ઉર્દૂનો જોરદાર જશ્ન અને મંચ પરથી ગૂંજ્યા 'જય શ્રી રામ'ના નારા

જશ્ને રેખ્તાના મંચ પર નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહ

ઇમેજ સ્રોત, Jashn e Rekhta

ઇમેજ કૅપ્શન, જશ્ને રેખ્તાના મંચ પર નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહ
    • લેેખક, અંજુમ શર્મા
    • પદ, બીબીસી હિન્દી માટે

યૂં નહીં હૈ કિ ફકત મૈ હી ઉસે ચાહતા હૂં,

જો ભી ઉસ પેડ કી છાંવ મેં ગયા, બૈઠ ગયા

દિલ્હીમાં દર વર્ષે હિંદુસ્તાની અને ઉર્દૂ ભાષાની ઉજવણી માટે યોજાતા કાર્યક્રમ જશ્ને રેખ્તા 2022માં, જ્યારે પોતાના મનગમતા કલાકારો અને કવિઓને સાંભળવા આવેલા લોકોને બેસવાની જગ્યા ન મળી તો તેઓએ તહઝીબ હાફીનો આ શેર વાંચ્યો અને મંડપની બહાર લાગેલી એલઈડી સ્ક્રીનની સામે બેસી ગયા.

જેમની પાસે મફલર હતું તેમણે મફલર પાથરી દીધું, કેટલાકે શાલ અને કેટલાક એમ જ બેસી ગયા અને સ્થાન મેળવી લીધું.

મંડપની બહાર ગ્રાઉન્ડ પર એક નવા પ્રકારનો જશ્ન આકાર લઈ રહ્યો હતો. લોકો ઊભા રહેવા માટે પગ રાખવાની અને બેસવા માટે બે ફૂટની થોડી જગ્યા શોધી રહ્યા હતા, તેઓ દિવસભર હલવા નહોતા માગતા.

જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જનમેદની નજરે પડતી હતી અને પોતાની પસંદની અભિવ્યક્તિને લોકો તાળીઓ અને વાહ વાહથી વધાવતા હતા. આ બધું રેખ્તાના નામે થઈ રહ્યું હતું. રેખ્તા એટલે ઉર્દૂનું જૂનું અને જાણીતું નામ. મિશ્ર ભાષા. આ ભાષાના વાર્ષિક ઉત્સવ જશ્ને રેખ્તાનું આયોજન રેખ્તા ફાઉન્ડેશન દ્વારા 2015થી કરવામાં આવી રહ્યું છે.

ત્રણ દિવસ સુધી ચાલતા આ જશ્નમાં ઉર્દૂ ભાષા સાથે જોડાયેલા દરેક હુન્નરની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે તે 2 થી 4 ડિસેમ્બર દરમિયાનના આયોજનમાં ભીડ જોઈને લાગ્યું કે જશ્ને રેખ્તા કોઈ ઉત્સવ નથી, અનુષ્ઠાન છે જેમાં દરેક વ્યક્તિ પોતાની હાજરી નોંધાવવા માંગે છે. એક ઝલક:

ગ્રે લાઇન

કાશ ઐસા કોઈ મંજર હોતા

ગાલિબ

ઇમેજ સ્રોત, ANJUM SHARMA/BBC

રાત્રિના 9 વાગ્યા છે. ગાયક હરિહરન જમાવટ કરી રહ્યા હતા. ગાવાનું બંધ કર્યું. પૂછ્યું, "તમારામાંથી કેટલા લોકોને ગાતા આવડે છે." હજારોની ભીડમાંથી લગભગ અડધા હાથ ઊંચા થયા.

હરિહરને કહ્યું- "મારી પાછળ ગાઓ." સરગમ શરૂ કરી. મધુર ગળાઓએ દોહરાવી. હરિહરન ખરજ (નીચલી નોટ) સુધી ગયા. લોકોએ ઝીલવાનો પ્રયાસ કર્યો પણ ગળાએ સાથ ન આપ્યો તો લોકો ખખડીને હસી પડ્યા. જાણે બધાએ એકસૂરે કહ્યું કે, "જે જેનું કામ એને જ શોભે."

પરંતુ આ આખી બે મિનિટની સરગમ સફરમાં લોકો હરિહરન સાથે એવી રીતે જોડાયા કે હરિહરને તેમની વિનંતી પૂરી કરવી પડી. ઇન્સ્ટાગ્રામ પર તેમના અવાજમાં વાયરલ થયેલી ગઝલ 'કાશ ઐસા કોઈ મંઝર હોતા'નો માત્ર 'કાશ' જ ગળામાંથી નીકળ્યો ત્યાં તો લોકોના દિલમાંથી 'આહ' નિકળી ગઈ.

જતી વખતે એમણે ગાયું, તું હી રે.......! અને જે લોકો પોતપોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા તેઓ જાણે દોડીને પાછા આવવા લાગ્યા, તેરે બિના મૈં કૈસે જિઉ.

ગ્રે લાઇન

"હૈ રામ કે વજૂદ પે હિન્દોસ્તાં કો નાજ"

રામ

ઇમેજ સ્રોત, JASHN E REKHTA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જશ્ને રેખ્તા પોતાના અંદાજમાં રામમય બની ગયો. જય શ્રી રામના નારા લાગ્યા. એક વાર તો લાગ્યું કે જાણે કે કોઈ રાજકીય પક્ષની સભા છે.

દાસ્તાને ઇમામે હિન્દને સંભળાવી અને દેખાડવામાં આવી. દાસ્તાને રામ નવા અંદાજમાં જોવા મળી. ઉર્દૂ રૂપાંતરણ. કમાલનું પ્રોડક્શન. બસ! ખલેલ પહોંચી રહી હતી તો એ વાતની કે પહેલાંથી રેકૉર્ડેડ અવાજો હતા. દાનિશ ઈકબાલના હોઠ પોતાના જ રેકૉર્ડ કરેલા અવાજને પકડવાની કોશિશ કરી રહ્યા હતા.

રામ અને રાવણ પણ પહેલાં લિપ સિંક કરતા અને પછી એકબીજાને પડકાર ફેંકતા હતા. પરંતુ એક ઉમદા કલાકારની જેમ તેમણે દૂર બેઠેલા લોકોને એવો અહેસાસ કરાવ્યો કે બધું લાઇવ થઈ રહ્યું છે.

રાવણનો વધ થયો, અયોધ્યામાં દીવા પ્રગટ્યા, નૃત્ય થયું અને પહેલી-બીજી હરોળમાં બેઠેલા મહેમાનોને એમ કહીને મીઠાઈ વહેંચી કે આજે દિવાળી છે.

કલાકારોનો પરિચય કરાવાયો ત્યારે ખબર પડી કે રામની કથાને એક મુસ્લિમ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. લોકોએ દિલ ખોલીને તાળીઓ પાડી. એ જોઈને ઠંડક થઈ કે લોકો એવા નથી, જેવા આપણને બતાવવામાં અને દેખાડવામાં આવે છે.

આપણે આપણી આંખે જોવું જોઈએ. રામ, રાવણ, હનુમાનની ભૂમિકા ભજવનારાઓ માટે સૌથી વધુ તાળીઓ ગૂંજી. અને ત્યારે જ ભીડમાંથી અવાજ સંભળાયો... જય શ્રી રામ. નારો ઘણી વખત દોહરાવાયો.

કદાચ જતી વખતે હનુમાનનું પાત્ર ભજવનાર વ્યક્તિને લાગ્યું કે તે ક્યાંક પાછળ ન રહી જાય, તેણે સ્ટેજ પરથી જય શ્રી રામ કહ્યું અને આ રીતે રેખ્તાનું સ્ટેજ અને હૉલ રામમય થઈ ગયું.

બીબીસી ગુજરાતી

પૂછતે હૈં વો કિ 'ગાલિબ' કૌન હૈ?

ગીતકાર અને શાયર જાવેદ અખ્તર

ઇમેજ સ્રોત, JASHN E REKHTA

ઇમેજ કૅપ્શન, ગીતકાર અને શાયર જાવેદ અખ્તર

ગાલિબ પર શાયર જાવેદ અખ્તર અને બ્રૉડકાસ્ટર પરવેઝ આલમ વચ્ચેની વાતચીતમાં સૌથી નવી વાત એ હતી કે તે કયા શેર છે જેને લોકો ગાલિબના નામે ગમે ત્યાં ચિપકાવી દે છે.

લોકોને નવાઈ જરૂર લાગી કે અત્યાર સુધી તેઓ જેને ગાલિબનો શેર માનતા હતા તે તો માત્ર તેમના નામે જ ચલાવવામાં આવી રહ્યો હતો.

પરવેઝ આલમે આવા જ એક શેરનો મિસરો વાંચ્યો અને જાવેદ અખ્તરને પૂછ્યું કે તેનો આગળનો ભાગ શું છે, જાવેદ સાહેબ!

જાવેદ અખ્તરે પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, “મૈ ગલત શેર યાદ નહીં રખતા (હું ખોટો શેર યાદ નથી રાખતો).”

બીબીસી ગુજરાતી

"ઉનકી સરકાર રહે, અપના કિરદાર રહે"

કવિ કુમાર વિશ્વાસ

ઇમેજ સ્રોત, JASHN E REKHTA

ઇમેજ કૅપ્શન, કવિ કુમાર વિશ્વાસ

કુમાર વિશ્વાસ કેટલા લોકપ્રિય છે તેનો ખ્યાલ આ ઈવેન્ટમાં જોવા મળ્યો.

કુમાર વિશ્વાસે પણ મંચ પરથી કહ્યું હતું કે, "હું લોકપ્રિય છું પણ કવિ કેવો છું એનો નિર્ણય બસો વર્ષ પછી થશે."

દરેક મંચની જેમ અહીં પણ તેણે પદ્મશ્રી ન મળવાની મજાક ઉડાવી હતી. બીજાને વારંવાર આત્મમુગ્ધ ગણાવતા રહ્યા. કુમાર વિશ્વાસ છેલ્લે-છેલ્લે ગીત સંભળાવવા લાગ્યા તો તેમની અંદરનો કવિનો વૈભવ દેખાવા લાગ્યો.

તેમના મુક્તક અને ગીતો સાંકેતિક હોવાના કારણે એટલા ચોટડૂક હતા કે તેમણે ગાયું, 'પદ્મ વિભૂષિત હુએ જા રહે કોરસ મેં ગાને વાલે', ખોટું નથી બોલતો, લગભગ પિસ્તાલીસ સેકન્ડ સુધી સતત તાળીઓનો ગડગડાટ ચાલુ રહ્યો, લોકો તેમની ખુરશીઓ પરથી ઊભા થઈ ગયા અને પ્રશંસાના અવાજ ગૂંજવા લાગ્યા.

બીબીસી ગુજરાતી

"આજ જાને કી જીદ ન કરો"

પ્રતિભા

ઇમેજ સ્રોત, TWITTER/IKUMAR7

પ્રતિભાસિંહ બઘેલ નવી પેઢીના ખૂબ જ મંજાયેલાં અને સુરીલાં ગાયિકા છે. તેમણે ઘણી સારી ગઝલો સંભળાવી પરંતુ તે શ્રોતાઓના મૂડને સમજી શક્યાં નહીં.

જો કે તેમણે 'આજ જાને કી જીદ ના કરો' ગાયું હતું, પરંતુ લોકોને કંઈક બીજું જોઈતું હતું.

લોકો ગાલિબ, ગાલિબની માગ કરી રહ્યા હતા પરંતુ પ્રતિભાના પોટલામાં ગાલિબ નહોતા, એટલે તેમણે આવતા વર્ષનું વચન આપીને મુલતવી રાખ્યું.

બીબીસી ગુજરાતી

દિલ ધડકને કા સબબ યાદ આયા

અભિનેતા નસીરુદ્દીન શાહને જોવા-સાંભળવા આવેલા લોકોનું હૈયે હૈયું દળાતું હતું. બરાબર પાંચના ટકોરે નસીરુદ્દીન શાહ માટી કલરનો લાંબો કોટ પહેરીને મંચ પર આવે છે, ત્રણ દિશામાં ત્રણ વાર ઝૂકીને સલામ કરે છે.

અત્યાર સુધી શાંત ઊભેલા લોકોના અવાજોનું જાણે એક મોજું આવે છે અને નસીરના દિલ સુધી પહોંચે છે. નસીર આભાર માને છે. રત્ના પાઠક શાહ પણ થોડીક સેકન્ડો પછી આવ્યાં, તેમના આગમન પર ગર્જના ઓછી હતી, પણ હતી તો ખરી.

નસીરુદ્દીન શાહે વાતની શરૂઆત કરી પરંતુ વચ્ચે-વચ્ચે ઊઠતા અવાજને કારણે તેમણે ત્રણ વાર રોકાવું પડ્યું. તેમણે ગુસ્સામાં કહ્યું કે "તમે થોડું કો-ઑપરેટ કરો."

પછી નસીરે કહ્યું કે ગાલિબ સાથે તેની પ્રથમ મુલાકાત ત્યારે થઈ તેઓ તેમની પ્રેમિકાને પત્ર લખી રહ્યા હતા. રત્ના પાઠક એકટક જોતાં સાંભળી રહ્યાં હતાં.

પછી રત્ના પાઠકે કહ્યું કે તેઓ તેમનાં માતાને કારણે ઉર્દૂ શીખી શક્યાં અને તેમનાં માતા ભારતીય જનનાટ્ય મંચ (ઈપ્ટા) સાથે જોડાયેલાં હતાં. જોકે, કાળજીપૂર્વક તેમણે ઉર્દૂ પર નજર ફેરવવાનું ત્યારે શરૂ કર્યું, જ્યારે નસરુદ્દીન શાહે ઈસ્મત ચુગતાઈની વાર્તાઓ પર નાટકો ભજવવાનું શરૂ કર્યું.

નસીરુદ્દીન શાહ ખુરશીના બંને હાથા પર હાથ રાખીને બેઠા હતા. કોઈએ કહ્યું કે તે દૂરથી ગાલિબ જેવા દેખાય છે. તેના પર તેમનું કહેવુ હતું કે લોકો કહે છે કે તેમનો ચહેરો ગાલિબને મળતો આવે છે પણ એવું છે નહીં.

એક રસપ્રદ ઘટનાનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે ગુલઝાર ગાલિબ પર ફિલ્મ બનાવી રહ્યા હતા અને તે ગાલિબની ભૂમિકા સંજીવ કુમારને આપવા માગતા હતા.

જ્યારે નસીરુદ્દીન શાહને આ વાતની જાણ થઈ તો તેમણે ગુલઝારને પત્ર લખીને કહ્યું કે "તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. હું આ રોલ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છું."

જોકે તે સમયે તો કંઈ ન થયું પરંતુ 12 વર્ષ પછી નસીરુદ્દીન શાહને ગાલિબ માટે ગુલઝારનો ફોન આવ્યો અને તે પછીની વાત તો ઇતિહાસ છે.

નસીરુદ્દીન શાહનું કહેવું હતું કે ઉર્દૂ સાથે ઊંડો સંબંધ ગાલિબ સિરિયલના કારણે જ કેળવાયો, નહીંતર તેઓ અંગ્રેજી કવિઓને જ સર્વસ્વ માનતા હતા.

તેમણે સ્વીકાર્યું કે જો તેઓ આજે એ ભૂમિકા કરે તો તે વધુ સારી કરી શકે તેમ છે કારણ કે આજે તેઓ ઉર્દૂ કવિતા અને ગાલિબને વધુ સારી રીતે સમજે છે. જોકે એ વાત અલગ છે કે જ્યારે તેઓ ગાલિબનો શેર સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે 'દિલે નાદાં તુઝે હુઆ ક્યા હૈ' ને 'દિલે બેતાબ તુઝે હુઆ ક્યા હૈ' વાંચ્યું હતું.

આ પછી તેમણે ફૈઝની સુબહે આઝાદી વાંચી. નસીર વચ્ચે-વચ્ચે જરૂરી ટિપ્પણીઓ કરી રહ્યા હતા. જેમ કે, આપણે કોમની મજાક ઉડાવવામાંથી ઊંચા નથી આવતા. કૃષિકાયદામાં ખેડૂતોની કસોટી તરફ ઇશારો કરતા તેમણે ફૈઝની કવિતા 'ઈંતિસાબ' વાંચી.

બીબીસી ગુજરાતી

હદ સે ગુજરા જબ ઇંતિજાર તેરા

ગાયિકા ઋચા શર્મા

ઇમેજ સ્રોત, JASHN E REKHTA

ઇમેજ કૅપ્શન, ગાયિકા ઋચા શર્મા

જશ્ને રેખ્તાએ સૂફી સંગીત સાથે તેના છેડા સુધી પહોંચવાનું હતું. ગાયિકા ઋચા શર્માની રાહમાં લોકો કલાકો પહેલાં આવીને બેઠા હતા.

પરંતુ આ દરમિયાન રેખ્તાના સંસ્થાપક સંજીવ સરાફ આભાર પ્રગટ કરવા સ્ટેજ પર આવ્યા. તેમણે પહેલું વાક્ય કહ્યું - દેખીતી રીતે, તમે મને સાંભળવા નથી આવ્યા. શ્રોતા ખૂબ કઠોર હતા.

તેમણે કહ્યું, બિલકુલ નહીં. સંજીવ સરાફે ઝડપથી આભાર માન્યો અને પોતાની બેઠક લીધી. લાગ્યું કે હવે ઋચા આવશે. પરંતુ તેમની ટીમમાંથી પહેલાં એક ગાયક આવ્યો જેણે શિવકુમાર બટાલવીનું 'ઈક કુડી જીદ્દા નામ' ગાયું.

વાતાવરણ જામ્યું પછી ઋચા શર્મા આવ્યા, પરંતુ તેણે જે રીતે ગીતો ગાવાનું શરૂ કર્યું તે રેખ્તાને અનુકૂળ ન હતું.

જો કે લોકો પોતાની જગ્યાએ ઊભા રહીને ડાન્સ કરવા લાગ્યા. લોકોને રોકવામાં આવ્યા હતા પરંતુ તેઓ ઋચા શર્માના અવાજ, રિયાઝ, અનુભવ અને બૅન્ડની બીટ્સ પર રોક્યા રોકાતા નહોતા.

બીબીસી ગુજરાતી

જહાં તક પાંવ મેરે જા સકે હૈ

રેખ્તા

ઇમેજ સ્રોત, ANJUM SHARMA/BBC

બસ આ બધું હતું જ્યાં હું જઈ શક્યો. 'મહેફિલે ખાના', 'બઝમે ખ્યાલ', 'દયારે ઇઝહાર' અને 'સુખન ઝાર'માં એક સાથે ચાર સત્રોમાં એટલી ભીડ હતી જેટલી એવાને ઝાયકામાં કે બુક સ્ટૉલ પર કે મેળામાં હોય. સેલ્ફી પૉઇન્ટ ક્યારેય ખાલી દેખાતો નહોતો.

નવી મંડળી ક્યાંક પોતાની અલગ શાયરીની મહેફિલ સજાવીને બેઠી હતી તો ક્યાંક સંગીતની. ઇન્સ્ટા રીલ્સવાળા ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા.

અહીં તેમના માટે એટલા રંગો હતા કે તે દરેક રંગને કેદ કરી લેવા માગતા હતા. પુસ્તકોની દુકાનો પર લોકો હતા, પણ હોવા જોઈએ એટલા ન હતા.

રેડ લાઇન
રેડ લાઇન