You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ : મહિનાઓની ઉજવણી બાદ મુકેશ અંબાણીના પુત્રનાં આજે લગ્ને
વિશ્વની અલગ-અલગ જગ્યાઓ પર કેટલાક મહિનાઓ સુધી યોજાયેલા ભવ્ય સમારંભો પછી એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન શુક્રવારે થવાં જઈ રહ્યાં છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનાં લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થશે. રાધિકા મર્ચન્ટ ફાર્મા ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ વીરેન અને શીલા મર્ચન્ટનાં દીકરી છે.
મુંબઈમાં આયોજિત ચાર દિવસીય લગ્ન સમારંભ અંબાણી પરિવાર દ્વારા માર્ચ મહિનાથી આયોજિત ભવ્ય પાર્ટીઓની શ્રેણીનો અંતિમ પ્રસંગ છે.
આ કાર્યક્રમોમાં રિહાના અને જસ્ટિન બીબર જેવા પૉપ સ્ટાર પહેલાં જ પર્ફૉર્મન્સ આપી ચૂક્યા છે. આ લગ્નએ વિશ્વનું ધ્યાન તેમની તરફ ખેંચ્યુ છે.
જોકે, આ કારણે લોકોમાં નારાજગી પણ જોવા મળી છે. શહેરના લોકોએ ટ્રાફિક જામની ફરિયાદ કરી હતી. બીજા કેટલાક લોકોએ આ સમારંભોમાં પૈસાના દેખાડા પર સવાલો ઉઠાવ્યા હતા.
ફોર્બ્સની માહિતી પ્રમાણે, 66 વર્ષીય મુકેશ અંબાણી વર્તમાનમાં 115 બિલિયન ડૉલરની કુલ સંપત્તિ સાથે દુનિયાની 10માં સૌથી ધનિક વ્યક્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઈ અંબાણીએ 1966માં કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશાળ બિઝનેસ ગ્રુપ છે, જે પેટ્રોલિયમ, કૉમ્યુનિકેશનથી લઈને નાણાકીય ક્ષેત્ર જેવા ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે.
અનંત અંબાણી મુકેશ અંબાણીનાં ત્રણ સંતાનોમાં સૌથી નાનાં છે. મુકેશ અંબાણીનાં ત્રણેય સંતાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં છે. 29 વર્ષીય અનંત રિલાયન્સના એનર્જી બિઝનેસ સાથે જોડાયેલા રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પરંપરાગત હિંદુ રીતિ-રિવાજો સાથે થશે.
અહેવાલો પ્રમાણે, અંબાણી પરિવાર અઠવાડિયાના અંતે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. ત્યારબાદ સોમવારે પોતાના કર્મચારીઓ માટે બીજા એક રિસેપ્શનનું આયોજન કરશે.
ઇન્ટરનેટ પર અટકળો છે કે બ્રિટેનનાં ગાયિકા એડેલ પરફોર્મ કરશે. જોકે, અંબાણી પરિવારે આ બાબતે કોઈ પુષ્ટિ કરી નથી.
સમાચાર એજન્સી રૉયટર્સની માહિતી પ્રમાણે, મુંબઈ પોલીસે આ લગ્નને એક "જાહેર કાર્યક્રમ" તરીકે ઘોષિત કર્યો છે, કારણ કે તેમાં કેટલાય આંતરરાષ્ટ્રીય અને ભારતીય વીઆઈપી સામેલ થશે.
મુંબઈ પોલીસે આયોજન સ્થળની નજીક ટ્રાફિક પ્રતિબંધ પણ લાદ્યો છે.
પોલીસે કહ્યું છે કે શુક્રવારથી સોમવાર સુધી સમારોહ કેન્દ્રની આસપાસના રસ્તાઓ બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી માત્ર ક્રાર્યક્રમમાં આવનારાં વાહનો માટે જ ખુલ્લા રહેશે.
ઍયર ચાર્ટર કંપની કલ્બ વન એયરના સીઈઓ રાજન મેહરાએ રૉયટર્સને જણાવ્યું કે પરિવારે લગ્ન સમારંભમાં મહેમાનોને લાવવા માટે ત્રણ ફાલ્કન-2000 જેટ વિમાનો ભાડે લીધાં હતાં.
તેમણે કહ્યું, "મહેમાનો દરેક જગ્યાએથી આવી રહ્યા છે અને દરેક વિમાન દેશમાં ઘણી યાત્રાઓ કરશે."
આ પ્રતિબંધોને કારણે શહેરના રહેવાસીઓમાં ગુસ્સો છે. રહેવાસીઓનું કહેવું છે કે તેઓ પહેલાંથી જ ટ્રાફિક જામ અને ભારે વરસાદને કારણે પરેશાન છે.
રિહાના અને બીબરના પર્ફૉર્મન્સ
લગ્નનો ઉત્સવ માર્ચમાં શરૂ થયો હતો જ્યારે પરિવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ત્રણ દિવસીય પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ સમારંભમાં સામેલ થનાર એક હજાર 200 મહેમાનોમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ, રાજનેતા અને વેપાર જગતના લોકો સામેલ હતા. મેટાના માર્ક ઝુકરબર્ગ અને માઇક્રોસોફ્ટના બીલ ગેટ્સ પણ સામેલ હતા.
આ પાર્ટીની શરૂઆતની પહેલી રાત રિહાનાના પર્ફૉર્મન્સથી થઈ હતી. આ ઉપરાંત પંજાબી ગાયક દિલજીત દોસાંઝે બીજી રાત્રે પર્ફૉર્મન્સ આપ્યું હતું. સમારોહના અંતિમ દિવસે રૅપર એકૉને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
અંબાણી પરિવારે જૂનમાં પણ એક પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. આ આયોજનની ઇટાલીથી ફ્રાન્સની એક લક્ઝરી ક્રૂઝમાં કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં બૅકસ્ટ્રીટ બૉયઝ, કેટી પૅરી અને પિટબુલે 800 મહેમાન માટે પર્ફૉર્મન્સ કર્યું હતું, જેમાં બૉલીવુડના સ્ટાર્સ અને ક્રિકેટરો સામેલ થયા હતા.
ત્યારબાદ ઉજવણીનો અંતિમ રાઉન્ડ મુંબઈમાં બીબરના પર્ફૉર્મન્સ સાથે શરૂ થયો હતો.
જામનગરના એક વિશાળ કૅમ્પસની અંદર વિશાળ ખર્ચ પર 14 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરી શકાય અને લગ્ન માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરી શકાય. સમારંભના ભાગરૂપે અંબાણી પરિવારે 50 વંચિત યુગલોનાં સમૂહલગ્નનું આયોજન કર્યું હતું.
પરિવારે બુધવારે વંચિત લોકો માટે એક ભંડારાનું આયોજન કર્યું હતું.
અંબાણી પરિવારે જણાવ્યું નથી કે આ લગ્નમાં તેમને કેટલા કરોડનો ખર્ચો કરવો પડ્યો છે. જોકે, વેડિંગ પ્લાનર્સનું અનુમાન છે કે તેમણે પહેલાં જ 1100થી 1300 કરોડનો ખર્ચ કર્યો છે. અટકળો પ્રમાણે, રિહાનાને તેમના પર્ફૉર્મન્સ માટે લગભગ 70 લાખ ડૉલર (અંદાજે 59 કરોડ રૂપિયા) મળ્યા, જ્યારે બીબરને 10 મિલિયન ડૉલર (અંદાજે 84 કરોડ રૂપિયા) ચુકવાયા.