You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધારાવી : અદાણી જૂથ ઝૂંપડપટ્ટી 'ખાલી કરાવીને' 10 લાખ લોકોને કેવી રીતે નવાં ઘર આપશે?
- લેેખક, સુમેધા પાલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગટરોની કિનારે આવેલાં ઝૂંપડાં, સાંકડી શેરીઓ, જાતભાતના ધંધા અને આ બધાંની વચ્ચે દરરોજ જોવાતાં હજારો લાખો સપનાંઓ.
આ ધારાવી છે - એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ધારાવીને વિકસાવવા અને તેને નવો દેખાવ આપવાનું કામ દિવસે ને દિવસે ઝડપથી આગળ વધી રહ્યું છે.
છસો એકરમાં ફેલાયેલા ધારાવીના વિકાસની ચર્ચા નવી નથી, લગભગ બે દાયકાથી તેની વાતો ચાલી રહી છે.
હવે ધારાવીની ઝૂંપડપટ્ટીઓ દૂર કરીને ટાઉનશિપ બનાવવાના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.તેનું નામ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે.
ભવિષ્યમાં ધારાવીમાં 10 લાખથી વધુ લોકો માટે ફ્લૅટ, શાળાઓ, હૉસ્પિટલો વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવવાની યોજના છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જવાબદારી 'નવભારત મેગા ડેવલપર્સ લિમિટેડ'ને સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રૂપનો 80% અને મહારાષ્ટ્ર સરકારનો 20% હિસ્સો છે.
પહેલાં આ કામ 'ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ' ના નામથી હાથ ધરવામાં આવ્યું હતું.
એક તરફ ઘણા લોકો આ પ્રોજેક્ટ પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે, તો બીજી તરફ કેટલાક લોકોના મનમાં શંકાઓ પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભયભીત હતા તેવા લોકો સાથે વાત કરતાં એવું લાગે કે જાણે તેમની સામે પડકારોનો પહાડ ઊભો છે.
ઑસ્કાર વિજેતા ફિલ્મ 'સ્લમડૉગ મિલિયોનેર' કે દેશી હિપહૉપ ફિલ્મ 'ગલી બોય'થી પ્રખ્યાત ધારાવીની નવી તસવીર અને નવી કહાણી શું હશે?
ત્યાં રહેતા લોકો શું વિચારી રહ્યા છે? બીબીસીએ ધારાવી જઈને તેને જાણવા અને સમજવાનો પ્રયાસ કર્યો.
ધારાવીનો પુનર્વિકાસ કેવી રીતે થશે?
આ પ્રોજેક્ટનું નામ 'ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ' છે. જે મહારાષ્ટ્ર સરકાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની સાથે ભાગીદારીમાં લાગુ કરવામાં આવશે.
સરકારનું માનવું છે કે પુનર્વિકાસ પછી, 10 લાખથી વધુ લોકો વધુ સારું અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકશે.
આ પુનર્વિકાસ માટે કોઈ વ્યક્તિ લાયક છે કે નહીં તે નક્કી કરવા માટે ત્રણ માપદંડ છે:
1 જાન્યુઆરી, 2000 પહેલાં ધારાવીમાં ગ્રાઉન્ડ ફ્લૉર પર રહેતા લોકોને ધારાવીમાં જ સાડા ત્રણસો ચોરસ ફૂટના ઘર આપવામાં આવશે. તેમની પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં.
1 જાન્યુઆરી, 2000થી 1 જાન્યુઆરી, 2011 દરમિયાન ધારાવીમાં ગ્રાઉન્ડ ફ્લૉર પર રહેતા લોકોને 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ ધારાવીની બહાર ઘર આપવામાં આવશે.
તમામ ઉપલા ફ્લૉર પર રહેતા અને વર્ષ 2011થી 15 નવેમ્બર 2022 દરમિયાન ધારાવીમાં ગ્રાઉન્ડ ફ્લૉર પર રહેતા તમામ લોકોને ધારાવીમાં ઘર મળશે નહીં.
જોકે, તેમને મુંબઈના બીજા કોઈ ભાગમાં ભાડે વસાવવાની ચર્ચા છે. જો તેઓ ઇચ્છે, તો તેઓ તેને પછીથી ખરીદી પણ શકે છે. આ કામ માટે મુંબઈના વિવિધ વિસ્તારોમાં જમીન સંપાદન કરવામાં આવી રહી છે.
ઝૂંપડપટ્ટીઓનો પુનર્વિકાસ કેવી રીતે થાય છે?
જોકે, મુંબઈમાં પુનર્વસન કાર્ય 'ઝૂંપડપટ્ટી પુનર્વસન સત્તામંડળ' (SRA) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ઘર મેળવવા માટે પાત્ર વ્યક્તિ પહેલી જાન્યુઆરી 2000 પહેલાં પુનઃવિકાસ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેતી હોવી જોઈએ.
કેટલાક કિસ્સાઓમાં 2000 અને 2011ની વચ્ચે રહેતા વ્યક્તિઓને વૈકલ્પિક પુનર્વસન, જેમ કે ભાડાનું ઘર ઑફર કરવામાં આવી શકે છે. આ કાર્ય માટે મુંબઈમાં વિવિધ સ્થળોએ ઉપલબ્ધ જમીનના અનેક ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવશે એવી ચર્ચા છે.
આમાંથી એક પૂર્વ મુંબઈનો દેવનાર વિસ્તાર છે. આ એક કચરાનું ડમ્પિંગ ગ્રાઉન્ડ છે, જેનો અર્થ એ છે કે વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરાયેલ કચરો અહીં નાખવામાં આવે છે. અહીં ફક્ત કચરો જ છે. ધારાવીના લોકો અહીં કેવી રીતે રહેશે તેની ચિંતામાં છે.
ગમે તે હોય, ભારતીય પર્યાવરણીય કાયદા હેઠળ, સામાન્ય રીતે ડમ્પિંગ ગ્રાઉન્ડથી 500 મીટરની અંદર રહેણાંકને મંજૂરી નથી.
'ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના' (SRA)નો ઉદ્દેશ્ય ઝૂંપડપટ્ટીવાસીઓને વધુ સારા જીવન માટે સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ યોજના હેઠળ, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું નવી ઇમારતોમાં પુનર્વસન કરવામાં આવે છે. જે જમીન પર ઝૂંપડપટ્ટીઓ આવેલી છે તે જમીનનો પહેલાં વિકાસ કરવામાં આવે છે. ત્યાં રહેતા લોકોને કામચલાઉ રીતે બીજે ક્યાંક રાખવામાં આવે છે.
જ્યારે તે જગ્યાએ મકાન બનાવવામાં આવે છે, ત્યારે પાત્ર લોકોને ત્યાં નવું ઘર મળે છે. બિલ્ડરને ત્યાં કેટલીક જગ્યાઓનો વ્યાપારી ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે. આ કામ જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ કરવામાં આવે છે.
SRAના ભૂતપૂર્વ ચૅરમૅન ચંદ્રશેખર પ્રભુ એક આર્કિટેક્ટ છે. તેમનું માનવું છે કે ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજનાઓ શરૂઆતથી જ ખામીયુક્ત રહી છે. તેઓ કહે છે:
"70 લાખ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. મુંબઈની રચના એવી છે કે પાકા ઘરોની માંગ હંમેશાં રહે છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ ક્યારેય મફત ઘરોની માંગણી કરી નથી. તેમની માંગ એવી માળખાગત સુવિધાની છે. તેઓ ઇચ્છે છે કે તેમને તેમનાં ઘરમાંથી કાઢી મૂકવામાં ન આવે."
"આવી યોજનાઓ ફક્ત એવા લોકોના લાભ માટે છે જેઓ જાણે છે કે મુંબઈની 10% મોકાની જમીનો પર ઝૂંપડપટ્ટીઓ દ્વારા કબજો છે. ધારાવી જેવી અન્ય કોઈપણ પુનર્વસન યોજના કે પ્રોજેક્ટમાં, એકમાત્ર ઉદ્દેશ્ય ગરીબોને ત્યાંથી દૂર કરવાનો છે અને શ્રીમંતો માટે દરવાજાવાળી રહેણાંક વસાહતો બનાવી દેવામાં આવે."
