You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : કચ્છમાં સૌથી મોટા હાઇબ્રિડ ઍનર્જી પાર્કની વીજલાઇનનો ખેડૂતો વિરોધ કેમ કરી રહ્યા છે?
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા, વાંઢિયા (કચ્છ)થી
સૂરજબારી ક્રીક પર બનેલા પુલ વાટે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં પ્રવેશીએ એટલે વીજળીના હાઇ ટેન્શન લાઇનના થાંભલા અને તારની જાળ નૅશનલ હાઇવે-27ની બંને બાજુ દેખાય.
પુલ પૂરો થાય એટલે થોડા અંતરે ડાબી તરફ કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામનું પાટિયું આવે. હાઈવેથી દક્ષિણે આવેલા વાંઢિયા તરફ જઈએ એટલે કેટલીક વીજલાઇનો નીચેથી પસાર થવું પડે. વાંઢિયાથી આગળ વધારે દક્ષિણે જઈએ તો વાંઢિયા અને જુંગી ગામ વચ્ચેના રસ્તા પરથી વધારે કેટલીક વીજલાઇનો પસાર થાય છે.
કચ્છ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલી વીજલાઇનોના આ ગીચ કૉરિડૉરમાં વધુ એક વીજલાઇન ઊભી કરાઈ રહી છે. પશ્ચિમ કચ્છમાં ખાવડા નજીક બની રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ ઍનર્જી (આરઇ) પાર્કમાં 30,000 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવા માટે મોટી સંખ્યામાં પવનચક્કીઓ અને સોલાર પૅનલ્સ ફિટ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
આ વીજલાઇનનો કેટલોક ભાગ વાંઢિયામાંથી પસાર થાય છે. એક તરફ કંપની આ કામ ઝડપથી પૂરું કરવા મથી રહી છે તો બીજી તરફ વાંઢિયાના ખેડૂતો વીજલાઇનની કામગીરીનો છેલ્લા ત્રણ મહિનાથી વિરોધ કરી રહ્યા છે.
ગામલોકો પાસેથી જાણવા મળ્યું કે વાંઢિયા ગામના 70થી 80 ખેડૂતો આ વીજલાઇનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો એવો પણ આરોપ છે કે તેમને હેરાન-પરેશાન કરાઈ રહ્યા છે. જોકે બીજી બાજુ કંપનીનું કહેવું છે કે તે નિયમ પ્રમાણે કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ખાવડા આરઇ પાર્કમાં ઉત્પન્ન થનાર વીજળીમાંથી 7000 મેગાવૉટ વીજળીને દેશભરમાં વીજળીનું વહન કરતા વીજમાળખા એટલે કે નૅશનલ પાવર ગ્રિડ સુધી પહોંચાડવા માટે અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ઍનર્જી સૉલ્યુશન્સ લિમિટેડ (એઇએસએલ) ખાવડાથી મોરબી જિલ્લાના હળવદ સુધી એક 765 કેવીની વીજલાઇન ઊભી કરી રહી છે.
અદાણી ગ્રૂપની ડિસેમ્બર 2023ની એક અખબારી યાદી અનુસાર અદાણી ગ્રૂપ રૂપિયા 3000 કરોડના ખર્ચે આ 301 કિલોમીટર લાંબી વીજલાઇન ઊભી કરી રહ્યું છે અને તેની કામગીરી ડિસેમ્બર 2025 સુધીમાં પૂરી કરવાની છે.
ખેડૂતોના વિરોધે કામગીરી ધીમી પાડી?
વાંઢિયામાં દિવસ ઊગે અને એઇએસએલના મજૂરો થાંભલાનું ચાલુ કરે એટલે ગામના ખેડૂતો તેમજ આજુબાજુનાં ગામોમાંથી તેમને સમર્થન આપવા આવેલા અન્ય ખેડૂતો ત્યાં પહોંચી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતો 'જય જવાન, જય કિસાન,' 'ધરતી સે ક્યાં નાતા હૈં, ધરતી હમારી માતા હૈં,' 'હમ નહીં કિસી સે ભીખ માંગતે, હમ હમારા હક માંગતે' જેવા નારા પોકારે છે અને મજૂરોને કામ બંધ કરી ત્યાંથી નીકળી જવા કહે છે.
પરિસ્થિતિ વધારે ઉગ્ર બને તે પહેલાં જ બાંધકામના સ્થળે પોલીસ આવી પહોંચે છે અને વિરોધ કરી રહેલ ખેડૂતોને અટકાયતમાં લઈ 20 કિલોમીટર દૂર આવેલા સામખિયાળી પોલીસ સ્ટેશને લઈ જાય છે. પોલીસ તેમને સાંજ સુધી અટકાયતમાં રાખી દિવસ આથમવા ટાણે છોડી મૂકે છે.
બીબીસીએ 27 નવેમ્બરે વાંઢિયા ગામની મુલાકાત લીધી ત્યારે પણ આ જ ઘટનાક્રમનું પુનરાવર્તન થયું અને પોલીસે સત્તાવાર રીતે 32 લોકોની અટકાયત કરી.
ખેડૂતોના વિરોધને પરિણામે વીજલાઇન સમયસર પૂરી થશે કે કેમ તેવા બીબીસીના સવાલનો એઇએસએલે સીધો જવાબ ન આપ્યો, પરંતુ વિરોધના કારણે કામગીરી ધીમી ચાલી રહી છે તેવું એઇએસએલના અધિકારીઓ અનૌપચારિક રીતે સ્વીકારી રહ્યા છે.
ખેડૂતોને શું નોટિસ અપાઈ છે?
વાંઢિયાના ખેડૂત બાબુભાઈ આહીરનાં પત્ની માલીબહેનના નામે ખેતીની છ એકર જમીન છે. આ વર્ષે 30 મેના રોજ અદાણી ગ્રૂપની હળવદ ટ્રાન્સમિશન કંપની લિમિટેડ નામની અન્ય એક પેટાકંપનીએ માલીબહેનને એક નોટિસ આપી.
નોટિસથી માલીબહેનને જાણ કરી કે 'ભારત સરકારે ભારતીય ટેલિગ્રામ અધિનિયમ, 1885 હેઠળ ખાવડા-હળવદ વીજલાઇનનું નિર્માણ કરવાની સત્તા હળવદ ટ્રાન્સમિશન કંપનીને આપેલી છે.'
નોટિસથી માલીબહેનને જાણ કરાઈ કે 'એ વીજલાઇન માટે તેમની જમીનમાં એક થાંભલો ઊભો કરવા 492 ચોરસ મીટર (4037 ચોરસ મીટર=1 એકર) અને 67 મીટર પહોળા પટ્ટામાંથી તાર પસાર કરવા માટે કુલ 5,333 ચોરસ મીટર જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી સરકારે આપી છે.'
સાથે જ જણાવાયું છે કે 'જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલી જમીનની કિંમત અનુસાર ટાવર માટેની જમીન માટે ચોરસ મીટરદીઠ 67 રૂપિયાના હિસાબે કુલ 33,160 રૂપિયા અને તાર પસાર કરવા માટે ઉપયોગમાં લેવાનાર જમીન માટે ચોરસ મીટરદીઠ 20 રૂપિયાના હિસાબે કુલ 105,601 રૂપિયા વળતર મળશે.' નોટિસમાં ઉમેરાયું છે કે થાંભલા અને તારની કામગીરી દરમિયાન પાકને થતા નુકસાનનું વળતર અલગથી ચૂકવવામાં આવશે.
નોટિસ બાદ એઇએસએલે ઑગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ભગુભાઈની જમીન પર કામગીરી શરૂ કરી તેમ ભગુભાઈ જણાવે છે. બીબીસી સાથે વાત કરતા ભગુભાઈ કહે છે કે ઊંચું વળતર માગી તેમણે કામગીરી રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી.
ખેડૂતો વીજલાઇનનો વિરોધ કેમ કરે છે?
ભગુભાઈ કહે છે, "અમારા વિસ્તારમાં જમીનની બજારકિંમત બાવીસથી પચ્ચીસ લાખ રૂપિયા પ્રતિ એકર છે જ્યારે કંપની અમને જે સત્તાવાર રીતે વળતર આપવાની ઑફર કરે છે તે હિસાબે મારી જમીનની કિંમત સવા ત્રણ લાખ થાય. હું મારી જમીનમાં ટાવર ઊભો કરવાની કે તાર નાખવાની ના નથી પાડતો, પણ હું મારી જમીનની વાજબી કિંમત તો માગી શકું ને?"
"કંપની કહે છે કે તે મારી જમીનનું અધિગ્રહણ નથી કરતી, પણ માત્ર જમીન વાપરે છે. વાસ્તવિકતા એ છે કે જે જમીનમાંથી વીજલાઇન પસાર થતી હોય તેની બજારકિંમત સાવ ઘટી જાય, કારણ કે વીજતારના કૉરિડૉરવાળી જમીન બિનખેતી થઈ ન શકે અને તેથી તેને કોઈ લેવા માટે તૈયાર ન થાય. વળી, અમારી બાજુના લલિયાણા ગામમાં અદાણીએ જ 2022માં અન્ય એક વીજલાઇન નાખવા માટે ખેડૂતોને 4700 રૂપિયા પ્રતિ ચોરસ મીટર લેખે વળતર ચૂકવ્યું હતું."
ભગુભાઈનો દાવો છે કે પોલીસ તેમની લગભગ દરરોજ અટકાયત કરે છે. તેઓ કહે છે, "સપ્ટેમ્બર મહિનાથી ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે કે પોલીસે મારી અટકાયત ન કરી હોય. જો પોલીસ મને ન લઈ જાય તો મારી પત્ની કે મારા દીકરાને લઈ જાય."
ગુરુવારે પણ પોલીસે તેમની અટકાયત કરી હતી.
જોકે, ખેડૂતોના વિરોધ વચ્ચે વીજલાઇનનું કામ ચાલુ રહી શકે તે માટે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ જુલાઈ મહિનામાં પોલીસ રક્ષણ માગ્યું અને તે હજુ પણ ચાલુ છે.
ભગુભાઈના વિરોધ છતાં તેમની જમીનમાં પણ થાંભલાના પાયા નાખવાનું કામ ચાલુ જ રહ્યું અને એકાદ અઠવાડિયા પહેલાં એ પૂરું પણ થઈ ગયું.
ખેડૂતોએ લેખિત બાંયધરી માગી
ભગુભાઈના દીકરા રાહુલ કહે છે કે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડે નોટિસમાં જે વળતરની રકમ દર્શાવી છે તેનાથી વધારે આપવાની ઑફર કરી છે. તેઓ કહે છે, " કંપનીના અધિકારીઓ કહે છે કે થાંભલા માટેની જમીનનું વળતર 900 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને તાર માટેની જમીનનું વળતર 9045 પ્રતિ ચોરસ મીટરના હિસાબે ચૂકવી આપશે, પરંતુ તેઓ એવું માત્ર મૌખિક રીતે કહે છે. લેખિતમાં કશું આપતા નથી. અમને ડર છે કે એક વાર થાંભલા ઊભા થઈ જશે અને તાર બંધાઈ જશે પછી અમારું કોઈ સંભાળશે નહીં."
રાહુલ કહે છે કે ખેડૂતોની માગણી છે કે થાંભલા માટેની જમીનનું વળતર 5,800 રૂ. અને તાર માટેની જમીનનું વળતર 16,000 પ્રતિ ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવે. તેઓ કહે છે, "આ અમારી માગણી છે અને અમે તેમાં બાંધછોડ કરવા તૈયાર છીએ, પરંતુ કંપની અમને ચર્ચા કરવા માટે પણ બોલાવતી નથી."
ભગુભાઈ કહે છે કે આ મામલે રજૂઆત કરવા તેઓ 18 નવેમ્બરે કચ્છ કલેક્ટરને મળ્યા. તેઓ કહે છે, "કલેક્ટરસાહેબે મને કહ્યું કે આ વિષયની તેઓ માહિતી મેળવશે અને મને ચાર દિવસ પછી આવવાનું કહ્યું. હું 24 નવેમ્બરે ફરી વાર કલેક્ટર કચેરીએ ગયો તો મને કહેવામાં આવ્યું કે સાહેબ રજા પર છે."
ભારતીય કિસાન સંઘ, કૉંગ્રેસ ખેડૂતોની મદદે
ભારતીય કિસાન સંઘ આ મામલે વાંઢિયાના ખેડૂતોને સંખ્યાબળ અને નૈતિક બળ પૂરું પાડી રહ્યું છે. કૉંગ્રેસના નેતા પાલ અંબાલિયા અને લાલજી દેસાઈ પણ આ બાબતે કચ્છ કલેક્ટરને રજૂઆતો કરી ચૂક્યા છે.
ગુરુવારે બીબીસીએ વાંઢિયાની મુલાકાત લીધી ત્યારે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘની જિલ્લા કારોબારી સમિતિના સભ્ય ડાહ્યાભાઈ ચાવડાની આગેવાનીમાં કેટલાંય ગામના ખેડૂતો વાંઢિયાના ખેડૂતોના સમર્થનમાં હાજર હતા.
ડાહ્યાભાઈએ બીબીસીને કહ્યું, "વિકાસ થાય તેમાં કોઈને વાંધો ન હોય, પણ ખેડૂતોના ભોગે વિકાસ થતો હોય તો ખેડૂત હેરાન થાય. વાંઢિયામાં 95 દિવસથી ખેડૂતો સંઘર્ષ કરે છે. પોલીસ ગાડીયું ભરી ડાઇરેક્ટ ડિટેઇન કરે છે અને ખેડૂતોને બહુ હેરાન કરે છે. લોડાઈ (ગામમાં) પણ આવી જ પરિસ્થિતિ છે. ખેડૂતો બિચારા કરે તો કરે શું અને જાય તો જાય ક્યાં?"
કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના માર્ગદર્શક સામજી મયાત્રા પણ કહે છે, "જમીન ખેડૂતોની આજીવિકાનું સાધન અને મૂડી છે. જો તેની જમીનમાં વીજલાઇન ઊભી કરવામાં આવે તો તેનું યોગ્ય વળતર ખેડૂતોનો હક છે."
ભગુભાઈ પોતે પણ ભારતીય કિસાન સંઘના વાંઢિયા ગામના આગેવાન છે.
જોકે, ગુરુવારે વાંઢિયા ખાતે હાજર એઇએસએલના અધિકારીઓએ ભારતીય કિસાન સંઘના ડાહ્યાભાઈ કે અન્ય આગેવાનો સાથે કોઈ વાત કરવાની ના પાડી દીધી હતી. અધિકારીઓ એમ કહેતા સાંભળાયા કે તેઓ સીધા ખેડૂતો સાથે જ વાત કરશે.
અદાણી ગ્રૂપ શું કહે છે?
આ બાબતે બીબીસીએ પૂછેલા સવાલોના એક લેખિત જવાબમાં એઇએસએલનાના પ્રવક્તાએ કહ્યું, "કાયદાકીય પ્રક્રિયા અનુસાર, અસરગ્રસ્ત જમીનમાલિકોને સરકારની નીતિ અનુસાર ન્યાયિક વળતર નક્કી કરવા માટે એઇએસએલે જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક સાધ્યો હતો. તેમણે (જિલ્લા વહીવટીતંત્રે) હિતધારકો સાથે ચર્ચા-વિચારણાના કેટલાય રાઉન્ડ પછી વળતર નક્કી કર્યું છે અને એઇએસએલને કામ ચાલુ રાખવાની પરવાનગી આપી છે. તે અનુસાર, એઇએસએલ સ્થાનિક વહીવટી તંત્રે નક્કી કરેલું વળતર અસરગ્રસ્ત જમીનમાલિકોને ચૂકવી રહ્યું છે."
કંપનીએ તેના જવાબમાં ઉમેર્યું, "ખેડૂતો સરકારી નીતિ અનુસાર નક્કી કરાયેલા વળતર કરતાં ઊંચું વળતર માગી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી કરી રહ્યા છે. હવે ચોક્કસ હિત ધરાવતાં બાહ્ય પરિબળોએ આ બાબતમાં ઝંપલાવ્યું છે અને તેઓ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે. તેમણે સ્થળ પર હાજર અમારી ટીમને કામ કરતા રોકી છે અને શારીરિક નુકસાનની ધમકીઓ પણ આપી છે."
કંપનીએ તેના નિવેદનમાં ખેડૂતોને અપીલ કરતાં કહ્યું, "અમે જમીનમાલિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ બાહ્ય પ્રભાવને નકારે અને સીધા જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરે, કારણ કે રાષ્ટ્રીય મહત્ત્વના આ પ્રોજેક્ટને સમર્થન આપવા માટે એઇએસએલ સરકારી અધિકારીઓ દ્વારા લેવાયેલ નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરશે."
કંપની સૂત્રોએ બીબીસીને કહ્યું કે ખેડૂતોને થાંભલાના પાયા નંખાયા બાદ, થાંભલો ઊભો થઈ ગયા બાદ અને તાર બંધાઈ ગયા બાદ એમ ત્રણ તબક્કે વળતર ચૂકવવામાં આવશે અને દરેક તબક્કો પૂર્ણ થયાના 30 દિવસમાં ચુકવણી કરવામાં આવશે, પરંતુ તેમણે ઉમેર્યું કે વાંઢિયાના કેટલાક ખેડૂતો વળતર લેવા માટે રાજી નથી.
સરકારી અધિકારીઓ શું કહે છે?
આ બાબતે બીબીસીએ કચ્છ કલેક્ટર આનંદ પટેલનો સંપર્ક કરવા ફોન અને મૅસેજ પણ કર્યા, પરંતુ તેમનો કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. શુક્રવારે તેમની ઑફિસે બીબીસીને જણાવ્યું કે તેઓ ચિંતન શિબિરમાં હાજરી આપવા વલસાડ ગયા છે.
જોકે, બૉર્ડર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ, ચિરાગ કોરડિયાએ પોલીસ દમન અને પોલીસ તંત્રના દુરુપયોગના આક્ષેપોને ફગાવી દીધા. ચિરાગ કોરડિયાએ બીબીસીને કહ્યું, "પોલીસ દ્વારા કોઈના પર દમન નથી કરાઈ રહ્યું. આવા આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન