ગૌતમ અદાણીની કંપની અમેરિકામાં ફરી તપાસના ઘેરામાં, અદાણી જૂથે શું કહ્યું?

અમેરિકાના અખબાર 'વૉલ સ્ટ્રીટ જર્નલ'એ પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ગૌતમ અદાણીની કંપનીઓએ મુંદ્રા પૉર્ટ દ્વારા ભારતમાં ઈરાનથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી)ની આયાત કરી હતી કે કેમ તેની અમેરિકન એજન્સીઓ તપાસ કરી રહી છે.

જોકે, અદાણી ઍન્ટરપ્રાઇઝે એક નિવેદન આપીને આ અહેવાલને 'પાયાવિહોણો અને નુકસાનકર્તા' ગણાવ્યો છે. કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે અમને આ મામલે અમેરિકન અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કોઈ તપાસ વિશે જાણકારી નથી.

વૉલ સ્ટ્રીટ જર્નલે કહ્યું છે કે તેને ગુજરાતના મુંદ્રા પૉર્ટ અને અરેબિયન ગલ્ફ વચ્ચે પરિવહન કરતાં ટેન્કરોમાં એવા કેટલાક સંકેત જોવા મળ્યા છે, જે ઍક્સપર્ટ્સના કહેવા પ્રમાણે પ્રતિબંધોથી બચવા માંગતાં જહાજોમાં જોવા મળે છે.

નિષ્ણાતોનો હવાલો આપીને વૉલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે અમેરિકાનો ન્યાય વિભાગ અદાણી સમૂહની મુખ્ય કંપની અદાણી ઍન્ટરપ્રાઇઝને માલ મોકલવા માટે ઉપયોગમાં લેવાતાં ઘણાં એલપીજી ટેન્કરોની ગતિવિધિની સમીક્ષા કરી રહ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં ઈરાન પાસેથી ઑઇલ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ ખરીદવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જે કોઈ દેશ ઈરાન પાસેથી ખરીદી કરશે તેના પર તાત્કાલિક સેકન્ડરી સેન્કશન લગાવવામાં આવશે.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?

અમેરિકન જર્નલે પોતાના રિપોર્ટની શરૂઆતમાં લખ્યું છે કે એશિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી હાલમાં પોતાની વિરુદ્ધ ભૂતકાળમાં લાગેલા આરોપોને નકારવાના પ્રયાસોમાં લાગેલા છે.

ગયા વર્ષે નવેમ્બરમાં ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અખબારે લખ્યું છે કે બ્રુકલિનમાં અમેરિકન ઍટર્ની કાર્યાલય દ્વારા થઈ રહેલી તપાસ અદાણી માટે સમસ્યા સાબિત થઈ શકે છે. આ અહેવાલમાં અદાણીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના સહયોગી ગણાવવામાં આવ્યા છે.

વૉલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે તેમણે ગયા વર્ષની શરૂઆતમાં મુંદ્રા પૉર્ટથી અરેબિયન ખાડીમાં જતાં જહાજોની ગતિવિધિ તપાસી હતી. જહાજોને ટ્રૅક કરતા ઍક્સપર્ટ્સનું કહેવું છે કે આ દરમિયાન એવા સંકેત મળ્યા જે સામાન્ય રીતે પોતાની ઓળખ છુપાવવાં માંગતાં જહાજોમાં જોવા મળે છે.

એલપીજી ટેન્કરોને ટ્રૅક કરતી લૉઇડ્સ લિસ્ટ ઇન્ટેલિજન્સમાં મેરિટાઇમ રિસ્ક ઍનાલિસ્ટ ટૉમર રાનન અનુસાર જહાજોની ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ અથવા એઆઈએસની સાથે છેડછાડ એક સામાન્ય ઉપાય છે. આ સિસ્ટમ જહાજની પોઝિશન વિશે માહિતી આપે છે.

રિપોર્ટમાં ગયા વર્ષે એપ્રિલ મહિનામાં અદાણી માટે એલપીજી લાવનાર પનામાના ધ્વજ સાથેના એસએમએસ બ્રોસ કાર્ગો શિપમાં કંઈક આવી જ પૅટર્ન જોવા મળી હતી તેવી વાત કરાઈ છે.

જર્નલે લૉયડ્સ લિસ્ટના સીસર્ચર પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને જહાજની એઆઈએસનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં જાણવા મળ્યું કે આ જહાજ ત્રીજી એપ્રિલ, 2024ના રોજ દક્ષિણ ઇરાકના ખોર અલ-જુબેર બંદરે ઊભું હતું.

રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રીજી એપ્રિલ 2024ની સેટેલાઈટ તસવીરોમાં એસએમએસ બ્રોસ ઇરાકમાં પોતાની જગ્યા પર દેખાતું નથી. પરંતુ એક સેટેલાઈટે એસએમએસ બ્રોસ સાથે મેળ ખાતા એક જહાજની તસવીર લીધી છે, જે ઈરાનના ટૉનબુકમાં એલપીજી ટર્મિનલ પર ડૉક કરવામાં આવ્યું હતું.

આ સમાચારમાં સેટેલાઇટ ઇમેજરી સાથે સંકળાયેલા ઍક્સપર્ટ્સને ટાંકીને એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે કે ઈરાનમાં ઊભેલું જહાજ એસએમએસ બ્રોસ જ હતું.

અદાણી જૂથનો જવાબ

વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ વિશે અદાણી જૂથે બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જને માહિતી આપી છે.

તેમાં કહેવાયું છે કે, "અદાણી જૂથની કંપનીઓ અને ઈરાનના એલપીજી વચ્ચેના સંબંધોનો આરોપ લગાવતો વૉલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ પાયાવિહોણો અને નુકસાનકર્તા છે. અદાણી જાણી જોઈને કોઈ પ્રતિબંધોથી બચવાનો કે ઈરાનના એલપીજી સાથે સંકળાયેલા વ્યાપારમાં સામેલ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. અમને આ વિષય પર અમેરિકન અધિકારીઓની તપાસની કોઈ માહિતી નથી."

આ નિવેદનમાં વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલને સંપૂર્ણપણે ખોટી માન્યતાઓ અને અટકળો પર આધારિત ગણાવાયો છે. તેમાં કહેવાયું છે કે "અદાણી જૂથ જાણી જોઈને ઈરાન પર અમેરિકાના આર્થિક પ્રતિબંધોનું ઉલ્લંઘન કરે છે તે દાવાને અમે નકારીએ છીએ. પોલિસી મુજબ અદાણી જૂથ પોતાના કોઈ પણ બંદર પર ઈરાનથી આવેલા માલને હૅન્ડલ નથી કરતું. તેમાં ઈરાનથી આવતા કોઈ પણ શિપમેન્ટ કે ઈરાની ધ્વજ હેઠળ ચાલતાં જહાજો પણ સામેલ છે."

"અદાણી જૂથ ઈરાની માલિકીના કોઈ જહાજનું સંચાલન નથી કરતું કે નથી કોઈ સુવિધા આપતું. અમારા તમામ પૉર્ટ્સ પર આ નીતિનું ચુસ્ત રીતે પાલન થાય છે."

નિવેદનમાં જણાવાયું છે કે વૉલ સ્ટ્રીટના અહેવાલમાં જે શિપમેન્ટનો હવાલો આપવામાં આવ્યો છે, તે થર્ડ પાર્ટી લૉજિસ્ટિક પાર્ટનરની દેખરેખમાં થયેલી ગતિવિધિ હતી. દસ્તાવેજો દ્વારા તેની પુષ્ટિ થાય છે અને તે મુજબ જહાજ ઓમાનના સોહરથી રવાના થયું હતું.

અદાણી ઍન્ટરપ્રાઇઝે એમ પણ જણાવ્યું કે, "એસએમએસ બ્રોસ સહિત કોઈ જહાજનું અમે સંચાલન નથી કરતા અને આ જહાજ અમારી માલિકીના નથી. તેથી આ જહાજોની હાલની કે ભૂતકાળની કોઈ ગતિવિધિ વિશે અમે ટિપ્પણી કરી શકીએ નહીં."

અદાણી સામે અમેરિકામાં જૂના આરોપો

ગયા વર્ષે અમેરિકામાં અદાણી પર પોતાની એક કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવાનો અને આ મામલાને છુપાવવાનો આરોપ લાગ્યો હતો.

જોકે, અદાણી જૂથે એક નિવેદન જારી કરીને આ આરોપો ફગાવી દીધા અને કહ્યું કે તમામ આરોપો પાયાવિહોણા છે.

અદાણી એવા પ્રથમ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના પર અમેરિકામાં આવા ગંભીર આરોપો લાગ્યા હતા.

તે વખતે ઇસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ ઑફ ન્યૂ યૉર્કના અમેરિકન ઍટર્નીની કચેરીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર ઉપરાંત અન્ય છ લોકો પર એક સોલર ઍનર્જી સપ્લાયનો કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને 25 કરોડ ડૉલરની લાંચ આપવાનો આરોપ નક્કી થયો છે.

ગયા મહિને બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૌતમ અદાણીના કેટલાક પ્રતિનિધિઓએ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના કેટલાક અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમાં ગૌતમ અદાણી પર લાગેલા ક્રિમિનલ કેસને રદ કરવાની ચર્ચા થઈ હતી. વૉલ સ્ટ્રીટ જર્નલે પણ પોતાના રિપોર્ટમાં આ બેઠકનો ઉલ્લેખ કર્યો છે.

આ અગાઉ અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગે 2023માં અદાણી પર એક રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં અદાણી જૂથના માલિક ગૌતમ અદાણી અને વિનોદ અદાણી પર ગંભીર આરોપો લગાવાયા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી જૂથના માલિક ગૌતમ અદાણીએ 2020માં પોતાની સાત લિસ્ટેડ કંપનીઓના શૅરોમાં ચેડા કરીને 100 અબજ ડૉલરની કમાણી કરી હતી. આ રિપોર્ટમાં ગૌતમ અદાણીની ભાઈ વિનોદ અદાણી સામે પણ ગંભીર આરોપો લગાવાયા હતા અને કહેવામાં આવ્યું હતું કે તેઓ 37 શૅલ કંપનીઓ ચલાવે છે જેના દ્વારા મની લૉન્ડરિંગ કરવામાં આવે છે.

રિપોર્ટ આવ્યા પછી એક મહિનાની અંદર ગૌતમ અદાણીના નેટવર્થમાં 80 અબજ ડૉલર એટલે કે લગભગ 6.63 લાખ કરોડ રૂપિયાથી વધુ ઘટાડો થયો હતો. ગૌતમ અદાણી ટૉપ 20 ધનાઢ્ય લોકોની યાદીમાંથી બહાર નીકળી ગયા હતા.

જોકે, ત્યાર પછી જાન્યુઆરી 2025માં હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ થઈ ગઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન