ગર્ભપાત સિવાયના ગર્ભનિરોધના વિકલ્પો કેટલા, તેમાંથી તમારા માટે કયો વિકલ્પ યોગ્ય છે?

    • લેેખક, ડૉ. દેશમ પી. આર.
    • પદ, બીબીસી માટે

સત્તાવાર અહેવાલો જણાવે છે કે ભારતમાં દર વર્ષે 11 લાખથી 12 લાખ ગર્ભપાત કરાવવામાં આવે છે, જ્યારે બિનસત્તાવાર અહેવાલો સૂચવે છે કે સત્તાવાર સંખ્યા વાસ્તવિક સંખ્યાના માત્ર 10 ટકા જ છે અને 90 ટકા ગર્ભપાત ગુપ્ત રીતે કરવામાં આવે છે.

લૅન્સેટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 2015માં ભારતમાં દોઢ કરોડથી વધુ ગર્ભપાત કરવામાં આવ્યા હતા. છેલ્લાં 10 વર્ષમાં આ સંખ્યામાં મોટો વધારો થયો છે.

કુલ પૈકીના 20-25 ટકા ગર્ભપાત જ હૉસ્પિટલો અથવા વ્યાવસાયિકોની દેખરેખ હેઠળ કરવામાં આવતા હોવાનો અંદાજ છે.

બાકીના 75-80 ટકા ગર્ભપાત અસલામત વાતાવરણમાં કરવામાં આવે છે અને ગર્ભપાત કાયદેસર ગુનો છે, એવી ગેરસમજ તેનું કારણ છે.

ગર્ભનિરોધક વિશે જાણવા જેવી વાતો

ગર્ભાવસ્થા અટકાવવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ ઘણા લોકો એ વિશે જાણતા નથી અને ગર્ભપાતનો આશરો લે છે. ગર્ભપાત દરમિયાન સ્ત્રીએ ઘણું લોહી ગુમાવવું પડે છે.

ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ ગોળી તેના નામ પ્રમાણે કટોકટીના સમયમાં લેવા માટે જ બનાવવામાં આવી છે, પરંતુ તે મહિનામાં બે કે ત્રણ વાર લેવાથી વિવિધ આડઅસરો થાય છે.

જાતીય સ્વાસ્થ્ય વિશે જાગૃતિનો અભાવ, જાતીય જીવન વિશે વાત કરવાની અનિચ્છા અને ચાર લોકો વચ્ચે તે બાબતે ચર્ચા કરવા તક ન મળતી હોવાથી નુકસાનની પરિસ્થિતિ સર્જાય છે.

આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે યુવાઓ અને નવપરિણીત યુગલો ભારે માનસિક તણાવમાં હોય છે. શું કરવું અથવા કોનો સંપર્ક કરવો એ તેઓ જાણતા નથી.

ગર્ભાવસ્થા અટકાવવા માટે ક્યા વિકલ્પો ઉપલબ્ધ છે એ જાણી લેવાથી તમે ગર્ભપાતની હદ સુધી જવાનું ટાળી શકો છો.

મહિલાઓએ તેમના શરીરને સારી રીતે જાણી લેવું જોઈએ અને નિષ્ણાતો પાસેથી સલાહ લેવી જોઈએ કે તેમના માટે ગર્ભનિરોધની કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે.

કૉન્ડોમ કેટલો ઉપયોગી છે

એકથી વધુ જાતીય ભાગીદારો ધરાવતા લોકો માટે કૉન્ડોમનો ઉપયોગ શ્રેષ્ઠ છે. તેનું કારણ એ છે કે કૉન્ડોમ એકમાત્ર એવો ગર્ભનિરોધક વિકલ્પ છે, જે એચઆઈવી, હેપેટાઇટિસ-બી અને અન્ય જાતીય રોગો સામે રક્ષણ આપે છે. તે એક ભાગીદારના સ્રાવને બીજા ભાગીદારના સ્રાવ સાથે ભળતો અટકાવે છે.

પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ કૉન્ડોમ ઉપલબ્ધ છે. મોટાભાગના લોકો પુરુષો માટેના કૉન્ડોમથી પરિચિત છે. મહિલાઓને તેમના માટેના કૉન્ડોમ વાપરવામાં મુશ્કેલી હોય તો બજારમાં કે-વાય જેલી ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરવાથી સંભોગ દરમિયાન વધુ પડતાં ઘર્ષણને રોકવામાં મદદ મળે છે.

અલબત, કૉન્ડોમની સમસ્યા એ છે કે તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ તમે ન જાણતા હો તો તે ફાટી-તૂટી શકે છે. પછી ગર્ભધારણની શક્યતા સર્જાય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જાતીય ચેપ પ્રસરવાનું જોખમ પણ સર્જાય છે. તેથી કૉન્ડોમના ઉપયોગ પહેલાં તેના વિશે બરાબર જાણી લેવું જોઈએ. એ ઉપરાંત શુક્રાણુનાશક જેલીના ઉપયોગથી પણ ગર્ભાવસ્થાને અટકાવી શકાય છે.

બર્થ કંટ્રોલ પિલ કેવી રીતે કામ કરે છે?

જે મહિલાઓ હાલ બાળકને જન્મ આપવા ઇચ્છતી ન હોય તેઓ આવી બર્થ કન્ટ્રોલ પિલ્સનો ઉપયોગ કરી શકે છે. આ ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી તેમને ગર્ભ રહેતો નથી. તેનું કારણ એ છે કે બર્થ કન્ટ્રોલ પિલ્સ મહિલાઓને ઈંડા મુક્ત કરતી અટકાવે છે. આવી ગોળીમાં ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એમ બે પ્રકારના હોર્મોન્સ હોય છે.

અનિયમિત માસિક ચક્ર, એનિમિયા, માસિક દરમિયાન ભારે રક્તસ્રાવ અને પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (માસિક સ્રાવ પહેલાનું ચીડિયાપણું, ચિંતા) ધરાવતી મહિલાઓ બે હોર્મોન્સનું સંયોજન ધરાવતી આ ગોળીઓનો ઉપયોગ કરીને આ સમસ્યાઓમાં ઘટાડો કરી શકે છે.

રાષ્ટ્રીય પરિવાર આયોજન કાર્યક્રમ હેઠળ સરકાર માલા-એન અને માલા-ડી નામની ગોળીઓ ગામડાઓમાં મફતમાં કે ખૂબ જ ઓછી કિંમતે વહેંચે છે. એ ઉપરાંત માર્કેટમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. એ બધી ગોળીઓ દવાની દુકાનમાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાય છે.

આવી ગોળી માસિક સ્રાવ શરૂ થાય તે દિવસથી સતત 21 દિવસ લેવી જોઈએ. બાકીના સાત દિવસ માટે રેડ આયર્ન ટૅબ્લેટ્સ લેવાની હોય છે. એ સમયે તમારા પીરિયડ્સ શરૂ થશે. તમારે ફરીથી સાઇકલ શરૂ કરવી પડશે.

બર્થ કંટ્રોલ માટેની ગોળીઓ કોણે ન લેવી જોઈએ?

ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ધરાવતી ગોળીઓ લોહી ગંઠાઈ જવાની વિકૃતિ ધરાવતી, 35 વર્ષથી વધુ વયની, ધૂમ્રપાન કે દારૂ પીતી, માઇગ્રેન, કૅન્સર, બ્લડ કૅન્સર ધરાવતી, સ્તનપાન કરાવતી અને સ્થૂળકાય મહિલાઓએ ન લેવી જોઈએ.

અગાઉ જણાવ્યું તેમ માર્કેટમાં જન્મ નિયંત્રણની વિવિધ પ્રકારની ગોળીઓ ઉપલબ્ધ છે. તેમાં હોર્મોન્સની માત્રા ઓછી હોય છે. એક 'મીની પિલ' પણ મળે છે. તેમાં ફક્ત પ્રોજેસ્ટેરોન હોય છે. આ ગોળી સ્તનપાન કરાવતી સ્ત્રીઓ જ લઈ શકે છે.

સરકારે તાજેતરમાં એક ગર્ભનિરોધક ગોળી બનાવી છે, જેમાં દરેક માટે ઉપલબ્ધ હોર્મોન્સ નથી. આ ગોળીનું નામ 'સહેલી' અને 'છાયા' છે. આ ગોળી બધી વયની મહિલાઓ લઈ શકે છે.

આ ગોળી પહેલાં ત્રણ મહિનામાં અઠવાડિયે બે વખત લેવાની હોય છે. એ પછી અઠવાડિયામાં એક વાર લેવી પૂરતું છે.

સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો સાવધ રહો

જે લોકો કોઈપણ જાતીય રોગ, પીસીઓએસ અથવા ટીબીથી પીડાતા હોય તેમણે નિષ્ણાતની સલાહ લીધા પછી જ બર્થ કન્ટ્રોલ પિલ્સનો ઉપયોગ કરવો જોઈએ.

જે લોકો મોં વાટે ગોળી લેવા ન ઇચ્છતા હોય તેમના માટે ત્વચા પર લગાવવાનો પૅચ ઉપલબ્ધ છે. તે પૅચ પેટ, ખભા અથવા પીઠ પર લગાવી શકાય છે. તે મહિનામાં એક સપ્તાહ સુધી લગાવવો જોઈએ.

ગર્ભાવસ્થા અટકાવવાના ઇન્જેક્શન પણ ઉપલબ્ધ છે. અંતરા નામના ઇન્જેક્શનમાં ડીએમપીએ નામનું હોર્મોન હોય છે. તમે તેનો ઉપયોગ કરવા ઇચ્છતા હો તો તે દર ત્રણ મહિને લેવું પડશે.

તે બધી વયની મહિલાઓ લઈ શકે છે. તે માસિક વેળાના રક્તસ્રાવને પણ ઘટાડે છે. કૅન્સર, લીવર અથવા કિડનીની સમસ્યા ધરાવતી મહિલાઓએ આ ઇન્જેક્શન ન લેવું જોઈએ. આ ઇન્જેક્શન સરકાર પાસેથી વિનામૂલ્યે મેળવી શકાય છે.

ઇમ્પ્લાન્ટ

સબડર્મલ ઇમ્પ્લાન્ટ નાની લાકડી જેવા હોર્મોન-રિલીઝિંગ ઇમ્પ્લાન્ટ્સ હોય છે. તે કોણીની ત્વચા નીચે મૂકવામાં આવે છે. તેના ઉપયોગથી ગર્ભાવસ્થાને ત્રણથી પાંચ વર્ષ સુધી અટકાવી શકાય છે. એ પછી તેને દૂર કરવા આવશ્યક છે.

ગર્ભાશયમાં ઉપકરણ

માતા અને બાળક સ્વસ્થ રહે એટલા માટે બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું ત્રણ વર્ષનું અંતર હોવું જોઈએ. એ સમયગાળામાં ગર્ભાશયમાં કૉપર-ટી બેસાડવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. કૉપર-ટી ત્રણથી પાંચ વર્ષ સુધી કામ કરે છે.

મરિના નામની આવી ડિવાઇસનો ઉપયોગ કરવાથી દસ વર્ષ સુધી ગર્ભધારણ રોકી શકાય છે.

નસબંધી અથવા ટ્યુબેક્ટોમી જેવા ઑપરેશન્શ કુટુંબ નિયોજન માટે શ્રેષ્ઠ છે. પુરુષો નસબંધી કરાવે તો તેનો ઘા ખૂબ જ ઓછા સમયમાં રૂઝાય જાય છે.

કટોકટીની પરિસ્થિતિમાં શું કરવું?

જે મહિલા ગર્ભવતી થવા ન ઇચ્છતી હોય તે ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લઈ શકે છે.

આ ગોળી સંભોગ કર્યાના 72 કલાકની અંદર લેવી જરૂરી છે. જોકે, આ ગોળીનો ઉપયોગ માત્ર અને માત્ર કટોકટીની પરિસ્થિતિમાં જ કરવો જોઈએ.

તેનો વારંવાર ઉપયોગ કરવાથી માસિક સ્રાવની સમસ્યાઓ, ગર્ભાશયની સમસ્યાઓ અને ઍનિમિયા થઈ શકે છે.

તેથી મહિલાઓએ તેમના પાર્ટનર સાથે મળીને વિચાર કરવો જોઈએ અને તેમના માટે જન્મ નિયંત્રણની યોગ્ય પદ્ધતિ પસંદ કરવી જોઈએ.

આ બધી પદ્ધતિઓ આપણે આપણી અનુકૂળતા માટે શોધી છે.

કુદરતી બાળજન્મ ટાળવા માટે તમે તમારા માસિકસ્રાવના ત્રણ દિવસ પહેલાં અને ત્રણ દિવસ પછી શારીરિક સંભોગ કરો તો ગર્ભ રહેવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. તેમ છતાં કૉન્ડોમ જેવા વિકલ્પનો ઉપયોગ કરીને ચેપ લાગતો અટકાવી શકાય છે.

(નોંધઃ આ લેખના લેખક ડૉક્ટર છે. આ લેખ તબીબી બાબતો સરળ રીતે સમજાવવા અને જાગૃતિના હેતુસર લખવામાં આવ્યો છે.)

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)