You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુસ્લિમ દેશોમાં રહેતા હિંદુઓનું 'હિંદુત્વ' કેવું છે?
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, સિવાન અને ઔરંગાબાદથી
રામેશ્વર સાવ બિહારના ઔરંગાબાદમાં જે ગામમાં રહે છે, તેમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી રહેતો. આજુબાજુનાં ગામોમાં પણ કોઈ મુસલમાન નથી. શાળામાં ભણતા સમયે પણ કોઈ મુસલમાન સાથે તેમની મુલાકાત થઈ નથી. નાની ઉંમરે લગ્ન બાદ જવાબદારીઓ વધતાં રોજગારનું જોખમ ઊભું થયું. રોજગારની શોધમાં રામેશ્વરે 2015માં સાઉદી અરબ જવું પડ્યું.
હિંદુ બહુમતી ધરાવતું ગામ, સમાજ, અને દેશમાં રહેતા રામેશ્વર સાવ માટે ઇસ્લામિક દેશ સાઉદી અરબ પહોંચવું તે તેમના જીવનની મહત્ત્વની ઘટના હતી.
રામેશ્વર જણાવે છે કે થોડા સમયમાં જ મુસલમાનો સાથે તેઓ એક જ રૂમમાં રહેવા લાગ્યા. કેટલાક મુસલમાનો ભારતના હતા, તો કેટલાક પાકિસ્તાનના હતા.
મીડિયાને કારણે રામેશ્વરના મનમાં પાકિસ્તાન બાબતે એક ગ્રંથિ બંધાઈ હતી કે ત્યાંના લોકો આતંકવાદી અને કટ્ટર હોય છે. મુસલમાનો માટે પણ, રામેશ્વરના મનમાં, આવી જ છાપ હતી.
રામેશ્વર સાવ કહે છે, “મુસલમાનો અને પાકિસ્તાનીઓ સાથે રહેતાં મારા મનમાં રહેલી ઘણી માન્યતાઓ બદલાઈ. પહેલાં એવું લાગતું હતું કે મુસલમાનો હિંદુઓને નફરત કરે છે. પરંતુ, સત્ય એ હતું કે હું મુસલમાનોને નફરત કરતો હતો. મારા મનમાં રહેલી મુસલમાનો માટેની નફરત ખતમ થઈ, અને એવી દોસ્તી થઈ કે પાકિસ્તાનના લોકો મુશ્કેલીમાં મારી મદદ કરતા હતા અને એમને કશી જરૂર હોય તો હું મદદ કરતો હતો. અમે સાથે જમવા પણ લાગ્યા.”
રામેશ્વર પોતાના વ્યક્તિત્વમાં આવેલા આ પરિવર્તનને ઘણું મહત્ત્વનું માને છે. તેમને લાગે છે કે જો તેઓ સાઉદી અરબ ન ગયા હોત, તો ઘણી સચ્ચાઈઓથી તેઓ અજાણ જ રહી જાત.
બહાર હળીમળીને રહેવું, દેશમાં અલગતાની ભાવના
બિહારમાં સિવાનના ચાંદપાલી મૌજા ગામમાં મુસલમાનોની ઘણી વસ્તી છે. આ ગામના દરેક ઘરમાંથી એક કે બે પુરુષ ખાડીના ઇસ્લામિક દેશોમાં નોકરી કરે છે. ગામના પાંચસોથી વધારે લોકો ખાડીદેશોમાં રહે છે. ખાડીદેશોની કમાણીની અસર પણ આ ગામમાં સ્પષ્ટ દેખાય છે.
રાજન શર્મા પણ આ જ ગામના છે. તેમની પાસે કશો રોજગાર નહોતો. રાજન જણાવે છે કે સિવાનમાં રહીને રોજના સો રૂપિયા કમાવા પણ મુશ્કેલ હતા. એક દિવસ રાજનને તેના ગામના સોહરાબ અલીએ પૂછ્યું કે શું એ કામ કરવા માટે કતાર જશે? રાજને હા પાડવામાં સહેજેય વિલંબ ન કર્યો. સોહરાબે જ તેમના માટે વીઝા મેળવી આપ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજન શર્મા છેલ્લાં નવ વર્ષથી કતારમાં રહે છે અને દર મહિને 30 હજાર રૂપિયાની બચત કરે છે. કતારની કમાણીમાંથી રાજને ગામમાં ત્રણ માળનું ઘર બનાવી લીધું છે. રાજન પોતાના ભાઈનાં લગ્નમાં ગામ આવ્યા છે, પરંતુ ગામડે આવીને તેમને નિરાશા હાથ લાગી છે.
રાજન જણાવે છે, “અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે અમારા ગામની નજીકથી એક શોભાયાત્રા પસાર થઈ, જે ખીજવવા માટે જાણીબૂઝીને મુસ્લિમ વિસ્તારોમાં ઘૂસવાની કોશિશ કરી રહી હતી. કોઈક રીતે પરિસ્થિતિ કાબૂમાં રાખવામાં આવી, નહીંતર સાંપ્રદાયિક તણાવ વધી શકે તેમ હતો.”
રાજન કહે છે, “એ જોઈને મને ઘણું દુઃખ થયું. મેં જઈને મારી માતાને કહ્યું કે આપણા રામ આવા તો નહોતા. તેઓ રાજાની જેમ રહેતા હતા અને પ્રજાનું ધ્યાન રાખતા હતા. રામના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. છેલ્લાં દસ વર્ષોમાં એવી બાબતો વધી છે.”
કતારના પાટનગર દોહામાં ચાંદપાલીના જ મોહમ્મદ વસીમ સાથે રાજન એક જ રૂમમાં રહે છે. વસીમ ઉપરાંત અન્ય બે લોકો છે પરંતુ રાજન એકમાત્ર હિંદુ છે. રાજન માટે મુસલમાન સાથીઓએ રૂમમાં જ એક ખૂણામાં નાનકડું મંદિર બનાવી આપ્યું છે. રાજન રૂમમાં જ પૂજા કરે છે અને મુસલમાન મિત્રો પણ એ જ રૂમમાં નમાજ પઢે છે.
રાજન કહે છે, “કતારમાં મારી તબિયત ખૂબ જ બગડી હતી. પથારીમાંથી ઊભા થવું પણ મુશ્કેલ હતું. વસીમભાઈ મારાં કપડાં ધોતા હતા.”
બિનસાંપ્રદાયિક હોવું શા કામનું?
ચાંદપાલીના જ મોહમ્મદ નસીમ સાઉદી અરબમાં રહે છે અને હાલ રજાઓમાં ગામ આવ્યા છે. મોહમ્મદ નસીમ જૂનમાં સાઉદી અરબ પાછા જશે.
તેઓ ભારતમાં ધાર્મિક ધ્રુવીકરણના રાજકારણ બાબતે ચિંતિત છે, “સાઉદી અરબ ઇસ્લામિક દેશ છે. ત્યાં રાજાશાહી છે અને એક જ પરિવારનું શાસન છે. અમે મુસલમાન હોવાના લીધે ત્યાંં જઈને ધાર્મિક રીતે બહુસંખ્યક બની જઈએ છીએ, પરંતુ, તેનાથી અમને કશો વિશેષાધિકાર નથી મળતો. ત્યાં સૌ કોઈ માટે કાયદો સમાન છે. ત્યાં ગુંડાને ગુંડા તરીકે જોવામાં આવે છે, નહીં કે મુસ્લિમ ગુંડા કે હિંદુ ગુંડા તરીકે.”
મોહમ્મદ નસીમ કહે છે, “ભારતના મુસલમાન અહીંની ભૂમિના જ છે. ભારતના નિર્માણમાં અમારા પૂર્વજોએ પણ લોહીપાણી એક કર્યાં છે. પરંતુ ધર્મના આધારે બીજા દરજ્જાના નાગરિક બનાવાઈ રહ્યા છે---તે જોઈને દુઃખ થાય છે. હિંદુ-મુસલમાન વિદેશોમાં સાથે મળીને રહે છે અને દેશમાં આવતાં જ તેમના વચ્ચે દીવાલ ઊભી થઈ જાય છે. એક બિનસાંપ્રદાયિક દેશમાં ભેદભાવ ન થવો જોઈએ; પણ ઊંધું થઈ રહ્યું છે.”
મોહમ્મદ નસીમના ગામ ચાંદપાલીથી 10 કિમી દૂર રહેતા દરવેશપુરના ઉપેન્દ્ર રામ પણ તેમની સાથે એક જ રૂમમાં રહે છે. નસીમ જણાવે છે, “ઉપેન્દ્ર માટે મુસલમાનોએ રૂમમાં જ પ્લાયબોર્ડથી એક નાનું મંદિર બનાવી આપ્યું છે. સાઉદી અરબમાં મૂર્તિપૂજા આસાન નથી. પરંતુ, અમે અમારા હિંદુ ભાઈ માટે તેની પરવા ન કરી.”
મોહમ્મદ નસીમ જણાવે છે કે ઉપેન્દ્ર જ્ઞાતિએ મોચી છે પરંતુ તેમણે ક્યારેય તેમને અસ્પૃશ્ય નથી માન્યા. જ્યારે સવર્ણ હિંદુ સાઉદી અરબમાં પણ તેમની સાથે ભોજન કરવાથી દૂર રહે છે.
ધારણાઓ તૂટી રહી છે
બિહારમાં ઔરંગાબાદનાં ઇલા શર્માના પતિ શ્યામ દુબઈમાં એલ એન્ડ ટી કંપનીમાં પ્રોજેક્ટ મૅનેજર છે. તેઓ ઘણાં વર્ષોથી દુબઈમાં રહે છે. હમણાં તેમના પતિ દોહામાં શિફ્ટ થયા છે, તેથી વીઝાની રાહ જોતાં ઇલા ઔરંગાબાદ આવી ગયાં છે.
ઇલા શર્મા કહે છે કે દુબઈમાં રહ્યાં તે દરમિયાન તેમને ક્યારેય એવું નથી લાગ્યું કે તેઓ એક ઇસ્લામિક દેશમાં રહે છે. ઇલા કહે છે, “સાચું કહું તો, મેં દુબઈમાં હોળી, દિવાળી, અને છઠપૂજા ભારત કરતાં પણ વધારે ધામધૂમથી ઊજવ્યા છે. કોઈ જ પ્રકારની પરેશાની નથી થઈ. ક્યારેય એવું નથી લાગ્યું કે અમે ધાર્મિક રીતે અલ્પસંખ્યક છીએ. સુરક્ષાની બાબતમાં તો ભારત કરતાં વધારે અહીં સારી પરિસ્થિતિ છે એવું પ્રતીત થાય છે. રાત્રે બે વાગ્યે પણ મહિલાઓ એકલી દુબઈમાં ફરી શકે છે.”
ખાડીના ઇસ્લામિક દેશોમાં રહેતાં હિંદુઓને મળો તો મોટા ભાગના લોકો એ વાતનો સ્વીકાર કરે છે કે તેઓ મુસલમાનો વિશે પહેલાં જેવું વિચારતા હતા, હવે તેવું નથી વિચારતા. ખાડીદેશોમાં નોકરીથી તેમના જીવનમાં માત્ર આર્થિક પરિવર્તન જ નથી આવ્યું, પરંતુ રાજકીય અને સામાજિક વિચારધારા પણ બદલાઈ છે.
પટણામાં પ્રાદેશિક પાસપૉર્ટ અધિકારી તાવિશ બહલ પાંડે આ પરિવર્તન અંગે કહે છે, “એક જ જગ્યાએ રહેવાના કારણે ઘણી માન્યતાઓ બંધાય છે, પરંતુ આપણે બીજા દેશોમાં જઈએ અને અલગ અલગ સંસ્કૃતિઓના લોકોને મળીએ ત્યારે આ ધારણાઓ બદલાય છે. પાછળથી આપણને લાગે છે કે આપણે પહેલાં જે માની બેઠા હતા તે સંપૂર્ણ સત્ય નહોતું. આવું બધાંની સાથે થાય છે. મને લાગે છે કે આપણામાં સ્વીકાર્યતા વધે છે અને સમજ પણ થોડી વધે છે.”
ખાડીદેશોમાં રહેતાં જેટલા પણ બિહારી હિંદુઓ સાથે વાત કરી, સૌએ એમ જ કહ્યું કે, મુસલમાનો અંગેની તેમની વિચારધારા પહેલાં કરતાં બદલાઈ છે. સિવાનના રવિકુમાર સાઉદી અરબમાં નવ વર્ષ રહ્યા. અત્યારે તેઓ સિવાનમાં પોતાનું ઘર બનાવડાવે છે.
રવિ કહે છે, “સાઉદી અરબ જતાં પહેલાં મુસલમાનો માટે જે વિચારતો હતો, તેમાં પ્રેમ, નહીં જેવો હતો. તેમના વિશે ઘણા પ્રકારની ધારણાઓ હતી, જે સાઉદી અરબ જઈને બદલાઈ ગઈ. સાઉદી અરબ ભલે ઇસ્લામિક દેશ છે, પરંતુ ભારતના મુસલમાનોને તેનો કોઈ અલગથી લાભ નથી મળતો. હિંદુઓની સાથે પણ ત્યાં કશો ભેદભાવ નથી થતો. ભારત આવતાં જ એવું લાગે છે કે આપણે હજુ પણ હિંદુ-મુસલમાનમાં અટવાયેલા છીએ.”
અબ્દુલ બારી સિદ્દીકી રાષ્ટ્રીય જનતા દળના જૂના અને કદાવર નેતા મનાય છે. સિદ્દિકીને પૂછ્યું કે ખાડીદેશોમાં જનારા હિંદુઓના મનમાં મુસલમાનો અંગેની બદલાતી વિચારધારાને તેઓ કઈ રીતે જુએ છે?
સિદ્દિકી કહે છે, “છેલ્લાં થોડાં વરસોમાં મુસલમાનો વિરુદ્ધ નફરતનો નશો ચઢ્યો છે, પરંતુ તે બહુમતી હિંદુઓમાં નથી. મારું માનવું છે કે બહુમતી હિંદુઓ હજુ પણ એક સમાવેશી સમાજની તરફેણ કરે છે. ખાડીદેશોમાં ગયા પછી હિંદુઓ પણ જુએ છે કે જેના આધારે ભારતમાં તેઓ ઇસ્લામને નફરત કરે છે, તેનો કશો નક્કર આધાર નથી. માન્યતાઓ તો હળવામળવાથી જ બદલાય છે.”
સિદ્દિકી કહે છે, “મેં કાયસ્થ પરિવારમાં ઊછરેલી યુવતી સાથે લગ્ન કર્યું. મારી શાદી કરાવવા એ જમાનામાં હિંદુઓએ મદદ કરી. ત્યારે કર્પૂરી ઠાકુર બિહારના મુખ્ય મંત્રી હતા અને તેમણે તો પોતાના ઘરમાં ઘણા દિવસો સુધી રાખ્યાં. અત્યારના રાજકારણમાં નફરતને વધારે સ્થાન મળી રહ્યું છે, પરંતુ, નફરતની પણ એક ઉંમર હોય છે.”
બિહારમાંથી ખાડીદેશોમાં પલાયન વધ્યું
છેલ્લાં થોડાં વરસોમાં ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ (જીસીસી)ના છ સભ્ય દેશો- સાઉદી અરબ, યુએઈ, કુવૈત, બહેરીન, ઓમાન, અને કતારમાં ભારતના પ્રવાસી શ્રમિકોના આવવાનો ટ્રૅન્ડ સંપૂર્ણ બદલાઈ ગયો છે.
યુએઈમાં થયેલા એક અભ્યાસ અનુસાર, પહેલાં કેરળમાંથી આ દેશોમાં બ્લૂ કૉલર કામદારો મોટી સંખ્યામાં જતા હતા, પરંતુ તેમાં 90 ટકાનો ઘટાડો થયો છે અને તેની ખોટ યુપી-બિહારના કામદારો પૂરી રહ્યા છે.
2023ના પહેલા સાત મહિનામાં જીસીસી દેશોમાં આવનારા ભારતીય શ્રમિકોની સંખ્યા 50 ટકા વધી છે અને તેમાં સૌથી વધારે યુપી-બિહારના છે.
તાવિશી બહલ પાંડે કહે છે, “પ્રાદેશિક કાર્યાલય પટણા દ્વારા દર વર્ષે લગભગ ત્રણથી ચાર લાખ પાસપૉર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે. મોટા ભાગના લોકોએ ખાડીના ઇસ્લામિક દેશોમાં કામ કરવા માટે પાસપૉર્ટ બનાવડાવ્યા છે. બિહારમાંથી ખાડી જવાનો ટ્રૅન્ડ વધ્યો છે. પહેલાં દેશમાં આંતરિક પલાયન વધારે હતું. ખાડીદેશોમાં બિહારના સિવાન અને ગોપાલગંજના સૌથી વધારે લોકો રહે છે અને રેમિટન્સમાં પણ આ બંને જિલ્લાનું સૌથી વધુ યોગદાન છે.”
ખાડીના ઇસ્લામિક દેશોમાં લગભગ 90 લાખ ભારતીયો રહે છે. સૌથી વધુ યુએઈમાં 34 લાખ અને ત્યાર બાદ સાઉદી અરબમાં 26 લાખ ભારતીયો રહે છે. 2023માં ભારતીયોએ વિદેશોમાંથી કમાઈને ભારતમાં 125 અબજ ડૉલર મોકલ્યા હતા. તેમાં સૌથી વધારે ભાગીદારી ખાડીદેશોમાં રહેતા ભારતીયોની હતી. 125 અબજ ડૉલરમાં માત્ર યુએઈમાં રહેતા ભારતીયોની ભાગીદારી 18 ટકા છે.
પટણાના પ્રાદેશિક પાસપૉર્ટ કાર્યાલયની બહાર દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા રહે છે. તેમાંના મોટા ભાગના યુવા છે. આ યુવાઓ સાથે વાત કરો તો બિહાર માટે નિરાશાથી ભરેલા જોવા મળે છે. આ યુવાનો કાં તો ગ્રેજ્યુએટ છે કાં 12મું પાસ. એવું લાગે છે કે ગલ્ફ જવા માટે ભારતના મુસલમાન વધારે ઉત્સાહિત રહે છે, પરંતુ, તે સાચું નથી. પાસપૉર્ટ ઑફિસની બહાર લાગેલી લાઇનોથી સ્પષ્ટ થાય છે કે મુસલમાનો કરતાં વધારે હિંદુ, રોજગાર માટે, ગલ્ફની દિશા પકડી રહ્યા છે.
આરાના અમન તિવારી ઓમાન જવા માટે પાસપૉર્ટ બનાવડાવવા આવ્યા છે. તેઓ 12મું પાસ છે. તેમને પૂછ્યું કે, શું ભારતમાં રોજગાર મળવો મુશ્કેલ છે?
અમન તિવારી આ સવાલના જવાબમાં કહે છે, “ઓમાન જઈને પણ મજૂરી જ કરવાની છે; પરંતુ ત્યાં એના ઠીકઠાક પૈસા મળી જશે. ભારતમાં એ જ કામ માટે ઓછા પૈસા મળશે અને રહેવા-ખાવાનું પણ કંઈ ઠેકાણું નહીં હોય. ભારતમાં જો દર મહિને 20 હજાર રૂપિયા ઘરે મોકલવા હોય તો ઓછામાં ઓછો 30 હજાર રૂપિયા પગાર હોવો જોઈએ. દિલ્હી-મુંબઈમાં તો 30 હજાર પગારમાં 10 હજારની બચત કરવી મુશ્કેલ છે. ભારતમાં ખાનગી સૅક્ટરમાં કામ કરનારા કોઈ પણ શ્રમિકનો પગાર 30 હજાર નથી. આ જ કારણ છે કે અમે અમારાં વૃદ્ધ મા-બાપને છોડીને બીજા દેશમાં જવા માટે તૈયાર છીએ.”
અમનનાં સાથી સરોજ પાંડે કહે છે કે બિહારમાં નીતીશકુમાર 20 વર્ષથી સત્તામાં છે, પરંતુ શિક્ષણ અને રોજગારની સ્થિતિ પહેલાં કરતાં પણ ખરાબ થઈ છે. સરોજ કહે છે, “પહેલાં ખેતીથી કામ ચાલી જતું હતું, પરંતુ, હવે ખેતી નુકસાનનો ધંધો છે.”
ધાર્મિક ધ્રુવીકરણના રાજકારણની અસર
બિહારના જાણીતા ઇતિહાસકાર ઇમ્તિયાઝ અહમદ કહે છે, “ગલ્ફમાં રહેતા ભારતીયો ભારતમાં ચાલી રહેલી નફરત અને હિંસાથી ખુશ તો નહીં થતા હોય. અરબમાં તેઓ એકબીજા સાથે હળીમળીને રહે છે, કેમકે, અરબી લોકો તેમને શ્રમિકથી વધુ કશું સમજતા નથી---એ ભલે ને, ભારતના મુસલમાન હોય કે હિંદુ. તેને જોતાં ભારતીયો એકબીજા સાથે હળીમળીને રહે છે, જેથી ત્યાં સુખદુઃખમાં એકબીજાની સાથે ઊભા રહે. એ ખરું કે ભારતમાં ધર્મના આધારે હિંસા કે નફરત થાય છે તો દુનિયાના દરેક ખૂણે એ સમાચાર પહોંચી જાય છે. તેનાથી અરબ શાસકોમાં માત્ર ભારતની છબી જ નથી બગડતી, બલકે સામાન્ય લોકોમાં પણ સારો સંદેશ નથી જતો.”
રામેશ્વર સાવને પૂછ્યું કે, સાઉદી અરબમાં રહેવા દરમિયાન ક્યારેય પોતાના જ વતનના મુસલમાનો સાથે રાજકારણ પર વાદવિવાદ થયો?
રામેશ્વર સાવ જણાવે છે, “ભારતના મુસલમાન ભાજપને પસંદ નથી કરતા. ખાડીદેશોમાં રહેતા ભારતીય મુસલમાન પણ ભાજપ માટે નિરાશ રહે છે, અને ટીકા કરે છે. મને લાગે છે કે તેમણે વિદેશોમાં પોતાના દેશની બુરાઈ ન કરવી જોઈએ. પાકિસ્તાનના મુસલમાન એવું નથી કરતા.”
પરંતુ, ભાજપની ટીકા દેશની બુરાઈ કઈ રીતે થઈ ગઈ? તેના જવાબમાં રામેશ્વર કહે છે, “ભાજપ ભારતની જ પાર્ટી છે. સરકારમાં એ જ છે. તેને જોતાં દેશ અને પાર્ટીને અલગ અલગ ન જોઈ શકીએ.”