બિહારમાં દસ દિવસમાં પાંચ પુલ તૂટી પડ્યા, આવું કેવી રીતે અને શા માટે થયું?

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી માટે, પટનાથી

બિહારમાં દસ જ દિવસમાં પાંચ પુલ ધરાશાયી થઈ ગયા છે. રાજ્યના અરરિયા, સિવાન, પૂર્વી ચંપારણ, કિશનગંજ અને મધુબની જિલ્લામાં પુલો તૂટી પડ્યા છે.

તેમાં ત્રણ નિર્માણાધિન અને બે નિર્મિત પુલોનો સમાવેશ થાય છે.

ગ્રામીણ કાર્ય વિભાગના પુલ સલાહકાર એન્જીનિયર બી કે સિંહે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે અરરિયામાં બકરા નદી પરનો જે પુલ તૂટી પડ્યો છે તેને બાદ કરતાં તમામ ઘટનાઓ “અકસ્માત” છે.

તેમણે કહ્યું હતું, “બકરા નદી પરનો નિર્માણાધિન પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની તપાસ સમિતિએ સેમ્પલ્સ એકઠાં કર્યાં છે. તેને તપાસ માટે આઈઆઈટી, પટના અને એનઆઈટી, પટના ખાતે મોકલી આપવામાં આવ્યાં છે. એક સપ્તાહ પછી તેનો અહેવાલ આવશે. એ પછી જ આ બાબતે કોઈ ટિપ્પણી કરી શકાશે.”

ક્યાં-ક્યાં બની ઘટના?

રાજ્યમાં સૌથી પહેલાં અરરિયા જિલ્લાના સિકટી પ્રખંડમાં એક પુલ 18 જૂને તૂટી પડ્યો હતો. એ પુલનું નિર્માણ અરરિયાના જ બે બ્લોક સિકટી અને કુર્સાકાંટાને જોડવા માટે કરવામાં આવી રહ્યું હતું.

સ્થાનિક પત્રકાર શંકર ઝાએ કહ્યું હતું, “સિકટી અને પંડરિયા ઘાટ પાસે બનેલા આ પુલના બે પાયા 18 જૂનની બપોરે સંપૂર્ણપણે ધસી પડ્યા હતા અને છ ક્ષતિગ્રસ્ત થયા હતા. વરસાદને કારણે બકરા નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું. પુલ તેનું દબાણ ખમી શક્યો ન હતો અને ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો હતો. એ પુલ બની જાય તો લાખો લોકોને લાભ થશે.”

અરરિયા જિલ્લામાં પનાર, બકરા અને કનકઈ એમ ત્રણ નદીઓ વહે છે. બકરા નદી તેનો પ્રવાહ બદલવા માટે જાણીતી છે અને તેનો પ્રવાહ જોરદાર હોય છે. 2011માં રૂ. 11 કરોડના ખર્ચે બકરા નદી પર આ પુલનું નિર્માણ શરૂ થયું હતું. તેની જવાબદારી બિહાર પુલ નિગમ પર હતી.

બાદમાં બકરા નદીએ પ્રવાહ બદલ્યો ત્યારે 2020-21માં વડા પ્રધાન ગ્રામ સડક યોજના-2 હેઠળ 182.65 મીટર લાંબો આ પુલ ફરી સ્વીકૃત થયો હતો.

પુલ તૂટી પડ્યા પછી ગ્રામીણ કાર્ય વિભાગની ચાર સભ્યોની તપાસ સમિતિએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

બીબીસી પાસે ઉપલબ્ધ ગ્રામીણ કાર્ય વિભાગના પત્રમાં તપાસ ટીમે પુલના ફાઉન્ડેશનની ઉંડાઈ, ફાઉન્ડેશનના સબ-સ્ટ્રક્ચર, સુપર સ્ટ્રક્ચરમાં વપરાયેલી સામગ્રીનાં પ્રમાણ, ગુણવત્તા તથા કરવામાં આવેલા કામ વિશેનો વિગતવાર અહેવાલ માંગ્યો છે.

મોડી સાંજ સુધી કાસ્ટિંગ કરવામાં આવ્યું, થોડા કલાકોમાં તૂટ્યો પુલ

એ પછી સિવાનમાં ગંડક નહેર પર બનેલો પુલ 22 જૂને તૂટી પડ્યો હતો. મહારાજગંજ અને દરૌંદા પ્રખંડને જોડતો એ પુલ 34 વર્ષ જૂનો હતો.

સ્થાનિક રહેવાસી મંજીતે બીબીસીને કહ્યું હતું, “એ પુલ પટેઢા અને રામગઢ એમ બે પંચાયતને જોડતો હતો. તે 20 ફૂટ લાંબો હતો. ગંડક નહેરમાં પાણી આવતાંની સાથે જ તે તૂટી પડ્યો હતો. સારું થયું કે એ વખતે પુલ પરથી કોઈ પસાર થતું ન હતું.”

પૂર્વ ચંપારણના ઘોડાસહન પ્રખંડના અમવામાં પણ 22 જૂનની રાતે જ નિર્માણાધિન પુલ તૂટી પડ્યો હતો.

રૂ. 1.60 કરોડના ખર્ચે બની રહેલો તે પુલ અમવાથી ચૈનપુર સ્ટેશન જતા માર્ગ પર બનાવવામાં આવતો હતો. વિચિત્રતા એ છે કે એ પુલના ઉપરના હિસ્સામાં સાંજ સુધી કાસ્ટિંગનું કામ ચાલતું હતું અને રાત થતાં સુધીમાં તૂટી પડ્યો હતો.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ કાર્ય વિભાગે તે પુલનું ટૅન્ડર ધીરેન્દ્ર કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડને આપ્યું હતું. તે પૂર્વ ચંપારણના મુખ્યાલય મોતિહારી સ્થિત એક કંપની છે.

કંપનીના ડિરેક્ટર ધીરેન્દ્ર કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ બીબીસીએ કર્યો ત્યારે તેમણે એ સમાચારને “વાસી” ગણાવીને બાદમાં વાત કરવા જણાવ્યું હતું.

સ્થાનિક પત્રકાર રાહુલ કુમારે કહ્યુ હતું, “પુલનું બહુ ખરાબ કન્સ્ટ્રક્શન થતું હતું. સ્થાનિક લોકો તેની સતત ફરિયાદ કરતા હતા, પરંતુ કોઈ સાંભળતું ન હતું. આખરે પુલ તૂટી પડ્યો.”

‘પુલનું તૂટવું અફવા છે, આપદા જેવી સ્થિતિ હતી’

ઘોડાસહન પછી 26 જૂને કિશનગંજ જિલ્લાની મરિયા નદી પર બનેલો 13 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો હતો. જિલ્લાના બહાદુરગંજ પ્રખંડની ગુઆબાડી પંચાયતની નજીક આવેલો એ પુલ મુશળધાર વરસાદને કારણે ધસી પડ્યો હતો. તેને કારણે લગભગ 15 ગામોમાં વસતા લોકોને અસર થશે.

પુલ તૂટી પડ્યો હોવાથી ત્યાં સલામતી રક્ષકો તહેનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસી અકાતુલે કહ્યું હતું, “પુલની હાલત બે વર્ષથી ઠીક ન હતી. પુલ તૂટેલો જ છે, પરંતુ સરકારનું ધ્યાન નથી. આ વખતે તો પુલને વધુ નુકસાન થયું છે. સરકાર ધ્યાન નહીં આપે તો બહુ મુશ્કેલી થશે. સરકારે પુલનું સમારકામ કરાવવું જોઈએ.”

કિશનગંજમાં પુલ ધસી પડ્યા બાદ 28 જૂને મધુબનીના ઝંઝારપુર અનુમંડલના મધેપુર પ્રખંડમાં ભુતહી બલાન નદીમાં નિર્માણાધિન પુલનું ગર્ડર તૂટી પડ્યું હતું. રૂ. 2.98 કરોડના ખર્ચે નિર્મિત આ પુલ મધેપુર પ્રખંડને ભેજા કોસી બંધથી મહપતિયા જતા માર્ગ સાથે જોડનાર હતો. રસપ્રદ વાત એ છે કે આ ઘટનામાં પણ પુલના કન્સ્ટ્રક્શનનું કામ ચોમાસા દરમિયાન જ થયું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં ગ્રામીણ કાર્ય વિભાગના કાર્યપાલક ઇજનેર રામાશીષ પાસવાને પુલ તૂટી પડવાની ઘટનાને અફવા ગણાવી હતી.

તેમણે કહ્યું હતું, “પુલ તણાયો નથી, પરંતુ તે આપદા જેવી પરિસ્થિતિ હતી. થોડા દિવસ પહેલાં જ કોસી બરાજથી અચાનક પાણી છોડવામાં આવતાં અપસ્ટ્રીમનું ગર્ડર લટકી ગયું હતું અને ડાઉનસ્ટ્રીમનું ગર્ડર પડી ગયુ હતું. પાણીનું સ્તર ઘટે પછી ફરીથી કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને જણાવવામાં આવ્યું છે. આ ઘટનામાં કોઈ નાણાકીય ગડબડ થઈ નથી.”

નિષ્ણાતો શું કહે છે?

પુલ તૂટી પડવા કે ધસી પડવાની તમામ ઘટનાઓમાં વિભાગ તરફથી તપાસ માટે એક ટીમ મોકલવામાં આવી છે, પરંતુ એકસાથે પાંચ-પાંચ પુલ ક્ષતિગ્રસ્ત થવાનું કારણ શું છે?

બિહાર રાજ્ય પથ વિકાસ નિગમના નિવૃત્ત વડા જનરલ મેનેજર સંજય કુમારે પુલ તૂટી પડવાના કારણોની વિગતવાર વાત બીબીસીને કરી હતી.

તેમણે કહ્યું હતું, “બિહારમાં છેલ્લા 10-15 વર્ષમાં અનેક પુલો બન્યા છે, પરંતુ તેના મેન્ટેનન્સની નીતિમાં ખામી રહી ગઈ છે. પુલમાં બે મહત્ત્વપૂર્ણ પોઇન્ટ્સ હોય છે. પ્રથમ હોય છે એક્પાન્શન જાયન્ટ. તેની વારંવાર સફાઈ થવી જોઈએ. બીજું હોય છે બેઅરિંગ. તેની વય દસ વર્ષની હોય છે અને દસ વર્ષ પછી તેને કાયદા મુજબ બદલવું કે રિપેર કરવું જોઈએ. આ બન્ને કામ ન થતાં હોય એવું લાગે છે.”

તેમના કહેવા મુજબ, “ચોમાસાના આગમન પહેલાં પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ થવું જોઈએ. એ માટે ઇન્ડિયન રોડ કૉંગ્રેસની ગાઇડલાઇન્સ છે. પુલ તૂટી પડવાનું કારણ ભ્રષ્ટાચાર અને એન્જીનિયર્સમાં અનુભવનો અભાવ છે. જેમ કે, હમણાં મધેપુરમાં પુલ તૂટી પડ્યો તેનું કારણ ખોટા સમયે કરવામાં આવેલું કામ છે. ચોમાસું આવી ગયું છે અને બીમનું સેન્ટ્રિંગ ત્રણ દિવસ પહેલાં કરવામાં આવ્યું. આ રીતે ઘોડાસહનમાં શટરિંગ ફેઈલ્યોરને કારણે અને સિવાનમાં પુલના છેલ્લા હિસ્સામાંથી માટી ધસી પડવાને લીધે પુલનો પાયો બેસી ગયો હતો.”

બિહાર એન્જીનિયરિંગ સર્વિસ એસોસિએશને પણ પુલ તૂટી પડવાની ઘટનાઓ બાબતે ત્રણ સભ્યોની તપાસ ટીમની રચના કરી છે. ઈજનેરોની આ 80 વર્ષ જૂની સંસ્થાના મહામંત્રી શશાંક શેખરે બીબીસીને કહ્યું હતું, “અમારી એક ટીમ ઘટના સ્થળે ગઈ છે. તે બ્રિજની ડિઝાઈન, બિલ્ડીંગ મટીરીયલ, આજુબાજુના પરિસર વગેરેની તપાસ કરીને રિપોર્ટ આપશે. એ રિપોર્ટ બાદ જ અમે કશું કહી શકીશું. એક સ્ટ્રક્ચર બનાવવામાં પ્લાનિંગ, એક્ઝીક્યુટિવ બોડી અને કોન્ટ્રાક્ટર સામેલ હોય છે. પુલો તૂટી રહ્યા છે તો ક્યાંકને ક્યાંક ભૂલ જરૂર થઈ રહી છે.”

વિરોધ પક્ષ આક્રમક, સરકાર બૅકફૂટ પર

બિહારમાં પુલ તૂટી પડવાની આ પહેલી ઘટના નથી, પરંતુ દસ દિવસમાં પાંચ પુલ તૂટી પડ્યા હોય એવું પહેલીવાર બન્યું છે.

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે સરકારને ટોણો મારતાં કહ્યું હતું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેરબાની અને મુખ્ય મંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની છ પક્ષોની ડબલ એન્જિન એનડીએની સરકારના સ્વયં-ઘોષિત ઇમાનદાર લોકો, પુલ તૂટી પડવાથી સ્વાહા થઈ રહેલા જનતાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને શિષ્ટાચાર કહી રહ્યા છે.”

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી વિજય કુમાર સિન્હાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું, “આ પુલ ગ્રામીણ કાર્ય વિભાગના છે. તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેજસ્વી યાદવે લાંબા સમય સુધી પથ નિર્માણ અને ગ્રામીણ કાર્ય વિભાગ સંભાળ્યો હતો. તેઓ પોતાની જવાબદારીમાંથી કેમ છટકી રહ્યા છે? અમારી સરકાર સજાગ છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને કાર્યવાહી કરી રહ્યા છીએ. પુલોની તકનીક અને ડિઝાઈનિંગની તપાસ પણ કરવામાં આવશે.”

બિહારમાં આ રીતે પુલ તૂટી પડવા બાબતે રાજકારણ ગરમાયું હોવાની પાછળનું મોટું કારણ એ પણ છે કે રાજ્યમાં આવી ઘટનાઓ સતત બની રહી છે. બિહારમાં ગત ચાર વર્ષમાં આ પ્રકારના લગભગ 10 પુલ અકસ્માતો થયા છે.

બિહારમાં ગયા વર્ષે ગંગા નદી પર બની રહેલા પુલનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજ અને ખગડિયા જિલ્લાના અગુવાની નામના સ્થળની વચ્ચે રૂ. 1,717 કરોડના ખર્ચે તે પુલનું નિર્માણ થતું હતું.

પુલ તૂટી પડવાની આ તસવીરને લોકોએ મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને સરકારના કામકાજ વિશે સવાલ ઉઠાવ્યા હતા.