You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયાના આ આદિવાસીઓ ચાર વર્ષથી અદાણીની કંપનીનો વિરોધ કેમ કરી રહ્યા છે?
- લેેખક, મોનિકા ગાર્સ્ને અને બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન
- પદ, સેન્ટ્રલ ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયાથી
ઑસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા રાજ્ય એવા સેન્ટ્રલ ક્વીન્સલૅન્ડમાં વાંગન અને જગલિંગૂના ધૂળિયા પટ્ટામાં છેલ્લા 1300 દિવસ કરતાં પણ વધુ સમયથી એક નાનકડો 'ધાર્મિક અગ્નિ' પ્રજ્જ્વલિત છે.
આ અગ્નિની જ્યોત એક વિરોધ પ્રદર્શનના સ્થળને ચિહ્નિત કરે છે જે છેલ્લાં ચાર વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહ્યું છે.
આ વિરોધ સ્થાનિક આદિવાસી સમુદાયના એક ભાગ અને કાર્માઇકલ કોલસાની ખાણ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે છે. કાર્માઇકલ કોલસાની ખાણ એ ઑસ્ટ્રેલિયાના સૌથી વિવાદાસ્પદ ખનન પ્રોજેક્ટ્સમાંની એક છે.
આ કોલસાની ખાણ ભારતની ઍનર્જી સેક્ટરની વિશાળ કંપની અદાણીની માલિકીની છે, જે સ્થાનિક સ્તરે બ્રાવસ તરીકે કામ કરે છે. આ કોલસાની ખાણ અને તે વાંગન અને જગલિંગૂ (W&J) લોકોની પરંપરાગત જમીન પર સ્થિત છે.
ઍડ્રિયન બુરાગુબ્બા અને તેમના પુત્ર કોઇડી મૅકઍવોય એ બ્રાવસ સામે લાંબી લડત લડી રહ્યા છે. તેઓ આ લડતને તેમના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અસ્તિત્વ માટેની લડાઈ તરીકે જુએ છે.
ઍડ્રિયન કહે છે, "જ્યાં મારી જમીન છે, ત્યાં એક ખાણ છે જે મારા દેશને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દેશ એ મારા ઇતિહાસ અને મારા પૂર્વજોની ઓળખ વિશેના જ્ઞાનના એક નકશા સમાન છે."
તેમના વિરોધના કેન્દ્રમાં ડૂંગમબુલ્લા ઝરણાં છે. તેમની માન્યતા પ્રમાણે આ એક પવિત્ર સ્થળ છે જેને રેઇનબો સર્પ મુંડાગુડ્ડાએ સર્જ્યું હતું. તેઓ ઘણી પ્રાચીન આદિવાસી સર્જનકથાઓમાં એક શક્તિશાળી પૂર્વજ તરીકે ઓળખાય છે. તેમને પાણી, સર્જન અને જમીન સાથે જોડીને લોકો જુએ છે.
'પર્યાવરણીય રીતે મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ જગ્યા'
ડૂંગમબુલા ઝરણાંઓ એક વિશાળ ભૂગર્ભજળ પ્રણાલી સાથે જોડાયેલાં છે, જે સુકાઈ ગયેલી જમીનને જીવંત રાખવામાં મદદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્થળ ગેલિલી બેસિનની ઉપર સ્થિત છે, જે વિશ્વના સૌથી મોટા અનઅન્વેષિત કોલસા ભંડારોમાંનું એક છે. આ સ્થળ 2.47 લાખ ચોરસ કિમી વિસ્તાર ધરાવે છે અને 30 અબજ ટનથી વધુ કોલસો ધરાવે છે.
કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સ્થળ પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ છે અને સંવેદનશીલ પણ હોઈ શકે છે.
મૅલબર્નની ગ્રિફિથ યુનિવર્સિટીના પ્રોફેસર અને ઑસ્ટ્રેલિયાના અગ્રણી હાઇડ્રોજિયૉલૉજિસ્ટ્સમાંના એક એવા પ્રૉફેસર મેથ્યુ કરેલ તેમાં સામેલ છે. તેમણે આ વિસ્તાર પર વર્ષોથી અભ્યાસ કર્યો છે.
તેઓ કહે છે, "અમે સમયાંતરે કેટલીક બાબતો નોંધતા હતા, જેમાં ઝરણાંનાં પાણીમાં હાઇડ્રોકાર્બનના અંશ જોવા મળ્યા હતા."
"જો ખનન શરૂ થયા પછી જ હાઇડ્રોકાર્બન દેખાવા લાગ્યા હોય, તો આપણે એ સમજાવવું પડશે કે આવું કેમ થયું. જો તેનો સંબંધ ખનન પ્રવૃત્તિ સાથે છે, તો એ ચેતવણીરૂપ છે કે ઝરણાંનાં પાણીની ગુણવત્તા તાત્કાલિકપણે જોખમમાં છે."
ખનનથી ભૂગર્ભજળ પર અસરો વિશે અદાણીની કંપનીએ શું કહ્યું?
પ્રો. કરેલ કહે છે, "આપણે જોઈ રહ્યા છીએ કે ખાણનો જે વિસ્તાર છે એ તેને મંજૂરી મળી એ સમયના અપેક્ષિત વિસ્તાર કરતાં વધુ છે. મને લાગે છે કે હવે એ મંજૂરીનું સંપૂર્ણ પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર છે.
આ બાબતે સતત વધી રહેલા પુરાવાઓ દર્શાવે છે કે ખનન પ્રવૃત્તિ ભૂગર્ભજળ પર મૂળ અનુમાન કરતાં વધારે અસર કરી રહી હોઈ શકે છે."
પ્રો. કરેલનું એક શોધકાર્ય જે ડૉ. એંગસ કૅમ્પબૅલ સાથે સહલિખિત છે અને 2024માં પિયર રિવ્યૂ થયેલું છે એ અદાણી/બ્રાવસના ભૂગર્ભજળ મૉડેલિંગ અંગે ચિંતાઓ ઊભી કરે છે.
જોકે, કંપનીએ આ શોધકાર્યને નકારી દીધું હતું અને લેખના કેટલાક લેખકો પર કોલસા વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ મૂક્યો હતો. જોકે, શોધકર્તાઓએ આ આરોપોને નકાર્યા હતા.
ઑસ્ટ્રેલિયાની નૅશનલ સાયન્સ એજન્સી CSIROએ પણ 2023માં કાર્માઇકલ ખાણની ભૂગર્ભજળ પરની અસર અંગે અદાણીના વિશ્લેષણની સમીક્ષા કરી હતી.
આ સમીક્ષાને હાલ ચાલી રહેલા અદાલતી કેસમાં પુરાવા તરીકે જોવામાં આવી રહી છે. આ સમીક્ષા એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે અદાણીના મૉડેલ્સ 'અસરોના મૂલ્યાંકન' માટે યોગ્ય નથી.
2023માં, અદાણી/બ્રાવસની ભૂગર્ભજળ મૉનિટરિંગ ડેટાની સમીક્ષા પછી, સરકારે તેમની યોજના મુજબના ભૂગર્ભ ખનન પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે ઝરણાંઓ પર તેની અસર અંગે અનિશ્ચિતતા હતી.
અદાણી સમૂહ આ પ્રતિબંધને અદાલતમાં પડકાર આપી રહ્યો છે. કંપનીનો દાવો છે કે તેમણે પર્યાવરણીય અને કાનૂની ધોરણોનું પાલન કર્યું છે.
કંપનીએ બીબીસીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારા દ્વારા ભૂગર્ભજળની શરતોનું કોઈ ઉલ્લંઘન થયું નથી અને ડૂંગમબુલા સ્પ્રિંગ્સ કૉમ્પ્લેક્સ પર હાલના અથવા ભવિષ્યમાં અધિકૃત ખનન પ્રવૃત્તિઓથી કોઈ જોખમ નથી."
ક્વીન્સલૅન્ડના પર્યાવરણમંત્રી ઍન્ડ્રૂ પાવેલે બીબીસીને જણાવ્યું હતું કે, "અમે સ્પ્રિંગ્સનાં સાંસ્કૃતિક અને પર્યાવરણીય મૂલ્યોની રક્ષા કરવા માટે યોગ્ય અમલ અને કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ."
કોલસાની ખાણોએ દેશને 'વિભાજિત' કરી દીધો
કાર્માઇકલ ખાણને મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય છેલ્લા દાયકાથી ઑસ્ટ્રેલિયાને જાણે કે 'વિભાજિત' કરી રહ્યો છે.
ઍડ્રિયન બુરાગુબ્બા અને તેમનો પરિવાર દલીલ કરે છે કે, "આ ખાણ તેમના પવિત્ર જળસ્ત્રોતને જોખમમાં મૂકે છે અને તેમના અધિકારો, સંસ્કૃતિ અને 'દેશ' સાથેના તેમના સંબંધને અવગણવામાં આવી રહ્યો છે. 'દેશ' એ શબ્દ છે જે આદિવાસી ઑસ્ટ્રેલિયનો તેમના પૂર્વજોની જમીન માટે ઉપયોગ કરે છે.
આદિવાસી લોકોના અધિકારો અંગે સંયુક્ત રાષ્ટ્રની જે ઘોષણાને 2007માં અપનાવવામાં આવી હતી તેમાં "જે-તે દેશોએ જમીનના અધિકારોને અસર કરતી કોઈપણ યોજના (જેમાં ખનન પણ સામેલ છે) શરૂ કરતાં પહેલાં મુક્ત રીતે, પહેલેથી અને જાણકારી આધારિત સંમતિ મેળવવી" જરૂરી છે.
જોકે, આ ઘોષણા કાનૂની રીતે અનિવાર્ય નથી, પરંતુ જે-તે દેશ અને આદિવાસી સમુદાય વચ્ચે સંબંધોમાં સુમેળ લાવવા માટેના માળખા તરીકે કાર્ય કરે છે.
આ ખાણને લઈને ચાલી રહેલો વિવાદ લાંબા સમયથી જળવાયુ પરિવર્તન અંગેની ચર્ચામાં પણ કેન્દ્રસ્થાને રહ્યો છે.
તેમાં દેશભરમાં વિરોધપ્રદર્શનો અને સ્થાનિક ખનન સમુદાય તરફથી મજબૂત સમર્થન બંને જોવાં મળ્યાં છે. ક્વીન્સલૅન્ડ સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, કારણ કે તે રોજગારી ઊભી કરવા અને નિકાસ વધારવાની ક્ષમતા ધરાવે છે.
ઑસ્ટ્રેલિયા પહેલેથી જ વિશ્વના ટોચના કોલસા ઉત્પાદકોમાંનો એક દેશ છે.
કાર્માઇકલ ખાણ એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં નિકાસ કરે છે, જ્યાં કોલસાની માંગ હજુ પણ ઊંચી રહેવાની શક્યતા છે. આ ક્ષેત્રોમાં ભલે અર્થતંત્રો વધુ નવીનીકરણીય ઊર્જા તરફ આગળ વધી રહ્યાં હોય, તેમ છતાં કોલસાની માંગ છે.
કંપની બ્રાવસ કહે છે કે, "તેણે ખાણિયા કામદારો રહે છે એવા શહેરમાં 486 મિલિયન ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે." જોકે, કંપનીની કામકાજની ખરાબ શરતો અંગેના આરોપો પણ સામે આવ્યા છે.
પત્રકાર કિમ ગુયેને વર્ષો સુધી કાર્માઇકલ ખાણ અંગેના સમાચારો કવર કર્યા છે. તેમણે એવા કામદારો સાથે વાત કરી છે જેમણે જણાવ્યું હતું કે તેઓ અસુરક્ષિત ધૂળિયા હવામાનના સંપર્કમાં આવ્યા છે.
આ કામદારોએ અતિશય નબળી માળખાકીય સુવિધાઓમાં કામ કરવું પડ્યું છે. કામદારોએ તેમની પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે ડરનો માહોલ અનુભવ્યો છે.
ખનનનો વિવાદ અને આદિવાસી પર અસર
ક્વીન્સલૅન્ડના માઇનિંગ સેફ્ટી રેગ્યુલેટરે એ વાતની પુષ્ટિ કરી હતી કે 2019થી 2024 દરમિયાન 875 પાનાં ભરાય એટલી ગંભીર દુર્ઘટનાના અહેવાલો નોંધાયા હતા.
પરંતુ તેણે જણાવ્યું કે ખાણની દુર્ઘટના દર 'ઉદ્યોગના સરેરાશ દર સાથે મોટાભાગે સુસંગત' છે.
બ્રાવસે આ અંગે જવાબ આપ્યો હતો કે, "અમારો રેકૉર્ડ શૂન્ય મૃત્યુનો છે. (…) અમે ઊંચા ધોરણો જાળવી રાખીએ છીએ, તમામ કાયદાઓનું પાલન કરીએ છીએ. અમે લોકોને ખાનગીમાં અથવા વ્યક્તિગત રીતે તેમની ચિંતાઓ કે મુશ્કેલી વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ અને આ ચિંતાઓ સામે આવે ત્યારે અમે તેનો ઉકેલ પણ લાવીએ છીએ."
જ્યારે રાજ્યની સરકારે 'આદિવાસીઓની સંમતિ વિના ખાણને મંજૂરી આપવાનો નિર્ણય' કર્યો, ત્યારે W&J પરિવારનાં જૂથોમાંથી બારમાંથી સાત જૂથોએ અદાણી સાથેના જમીન કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં, જે બદલામાં તેમને કમ્યૂનિટી ફંડ મળ્યું હતું.
W&J સમુદાયનાં મહિલાઓમાંનાં એક એવાં જેકી બ્રૉડેરિક કહે છે કે, "તેના કારણે પરિવારો વિભાજિત થઈ ગયા છે. મને જમીનના થઈ રહેલા વિનાશ વિશે ખૂબ દુઃખ થાય છે. પરંતુ અમે જો સંમતિ ન આપી હોત, તો પણ તેઓ આગળ વધ્યા હોત. અમે જેટલું શક્ય હતું તે મેળવ્યું."
અન્ય લોકો માને છે કે આ કરાર ખૂબ ઊંચી કિંમત પર થયો છે.
કોઈદી નામની વ્યક્તિ કહે છે, "આ દેશમાં ખનન એ ભગવાન સમાન છે. એક ખાણે આખા દેશને વિભાજિત કરી દીધો છે."
બ્રાવસે નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઍડ્રિયન બુરાગુબ્બા અને અશ્મિ-બળતણ વિરોધી આંદોલનના તેમના સાથીઓ વર્ષોથી અમારી કંપનીની પ્રતિષ્ઠા ઘટાડવાનો અને અમારી કાર્માઇકલ ખાણને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારી ખાણ એ ક્વીન્સલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના કાયદા અનુસાર સલામત રીતે અને જવાબદારીપૂર્વક કાર્યરત છે."
જમીન અધિકારોનો દાવો
1915માં, ક્વીન્સલૅન્ડના આદિવાસી સંરક્ષણ અધિનિયમ હેઠળ આદિવાસી લોકોને તેમની જમીન પરથી બળજબરીથી દૂર કરવાનું મંજૂર કરવામાં આવ્યું હતું.
એ સમયે ઘણા W&J લોકોને 1000 કિમીથી વધુ દૂર મોકલી દેવામાં આવ્યા હતા. પરિવારોને અલગ કરી દેવામાં આવ્યા અને તેમના માટે આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ કરવો પ્રતિબંધિત હતો.
1993માં નેટિવ ટાઇટલ અધિનિયમ હેઠળ, જો તેઓ તેમની જમીન સાથેનું સતત જોડાણ સાબિત કરી શકે, તો આદિવાસી લોકોને મર્યાદિત જમીનના અધિકારો મળ્યા, જેમાં ખનન પ્રોજેક્ટ્સ પર વાટાઘાટ કરવાનો અધિકાર પણ સામેલ છે.
W&J સમુદાયના લોકોએ 2004માં નેટિવ ટાઇટલ દાવો દાખલ કર્યો હતો. આ દાવા પ્રમાણે તેઓ અદાણી સમૂહ સાથે વાટાઘાટ કરવાનો અધિકાર ધરાવતા હતા, અને અદાણી સમૂહે તેમને કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમુક લાભોની ઑફર કરી હતી.
જોકે, 2012 અને ફરી 2014માં કોઈ કરાર થઈ શક્યો નહીં, આથી અદાણીએ આદિવાસી સંમતિ વિના નેટિવ ટાઇટલ ટ્રિબ્યુનલ દ્વારા મંજૂરી મેળવવાનો પ્રયાસ કર્યો.
2021માં 17 વર્ષ પછી એક ન્યાયાધીશે W&J નેટિવ ટાઇટલ દાવાને ફગાવી દીધો, જેના કારણે ભવિષ્યમાં ખાણો માટે કાયદા હેઠળ સલાહ અથવા વળતર મેળવવાનો તેમનો અધિકાર દૂર થયો. કારણ એ હતું કે તેઓ જમીન સાથે પૂરતું જોડાણ સાબિત કરી શક્યા નહોતા.
ક્વીન્સલૅન્ડ સાઉથ નેટિવ ટાઇટલ સર્વિસના વડા ટિમ વિશાર્ટ કહે છે, "અંતે ન્યાયાધીશે નિર્ણય કર્યો કે દાવા વિસ્તારમાં નેટિવ ટાઇટલ અસ્તિત્વમાં નથી, અને હવે આ નિર્ણય સામે ઑસ્ટ્રેલિયાની હાઇકોર્ટમાં વિશેષ અપીલ હેઠળ અરજી કરવામાં આવી છે."
તેઓ કહે છે, "મને નથી લાગતું કે આ ન્યાયસંગત પ્રણાલી છે, પરંતુ હાલમાં આપણા પાસે એ જ છે."
કાનૂની લડત હજુ પણ ચાલુ છે
ઍડ્રિયન હવે ક્વીન્સલૅન્ડની સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક સમીક્ષા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ એ દલીલ કરી રહ્યા છે કે આ ખાણ તેમના સમુદાયના માનવઅધિકારોનું ઉલ્લંઘન કરે છે કારણ કે તે એક પવિત્ર સ્થળને જોખમમાં મૂકી રહી છે.
તેમની દલીલ રાજ્યના માનવ અધિકાર અધિનિયમની કલમ 28 પર આધારિત છે, જે આદિવાસી લોકોને તેમની સંસ્કૃતિનું પાલન કરવા અને જમીન તથા પાણી સાથેના સંબંધને જાળવવાનો અધિકાર આપે છે.
આ કેસ એક નવો દિશાનિર્દેશ આપી શકે છે એવું એડ્રિયન અને કોઇદીના વકીલ ઍલિસન રોઝનું માનવું છે.
તેઓ કહે છે, "આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટેસ્ટ કેસ બનશે, જેને અન્ય ફર્સ્ટ નૅશન્સ (આદિવાસી) લોકો અનુસરી શકે છે કે જેઓ પોતાની સંસ્કૃતિ અને જમીનની રક્ષા કરવા માંગે છે,"
એડ્રિયનનો સરકાર સામેનો આ ચોથો કેસ છે, જેમાં તેઓ પ્રો-બોનો વકીલોની મદદ લઈ રહ્યા છે. અગાઉ, એક કેસ લડ્યા પછી અને 6.80 લાખ ડૉલરના ખર્ચનો સામનો કર્યા પછી તેઓ દેવાળિયા થઈ ગયા હતા.
પણ દેવાળિયાપણું, અદાલતી હાર અને સમુદાયના આંતરિક વિભાજન છતાં ઍડ્રિયન, તેમનો પુત્ર કોઇદી અને તેમનો પરિવાર મક્કમ છે.
ઍડ્રિયન કહે છે, "અમે એ પાણીમાંથી આવીએ છીએ. એ પાણી વગર, અમે બધાં મરી જઈશું. એ જમીન વગર અમારું કંઈ નથી.
ક્વીન્સલૅન્ડની સરકારે અદાલતને ઍડ્રિયનના માનવ અધિકાર કેસને ફગાવવાની વિનંતી કરી છે. જોકે, ચુકાદો હજી આવ્યો નથી.
નોંધ -(આ લેખને સેલિન ગિરિટ દ્વારા ઢાળવામાં આવ્યો અને એલેક્ઝાન્ડ્રા ફૂશે દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન