You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'શાંતિ': ભારતના પરમાણુ ઊર્જા અંગેના પ્રસ્તાવિત કાયદા પર આટલી 'બબાલ' કેમ?
- લેેખક, સુરભી કૉલ
- પદ, બીબીસી મૉનિટરિંગ
ભારતની સંસદનાં બંને ગૃહોએ તા. 17 અને તા. 18 ડિસેમ્બરના એક ખરડાને મંજૂરી આપી છે.જેનો હેતુ દેશના નાગરિક પરમાણુ ક્ષેત્રને ભારે નિયંત્રણ સાથે પ્રાઇવેટ સેક્ટર માટે ખોલવાનો છે.
સસ્ટેનેબલ હાર્નેસિંક ઍન્ડ ઍડ્વાન્સમેન્ટ ઑફ ન્યૂક્લિયર ઍનર્જી ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (SHANTI) ખરડો તા. 17 ડિસેમ્બરના લોકસભામાં પસાર થયો, ત્યારે વિપક્ષે વૉકઆઉટ કર્યું હતું.
એ પછી તા.18 ડિસેમ્બરે રાજ્યસભાએ તેને પાસ કરી દીધું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી આ ખરડો કાયદો બની જશે.
સરકારનું કહેવું છે કે આ નવો કાયદો ભારતને વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવૉટ પરમાણુ ઊર્જા ઉત્પાદિત કરવાનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.
હાલમાં ભારતના કુલ વીજળી ઉત્પાદનમાં પરમાણુ ઊર્જાનો હિસ્સો માત્ર 3 ટકા છે.
ખરડામાં શું છે?
ભારતના પરમાણુ ઊર્જા રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું, "નવો કાયદો હાલના પરમાણુ ઊર્જા અધિનિયમ, 1962 તથા પરમાણુ દુર્ઘટના થાય, તો તેવા સંજોગોમાં નાગરિક જવાબદારી અધિનિયમ, 2010ને (CLNDA) હઠાવીને તેના સ્થાને એકીકૃત, વ્યાપક કાયદો બનશે. જે ભારતની વર્તમાન અને ભાવિ ઊર્જા જરૂરિયાતોને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો છે."
સિંહે આ ખરડાને 'માઇલસ્ટોન' ગણાવ્યો, જે દેશની વિકાસયાત્રાને નવી દિશા આપશે.
ડૉ. જીતેન્દ્રસિંહે કહ્યું, "ભૂ-રાજકારણમાં ભારતની ભૂમિકા વિસ્તરી રહી છે. જો આપણે વૈશ્વિક ખેલાડી બનવું હોય, તો આપણે વૈશ્વિક માપદંડો અને રણનીતિઓનું પાલન કરવું રહ્યું. વિશ્વ સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધી રહ્યું છે. આપણે પણ વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવૉટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક મૂક્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા કાયદા હેઠળ અમુક પ્રકારની પરમાણુ પ્રવૃત્તિઓમાં 49 ટકા સુધી સીધા વિદેશી મૂડીરોકાણને (એફડીઆઈ) મંજૂરી આપવામાં આવશે.
તા. 18 ડિસેમ્બરે અગ્રણી અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ તેના સંપાદકીય લેખમાં ટિપ્પણી કરી હતી કે, વિવાદાસ્પદ રીતે તેમાંથી CLNDAની એ જોગવાઈને હઠાવી દીધી, જેમાં દુર્ઘટનાને માટે સપ્લાયરને જવાબદાર ઠેરવવામાં આવતા હતા, વિદેશી કંપનીઓ માટે તે બહુ મોટો અવરોધ હતો.
તા. 18 ડિસેમ્બરના અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સની વેબસાઇટ ઉપર છપાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ સિવાય સરકારે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા 'પ્રતિબંધિત' જાહેર કરવામાં આવેલી કોઈ પણ માહિતી દેશના માહિતી અધિકારના કાયદા (રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ) હેઠળ આપવામાં નહીં આવે.
વિપક્ષ દ્વારા વિરોધ કેમ?
ભારતના મુખ્ય વિરોધપક્ષ કૉંગ્રેસે સંસદમાં આ ખરડો પસાર થવાનો ભારે વિરોધ કર્યો છે અને પરમાણુ જવાબદારી સંબંધે જે જોખમ રહેલા છે, તેની વાત કહી છે.
કૉંગ્રેસના અનેક નેતાઓએ CLNDAની કલમ હઠાવવા, પરમાણુ ઊર્જાક્ષેત્રે ખાનગી મૂડીરોકાણને મંજૂરી આપવા તથા કૉર્પોરેટ જવાબદારી હળવી કરવા વિશે વાંધો વ્યક્ત કર્યો છે.
કૉંગ્રેસના સંસદસભ્ય શશિ થરૂરે તા. 17 ડિસેમ્બરના કહ્યું, "ખરડામાંથી અગાઉની એ વ્યવસ્થા હઠાવી દેવાઈ છે, જેના હેઠળ ઑપરેટરની પાસે ઉપકરણ સપ્લાય કરનાર પાસેથી વળતર વસૂલવાનો અધિકાર હતો. આનો અર્થ એ થયો કે ચાહે કોઈ દુર્ઘટના થાય – ચાહે ખરાબ ડિઝાઇન, હલ્કી ગુણવત્તાવાળા પાર્ટ્સ કે બેજવાબદારીપૂર્ણ નિર્માણકાર્ય – તો પણ સપ્લાયર બચી જશે અને સંપૂર્ણ ખર્ચો ભારતના કરદાતાઓએ વેઠવો પડશે."
અંગ્રેજી અખબાર ધ હિંદુના તા. 18 ડિસેમ્બરના એક અહેવાલ અનુસાર, કૉંગ્રેસના સંસદસભ્ય મનીષ તિવારીએ સવાલ ઉઠાવ્યો હતો કે અદાણી સમૂહે પરમાણુક્ષેત્રમાં રસ દાખવ્યો, ત્યારે જ આ ખરડો આવ્યો, તે સંયોગમાત્ર છે?
તિવારીએ કહ્યું, "હવે હું જોઈ રહ્યો છું કે સપ્લાયરનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી...ભગવાન ન કરે, પરંતુ જો કોઈ દુર્ઘટના ન થાય....તો શું વિદેશી સપ્લાયરને જવાબદાર ન ઠેરવવો જોઈએ."
કૉંગ્રેસ પાર્ટી દ્વારા આરોપ મૂકવામાં આવે છે કે મોદી સરકાર દ્વારા અદાણી જૂથને અયોગ્ય લાભ મળે છે.
મીડિયા શું કહે છે?
મેઇન સ્ટ્રીમ મીડિયાએ ટૂંક સમયમાં કાયદો બનનારા બિલ અંગે વિપક્ષની ટીકાને અગ્રતા સાથે કવર કરી છે તથા આ બિલના લાભાલાભ વિશે ચર્ચા કરી છે.
કેટલાક રિપોર્ટોમાં શશિ થરૂરે કરેલી આકરી ટીકાનો ઉલ્લેખ થયો છે, જેમાં તેમણે કહ્યું હતું કે આ પગલું સમગ્ર પરમાણુ ઊર્જા ક્ષેત્ર કોઈપણ જાતના નિયંત્રણ વગર ખોલી દેવા જેવું છે.
તા. 17 ડિસેમ્બરના હિંદી અખબાર દૈનિક જાગરણે તેના રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરી છે કે SHANTI ખરડો "પરમાણુ દુર્ઘટના થાય તો સપ્લાયરની જવાબદારીને મર્યાદિત કરી દેશે અને પરમાણુ ઊર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની મંજૂરી આપી દેશે."
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ખરડાને કારણે અમેરિકાના પરમાણુ રિઍક્ટરો તથા તેના સાથે સંલગ્ન યોજના માટે આયાતનો માર્ગ ખુલ્લી શકે છે.
જોકે, ધ ઇન્ડિયન એક્સપ્રેસએ તા. 18 ડિસેમ્બરના તંત્રીલેખમાં લખ્યું છે કે વર્ષ 2011માં ફુકુશિમા દુર્ઘટના બાદ ગત એક દાયકામાં પરમાણુ રિઍક્ટરોની સુરક્ષામાં ખાસ્સા સુધારા કરવામાં આવ્યા છે.
અખબાર એમ પણ લખે છે કે આને કારણે પરમાણુ વૅલ્યૂ ચેઇન ખોલવા જેવી બાબતોમાં ભારતની વાતનું વજન વધશે.
વેબસાઇટ ધ પ્રિન્ટ એક વીડિયો રિપોર્ટમાં ધ્યાન દોરે છે કે ભારતની ઊર્જાની માગ વધી રહી છે, પરંતુ પરમાણુક્ષમતાનો ઉપયોગ ધીમી ગતિએ થઈ રહ્યો છે. અહેવાલ અનુસાર, SHANTI વિધેયક અલગ-અલગ શ્રેણીઓમાં પરમાણુ એકમોની જવાબદારીઓની મર્યાદા નક્કી કરે છે.
ભારતના પરમાણુક્ષેત્રનું શું થશે ?
સામાન્ય રીતે મોદી સરકારની ટીકા કરનારવી વેબસાઇટ ધ વાયરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ સરકાર સાથે વેપાર સંબંધિત વાટાઘાટો ચાલી રહી છે, એવા સમયે આ કાયદો રજૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં આલોચનાત્મક અભિગમ જાળવી રાખતા કહેવામાં આવ્યું છે કે નવો કાયદો "અમેરિકાની કંપનીઓને અબજો ડૉલરના રિઍક્ટર વેચવામાં મદદ મળશે" અને ખરાબ ઉપકરણોને કારણે થનારી દુર્ઘટનાઓ માટે તેમને "પૂરેપૂરી મુક્તિ" આપશે.
ખાનગી કંપનીઓને પરમાણુ વીજઉત્પાદન મથક કે રિઍક્ટર બનાવવા, તેનો માલિકી હક્ક જાળવી રાખવા, તેને ચલાવવા કે બંધ કરવાનો હક્ક મળશે. તેમણે પરમાણુ ઇંધણ બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવશે. જેમાં યુરનિયમ-235ના રૂપાંતરણ, શોધ તથા મર્યાદિત સમયમર્યાદામાં સંવર્ધન પણ સામેલ છે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા જે પદાર્થોને અધિસૂચિત કરવામાં આવ્યા હોય, તેના ઉત્પાદન, ઉપયોગ, પ્રોસેસિંગ તથા નિકાલ માટે મંજૂરી મળશે.
ધ હિંદુના તા. 15 ડિસેમ્બરના અહેવાલ અનુસાર, SHANTI કાયદો દ્વારા નવા પરમાણુ ઊર્જા નિયામક માટે માળખું તૈયાર થશે, જે સંસદ પ્રત્યે જવાબદાર હશે અને ભારતના ન્યુક્લિયર પાવર કૉર્પોરેશનના પરમાણુ રિઍક્ટર સંચાલનમાં એકાધિકારને સમાપ્ત કરશે.
અખબારે ભારતના પરમાણુ કાયદા વિશેષજ્ઞ પ્રો. એમપી રામ મોહન સાથે વાત કરી, જેમણે કહ્યું કે આ કાયદો "આ કાયદો એવો સુધાર છે કે જેની ખૂબ જ લાંબા સમયથી વાટ જોવાઈ રહી હતી."
પ્રો. મોહને એમ પણ કહ્યું કે SHANTI વિધેયક પેટન્ટના કાયદામાં ફેરફાર કરીને મોટાપાયે પરમાણુ તકનીકમાં સંશોધનને પ્રોત્સાહન આપી શકે છે. વૈશ્વિક જવાબદારી સંધિઓને અનુરૂપ છે અને ખાનગીક્ષેત્રની ભાગીદારી સાથે પરમાણુ ઊર્જા પરિયોજનાઓના વિસ્તારનો ધ્યેય રાખે છે.
પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી
ભારતની સંસદના બંને ગૃહોમાં 'શાંતિ' વિધેયક પસાર થવા અંગે પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું, "ભારતમાં પરમાણુસુરક્ષા સંબંધિત ચિંતાજનક ઘટનાઓના ઇતિહાસને જોતા અમે આ ઘટનાક્રમ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ."
ગુરુવારની સાપ્તાહિક પ્રેસ બ્રિફિંગ દરમિયાન તેમણે કહ્યું, "1990ના દાયકાથી અત્યારસુધીમાં રેડિયોઍક્ટિવ સામગ્રીની ચોરી તથા ગેરકાયદેસર વેચાણની અનેક ઘટનાઓ બહાર આવી છે."
જોકે આ ઘટનાઓ ક્યાં બની હતી, તેના વિશે અંદ્રાબીએ કોઈ ફોડ નહોતો પાડ્યો.
અંદ્રાબીએ કહ્યું કે સંવેદનશીલ પરમાણુ સામગ્રી તથા તેના સંબંધિત માહિતીના વ્યવસ્થાપનમાં ખાનગીક્ષેત્રની ભાગીદારી ચિંતાનો વિષય બની શકે છે.
અંદ્રાબીએ કહ્યું, "ખાનગી લોકો સુધી સંવેદનશીલ પરમાણુ સામગ્ર ન પહોંચે, તેના માટે વૈશ્વિકસ્તરે પ્રયાસ થઈ રહ્યા છે અને આને કારણે તેની સામે પડકાર ઊભો થઈ શકે છે."
અંદ્રાબીએ કહ્યું કે આવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટે જરૂરી સુરક્ષા ઉપાયગ કરવામાં આવશે એવી આશા રાખીએ છીએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન