You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વનતારા : અનંત અંબાણીનું ખાનગી પ્રાણી સંગ્રહાલય જેમાં રખાયા છે 200 હાથી અને 300 દીપડા
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
રિલાયન્સ સમૂહે ગુજરાતના જામનગરમાં ‘વનતારા’ નામની એક મોટી યોજનાની જાહેરાત કરી છે જેનો હેતુ વન્યપ્રાણીઓની દેખભાળ અને સંરક્ષણનો દર્શાવવામાં આવ્યો છે.
આ પરિયોજનાના પ્રમુખ અનંત અંબાણીની આ પહેલને રિલાયન્સ સમૂહના પ્રાઇવેટ પ્રાણીસંગ્રહાલય તરીકે જોવામાં આવી રહી છે.
ભારતની અદાલતોમાં આ પ્રોજેક્ટ સામે જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે.
તેમાંથી એક અરજીમાં અનંત અંબાણીના પ્રિ-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશમાં આવેલા મહેમાનોને વન્યપ્રાણીઓ દેખાડવા સામે પણ આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અન્ય અરજીમાં દેશના અલગ-અલગ ખૂણેથી પ્રાણીઓને જામનગર મોકલવા પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
રિલાયન્સના વનતારામાં શું થશે?
રિલાયન્સ સમૂહે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ જામનગરમાં ત્રણ હજાર એકર વિસ્તારમાં ફેલાયેલો છે જેમાં હાથીઓ માટે ખૂબ મોટી જગ્યા રાખવામાં આવી છે.
હાથીઓ માટે વિશેષરૂપે બનાવવામાં આવેલા કેન્દ્રમાં 200થી વધુ હાથીઓને રાખવામાં આવશે.
આ હાથીઓની દેખરેખમાં 500થી વધુ પ્રશિક્ષિત કર્મચારીઓને લગાવવામાં આવ્યા છે. તેમાં પ્રાણીઓના ડૉક્ટરોથી માંડીને બાયોલૉજિસ્ટ, પેથોલજિસ્ટ અને ન્યૂટ્રિશનિસ્ટ વગેરે સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે અન્ય પ્રાણીઓ માટે 650 એકરમાં બચાવ અને પુનર્વસન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
તેમાં ભારતની સાથેસાથે દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓની સારવાર અને પુનર્વસન માટે સગવડ ઊભી કરવામાં આવશે. આ કેન્દ્રમાં 2100થી વધુ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
રિલાયન્સ સમૂહે જણાવ્યું છે કે આ રેસ્ક્યૂ સેન્ટરમાં 300થી વધુ દીપડા, વાઘ અને સિંહ જેવાં પ્રાણીઓ છે.
આ સાથે જ 300થી વધુ હરણ અને 1200થી વધુ સરીસૃપ જીવો જેમકે મગરમચ્છ, સાપ અને કાચબા છે. કુલ 43 પ્રજાતિઓના પ્રાણીઓની સંખ્યા 2000થી વધુ સંખ્યા છે.
વનતારા શું ભારતનું પહેલું પ્રાઇવેટ પ્રાણીસંગ્રહાલય છે?
અહીં ‘રાધા કૃષ્ણ એનિમલ વેલફેયર ટ્રસ્ટ’ છે જેની જવાબદારી હાથીઓને બચાવવાની અને તેમની દેખરેખ રાખવાની છે.
પ્રાણીઓની દેખરેખ અને સારસંભાળ માટે ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ ઍન્ડ રિહેબિલિટેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે.
આ સેન્ટરને જ કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ તરફથી ‘મિની ઝૂ’ની માન્યતા આપવામાં આવી છે. તેનું સંચાલન 10 માર્ચ, 2021ના રોજ સ્થાપિત જિઝેડઆરઆરસી સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર રિલાયન્સ સમૂહના આ પ્રોજેક્ટને લઈને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.
કેટલાક લોકો તેને ભારતનું પહેલું પ્રાઇવેટ પ્રાણીસંગ્રહાલય ગણાવે છે અને તેના અસ્તિત્ત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
જોકે, પૂર્વ આઇએફએસ અધિકારી બ્રજરાજ શર્મા જણાવે છે કે ભારતમાં પ્રાઇવેટ ઝૂ કોઈ નવો વિચાર નથી.
તેઓ જણાવે છે, "ભારતમાં પ્રાઇવેટ ઝૂ પહેલાંથી જ ચાલ્યા આવે છે. ટાટા સમૂહ સાથે જોડાયેલું જમશેદપુર ઝૂ તેનું એક ઉદાહરણ છે. આ સાથે જ એવા ઘણા ડીયરપાર્ક છે જેની જાળવણી પ્રાઇવેટ ધોરણે કરવામાં આવે છે."
પરંતુ સવાલ એ ઊઠે છે કે ભારતમાં આ પ્રકારના પ્રાણીસંગ્રહાલય કેવી રીતે ખોલવામાં આવે છે.
ભારતમાં પ્રાણીસંગ્રહાલયોને માન્યતા આપનારી સંસ્થા કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણના મેમ્બર સેક્રેટરી રહેલા બ્રજરાજ શર્મા તેનો જવાબ આપે છે.
તેઓ કહે છે, "ભારતમાં કોઈપણ પ્રકારનું ઝૂ ખોલવા કે તેને ચલાવવા માટે કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ પાસેથી માન્યતા મેળવવી જરૂરી છે."
"આ માન્યતા મળ્યા પછી ઝૂને 2009માં પ્રાણીસંગ્રહાલયને માન્યતા માટેના બનાવાયેલા નવા નિયમોનું પાલન કરીને ચલાવવાનું હોય છે."
પ્રાણીઓની સુરક્ષાનું ધ્યાન કોણ રાખે છે?
પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓની દેખરેખ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી કોના પર આવે છે.
તેનો જવાબ આપતા બ્રજરાજ શર્મા જણાવે છે, "કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ નિયમિતરૂપે આ તમામ પ્રાણીસંગ્રહાલયોની મુલાકાત લઈને ધ્યાન રાખે છે."
"જો તેઓ આ સ્ટાન્ડર્ડ્સ પર ખરા ઊતરતા નથી તેમને સુધારો કરવાનું કહેવામાં આવે છે. કોઈ પણ પ્રાણીસંગ્રહાલયની માન્યતા સ્થાયી હોતી નથી એટલે કે તેમની માન્યતા રદ્દ પણ થઈ શકે છે."
પરંતુ એક અન્ય સવાલ એવો પણ ઊઠી રહ્યો છે કે જો પ્રાણીસંગ્રહાલયમાં હાથી કે વાઘ જેવા સંરક્ષિત પ્રાણીઓનું મૃત્યુ થાય છે તો આ પરિસ્થિતિમાં તપાસથી લઈને પ્રાણીના મૃતદેહને દફનાવવાની જવાબદારી કોની હશે.
હાથી અને વાઘનું મૃત્યુ થાય તો શું?
રિલાયન્સ સમૂહ તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં એક દાંતવાળો હાથી પણ જોવા મળે છે.
હાથીઓને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ અનુચ્છેદ-1માં વાઘ જેવું જ સંરક્ષણ આપવાનું નક્કી થયું છે.
જો કોઈ હાથી કે વાઘનું મૃત્યુ થાય છે તો એ પરિસ્થિતિમાં તેના દાંત અને નખનો નિયમ પ્રમાણે કેવી રીતે નિકાલ થશે?
આ સવાલ એટલા માટે ઊભો થાય છે કારણ કે ભારતીય વન વિભાગ માટે હાથીદાંત જેવી ચીજોનો વેપાર રોકવો એ મોટી પ્રાથમિકતા રહી છે.
બ્રજરાજ શર્મા કહે છે, "આના માટે એક નિશ્ચિત પ્રક્રિયા છે. જો કોઈ શેડ્યૂલ-1 પ્રાણી મૃત્યુ પામે છે, તો પ્રાણીસંગ્રહાલયે રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન અને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીને પૉસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે જાણ કરવાની હોય છે."
"હાથીઓના મામલામાં સામાન્ય રીતે દાંતને શરીરથી અલગ કરવામાં આવતા નથી. સમગ્ર શરીરને જ અગ્નિ આપવામાં આવે છે. જો કોઈ પ્રાણીને ચેપી રોગ હોય તો તેને પોસ્ટમોર્ટમ કર્યા વગર જ દફનાવી દેવામાં આવે છે."
એક સવાલ એવો પણ છે કે એક પ્રાઇવેટ પ્રાણીસંગ્રહાલયમાં કોઈ અનુચિત ગતિવિધિઓ થઈ રહી હોય તો એવી પરિસ્થિતિમાં વનવિભાગ શું કરી શકે.
તેના પર શર્મા કહે છે, "જો કંઈપણ આવું થાય છે તો વનવિભાગના ટોચના અધિકારીઓ જે-તે સંબંધિત પ્રાણીસંગ્રહાલય સામે તપાસથી લઈને કાર્યવાહી કરવા સુધીના પગલાં ભરી શકે છે."
શું છે મર્યાદાઓ?
આ પ્રકારની પહેલનું સમર્થન કરનારા લોકો પ્રમાણે આ એક સારો વિચાર છે.
તેઓ આફ્રિકાથી લઈને પશ્ચિમી દેશોનું ઉદાહરણ આપે છે કે જ્યાં પ્રાઇવેટ સ્તરે આ પ્રકારના મોટા પાર્ક ચલાવવામાં આવે છે.
જોકે, વનવિભાગ સાથે જોડાયેલા એક ટોચના અધિકારી નામ ન જણાવવાની શરતે બીબીસીને કહે છે, "એ વાત ખોટી નથી કે વનવિભાગ પાસે સંસાધનો અતિશય સીમિત છે. પ્રાઇવેટ સ્તરે બચાવ, સારવાર અને પુનર્વસન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય છે."
"આ પ્રક્રિયામાં જંગલોમાં રહેનારાં જીવોને પ્રાઇવેટ ઝૂમાં ન લાવવા જોઈએ. જો તેમને સારવાર માટે લાવવામાં આવે છે તો પછી સારવાર બાદ ફરીથી તેમને જંગલોમાં છોડી દેવામાં આવે."