અનંત અંબાણીના લગ્ન સમારોહમાં આ ક્રિકેટર અને પાકિસ્તાનની ચર્ચા કેમ?

જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને જાણીતા વ્યવસાયી વીરેન મર્ચન્ટનાં દીકરી રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં દુનિયાભરની તમામ મશહૂર હસ્તીઓ ભાગ લઈ રહી છે.

આ આલિશાન સમારોહમાં પાકિસ્તાન થઈને એક મહેમાન પહોંચ્યા છે, જેને લઈને પાકિસ્તાન અને ભારતના મીડિયામાં ચર્ચા થઈ રહી છે.

પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં કરાચી કિંગ્સ માટે રમી રહેલા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર કૅરોન પોલાર્ડ તેમનાં પત્ની સાથે લગ્નની ઉજવણીમાં સામેલ થવા માટે જામનગર પહોંચ્યા છે.

આ દરમિયાન તેમણે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર પોસ્ટ કરી છે જેમાં તેઓ અન્ય બોલીવૂડ કલાકારો અને અન્ય મહેમાનો સાથે નજર આવી રહ્યા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સૌથી સફળ મનાતી ટીમ મુંબઈ ઇન્ડિયન્સની માલિકી પણ અંબાણી પરિવાર પાસે છે.

પોલાર્ડ 2010થી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલા છે. ટીમને પાંચ ટાઇટલ અપાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમને અંબાણી પરિવારના નજીકની વ્યક્તિ માનવામાં આવે છે.

રવિવારની મૅચમાં શું થશે?

કરાચી કિંગ્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પોલાર્ડ સોમવારે રાવલપિંડીમાં ટીમ સાથે જોડાશે અને રવિવારે કરાચીમાં મુલતાન સુલતાન સામેની મૅચ માટે ટીમમાં નહીં હોય.

પ્રવક્તાનું કહેવું છે કે પોલાર્ડ ટુર્નામેન્ટની બાકીની ગ્રૂપ મૅચોનો ભાગ હશે પરંતુ જો કરાચી પ્લે-ઑફ મૅચો માટે ક્વૉલિફાય થશે તો પોલાર્ડ તે મૅચોમાં ભાગ લેશે નહીં.

પોલાર્ડ પીએસએલમાં અત્યાર સુધી બૅટ્સમૅન તરીકે સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ મુશ્કેલ સમયમાં કરાચી કિંગ્સને સપોર્ટ કરતા જોવા મળ્યા છે.

અનંત અંબાણીનાં લગ્નની ઉજવણીમાં પહોંચ્યા

પોલાર્ડે લગ્નની ઉજવણીની તસવીરો પોસ્ટ કરતા તેને ખુશીનો અવસર ગણાવ્યો હતો અને બીજા મહેમાનો સાથે થયેલી મુલાકાત અંગે પણ ખુશી વ્યક્ત કરી.

તેમણે બોલીવૂડના જાણીતા કલાકાર શાહરુખ ખાન સાથે પણ તસવીર ખેંચાવી હતી અને એક તસવીરમાં તેમની સાથે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર ડૅરેન બ્રાવો અને નિકોલસ પૂરણ પણ સાથે જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્નમાં દુનિયાભરના પ્રખ્યાત લોકોએ હાજરી આપી હતી. જામનગર ઍરપૉર્ટ પર લગ્ન પહેલાંની ઉજવણી માટે આટલી મોટી સંખ્યામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આવી રહી છે કે તેને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ ઍરપૉર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન પહેલી માર્ચથી જામનગરમાં શરૂ થયું છે. આ માટે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, પ્રખ્યાત સિંગર રિહાન્ના, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઈવાન્કા અને ઘણા દેશોના વડા પ્રધાનો અને બોલીવૂડના ઘણા પ્રખ્યાત કલાકારો પહોંચ્યા છે.

મૅચ છોડવાને કારણે નારાજ છે પાકિસ્તાનના દર્શકો?

પાકિસ્તાનમાં ક્રિકેટચાહકો પોલાર્ડના લગ્ન પહેલાંની ઉજવણીમાં ભાગ લેવાના અને આ માટે પીએસએલની મૅચો છોડી દેવાના નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

તેની તસવીરો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શૅર કરાઈ રહી છે અને ચાહકો તેમના પીએસએલ અધવચ્ચે છોડી દેવા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

એ જ રીતે, ભારતમાં ક્રિકેટચાહકો પોલાર્ડની પીએસએલ દરમિયાન ભારતની મુલાકાતમાં મુંબઈ ઇન્ડિયન્સ અને અંબાણી પરિવાર સાથેની નિકટતા વિશે વાત કરી રહ્યા છે. ઉપરાંત તેઓ પીએસએલના મહત્ત્વ વિશે પણ વાત કરી રહ્યા છે.

એક યૂઝર ફરીદ ખાને પોસ્ટ કરી હતી, "જો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) રમાઈ રહી હોત તો શું કોઈ ખેલાડી તેને અધવચ્ચે છોડીને લગ્નમાં હાજરી આપવા પાકિસ્તાન આવત?"

તેઓ સવાલ કરે છે, "તેમને ચાર દિવસની રજા આપવામાં આવી હતી અને આ દરમિયાન તેઓ જામનગર પહોંચ્યા છે. અનંત અંબાણીનાં લગ્નને એટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક સ્ટાર્સ ત્યાં પહોંચી રહ્યા છે. ખેલાડીઓ પીએસએલ છોડીને ત્યાં જઈ રહ્યા છે."

રિઝવાન નામના યૂઝરે લખ્યું કે, "પોલાર્ડ પીએસએલના મધ્યમાં લગ્નમાં હાજરી આપવા ભારત ચાલ્યો ગયો, પીએસએલનું કોઈ મહત્ત્વ નથી."

ફરહાન અંસારી નામના યૂઝરે પૂછ્યું કે શું આ રીતે ટુર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેવી યોગ્ય છે?

અન્ય ઘણા ભારતીય ચાહકો પણ આવી જ ટિપ્પણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે લગ્નના કારણે પોલાર્ડ રવિવારે કરાચી કિંગ્સની મૅચમાં રમી શકશે નહીં.

એશ નામના યૂઝરે લખ્યું, "પોલાર્ડ અંબાણીના પુત્રના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ભારત આવ્યા હતા, કોઈને પીએસએલની પરવા નથી."

વિપિન તિવારી નામના યૂઝરે લખ્યું, "કરાચી કિંગ્સના એકમાત્ર શ્રેષ્ઠ બૅટ્સમૅન મુકેશ અંબાણીના પુત્રનાં લગ્ન માટે ભારત આવ્યા છે. અંબાણીના પુત્રનાં લગ્ન પીએસએલ કરતાં પણ મોટાં છે."

મુકેશ અંબાણીના પુત્રનાં લગ્નમાં શું થશે?

એક પછી એક ચાર્ટર્ડ પ્લેનની ઉડાનો, જાણીતાં ગાયક રિહાન્નાનું પર્ફૉર્મન્સ, બોલીવૂડના કલાકારોનો જમાવડો અને ‘જંગલ’ ડ્રેસ કોડ – ભારતની સૌથી અમીર વ્યક્તિના પુત્રનાં લગ્ન પહેલાંની ઉજવણીમાં આ બધું સામેલ છે, જે અધિકૃત રીતે પહેલી માર્ચથી શરૂ થયાં છે.

આ લગ્નની ઉજવણી અંબાણી પરિવારના પૈતૃક ગામ જામનગરમાં થઈ રહી છે. પ્રિ-વેડિંગ કાર્યક્રમ ત્રણ દિવસનો છે જેમાં 50 હજારથી વધુ લોકો સામેલ થઈ રહ્યા છે.

અંબાણીનાં ત્રણ સંતાનોમાંથી એક 28 વર્ષીય અનંત અંબાણી અનેક રિલાયન્સ કંપનીઓના બોર્ડમાં ડાયરેક્ટર છે.

તેઓ રિલાયન્સના ન્યૂ ઍનર્જી લિમિટેડ, ન્યૂ સોલર ઍનર્જી લિમિટેડ્સ અને રિટેઇલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર છે. જ્યારે રાધિકા મર્ચન્ટ ડાયરેક્ટર તરીકે ઍનકોર હેલ્થરકેર બૉર્ડમાં છે.

2018માં અંબાણીનાં પુત્રી ઈશાનાં લગ્ન ભારતનાં સૌથી મોંઘાં લગ્ન હોવાનું કહેવાય છે. તેમાં અંદાજે 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું મનાય છે. મુંબઈમાં યોજાયેલાં આ લગ્નમાં અમેરિકન સિંગર બિયોન્સેએ પર્ફૉર્મ કર્યું હતું.