ધારાવી શું છે અને અહીં રહેતા લોકો કોણ છે?
લગભગ છસ્સો એકરમાં ફેલાયેલું ધારાવી મુંબઈના સાત રેલવે સ્ટેશનોને જોડે છે. આ વિસ્તાર બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સની બાજુમાં છે. દેશની સૌથી મોટી કૉર્પોરેટ સંસ્થાઓની ઑફિસો અહીં આવેલી છે.
આજે ધારાવીમાં જ્યાં સ્થળાંતરિત મજૂરવર્ગ રહે છે, તે એક સમયે શહેરના માછીમારોનું ઘર હતું.
વહીવટીતંત્ર હવે ધારાવીને વૈશ્વિક કક્ષાના શહેરમાં પરિવર્તિત કરવા માંગે છે, પરંતુ અહીં રહેતા લોકો માટે, તે ઘણા નાના અને મોટા ઉદ્યોગોનું કેન્દ્ર છે. ઉપરાંત, અહીંની વિવિધતા પણ અનોખી છે.
દર વર્ષે ધારાવી માટીકામ, ચામડું અને પ્લાસ્ટિક જેવા નાના ઉદ્યોગોમાંથી લગભગ એક અબજ ડૉલરની કમાણી કરે છે.આનાથી લગભગ એક લાખ લોકોને રોજગાર મળે છે.
ધારાવીની અનોખી રચના અહીં વિવિધ વ્યવસાયો ચલાવવામાં પણ મદદ કરે છે. તેથી પુનર્વિકાસ દરમિયાન લોકો અને તેમના વ્યવસાયોનું પુનર્વસન એક મોટા પડકાર તરીકે જોવામાં આવે છે.
12 એકરમાં ફેલાયેલો કુંભારવાડો ધારાવીના સૌથી જૂના રહેવાસીઓ - કુંભારોનું ઘર છે. કુંભાર સમુદાયના ઘણા લોકો ઘરોને ચિહ્નિત કરવાના સર્વેનો વિરોધ કરી રહ્યા છે.
અહીં રહેતા દીપક કહે છે, "મારો પરિવાર ઘણી પેઢીઓથી આ કામ કરી રહ્યો છે. અમે માટી લાવીએ છીએ. અમે અહીંથી વાસણો બનાવીએ છીએ. અમે તેને મુખ્ય રસ્તા પર વેચીએ છીએ. મારાં માતા અને મારાં બાળકો અહીં રહે છે. અમે એકજૂટ થઈને કામ કરીએ છીએ."
માટીમાંથી બનેલી વસ્તુઓ બતાવતા દીપક કહે, "અમે આટલી નાની જગ્યામાં અમારું પોતાનું અનોખું સેટઅપ બનાવ્યું છે. જો અહીં ટાઉનશિપ બનાવવામાં આવશે, તો અમને ખબર નથી કે અમે કેવી રીતે અને ક્યાં કામ કરીશું."
"જો અમને બીજે ક્યાંક મોકલવામાં આવશે, તો અમારું ઉત્પાદન બંધ થઈ જશે. વ્યવસાયને અસર થશે."
ધારાવીની આ સાંકડી ગલીઓમાં ફક્ત કુંભાર જ નહીં, સાવરણી બનાવનારાથી લઈને ટૂર ગાઇડ અને ઘરકામ કરનારા લોકો પણ રહે છે અને કામ કરે છે. અહીં ચામડાંનો ઉદ્યોગ ઘણો મોટો છે. દરેક ધર્મના લોકો તેમાં કામ કરે છે.
ધારાવીનો ચામડાં ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં તેનાં ચામડાનાં ઉત્પાદનોની નિકાસ કરે છે. પ્રાણીનું ચામડું સાફ કરવાથી લઈને તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા સુધી, બધું જ અહીં કરવામાં આવે છે. ચામડાંના વેપારીઓ પણ પુનર્વિકાસ પ્રોજેક્ટ અંગે ચિંતિત છે.
ચામડાંના વેપારના કેન્દ્ર સમાન શેરીઓમાંથી એકમાં ઇમરાનની દુકાન આવેલી છે. લોકો અહીંથી ચામડાંની બનાવટો ખરીદે છે. દુનિયાભરમાંથી ખરીદદારો ઇમરાનની દુકાન પર આવે છે.
ઇમરાને બીબીસીને કહ્યું, "ધારાવી નાના પાયાના ઉદ્યોગોનું કેન્દ્ર છે. ઉદાહરણ તરીકે ચામડાંના ઉદ્યોગને જુઓ. અહીં દરેકનું કામ શરીરની જેમ વહેંચાયેલું છે. આ ઉદ્યોગનાં હાથ, પગ, હૃદય અને મગજ અલગ-અલગ લોકો છે."
"જો તેને અલગ કરવામાં આવશે તો ભવિષ્યમાં આ શરીર મરી જશે. આ રીતે આપણે સાથે મળીને કામ કરવું પડશે નહીંતર લોકો તેમના વ્યવસાયો ગુમાવશે. લોકો બેરોજગાર થઈ જશે અને આની ધારાવી પર ભારે અસર પડશે."
પુનર્વિકાસના ફાયદા અંગે લોકો શું કહે છે?
ચંદ્રશેખર પટવા રાખડી બનાવવાનું કામ કરે છે. તેમની સપ્લાય ચેઇન સમગ્ર ધારાવીમાં ફેલાયેલી છે. ચંદ્રશેખર મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના છે.
ચંદ્રશેખર ઘણાં વર્ષો પહેલાં ધારાવી આવ્યા હતા. રાખડી બનાવવાના આ કામમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ છે. તેઓ ઘરે રહીને પણ કામ કરે છે. રાખડી બનાવવાનું કામ આખું વર્ષ ચાલુ રહે છે. ચંદ્રશેખર પટવા પણ પુનર્વિકાસના મુદ્દા અંગે ચિંતિત છે.
ચંદ્રશેખર પટવા કહે છે, "ધારાવી એક સોનાનું પક્ષી છે. અમે તેને ખૂબ મહેનત કરીને બનાવ્યું છે. અમે ખાલી પેટે સૂઈને રાતો કાઢી છે, પછી અમે અહીં પહોંચ્યા છીએ. અમારી ઘણી પેઢીઓએ અલગ-અલગ નોકરીઓ કરી છે. જો કોઈ પુનર્વિકાસના નામે આ બધું છીનવી લે છે, તો તે અમારા માટે સારું નહીં હોય."
ધારાવી વિશે વાત કરતાં ડૉ. જાવેદ ખાન કહે છે, "ધારાવી ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ વળાંક પર ઊભું છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ધારાવી એક મિની-ઇન્ડિયા જેવું છે. લાખો લોકો દેશના વિવિધ ભાગોમાંથી પોતાની આજીવિકા મેળવવા માટે મુંબઈ આવે છે."
"ધારાવીનો પુનઃવિકાસ કરવાનો પ્રયાસ પહેલાં પણ થયો છે."
"આ પ્રોજેક્ટ દ્વારા લોકોને ઘર તો મળશે, પણ તેમની આજીવિકા છીનવાઈ જશે. તેમનાં બાળકોના શિક્ષણ પર અસર પડશે. આ સ્થળનું સામાજિક માળખું બરબાદ થઈ જશે."
ડૉ. જાવેદ કહે છે કે જો લોકો દેવનાર કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડની નજીક વસે, તો તેનાથી અનેક રોગોનું જોખમ વધી શકે છે. ત્યાંનું પાણી પણ સારું નહીં હોય. ટીબી જેવા રોગો પણ થઈ શકે છે.
પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ ધારાવીમાં પણ એક સર્વે ચાલી રહ્યો છે. આ સર્વેક્ષણ હેઠળ પ્રોજેક્ટ માટે લોકો પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે.
જેઓ આ સર્વેમાં ભાગ નહીં લે. તેમને આ પ્રોજેક્ટ હેઠળ નવા આવાસો આપવામાં આવશે નહીં. આ સર્વેક્ષણ વચ્ચે, ધારાવીના હાલના રહેવાસીઓને પણ 'અયોગ્ય' જાહેર થવાનો ડર છે.
સલમા એક ઘરકામ કરનારાં મહિલા છે. તેમનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીઓથી ધારાવીમાં રહે છે. તેમને ડર છે કે તેઓ બેઘર થઈ જશે.
સલમા કહે છે, "અમને સરકાર કે DRPL (ધારાવી રિડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ) તરફથી કોઈ નક્કર માહિતી મળી રહી નથી. અમને ખબર નથી કે તેઓ અમને ઘર આપશે કે નહીં અથવા કયા આધારે અમને લાયક કે અયોગ્ય ગણવામાં આવશે."
સલમા કહે છે, "તેઓ (સરકાર) કહે છે કે તેઓ વિકાસ માટે આ બધું કરી રહ્યા છે, પરંતુ વિકાસ બધા માટે સમાન હોવો જોઈએ. અમને લાગે છે કે અમે સમાન નથી."
"અમારી સાથે જીવજંતુઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જાણે આપણે રસ્તા પર રખડતા હોઈએ અને સરકાર આપણને કચડી રહી હોય. અમે સર્વેની વિરુદ્ધ નથી, પણ અમને ઘરના બદલામાં ઘર જોઈએ છે."
ધારાવીમાં દરેક ધર્મ અને સમુદાયના લોકો સમાન ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
ધારાવી બચાવો આંદોલન (DBA) નામનું એક સંગઠન શરૂઆતથી જ આ પ્રોજેક્ટનાં પાત્રતા અને પુનર્વસન ધોરણોનો વિરોધ કરી રહ્યું છે.
ડીબીએના રાજુ કોર્ડે કહે છે, "વર્ષ 2009 માં આ પ્રોજેક્ટમાં કોઈ પાત્રતાની શ્રેણી હતી જ નહીં. જનતાને છૂટ આપવામાં આવી હતી કે દરેકનું પુનર્વસન કરવામાં આવશે, જે હવે નથી થઈ રહ્યું. અમારી એકમાત્ર માંગ છે કે 'કટ ઑફ ડેટ' દૂર કરવામાં આવે. દરેકને ઘર આપવામાં આવે."
દરજી તરીકે કામ કરતાં સાબિયા માને છે કે આ પ્રોજેક્ટ સારા ભવિષ્ય તરફનું પહેલું પગલું છે. જોકે, તેઓ પણ ચિંતિત છે.
સાબિયા કહે છે, "અમે બધું વેચી દીધું અને અહીં અમારું ઘર બનાવ્યું. અમારી પાસે બધા કાગળો છે પણ હવે તેઓ 2000 પહેલાનું મતદાર ઓળખકાર્ડ માંગે છે. અમારી પાસે તે નથી."
"અમે આ ઘર અમારાં બાળકોને સારું શિક્ષણ આપવા માટે બનાવ્યું છે. હું દિવસ-રાત કામ કરું છું જેથી તેમનું ભવિષ્ય સારું બને. જો અમે નોકરી અને ઘર ગુમાવી દઈશું, તો બધું જ ખતમ થઈ જશે."
પ્રોજેક્ટના સીઈઓ શું કહે છે?
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યૂટિવ ઑફિસર) એસ.વી.આર. શ્રીનિવાસ સાથે બીબીસીએ ઘર માટેની પાત્રતાનાં માપદંડો પર વાત કરી.
શ્રીનિવાસે કહ્યું, "આ વિશ્વનો સૌથી મોટો શહેરી નવીનીકરણ પ્રોજેક્ટ છે. અમારી યોજના ગેઇમ-ચૅન્જર છે. ધારાવીની શેરીઓ એટલી સાંકડી છે કે ત્યાં શૌચાલય નહોતાં, પાણી નહોતું... કંઈ નહોતું. અમે દરેકને ઘર પૂરું પાડવાના સિદ્ધાંત સાથે કામ કરી રહ્યા છીએ, પછી ભલે તે લાયક હોય કે અયોગ્ય."
તેઓ કહે છે, "અમે ઘણા લોકોને ભાડાની સુવિધા પણ આપી રહ્યા છીએ. તેમને સરકાર દ્વારા નક્કી કરાયેલી કિંમતે આ મકાનો ખરીદવાની તક પણ મળશે."
ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ વિવાદોથી ઘેરાયેલો છે
આ પ્રોજેક્ટ પર ચર્ચા સૌપ્રથમ વર્ષ 2004 માં શરૂ થઈ હતી. ત્યારથી આ પ્રોજેક્ટ વિવાદોથી ઘેરાયેલો છે.
બે દયકા દરમિયાન ઘણી કંપનીઓએ બોલી લગાવી, પરંતુ બધું પાર ન ઉતર્યું. છેવટે નવેમ્બર 2022 માં અદાણી ગ્રૂપે બિડ મેળવી.
2019 માં દુબઈસ્થિત 'સેકલિંક ટૅક્નૉલૉજીઝ કૉર્પોરેશન' એ અદાણી સામે બોલી જીતી, પરંતુ ટૅકનિકલ કારણોસર તેમને ટેન્ડર મળ્યું ન હતું.
થયું એવું કે કંપનીએ તેના ટેન્ડરમાં 47.5 એકર રેલવે જમીનનો સમાવેશ કર્યો ન હતો. આ મુદ્દે વિવાદ થયો અને આ કેસ કોર્ટમાં પણ ગયો. જોકે બાદમાં ચુકદો અદાણી ગ્રૂપની તરફેણમાં આવ્યો.
બીજી તરફ વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ પ્રોજેક્ટથી મુંબઈના લોકોને ફાયદો થશે નહીં, પરંતુ વડા પ્રધાન મોદીના નજીકના ગણાતા ગૌતમ અદાણીને ફાયદો થશે.
તે જ સમયે મુંબઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આશિષ શેલારે કહ્યું છે કે આ પ્રોજેક્ટ એક જરૂરિયાત અને પ્રાથમિકતાનો પ્રોજેક્ટ છે. જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે તેઓ 'અર્બન નક્સલીઓ' છે.
તાજેતરમાં મુંબઈની મુલાકાતે આવેલા કૉંગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધારાવીમાં ચામડાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ મળ્યા હતા.
આ મુદ્દા પર સતત વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ ઘણા લોકોને ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટથી આશા પણ છે. અહીંના લોકો પણ મુંબઈના વિવિધ ભાગોમાં રહેતા લોકોની જેમ સારું જીવન જીવવા માંગે છે.
સારા ભવિષ્યની આશા
પૂજા યુવાન છે અને યોગ શીખવે છે. તે કહે છે, "જ્યારે હું ઑફિસ જાઉં છું, ત્યારે મને એવા લોકો દેખાય છે, જે બીજા સારા વિસ્તારોમાંથી આવે છે."
"તેમની વસાહતો ખૂબ જ વિકસિત છે. તેમની જીવનશૈલી સારી છે. અહીંના લોકો વિકસિત છે, પણ કોઈ જાતની પ્રાઇવસી નથી. અમને ચમકતી ધારાવી જોઈએ છે. અમને એવી જગ્યાઓ પણ જોઈએ છે, જ્યાં અમે રીલ્સ શૂટ કરી શકીએ."
આ જ શેરીઓમાં ઉછરેલા રમાકાંતને પણ આ પ્રોજેક્ટથી આશાઓ ધરાવે છે.
રમાકાંત કહે છે, "મારી શેરીમાં જે ઘરો છે એનાથી મોટી જગ્યા તો ઘોડા કે ભેંસને રાખવાની હોય છે. મને અપેક્ષા છે કે આ પ્રોજેક્ટ સાથે વસ્તુઓ બદલાશે. આ પછી, ધારાવી પણ બદલાશે."
"આજનાં બાળકો એ સપનાંઓ પૂરા કરી શકશે, જે અમે પૂરા કરી શક્યા નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન