહેલાંથી જ કોઈ કાવતરું હોય એ દેખાય છે."

શેખનું એવું પણ માનવું છે કે 'આ ઘટના ઓચિંતી નથી બની. કેમ ઓચિંતી બની હોત તો એ લોકો (ભીડ) હથિયારો લઈને આવ્યા ના હોત.'

કંઈક આવું જ માનવું આણંદના સામાજિક કાર્યકર યાસીન વહોરાનું છે. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "ક્રિકેટ મૅચ રમાતી હોય ત્યાં હથિયારો લઈને કોણ આવે? આ પૂર્વ આયોજિત કાવતરું છે. એટલે અમે આ કેસમાં પોલીસે હત્યાની કલમ 302 ભલે લગાવી હોય પણ 307 અને પૂર્વાયોજિત કાવતરું પાર પાડવાની કલમ 120(બી) ઉમેરવાની પણ માગ કરવાના છીએ. જેથી કરીને રાજકીય વગ ધરાવતા લોકો છૂટી ના જાય."

આ મામલે વાત કરતાં આણંદના ડી.વાય.એસપી. જે.એન. પંચાલ જણાવે છે, "મૅચની છેલ્લી ઓવર વખતે ભીડમાંથી નીકળતી વખતે મોટરસાઇકલ-સવાર યુવાનોની બોલાચાલી થઈ અને એમાં ઝઘડો થયો. એ મારામારીમાં બે યુવાનો ઘાયલ થયા અને એમાંથી એકનું મૃત્યુ થયું અને બીજાની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ અમે તાત્કાલિક પહોંચીને પરિસ્થિતિ વણસે એ પહેલાં જ કડક પગલાં બઈને રાત્રે જ સાત લોકોની ધરપકડ કરી લીધી. એ બાદ વીડિયો ફૂટેજના આધાર વધુ ચાર લોકોની ધરપકડ કરાઈ અને કુલ 11 લોકોને રિમાન્ડ પર લીધા છે અને વધારે તપાસ ચાલુ છે."

તેઓ કહે છે કે, "કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે."

પોલીસની બીબીસી સાથેની વાતચીત બાદ વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. એ રીતે આ મામલે અત્યાર સુધી કુલ 12 આરોપી ધરપકડ-અટકાયત કરવામાં આવી છે.

આરોપીઓના પરિવારજનોનું શું કહેવું છે?

આ દરમિયાન વિમલાબહેન વાઘેલાએ અન્નજળ ત્યાંગી દીધાં છે. વિમલાબહેનના પતિનું વર્ષ 2009માં અવસાન થયું હતું અને હવે બન્ને પુત્રોને પોલીસ આરોપી તરીકે પકડીને લઈ ગઈ છે.

બીબીસી સાથેની વાતચીતમાં વિમલાબહેન જણાવે છે, "મોટો દીકરો મહેન્દ્ર ખેતી અને પશુપાલન કરીને માસિક 15 હજાર રૂપિયા રળે છે, જ્યારે નાનો દીકરો વિશાલ કન્સ્ટ્રકશન સાઇટ પર સુપરવાઇઝરનું કામ કરીને 10 હજાર રૂપિયા કમાય છે. વિશાલ ક્રિકેટની રમત સારી રમે છે અને દર વર્ષે મૅચ રમવા જાય છે. આજુબાજુના લોકો એને મૅચ રમવા માટે પૈસા આપીને લઈ જાય છે."

"એ દિવસે ફાઇનલમાં વિશાલની ટીમ હતી અને એ ટીમ જીતે તો એને 15 હજાર રૂપિયાનું ઇનામ મળવાનું હતું એટલે એનો ભાઈ મહેન્દ્ર પણ મૅચ જોવા માટે ગયો હતો. બન્ને ભાઈઓ મૅચ જોઈને રાતે પાછા આવીને ઊંઘી ગયા હતા ત્યાં જ પોલીસ આવી અને એમને પકડીને લઈ ગઈ. હું ઘણી કરગરી. ગામલોકો કહે છે કે બન્ને છોડાવવા માટે વકીલ રાખવા પડશે. વકીલની ફીના પૈસા પણ મારી પાસે નથી."

કંઈક આવું જ અન્ય આરોપી રતિલાલ પરમારના પરિવારનું કહેવું છે. રતિલાલના પિતા રાયસંગભાઈ 73 વર્ષના છે અને અને નાદુરસ્ત રહે છે. એમનો બીજો દીકરો વિકલાંગ છે અને ઘર ધોળવાનું છૂટક કામ કરે છે.

બીબીસી સાથએની વાતચીતમાં રાયસંગભાઈ જણાવે છે, "ઘરમાં કમાનારો એ એક અને મારા વિકલાંગ દીકરા સહિત ખાવાવાળા અમે આઠ જણ છીએ. હવે એ જેલમાં ગયો તો આવતા મહિને અમે શું ખાઇશું એની પણ ચિંતા છે. એણે લીધેલી લોનના હપ્તા કેમ ભરીશું એની પણ મૂંઝવણ છે."

આ ઘટના પછી ગામમાં સોપો પડી ગયો છે. કોઈ વાત કરવા તૈયાર નથી. ગામના કેટલાય લોકોએ પોતાના છોકરાઓ પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

લોકો હવે સંબંધિત ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે ખુલ્લીને વાત કરવા તૈયાર નથી.

ગામના સધીમાતાના મંદિર પાસે બેઠેલા અને 50 વર્ષ વટાવી ગયેલા જશુભાઈ પટેલ થોડું અચકાતા જણાવે છે, "પાંચછ વર્ષથી અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો એક ધંધો બની ગયો છે. ઇસનાવ, કોસાર, થામણા, ચાંગા જેવાં ગામમાં પહેલાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી પણ રમત હવે ધંધામાં ફેરવાઈ ગઈ છે. લગભગ 19 ગામ વચ્ચે અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે. ટુર્નામેન્ટમાં સામેલ થવા માટે એક-એક ટીમ પાસેથી ત્રણ-ત્રણ હજારની એન્ટ્રી ફી વસૂલાય છે."

"શાળા-કૉલેજમાં વૅકેશન પડે એટલે ઉનાળામાં સળંગ એક મહિનો આજુબાજુનાં ગામના યુવાનો આ ટુર્નામેન્ટ રમે છે અને એમને પૈસા મળે છે. ટુર્નામેન્ટ જીતનાર ટીમને 50 હજાર રૂપિયાનું ઇનામ મળે છે. 'મૅન ઑફ ધ મૅચ', 'પ્લૅયર ઑફ ધ ટુર્નામેન્ટ' જેવાં ઢગલાબંધ ઇનામો મળે છે. પહેલો વરસાદ પડવાનો હોય એના એકબે દિવસ પહેલાં ફાઇનલ મૅચ રમાય છે અને આસપાસના ગામલોકો એને જોવા આવે છે. અત્યાર સુધી ક્યારેય કોઈ ઝઘડો નથી થયો."

જોકે, જશુભાઈ સ્વીકારે છે કે મૅચ દરમિયાન મુસ્લિમ યુવાનની હત્યાની ઘટના ઘટતાં તેમના ગામમાં ભયનો માહોલ છે.

ક્ષત્રિયો અને પટેલોની બહુમતી ધરાવતા આ ગામના મોટા ભાગના પટેલો વિદેશમાં વસે છે. નાનાં-મોટાં કામ માટે ગામલોકોને આણંદ જવું પડે છે જોકે, એમનો દાવો છે કે એક સપ્તાહથી ચિખોદરાથી કોઈ આણંદ ગયું નથી. ગામલોકોના મતે લોકોમાં ભય છે અને રોજબરોજનાં કામકાજ પર પણ અસર પડી રહી છે.