ગુજરાતમાં SIR : ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થઈ, 73.73 લાખ મતદારોનાં નામ કમી, તમારું નામ ન આવ્યું હોય તો શું કરી શકો?

ગુજરાતમાં દોઢ મહિના સુધી એસઆઇઆરની કાર્યવાહી ચાલ્યા પછી ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. તેમાં કુલ 4.34 કરોડ મતદારો નોંધાયા છે જ્યારે 73.73 લાખ મતદારોનાં નામ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યાં છે.

ચૂંટણપંચના જણાવ્યા પ્રમાણે કુલ 5.08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ફૉર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. લગભગ 51 હજાર બીએલઓએ રાજ્યમાં ઘરે ઘરે જઈને ફૉર્મ આપીને મતદારોના મેપિંગની કામગીરી કરી છે.

હવે 18 જાન્યુઆરી, 2026 સુધી મતદારો પોતાના વાંધા અને દાવા રજૂ કરી શકશે. 10મી ફેબ્રુઆરી 2026 સુધી ચૂંટણી અધિકારીઓ વાંધા-દાવાઓનો નિકાલ કરશે.

ગુજરાતમાં 27 ઑક્ટોબર 2025થી રાજ્યભરમાં એસઆઇઆરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાર પછી હવે ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે બીએલઓ દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા અને એકસાથે બે જગ્યાએ નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યા હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રકાશિત થઈ તે અગાઉ રાજ્યમાં 5,08,43,436 મતદારો રજિસ્ટર્ડ હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રમાણે રાજ્યમાં હવે 4,34,70,109 મતદારો છે.

ચૂંટણીપંચે આપેલા ડેટા પ્રમાણે 18 લાખથી વધારે મતદારો અવસાન પામ્યા છે, 9.69 લાખ મતદારો ગેરહાજર હતા, 40.25 લાખ મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું છે, 3.81 લાખ મતદારો બે જગ્યાએ નોંધાયેલા હતા અને અન્ય મતદારોની સંખ્યા 1.89 લાખ હતી.

બીએલઓને આ મતદારો મળ્યા નથી કે તેમના ગણતરી ફૉર્મ પરત આવ્યા નથી. તેથી એવું માનવામાં આવે છે કે તેઓ અન્ય જગ્યાએ સ્થાયી થઈને મતદાર બન્યા હશે અથવા હયાત નહીં હોય.

'લાખો લોકોનાં ફૉર્મ પરત નથી મળ્યાં'

પીટીઆઇ અનુસાર, રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદાતાઓને આ ફૉર્મ સોંપવામાં આવ્યાં હતાં, પરંતુ તે પૈકી માત્ર 4.34 કરોડ ફૉર્મ જ પરત કરવામાં આવ્યાં છે. લગભગ 74 લાખ મતદાતાઓએ આ ફૉર્મ સુપ્રત કર્યા નથી.

એનો અર્થ એ થયો કે જે મતદાતાઓએ તેમનાં ફૉર્મ સુપ્રત કર્યાં નથી તેમનાં નામ 'કદાચ વર્ષ 2002ની મતદારયાદીમાં નહીં હોય'.

અમદાવાદના ઍડિશનલ સીઇઓ અશોક પટેલે પીટીઆઇને જણાવ્યું, "હવે આ મામલે આ મતદાતાને અમે નોટિસ આપીશું અને તેમની પાસે યોગ્ય પુરાવા માગીશું."

ઇન્યુમરેશન ફૉર્મની પહેલા તબક્કાની પ્રક્રિયા બાદ લાગે છે કે 18.07 મતદાતાઓ કે જે હવે મૃત્યુ પામ્યાં છે તેમનાં નામો પણ હાલની મતદારયાદીમાં છે. 9.69 લાખ મતદાતા તેમના સરનામે મળ્યા નહોતા અને 40.26 લાખ મતદાતાઓ કાયમ માટે તેમનું સરનામું છોડીને અન્યત્રે સ્થળાંતર કરી ગયા હતા. 3.81 લાખ મતદાતાનાં નામો રિપીટ થતાં હતાં કે પછી બે જગ્યા પર યાદીમાં હતાં.

ડ્રાફ્ટ જાહેર કર્યા બાદ વાંધાઓ અને દાવાઓ પર કાર્યવાહી કરવામાં આવશે જે પ્રક્રિયા 18મી જાન્યુઆરી સુધી ચાલશે. જે નાગરિકો તેમનાં નામો મતદારયાદીમાં ન હોય અને નોંધાવા માગતા હોય તેઓ ફૉર્મ 6 ભરીને યોગ્ય પુરાવા આપીને બીએલઓને સુપ્રત કરી શકે છે.

મતદારનું નામ મુસદ્દા મતદારયાદીમાં ન આવે તો તે શું કરી શકશે?

ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, જે મતદારો દ્વારા પોતાના એન્યુમરેશન ફૉર્મ પાછાં આપવામાં આવતાં નથી કે યોગ્ય રીતે ભરવામાં આવતાં નથી (જેમ કે સહી ન કરેલી હોય, વિગતો સુવાચ્ય ન હોય) તો તેઓનાં નામ મુસદ્દા મતદારયાદીમાં નહીં આવે.

જો કોઈ મતદારનું નામ આ મુસદ્દા મતદારયાદીમાં ન આવે તો તે શું કરી શકશે?

ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર 27 ઑક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારી તા.14 ડિસેમ્બર કરવામાં આવી હતી. જેથી ફૉર્મ પરત આવવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય મળ્યો હતો. ચૂંટણીપંચ અનુસાર, ત્યારે રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફૉર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પૈકી 4.34 કરોડ મતદારોએ ગણતરી ફૉર્મ પરત કર્યાં છે. આ તમામ ફૉર્મનું સંપૂર્ણ ડિઝિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

મુસદ્દા મતદારયાદીમાં ન આવે તો ત્યારે મતદારો સૌપ્રથમ તો 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.

ઉપરાંત જે ભારતના નાગરિક છે અને એસઆઇઆર પછી કોઈ કારણસર ડ્રાફટ રોલમાં નામ સામેલ થયું નથી તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં. 6 ભરીને મતદારયાદીમાં નામ દાખલ કરાવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મતદારયાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.

મતદારયાદીમાં નામ નથી તે કેવી રીતે ખબર પડે?

જે મતદારનું નામ મુસદ્દા મતદારયાદીમાં નહીં હોય તો તેની જાણ મતદારને કઈ રીતે થશે?

ચૂંટણીપંચ અનુસાર, જેટલા પણ મતદારોના એન્યુમરેશન ફૉર્મ મતદાર નોંધણી અધિકારીને ન મળે તેમનાં નામ મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ થશે નહીં. આવા લોકોને કોઈ પણ પ્રકારની નોટિસ મળશે નહીં, પરંતુ આવા મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ ન થયેલી વ્યક્તિઓનાં નામની વિધાનસભા મતવિભાગ અને ભાગ વાર યાદી બનાવવામાં આવશે તથા તેને મતદાનમથક, પંચાયત, નગરપાલિકા, ERO/AEROની કચેરી ખાતે તથા CEO વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવશે.

ડ્રાફ્ટ મતદારયાદીમાં નામ કેવી રીતે ચકાસવું?

હવે તમારું નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નીચેના માધ્યમથી ચકાસી શકો છોઃ

વેબસાઇટ http://ceo.gujarat.gov.in

વોટર પોર્ટલ : voters.eci.gov.in

ECINET App

BLO પાસેથીજિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી

તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફૉર્મ નં. 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઑનલાઇન/ઑફલાઇન અરજી કરી શકો છો.

ડ્રાફ્ટ મતદારયાદીમાં દર્શાવેલી વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં. 8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઑનલાઇન/ઑફલાઇન અરજી કરી શકાય છે.

ડ્રાફ્ટ મતદારયાદીમાં કોઈ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં. 7 ભરીને અરજી કરી શકાશે.

કેવા સંજોગોમાં મતદારને નોટિસ મળશે?

ચૂંટણીપંચ અનુસાર, ગણતરી ફૉર્મ સાથે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો જોડવાના નથી. જો મતદારની વિગતો અધૂરી હશે કે વર્ષ 2002ની મતદારયાદી સાથે મેળ ખાતી નહીં હોય તો મતદારને હક્ક-દાવા અને વાંધા અરજીના સમયગાળા દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે અને તેના જવાબમાં જરૂરી દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે.

ગીર સોમનાથ જિલ્લાથી બીએલઓ કેળવણી નિરીક્ષક મહેશ વાઢેર બીબીસી સાથે વાત કરતાં જણાવે છે, એસાઇઆરની પ્રક્રિયા મુજબ 2002ની યાદીમાં જેનાં નામ મળી આવેલાં નથી, તેવા મતદારોનો સમાવેશ નો મેપિંગની યાદીમાં થશે તેથી તેવા મતદારોએ નીચે મુજબના પુરાવા બીએલઓને આપવાના હોય છે.

  • જો 1 જુલાઈ, 1987 પહેલાં જન્મેલા હોય તો ફક્ત પોતાના પુરાવા આપવાના રહેશે
  • મે 1 જુલાઈ, 1987થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે જન્મેલા હોય તો પોતાના અને પિતા અથવા માતાના પુરાવા આપવાના રહેશે
  • જો 2 ડિસેમ્બર 2004 પછી જન્મેલા હોય તો પોતાના, પિતાના અને માતાના ત્રણેયના પુરાવા આપવાના રહેશે

ચૂંટણીપંચ અનુસાર માન્ય પુરાવાઓ કયા કયા છે?

ચૂંટણીપંચ જે પુરાવા સ્વાકારશે તેમાં જન્મ પ્રમાણપત્ર, પાસપૉર્ટ, મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર અથવા અન્ય સરકારી દસ્તાવેજોની સૂચક યાદીનો સમાવેશ થાય છે.

ગુજરાતના ચૂંટણીપંચની વેબસાઇટ પર પુરવાઓની યાદી ઉપલબ્ધ છે જેમાં સામેલ છેઃ

1. કોઈ પણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને સરકાર દ્વારા અપાયેલ કોઈ પણ ઓળખકાર્ડ/પેન્શન ચુકવણી ઑર્ડર.

2. 1 જુલાઈ, 1987 પહેલાં સરકાર/સ્થાનિક અધિકારીઓ/બૅન્ક/પોસ્ટઑફિસ/એલઆઇસી / પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલું કોઈ પણ ઓળખકાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ.

3. સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યૂ કરેલું જન્મ પ્રમાણપત્ર.

4. પાસપૉર્ટ

5 માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર

6. સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇસ્યૂ કરેલું કાયમી રહેઠાણ પ્રમાણપત્ર

7. વનઅધિકાર પ્રમાણપત્ર

8. ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યૂ કરેલું કોઈ પણ જાતિ પ્રમાણપત્ર

9. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય)

10. રાજ્ય/સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલું કુટુંબ રજિસ્ટર

11. સરકાર દ્વારા કોઈ પણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર

12. આધાર માટે, ભારતના ચૂંટણીપંચના 9 સપ્ટેમ્બર 2025ના પત્ર નં.23/2025-ERS-/Vol.Iથી આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે. (ફક્ત ઓળખ માટે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન