You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકેશ અંબાણીએ વિશ્વના ધુરંધર ઉદ્યોગપતિઓને કેવી રીતે જામનગરમાં ભેગા કર્યા?
- લેેખક, મિર્ઝા એબી બેગ
- પદ, બીબીસી ઉર્દૂ, નવી દિલ્હી
ગત સપ્તાહે ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રના લગ્નના પ્રિ-વેડિંગ સમારોહ પર દુનિયાભરના મીડિયા અને સોશિયલ મીડિયાનું ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું.
આ સમારોહ ભલે એક લગ્ન સંબંધિત કાર્યક્રમ હતો, પરંતુ કેટલાક લોકો તેને દુનિયામાં ભારતના ‘સોફ્ટ પાવર’નું પ્રતિબિંબ ગણાવે છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ એશિયાઈ ઉપખંડમાં પ્રચલિત લગ્ન સમયે પૈસાનો દેખાવ કરવાની પરંપરાની નિરંતરતાથી વિશેષ કશું નથી.
સોશિયલ મીડિયા પર આ પ્રિ-વેડિંગ સેરેમનીના આયોજનની ચર્ચાઓ હજુ પણ ચાલી રહી છે. આ ચર્ચાઓ પાછળનું એક મોટું કારણ એ છે કે આ આયોજનમાં બોલીવૂડની તમામ હસ્તીઓ અને ગણાતા મોટા સેલિબ્રિટીઓ સામેલ થયા હતા.
આ કાર્યક્રમમાં વૈશ્વિક સ્તરના પણ ઘણા સેલિબ્રિટીઓ સામેલ થયા હતા. પ્રસિદ્ધ સિંગર રિહાના, માઇક્રોસૉફ્ટના બિલ ગેટ્સ, ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સહિત અનેક મોટી કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. કતારના અમીર પણ આ કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા.
ભારતના જાણીતા સમાજવિજ્ઞાની પ્રતાપ ભાનુ મહેતાએ હાલમાં જ ઇન્ડિયન ઍક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં લખ્યું છે કે, “અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સમારોહ પર દુનિયાનું સતત ધ્યાન છે. આ સમારોહ ભારતની સંસ્કૃતિ અને રાજકીય અર્થવ્યવસ્થામાં થઈ રહેલા વ્યાપક બદલાવોનું એક દિલચસ્પ ચિત્ર રજૂ કરે છે.”
“જો તમે આ સમારોહની સ્ક્રિપ્ટ જુઓ તો એ અત્યંત આકર્ષક લાગે છે. તેમાં ધન, શક્તિ, ગ્લૅમર અને પારિવારિક મૂલ્યો વગેરેનું એકદમ સચોટ મિશ્રણ છે.”
તેમના જણાવ્યા પ્રમાણે, આ એક એવી બોલીવૂડ મસાલા સ્ટોરી હતી જેના વિશે આ પ્રકારની ફિલ્મો બનાવનાર સૂરજ બડજાત્યાએ પણ નહીં વિચાર્યું હોય. અહીં ઉલ્લેખનીય છે કે, સૂરજ બડજાત્યાએ ‘હમ આપકે હૈં કૌન’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’, ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી લગ્ન આધારિત ફિલ્મો બનાવી છે.
જોકે, બીબીસી સાથે વાત કરતા જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના નિવૃત્ત પ્રૉફેસર અને ઇતિહાસકાર પુષ્પેશ પંતે વિપરીત વિચારો વ્યક્ત કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, “એક વ્યક્તિની જગ્યાએ જો ભારત સરકારે કોઈ આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હોત અને આટલા બધા લોકોને એક જગ્યાએ એકત્રિત કર્યા હોત આ ભારતના સોફ્ટ પાવરનું પ્રદર્શન ચોક્કસ કહી શકાત.”
તેઓ કહે છે, “મારી નજરે આ દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ એક ઉદ્યોગપતિની દોલત, દોસ્તી અને સંસ્કૃતિનો શો વધુ છે. આ શોમાં કતારના શેખથી લઈને બોલીવૂડના સિતારાઓ, ત્યાં સુધી કે ગર્ભવતી દીપિકા પાદુકોણ પણ સામેલ થયાં હતાં.”
પુષ્પેશ પંત કહે છે, “એવું કહેવાય છે કે મુકેશ અંબાણીએ ગુજરાતના જામનગર શહેરને વૈશ્વિક નકશા પર લાવી દીધું છે, પણ આ વાત સાચી નથી. કારણ કે દસ દિવસ પછી જો તમે જામનગર જશો તો ત્યાં ન કોઈ ભપકો હશે, ન તો આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ કે ન કોઈ પ્રોટોકોલ. ભારતમાં એ પરંપરા રહી છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિના લગ્ન પણ ધૂમધામથી કરવામાં આવે છે. ભલે તેમના પર જીવનભર દેવું રહે.”
જોકે, તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે કેટલીક હદે આ લગ્નની ઉજવણી દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે.
તેમણે કહ્યું કે અંબાણી હવે ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ છે અને તેમનો કારોબાર સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે. જ્યારે બીજી બાજુ દુનિયાભરના રોકાણકારોની નજર ભારત પર ટકેલી છે કારણ કે ભારત દુનિયાનું બહુ મોટું બજાર છે. એવામાં એ સંદેશ જાય છે કે ભારતમાં આટલા મોટા લોકો ભેગા થયા છે. પણ આ વાત સ્થાનિક લોકો માટે વધુ ચર્ચાસ્પદ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે નહીં.
મોટા ઉદ્યોગપતિઓને કેવી રીતે આકર્ષિત કરી શક્યા અંબાણી?
સમાચાર ઍજન્સી પીટીઆઈ પ્રમાણે, ગુજરાતના જામનગર શહેરમાં આ કાર્યક્રમના ત્રીજા દિવસે બોલીવૂડના મોટા નામો સિવાય બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ટાટા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરન, અદાણી સમૂહના ચૅરમૅન ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, અજય પિરામલ સહિત અનેક લોકો સામેલ થયા હતા.
આ કાર્યક્રમમમાં ડિઝનીના પ્રમુખ રૉબર્ટ ઍગ્નરને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે થોડા દિવસ પહેલા જ ભારતમાં તેમના મીડિયા વ્યવસાયની રિલાયન્સ સાથે વિલયની જાહેરાત કરી હતી. આ વિલય પછી રિલાયન્સ એન્ટરટેઇનમૅન્ટ 8.5 અબજ ડૉલરનું વૅલ્યુએશન ધરાવતી દુનિયાની પાંચમી સૌથી મોટી મનોરંજન કંપની બની જશે.
કેટલાક લોકોનું માનવું છે કે અંબાણી ગ્લોબલ બિઝનેસ લીડર્સને આકર્ષિત કરવામાં સક્ષમ છે કારણ કે તેમની કંપનીઓ સાથે તેમની વ્યાપારિક હિસ્સેદારી પણ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની એક બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમૂહ છે જેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. રિલાયન્સ કૉમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના 1958માં ધીરુભાઈ અંબાણીએ કરી હતી. મુકેશ અંબાણી વર્તમાનમાં કંપનીના પ્રમુખ અને ગ્રુપ ડાયરેક્ટર છે. તેમનાં સંતાનો આકાશ, ઇશા અને અનંતની પણ રિલાયન્સના કારોબારમાં અગત્યની ભૂમિકામાં છે.
મુકેશ અંબાણીની કંપની વિભિન્ન ક્ષેત્રોમાં સક્રિય છે અને તેમણે અમેરિકાની ફેશન બ્રાન્ડ ‘ગેપ ઇન્ક’ અને રમકડાંની બ્રિટિશ બહુરાષ્ટ્રીય કંપની ‘હૅમલી’ને પણ ખરીદી લીધી છે. તેમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ‘નેટમૅડ્ઝ’માં અને ‘માર્ક્સ ઍન્ડ સ્પેન્સર’માં પણ ભાગીદારી છે.
ફેસબુકે રિલાયન્સ જિઓમાં 5.7 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. જેનાથી તે પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં સૌથી મોટું પ્રત્યક્ષ વિદેશી રોકાણકાર બન્યું છે.
પૅટ્રોલિયમ ક્ષેત્રમાં રિલાયન્સે ‘શેવરોન’ સાથે ભાગીદારી કરી છે અને એ રીતે તે અમેરિકન બજારમાં પણ તેની હાજરી વધારી રહ્યું છે. 2019માં બંને કંપનીઓએ સમગ્ર ભારતમાં ઇંધણ માટેનાં સ્ટેશનોનું નેટવર્ક વધારવા માટે સંયુક્ત પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય ઈંધણની વધતી માંગને પ્રદર્શિત કરવાનો હતો તથા શેવરોનને પણ ભારતીય બજારમાં પગ જમાવવા હતા.
મધ્ય પૂર્વના દેશોમાં પોતાની ઉપસ્થિતિનો વિસ્તાર કરતા રિલાયન્સે તેલ અને પૅટ્રોકેમિકલ કંપનીઓમાં ખૂબ મોટું રોકાણ કર્યું છે. 2019માં રિલાયન્સે ભારતમાં એક મેગા રિફાઇનરી અને પૅટ્રોકૅમિકલ કૉમ્પ્લેક્સ વિકસિત કરવા માટે સાઉદીના સ્વામિત્વવાળી કંપની 'અરામકો' સાથે પણ એક સંયુક્ત પ્રોજેક્ટની ઘોષણા કરી હતી.
રૉઇટર્સ પ્રમાણે મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેઇલ ભારતમાં રોકાણ કરવા માટે સિંગાપુર, અબુધાબી અને સાઉદી અરેબિયાના રોકાણકારો સાથે પણ વાતચીત કરી રહી છે. આ કંપનીઓ કથિતપણે 1.5 અબજ ડૉલરનું સંયુક્ત રોકાણ કરવા માટે તૈયાર છે.
રૉઇટર્સે એમ પણ લખ્યું છે કે સિંગાપુર જીઆઈસી, અબુધાબી ઇન્વેસ્ટમૅન્ટ ઑથોરિટી (એડીઆઈએ) અને સાઉદી અરબ પબ્લિક ઇન્વેસ્ટમૅન્ટ ફંડ (પીઆઈએફ) રિલાયન્સ રિટેઇલમાં ઓછામાં ઓછું 500 મિલિયન ડૉલરનું રોકાણ કરવા ઇચ્છે છે.
રિલાયન્સ અને માન્ચેસ્ટર સિટી વચ્ચે ઑન-ફીલ્ડ ભાગીદારી એક લાંબાગાળાનો સહયોગ છે જેનો ઉદ્દેશ્ય ભારતમાં જમીની સ્તરે ફૂટબોલના પ્રસારમાં વધારો કરવાનો છે.
સોફ્ટ પાવર અને ભારત
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સના સિનીયર ફેલો ડૉ. ફઝલ-ઉર-રહમાન કહે છે, “સોફ્ટ પાવર એ એવી શક્તિ છે કે જેમાં તમે અન્ય લોકોને પ્રેરિત અને પ્રભાવિત કરી શકો છો, તેમને અપીલ કરી શકો છો. તેમાં આર્થિક, સામાજિક કે રાજકીય દબાવ ન હોય તેવો પ્રભાવ ગણવામાં આવે છે.”
ભારતના વિદેશ મંત્રાલયે સાંસ્કૃતિક કૂટનીતિને દેશના સોફ્ટ પાવરના મહત્ત્વપૂર્ણ પરિબળ તરીકે ચિન્હિત કર્યું છે. આ વેબસાઇટ અનુસાર ભારતના સોફ્ટ પાવરનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ તો 21મી સદીમાં આ શબ્દ પ્રચલિત થાય એ પહેલા જ અનુભવાઈ રહ્યો હતો. ભારતીય કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાએ સદીઓથી દુનિયાભરના લોકોને આકર્ષિત કર્યા છે.
વૈશ્વિક ઘટનાક્રમો પર નજર રાખનાર ડૉ. ફઝલ કહે છે કે, “ભારત પાસે અનેક સોફ્ટ પાવર છે. ભારતના ઇતિહાસ અને ઐતિહાસિક નિરંતરતાને વિશ્વ હિતની દૃષ્ટિએ જ જોવામાં આવે છે. તેમાં સાંસ્કૃતિક વિવિધતા પણ છે. ભારત ફિલસૂફી અને વિભિન્ન ધર્મોનું કેન્દ્ર હોવાને કારણે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. હોળી, દિવાળી જેવા અનેક તહેવારો, વિભિન્ન રાજ્યોનાં નૃત્યો અને શૈલીઓ, અરબી, ફારસી, અંગ્રેજી જેવી ભાષાઓને અપનાવવું પણ ભારતના પક્ષે વિવિધતાદાયક છે.”
તેમના મંતવ્ય અનુસાર આજના સમયમાં બોલીવૂડ દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. તેનાં પ્રતીકો આંતરરાષ્ટ્રીય પ્રતીકો છે. મનોરંજન ઉદ્યોગ મુખ્ય સોફ્ટ પાવર છે. તેમાં બોલીવૂડ સિવાય અન્ય ક્ષેત્રોનાં સિનેમા, નૃત્ય અને સંગીત પણ સામેલ છે.
તેઓ કહે છે, “યોગને પણ વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા મળી છે અને તેનો અનેકતામાં એકતાનો સિદ્ધાંત પણ આકર્ષક રહ્યો છે.”
મુકેશ અંબાણીના પુત્રના લગ્નને લઈને તેમણે કહ્યું કે, “આ લગ્નમાં લોકોની ભાગીદારી નિશ્ચિતપણે મહત્ત્વપૂર્ણ છે. પહેલાં ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડ મોટાં લગ્નોનાં સ્થાન ગણાતાં હતાં હવે લોકો ભારતમાં જયપુર અને ભોપાલ જેવાં સ્થળોએ લગ્નોનું આયોજન કરે છે.”
પ્રતાપ ભાનુ મહેતા લખે છે, “નિસંદેહપણે અંબાણી આકર્ષક, પ્રતિભાશાળી અને વિચારશીલ છે અને ચોક્કસપણે ત્યાં હાજર રહેલા દરેક લોકોનો અંબાણી પરિવાર સાથે વાસ્તવિક લગાવ રહ્યો છે. પરંતુ આ સમારોહે એ સાબિત કર્યું છે કે કોઈ શક્તિશાળી વ્યક્તિ અન્ય શક્તિશાળી વ્યક્તિને નાચવા માટે સાર્વજનિક સમારોહમાં આમંત્રી શકે છે.”
તેઓ કહે છે, “આ એવું પણ દર્શાવે છે કે આપણે શક્તિનું આટલું મોટું સંકેન્દ્રણ સહન કરવા માટે ટેવાયેલાં છીએ. અંબાણી જેવાં વ્યક્તિત્ત્વો અતિશય શક્તિશાળી છે જે ગમે તેને મુશ્કેલીમાંથી ઉગારી શકે છે. તમે ભલે દેશના વિદેશ મંત્રી હોવ કે દુનિયાના સૌથી મોટા સ્ટાર હોવ, પણ અંબાણી બોલાવે તો તમારે તેના સમારોહમાં જવું જ પડે છે.”