You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : ઘર કે દુકાનના ભાડૂઆતની પોલીસ સ્ટેશનમાં નોંધણી કેમ જરૂરી છે, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઘર કે દુકાન કે અન્ય મિલકત ભાડે આપો છો અને ભાડૂઆતની પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવતા નથી તો તમારી વિરુદ્ધ પોલીસ કેસ દાખલ થઈ શકે છે.
તમારી માલિકીનું ઘર કે દુકાન જેને ભાડે આપો છો તે ભાડૂઆત અંગે પોલીસને જાણ કરાવવી ફરજિયાત છે.
તાજેતરમાં જ અમદાવાદ પોલીસે ભાડૂઆતનું રજિસ્ટ્રેશન ન કરાવનાર ઘર અને દુકાનના માલિકો સામે ડ્રાઇવ શરૂ કરી છે અને ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે. ભાડૂઆતનું રજિસ્ટ્રેશન ઑનલાઇન થઈ શકે છે. તેમજ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ કરી શકાય છે.
પોલીસને જાણ કરવાની જવાબદારી ઘર, દુકાન કે ઑફિસ કે અન્ય મિલકત ભાડે આપનાર માલિકની છે.
શહેરી વિસ્તારમાં પોલીસ કમિશ્નર અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કલેક્ટર દ્વારા અવારનવાર ભાડૂઆત અંગે ફરજિયાત રજિસ્ટ્રેશન માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે. તેમજ સમયાંતરે આ અંગે ડ્રાઇવ પણ કરવામાં આવે છે.
ગુનેગારો ગુપ્ત રીતે રહીને ગુનાહિત પ્રવૃત્તિ કરીને માનવ જીવનને નુકસાન પહોંચાડી શકે છે. ગુનેગારો ગુનો કરીને ભાગી શકે છે. જેથી પોલીસ વેરિફિકેશન ખૂબ જ જરૂરી છે.
પોલીસ વેરિફિકેશનમાં ભાડૂઆતનાં કાયમી સરનામાનો પુરાવો , ઓળખનો પુરાવો, પાસપોર્ટ, સહી કરેલો ફોટો સહિતના દસ્તાવેજોની ઝેરોક્ષ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની હોય છે.
અમદાવાદ સેક્ટર 2 અધિકારી નિરજ બડગુજરે આ અંગે માહિતી આપતા બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે ઘણીવાર ભાડે રાખનાર વ્યક્તિ ભાડે રાખેલા સ્થળ ઉપર ગુનો આચરી નાસી જતી હોય છે. જેના કારણે મકાન-મિલકતના માલિક સાથે ગુનામાં ભોગ બનનારી વ્યકિતને ઘર્ષણ થવાની શક્યતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભૂતકાળના અનુભવે જાણવા મળ્યું છે કે ચોરી લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા મોટાભાગના આરોપીઓ ભાડાના મકાન રહેતા હોય છે. ગુનો આચર્યા બાદ તેઓ ઘર છોડીને જતા રહે છે. આ ગુના અંગેની પોલીસ કાર્યવાહી અને કોર્ટમાં કેસની કાર્યવાહી સમયે તેમને શોધવા મુશ્કેલ બનતા હોય છે."
"ભાડે મિલકત રાખીને કેટલાંક તત્ત્વો દેશવિરોધી, આતંકવાદી પ્રવૃત્તિ કરે તેવી શક્યતા રહેલી હોય છે."
"મકાન માલિકે પોતાની સલામતીના ભાગરૂપે પણ પોલીસમાં ભાડૂઆતની નોંધણી કરાવવી જરૂરી છે."
"ગુનો આચરીને નાસી જનાર આરોપીઓને સરળતાથી શોધી શકાય તે માટે મકાન માલિકે ભાડૂઆતની નોંધણી સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરાવવી ખૂબ જ જરૂરી છે."
આ અંગે વાત કરતાં નિરજ બડગુજરે જણાવ્યું હતું કે "તમારી માલિકીની મિલકત કોઈ વ્યક્તિને ભાડે આપો ત્યારે ભાડૂઆતનો પરિચય કરાવનાર વ્યક્તિ કે દલાલની માહિતી પણ તમારે રાખવી જોઈએ."
તેમના જણાવ્યા મુજબ -
-ભાડે રાખનાર વ્યક્તિ પહેલાં ક્યાં રહેતી હતી શું ધંધો કરતી હતી તે અંગે પણ વિગતો મેળવવી જોઈએ. તેમજ તેના ઓળખના પુરાવા પણ મેળવવા જોઈએ.
-ભાડે રાખનાર વ્યક્તિ અત્યારે શું વ્યવસાય કે નોકરી કરે છે તેના નોકરી ધંધાનું સરનામુ તેનું કાયમી સરનામું વગેરે વિગતો પણ મેળવવી જોઈએ.
-ભાડે રાખનાર વ્યકિત કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે કે કેમ તે અંગે પણ માહિતગાર થવું ખૂબ જ જરૂરી છે. તેમજ ભાડૂઆત ભાડે રાખેલી મિલકતનો તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે તો ઉપયોગ કરતો નથી તે અંગે માલિકે સમયાંતરે ચકાસણી કરતા રહેવું જોઈએ.
નિરજ બડગુજરે વધુમાં જણાવ્યું હતું કે, "તમારા મિલકતનો ભાડૂઆત કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યો હોય અથવા તો સંડોવાયેલો હોય અને તે અંગે તમને માહિતી મળે તો તમારે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ."
નિરજ બડગુજરે જણાવેલ કે તમારી માલિકીનું મકાન, દુકાન, ઑફિસ, ગોડાઉન કે ઔધોગિક એકમ કોઈને પણ ભાડે આપો તે ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા ગુજરાત પોલીસની વેબસાઇટ પર ઑનલાઇન ફૉર્મ ભરીને વેરિફિકેશ કરી શકાય છે.
તેઓ કહે છે કે,"મકાન માલિક ભાડૂઆત સંબંધે સરળતાથી નોંધણી કરાવી શકે તે માટે સરકારે સિટિઝન પોર્ટલ વિકસાવેલું છે. આ પોર્ટલ પર ઑનલાઇન નોંધણી કરાવી શકાય છે."
ગુજરાત પોલીસ વેબસાઇટ પર ભાડૂઆત નોંધણીનું ફૉર્મ હશે. આ ભાડૂઆત નોંધણી ફૉર્મમાં ઑનલાઇન વિગતો ભરવાની હોય છે. ફૉર્મ ભરીને તેમા જરૂરી દસ્તાવેજો જોડીને ઑનલાઇન જ સબમિટ કરવાનું હોય છે.
ફૉર્મમાં કેટલીક માહિતી ભરવાની હોય છે. જેમ કે ફૉર્મમાં ભાડૂઆતનું નામ, હાલનું સરનામું, ભાડૂઆતનું કાયમી સરનામું, તેનો વ્યવસાય, રાષ્ટ્રીયતા,ધર્મ, લિંગ, જન્મ તારીખ, સંપર્ક નંબર વગેરે વિગતો ભરવાની હોય છે. આ ફૉર્મમાં ભાડૂઆતનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ ઓળખના પુરાવાની ઝેરોક્ષ પણ જોડવાની હોય છે.
નિરજ બડગુજરે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડેલ જાહેરનામા મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની ભાડે આપેલ મિલકતનું પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવે નહીં અને તે પોલીસના ધ્યાને આવે તો તે મિલકતના માલિક વિરુદ્ધમાં જાહેરનામા ભંગ બદલ ભારત ન્યાય સંહિતાની કલમ-223 મુજબ ફરિયાદ નોંધવામાં આવે છે. જે ગુનામાં છ માસથી એક વર્ષ સુધીની સજા તથા રોકડ દંડની જોગવાઈ છે."
ઉલ્લેખનીય છે કે પોલીસે તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ઘરે ઘરે જઈને પૂછપરછ કરી રહી છે. તેમજ ભાડે રહેનાર લોકો પાસે વિગતો મેળવીને જે માલિકોએ ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું નથી તેમની સામે જાહેરનામાં ભંગની ફરિયાદ દાખલ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ઑક્ટોબર 2024માં રાજ્યભરમાં પોલીસે ભાડૂઆત રજિસ્ટ્રેશન અંગે મેગા ડ્રાઇવ શરૂ કરી હતી. તેમજ રજિસ્ટ્રેશન ન કરાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને ફોજદારી કાર્યવાહી કરી હતી.
પોલીસ વિભાગે જાહેરનામાં જણાવેલા જોખમો અનુસાર ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે, ત્રાસવાદી/ગુનેગાર તત્ત્વો રહેણાક વિસ્તારમાં ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જિંદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ હોય છે.
પોલીસ વિભાગ અનુસાર, "આંતકવાદીઓ તથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે દેશમાંથી આવી કોઈના મકાન ભાડે રાખીને અમદાવાદમાં રહી સ્થાનિક જ્ગ્યા વગેરેનો સરવે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાની શક્યતા નકારી શકાય નહીં."
"અમદાવાદ શહેરમાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ મકાન, ઔધોગિક એકમ, ઑફિસ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ કોઈ પણ પ્રકારના મકાન પોલીસને જાણ કર્યા સિવાય ભાડે આપી શકાય નહીં. જો પોલીસને જાણ કર્યા સિવાય મકાન કે અન્ય મિલકત ભાડે આપવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે."
ભાડૂઆતની જાણ ન કરનાર મકાન કે દુકાનના માલિક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ જાહેરનામાં ભંગની ફરિયાદ દાખલ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન