You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અગ્નિપથ : ભારતીય સેનામાં માત્ર ચાર વર્ષની નોકરીની એ યોજના જેમાં યુવાનો બનશે 'અગ્નિવીર'
ભારતીય સેનાના ત્રણેય વડાઓએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી છે.
રક્ષા મંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી. તેમણે કહ્યું કે સંરક્ષણ અંગે કૅબિનેટ સમિતિએ ઐતિહાસિક નિર્ણય લીધો છે.
રક્ષા મંત્રીએ કહ્યું, "આજે અમે 'અગ્નિપથ' નામની એક પરિવર્તનકારી યોજના લાવી રહ્યા છીએ, જે આપણા સશસ્ત્ર દળોમાં બદલાવ લાવીને તેમને વધુ આધુનિક બનાવશે."
રક્ષા મંત્રીએ કહ્યું કે, "અગ્નિપથ' યોજના હેઠળ, ભારતીય યુવાનોને 'અગ્નવીર' તરીકે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક પૂરી પાડવામાં આવશે."
"આ યોજના દેશની સુરક્ષાને મજબૂત કરવા અને આપણા યુવાનોને સૈન્યમાં સેવાની તક આપવા માટે લાવવામાં આવી છે."
"તમે બધા એ વાતે ચોક્કસ સહમત હશો કે સમગ્ર દેશ, ખાસ કરીને આપણા યુવાનો સેનાને સન્માનની નજરે જુએ છે. દરેક બાળક પોતાના જીવનના અમુક તબક્કે સેનાની વર્દી પહેરવાની ઇચ્છા રાખે છે."
રાજનાથસિંહે કહ્યું, "યુવાનોને એ ફાયદો થશે કે તેમને નવી ટેકનૉલૉજી અંગે સરળતાથી પ્રશિક્ષિત કરી શકાય છે. તેમનું આરોગ્ય અને ફિટનેસ સ્તર પણ સુધરશે. અગ્નિપથ યોજના હેઠળ, એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સશસ્ત્ર દળોની પ્રોફાઇલ ભારતની વસતી જેટલી યુવા બની જાય."
રક્ષા મંત્રીએ કહ્યું, "અગ્નિપથ' યોજના રોજગારની તકો વધારશે. અગ્નિવીરની સેવા દરમિયાન મેળવેલ કૌશલ્ય અને અનુભવ વિવિધ ક્ષેત્રોમાં રોજગારી તરફ દોરી જશે. અગ્નિવીરો માટે સારું પગાર પૅકેજ, ચાર વર્ષની સેવા પછી સર્વિસ ફંડ પૅકેજ અને 'મૃત્યુ અને અપંગતા' પૅકેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંક્ષિપ્તમાં સમજો : અગ્નિપથ યોજના છે શું?
- ભરતીની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ
- ભરતી ચાર વર્ષ માટે થશે
- ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરવામાં આવશે.
- ચાર વર્ષ પછી જે જવાનો નિયમિત થશે તેમને અગ્નિવીર કહેવામાં આવશે.
- પ્રથમ વર્ષનો પગાર મહિને 30 હજાર રહેશે
- ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે
અગ્નિપથ યોજના શું છે?
'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે.
રક્ષા મંત્રીએ યુવાનોને અગ્નવીર બનવા અપીલ કરી હતી. ચાર વર્ષની સેવા બાદ રાખવામાં આવેલા 25 ટકા સૈનિકો અગ્નિવીર કહેવાશે.
આ દરમિયાન નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45000 યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સેનાના અગ્નિવીરોમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે.
અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોને આગળ જાળવી રાખવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે.
તેમનો પગાર લગભગ 40 હજાર રૂપિયા જેટલો હશે. આ યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે.
અગ્નિપથ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે. નવા અગ્નિવીરોની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, "'અગ્નિપથ' એ આર્મી, એરફોર્સ અને નેવીમાં ભરતી માટે સમગ્ર ભારતમાં મૅરિટ આધારિત ભરતી યોજના છે. આ યોજના યુવાનોને સશસ્ત્ર દળોની નિયમિત કૅડરમાં સેવા કરવાની તક પૂરી પાડશે."
"અગ્નિવીરોની તાલીમ અવધિ સહિત 4 વર્ષના સેવા સમયગાળા માટે સારા નાણાકીય પૅકેજ સાથે ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ પછી, કેન્દ્રિય અને પારદર્શક સિસ્ટમના આધારે 25 ટકા જેટલા અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે."
"100 ટકા ઉમેદવારો નિયમિત કૅડરમાં ભરતી માટે સ્વયંસેવક તરીકે અરજી કરી શકે છે."
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, "અગ્નિપથ યોજના તમામ અગ્નિવીરોને દર મહિને 30,000 રૂપિયા અને ચોથા વર્ષમાં 40,000 રૂપિયા સુધીનું આકર્ષક માસિક પૅકેજ આપવામાં આવશે. ચાર વર્ષ પૂરાં થવાં પર તમામ ઉમેદવારો માટે વ્યાપક નાણાકીય પૅકેજ 'સેવા નિધિ'ની પણ જોગવાઈ છે.
રક્ષા મંત્રીએ કહ્યું કે અગ્નિપથ યોજના ભારતની સેનાને વિશ્વ કક્ષાની સેના બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ભારતમાં મોટી સંખ્યામાં લોકોને સૈન્યમાં રોજગાર મળે છે. ભારતીય સેનામાં 14 લાખ લોકોને નોકરી મળી છે.
ભારતના યુવાનોમાં સેનામાં જોડાવાની ઇચ્છા ઘણા સમયથી પ્રબળ રહી છે. દર વર્ષે ભારતીય સેનામાંથી 60,000 જવાનો નિવૃત્ત થાય છે. સેના આ ખાલી જગ્યાઓ પર ભરતી માટે 100થી વધુ રાઉન્ડનું આયોજન કરતી હતી.
અગ્નિપથ યોજનાની ટીકા
અગ્નિપથ યોજનામાં ભરતીની પદ્ધતિને 'ટૂર ઑફ ડ્યૂટી' કહેવામાં આવી રહી છે.
સિંગાપોરમાં ઍસ રાજરત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અનિત મુખરજીએ બીબીસીને કહ્યું, "જો પ્રોફેશનલ સૈનિકોની જગ્યાએ ટૂંકા ગાળાના સૈનિકોની નિમણૂક કરવામાં આવે તો તેની અસર ક્ષમતા પર પડશે."
સૅન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફૅલો સુશાંતસિંહ આ પ્રસ્તાવથી અસ્વસ્થ છે. તેમનું કહેવું છે કે જો યુવાનોને ટૂંકા ગાળા માટે સૈનિકોમાં ભરતી કરવામાં આવે તો તેઓ 24 વર્ષ સુધીમાં સેનામાંથી બહાર થઈ જશે. તેનાથી દેશમાં બેરોજગારીમાં વધારો જ થશે.
સુશાંત કહે છે, "શું તમે મોટી સંખ્યામાં સૈન્ય તાલીમ લીધી છે એવા યુવાનોને બહાર કાઢવા માગો છો?"
"આ યુવાનો ફરી એ જ સમાજમાં આવશે જ્યાં પહેલેથી હિંસાનું પ્રમાણ વધારે છે. શું તમે એવું ઇચ્છો છો કે આ ભૂતપૂર્વ સૈનિકો પોલીસ અને સિક્યૉરિટી ગાર્ડ બને? મને ડર એ છે કે હથિયાર ચલાવવાની તાલીમ મેળવી લીધેલા બેરોજગાર યુવાનોની ફૌજ ન તૈયાર થઈ જાય."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો