You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શુભમન ગિલને ટી-20 વર્લ્ડકપમાં સ્થાન કેમ ન મળ્યું, અજિત અગરકરે શું કારણ આપ્યું?
ટી-20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમ જાહેર કરી દેવાઈ છે. તેમાં સૌથી આશ્ચર્યજનક નિર્ણય શુભમન ગિલ અંગેનો રહ્યો. તેમને ટીમમાં સ્થાન નથી મળ્યું.
ટીમમાં ઈશાન કિશન અને રિંકુસિંહને જગ્યા અપાઈ છે. સાથે જ ઉપકપ્તાન અક્ષર પટેલને બનાવાયા છે.
બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ટીમમાં સામેલ ખેલાડીની યાદી શૅર કરી છે.
આ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ છે. અક્ષર પટેલને ઉપકપ્તાન બનાવાયા છે.
સંજુ સૅમસન વિકેટકીપર બૅટ્સમૅન તરીકે રમશે.
ટીમ આ પ્રકારે છે - સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (ઉપકપ્તાન), રિંકુસિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપસિંહ, વરુણ ચક્રવર્તી, વૉશિંગ્ટન સુંદર અને ઈશાન કિશન (વિકેટકીપર).
ગિલને બહાર કરવાના નિર્ણય અંગે ચીફ સિલેક્ટર અગરકરે શું કહ્યું?
ચીફ સિલેક્ટર અજિત અગરકરે શુભમન ગિલ અંગેના નિર્ણય સાથે સંકળાયેલા સવાલોના જવાબ આપ્યા.
તેમણે કહ્યું, "અમને ખ્યાલ છે કે શુભમન ગિલ ક્વૉલિટી પ્લેયર છે, પરંતુ કદાચ હાલ તેમના રન થોડા ઓછા છે. ગત વર્લ્ડકપમાં તેમનું ન રમવું એ પણ દુર્ભાગ્યપૂર્ણ વાત હતી, કારણ કે અમે એક અલગ કૉમ્બિનેશન સાથે રમ્યા. ખરેખર તો કોઈ પણ બાબતની સરખામણીએ કૉમ્બિનેશન વધુ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે તમે 15 લોકોની ટીમ પસંદ કરો છો, તો દુર્ભાગ્યે કોઈને તો બહાર રહેવું જ પડે છે. દુર્ભાગ્યે આ વખતે એ ખેલાડી ગિલ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યું, "ગિલને ટીમમાં ન સામેલ કરવાના નિર્ણયનો તેમના ફૉર્મમાં ન હોવાની વાત સાથે કોઈ લેવાદેવા નથી. ખરેખર તો અમે ટૉપ ઑર્ડરમાં કોઈ વિકેટકીપરને સામેલ કરવા માગતા હતા."
ઉપકપ્તાનપદ ગુમાવ્યું અને ટીમમાં પણ સ્થાન ન મળ્યું
આ ટીમ જાન્યુઆરીમાં ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ રમાનાર પાંચ મૅચોની ટી20 સિરીઝમાં પણ રમશે.
અજિત અગરકરની આગેવાનીમાં બીસીસીઆઇની સિલેક્શન ટીમનો સૌથી આશ્ચર્યજનક નિર્ણય શુભમન ગિલ અંગેનો રહ્યો. તેમણે ન માત્ર ઉપકપ્તાનપદેથી હઠાવાયા, બલકે તેમને ટીમમાં જગ્યા સુધ્ધાં ન મળી. ઈશાન કિશના કારણે વિકેટકીપ બૅટર જિતેશ શર્માને જગ્યા ન મળી શકી. સંજુ સેમસનને પ્રમુખ વિકેટકીપ બૅટરની માફક સામેલ કરાયા છે.
ઈશાન કિશને છેલ્લે ટી-20 મૅચ બે વર્ષ પહેલાં રમી હતી.
સિલેક્શન ટીમે રિંકુસિંહ અને સંજુ સેમસન બંનેને ટીમમાં સમાવ્યા છે.
ટીમ સિલેક્શન અંગે દિગ્ગજ ક્રિકેટર શું બોલ્યા?
પૂર્વ ઝડપી બૉલર વેંકટેશ પ્રસાદે ટીમ સિલેક્શન અંગે પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ટીમ ખૂબ સારી દેખાઈ રહી છે. ઈશાન કિશન અને અક્ષર પટેલને ટીમમાં જોઈને ખુશી થઈ રહી છે. અક્ષર પટેલે 2024 વર્લ્ડકપ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમને અભિનંદન."
ઇરફાન પઠાણે ટીમ સિલેક્શન અંગે લખ્યું, "જિતેશ શર્મા વિચારી રહ્યા હશે કે તેમણે શું ભૂલ કરી કે તેમને ટીમમાં સ્થાન ન મળ્યું. વર્લ્ડકપ જીત માટે સૂર્યકુમાર યાદવે ફૉર્મમાં રહેવું પડશે. આશા રાખું છું કે ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ રન બનાવશે જેથી વર્લ્ડકપ સુધી તેઓ હજુ વધુ રન બનાવી શકે."
જાણીતા કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટીમ સિલેક્શન વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "સિલેક્ટ કરાયેલી ટીમ મને ઘણી ગમી. ગિલને બહાર રાખવાનો નિર્ણય ખૂબ મોટો છે અને તેનાથી સ્પષ્ટ સંકેત મળ્યા છે કે 'ફાયર ઍન્ડ આઇસ'ની જગ્યા હવે 'ફાયર ઍન્ડ ફાયર'એ લઈ લીધી છે."
તેમણે લખ્યું કે, " ખાસ કરીને તેમના હાલના ફૉર્મને જોતાં ઈશાન કિશન જે વિકલ્પ આપે છે, તેને નજરઅંદાજ કરવા મુશ્કેલ હતું. દુર્ભાગ્યે આનો અર્થ એ થયો કે જિતેશે બહાર રહેવું પડ્યું અને તેમના માટે ખરાબ લાગે છે, પરંતુ રિંકુ એક ઉત્તમ પ્લેયર છે. આનાથી ટીમ ડાબોડી બૅટ્સમૅનો પર વધુ નિર્ભર બની જાય છે, પરંતુ આ એક સાહસી નિર્ણયનું સ્વાભાવિક પરિણામ છે."
કૉમેન્ટેટર અને રમતગમત વિશ્લેષક આકાશ ચોપરાએ લખ્યું, "વર્લ્ડકપ પહેલાં ટીમમાં ઘણું બદલાયું છે. જિતેશ શર્માને એ વાતની નહીં ખબર હોય કે તેમણે શું ખોટું કર્યું, રિંકુ જ્યાં હતા, ત્યાં જ ફરી પાછા ફર્યા છે. ઈશાનને ટીમમાં જોઈને આનંદ થયો. બંને વિકેટકીપર બેટિંગ સ્લૉટ માટે ઠીક છે. અક્ષરની ઉપકપ્તાન તરીકે વાપસી થઈ છે. ગિલ સાથે કરાયેલા પ્રયોગને હવે લાગે છે કે ખતમ માની લેવાયો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન