સ્તન મોટાં કરવાની સર્જરી કરાવ્યા બાદ હવે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કેમ કઢાવી રહી છે મહિલાઓ?

    • લેેખક, ઇલોના હ્રોમ્લિયુક અને લુઈસ બારુચો
    • પદ, બીબીસી ન્યૂઝ યુક્રેન અને બીબીસી વર્લ્ડ સર્વિસ

યુક્રેનનાં 32 વર્ષનાં બ્લોગર અને પોષણશાસ્ત્રી કેટેરીના કુપકીનાએ પોતાનાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કઢાવી નાખ્યાં હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે તેમને કલ્પના ન હતી કે તેમના આ ઘટસ્ફોટની વ્યાપક અસર થશે.

તેમના ઇન્સ્ટાગ્રામ વીડિયોને 75 લાખ વ્યૂઝ મળ્યા છે અને તેઓ કહે છે કે પોતાનાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કઢાવી નાખવાં વિચારતી "1,000થી વધુ" મહિલાઓના મૅસેજ તેમને મળ્યા છે.

કેટેરીનાએ બીબીસી યુક્રેનને કહ્યું હતું, "મને હમણાં જ સમજાયું છે કે મોટાં સ્તન રાખવાથી હું ખુશ, સ્વસ્થ કે વધુ સુંદર બનતી નથી."

કેટેરીનાએ ઉમેર્યું હતું કે તેમની દીકરીએ કહ્યું કે તેને પણ "મમ્મી જેવાં મોટા સ્તન" હોવાં જોઈએ, ત્યાર બાદ તેમણે ઇમ્પ્લાન્ટ્સ કઢાવી લેવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે કહ્યું હતું, "તે ક્ષણે મને ખ્યાલ આવ્યો કે હું તેના માટે ખોટો દાખલો બેસાડી રહી છું."

કેટેરીના એકલાં નથી. વિશ્વભરમાં વધુને વધુ સ્ત્રીઓ તેમનાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કઢાવી નાખવાના નિર્ણય લઈ રહી છે, પણ તેનું કારણ શું?

અનેક કારણો

સૌંદર્યલક્ષી પ્લાસ્ટિક સર્જનોની બોર્ડ પ્રમાણિત વિશ્વની અગ્રણી વ્યાવસાયિક સંસ્થા ઇન્ટરનૅશનલ સોસાયટી ઑફ ઍસ્થેટિક પ્લાસ્ટિક સર્જરી (આઈએસએપીએસ)ના તાજેતરના ડેટા દર્શાવે છે કે 'બ્રેસ્ટ ઍક્સપ્લેન્ટ' નામે ઓળખાતા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સને કાઢી નાખવાના કામમાં 2019થી 46.3 ટકા વધારો થયો છે.

સ્તન મોટાં કરાવવાની ઇચ્છા 1990 અને 2000ના દાયકામાં કૉસ્મેટિક સર્જરીમાં મોખરે હતી. એ જ સમયગાળામાં તેમાં 5.4 ટકા વધારો જોવા મળ્યો હતો અને તેમાં 2022-23 સુધીમાં 13 ટકા ઘટાડો થયો હતો.

તબીબી નિષ્ણાતો માને છે કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સને કઢાવી નાખવાનું મુખ્ય કારણ સૌંદર્યલક્ષી અને કૉસ્મેટિક છે. તેમના કહેવા મુજબ, "નાનાં, વધુ કુદરતી દેખાતાં સ્તનો"નું વલણ વધી રહ્યું છે.

અમેરિકન સોસાયટી ઑફ પ્લાસ્ટિક સર્જન્સ (એએસપીએસ)નાં ડૉ. ક્રિસ્ટી હેમિલ્ટન સોશિયલ મીડિયા સબ-કમિટીનાં અધ્યક્ષ છે. તેઓ કહે છે, "2025માં મહિલાઓ પાંચ કે દસ વર્ષ પહેલાં કરતાં અલગ દેખાવા માગે છે."

તેઓ ઉમેરે છે, "1990 અને 2000ના દાયકામાં અમે જે ઇમ્પ્લાન્ટ્સ લગાવતાં હતાં તે ખૂબ મોટાં હતાં. હવે ઇમ્પ્લાન્ટ્સ ધરાવતી સ્ત્રીઓ કાં તો તેનું કદ ઘટાડી રહી છે અથવા તો તેઓ નેચરલ બ્રેસ્ટ ટિશ્યુઝ ધરાવતી હોય તો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ સંપૂર્ણપણે કઢાવી રહી છે, લિફ્ટ કરાવી રહી છે અને કદાચ ફૅટ ટ્રાન્સફર કરાવી રહી છે. એકંદરે નાનાં સ્તનની ફૅશન છે."

રિયો ડી જાનેરોમાં બ્રાઝિલિયન પ્લાસ્ટિક સર્જન ઍસોસિએશન(એસબીસીપી)ના પ્રમુખ ડૉ. બ્રુનો હર્કેનહૉફ આ વાત સાથે સંમત થાય છે.

તેઓ કહે છે, "હવે કેટલીક મહિલાઓને ઉન્નત સ્તનો પસંદ નથી." ડૉ. બ્રુનો પાસે સ્તન મોટાં કરાવવાને બદલે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કઢાવી નાખવા આજકાલ વધુ મહિલાઓ આવે છે.

તેમના કહેવા મુજબ, બીજું એક પરિબળ એ છે કે "કેટલીક મહિલાઓ ભવિષ્યમાં ઇમ્પ્લાન્ટ રિપ્લેસમેન્ટની અનિવાર્યતાને ટાળવા ઇચ્છે છે," કારણ કે ઇમ્પ્લાન્ટ્સ સામાન્ય રીતે 10-20 વર્ષ ચાલે છે અને પછી તેને સર્જરી દ્વારા કાઢવા અને તેને રિપ્લેસ કરવા પડે છે.

ડૉ. બ્રુનો એ પણ નોંધે છે કે સ્તન પ્રત્યારોપણ સંબંધી બીમારી અને સ્વયંપ્રતિરક્ષા પ્રતિક્રિયા જેવી સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. તેથી કેટલીક મહિલાઓ તેમના ઇમ્પ્લાન્ટ્સ દૂર કરાવી રહી છે અથવા તે ઇમ્પ્લાન્ટ્સ કરાવવાનું સદંતર ટાળી રહી છે.

તેઓ કહે છે, "હવે સિલિકૉન ડિસીઝ અને ઑટોઇમ્યુન રિઍક્શન્સ વિશે વધુ માહિતી ઉપલબ્ધ છે. શરીર સિલિકૉન સામે પ્રતિક્રિયા આપી શકે છે અને તેમાં સાંધામાં દુખાવો, વાળ ખરવા તેમજ વજન વધવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે."

ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય તેવી કેટલીક મહિલાઓને કૅન્સર પણ થઈ શકે છે, એમ જણાવતાં તેઓ કહે છે, "તે અપવાદરૂપે દુર્લભ છે, પરંતુ હકીકત છે." એ ચોક્કસ પ્રકારના ઇમ્પ્લાન્ટમાં થાય છે અને એવી સર્જરી પોતે કરતા નથી, એવું તેમણે ઉમેર્યું હતું.

કેટેરીનાએ એ પૈકીનું એક ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું. કેટરીનાના જણાવ્યા મુજબ, તેને દૂર કરવાનો નિર્ણય વધુને વધુ મજબૂત બન્યો હતો. જોકે, કેટેરીનાને કેન્સર હોવાનું તેમના એકેય મેડિકલ ટેસ્ટ્સમાં બહાર આવ્યું નથી.

ડૉ. હેમિલ્ટન કહે છે, "વધુને વધુ મહિલાઓ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કઢાવી રહી હોવાનું તે મુખ્ય કારણ હોવાનું મને નથી લાગતું. હું માનું છું કે તે સૌંદર્યલક્ષી પરિવર્તન છે."

તેઓ દલીલ કરે છે કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સની તકનીકોમાંના ફેરફાર બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ દૂર કરાવવાના ટ્રેન્ડના વાહક પણ હોય એ શક્ય છે.

તેમના મતાનુસાર, જૂની તકનીકોમાં ઇમ્પ્લાન્ટ્સ સ્નાયુની નીચે મૂકવામાં આવતા હતા, જે ઘણીવાર સામાન્ય હલનચલન દરમિયાન અકુદરતી દેખાવનું કારણ બને છે.

તેઓ કહે છે, "વર્ષો પહેલાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી હોય તેવી ઘણી મહિલાઓ માટે આ મહત્ત્વપૂર્ણ સમસ્યા હતી. કસરત કરતી વખતે, કોઈને ભેટતી વખતે અથવા યોગ કરતી વખતે તેમનાં ઇમ્પ્લાન્ટ્સ આઘાંપાછાં થઈ જતાં હતાં અને તેમણે સ્તન સરખાં કરવાં પડતાં હતાં."

તેમના જણાવ્યા મુજબ, નવી તકનીકોમાં ઇમ્પ્લાન્ટ્સ સ્નાયુઓની સામે મૂકવામાં આવે છે, જેનાથી વધુ કુદરતી પરિણામ મળે છે.

એક વ્યાપક વલણ

વધારે કુદરતી દેખાવાનો ટ્રેન્ડ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સથી આગળ વધ્યો હોવા પર બંને નિષ્ણાતો ભાર મૂકે છે.

ડૉ. હેમિલ્ટન કહે છે, "ચહેરો, નાક, સ્તનો અને શરીરના સંદર્ભમાં આ વાત સંપૂર્ણપણે સાચી છે."

તેમના કહેવા મુજબ, ભૂતકાળમાં ફિલર્સ અને બોટૉક્સ જેવી કેટલીક નૉન-ઇન્વેઝિવ કૉસ્મેટિક પ્રક્રિયાઓના વધુ પડતા ઉપયોગને લીધે અકુદરતી પરિણામ આવ્યું હતું. તેથી કેટલીક મહિલાઓ તે અભિગમ બાબતે પુનર્વિચાર કરતી થઈ છે.

ડૉ. હેમિલ્ટન કહે છે, "વધારે પડતા ફિલર્સ ખૂબ જ અકુદરતી લાગતા હોવાનાં ઉદાહરણો આપણે બધાંએ જોયાં છે."

ડૉ. હર્કેનહૉફ ઉમેરે છે, "ચહેરાની સુડોળતા રાક્ષસીકરણમાં પરિવર્તિત થઈ ગઈ છે. ઘણા લોકોના ચહેરા એવા જ રહ્યા છે. હવે દર્દીઓ કોઈ ફેરફાર કરાવવા ઇચ્છતા નથી."

ડૉ. હેમિલ્ટન નોંધે છે કે તેમના ઘણા દર્દીઓ ફિલર્સ હવે સંપૂર્ણપણે ટાળી રહ્યા છે. ખાસ કરીને તેનાથી અજાણ હોય તેવા દર્દીઓ.

"આ સારવારથી અજાણ હોય તેવા ઘણા દર્દીઓને તે ટ્રીટમેન્ટ અજમાવવામાં રસ નથી, કારણ કે તેમણે તેના દુરુપયોગનાં ઘણાં ઉદાહરણો જોયા છે."

તેઓ ઉમેરે છે કે ઍસ્થેટિક સર્જરી ઉદ્યોગે વારંવાર ફિલર ઇન્જેક્શનની જરૂરિયાતનો આગ્રહ રાખ્યો હતો, જેનું પરિણામ ઊલટું આવ્યું હતું.

"તમારે દર ત્રણથી છ મહિને ફિલર લેવાં પડશે, એવું કહેવામાં આવ્યું ત્યારે મને લાગે છે કે તે ઍસ્થેટિક ઉદ્યોગની મોટી ભૂલ હતી. મને લાગે છે કે તેનું ઊલટું પરિણામ એ આવ્યું કે લોકો વિચિત્ર દેખાવા લાગ્યા હતા."

તેના પરિણામ સ્વરૂપે હવે દર્દીઓ વધારે સૂક્ષ્મ સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, એવું તેઓ ઉમેરે છે.

ડૉ. હર્કેનહૉફના મતે, વધુ લોકપ્રિય બની રહેલી નવી પ્રક્રિયાઓમાં કોલાજેન સ્ટિમ્યુલેશન દર્દીઓની યાદીમાં મોખરે છે. કોલાજેન સ્ટિમ્યુલેશન વધુ પડતા વૉલ્યૂમ વિના ત્વચાની ગુણવત્તામાં વધારો કરે છે.

કોલાજેન માનવ શરીરમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ પ્રોટીન છે. તે હાડકાં, ત્વચા, સ્નાયુઓ અને રજ્જૂમાં જોવા મળે છે. જોકે, વય વધવાની સાથે તેના સ્તરમાં ઘટાડો થાય છે.

'કુદરતી' દેખાવની વાસ્તવિકતા

કેટેરીના આ નવા ટ્રેન્ડનું ઉદાહરણ છે. તેમણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કઢાવી નાખ્યાં પછી હોઠને પણ કુદરતી કદમાં ઘટાડ્યા છે અને કરચલીઓ છુપાવવા માટે બોટૉક્સનો ઉપયોગ બંધ કર્યો છે.

કેટેરીના કહે છે, "મારો નિર્ણય એક ટ્રેન્ડ બને અને મહિલાઓ સુંદર દેખાવાની ધેલછાને ટાળે, તેવું સ્વપ્ન હું જોઈ રહી છું."

વિશ્વની એક અગ્રણી કૉસ્મેટિક કંપનીના એક વરિષ્ઠ સૂત્રએ બીબીસી સાથે એ વાતની પુષ્ટિ કરી હતી કે કૉસ્મેટિક ઉદ્યોગ "કુદરતી સૌંદર્યના ટ્રેન્ડ" પર દાવ રમી રહ્યો છે.

જોકે, "તેનો અર્થ એવો નથી કે સૌંદર્ય પ્રસાધનો પર ઓછો ખર્ચ થઈ રહ્યો છે કે કૉસ્મેટિક પ્રક્રિયાઓ ટાળવામાં આવી રહી છે. આ વલણ વ્યક્તિના સહેલાઈથી નજરે ચડે તેવા શુદ્ધ દેખાવ અને નેચરલ ફીચર્સને વધારવાનું છે."

માર્કેટ રિસર્ચ કંપની યુરોમોનિટરના ડેટાને ટાંકીને મેક્કિન્સી કન્સલ્ટન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2023માં વૈશ્વિક બ્યુટી માર્કેટના રિટેલ વેચાણમાં, 2022ની સરખામણીએ 10 ટકા વધારો થયો હતો અને તે 446 અબજ ડોલરનું થયું હતું.

સ્રોતે ઉમેર્યું હતું કે "મહિલાઓ હજુ પણ મેકઅપ કરે છે, પરંતુ વધારે નેચરલ લૂકનો અર્થ એવો નથી કે મેકઅપ ઓછો કરવો. તે એવી પ્રોડક્ટ્સના ઉપયોગની વાત છે, જે સુંદર દેખાવ જાળવી રાખીને ખુલ્લી ત્વચાનો ભ્રમ સર્જે છે."

તબીબી નિષ્ણાતો એ પણ નોંધે છે કે વધુ નેચરલ લુક તરફનાં વલણનો અર્થ એ નથી કે લોકો ઇન્વેઝિવ અને નૉન-ઇન્વેઝિવ બન્ને પ્રકારની કૉસ્મેટિક પ્રક્રિયાઓને ત્યજી રહ્યા છે.

ડૉ. હેમિલ્ટન કહે છે, "ચહેરા પર ફક્ત વોલ્યુમ ઉમેરવાને બદલે હવે અમે લિફ્ટ તથા રીશેપ કરે એવી પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ."

ઇન્ટરનૅશનલ સોસાયટી ઑફ ઍસ્થેટિક પ્લાસ્ટિક સર્જરીના આંકડા દર્શાવે છે કે પ્લાસ્ટિક સર્જનોએ 2023માં વિશ્વભરમાં 1.58 કરોડ સર્જિકલ પ્રોસિજર્સ કરી હતી, જે 2022 કરતાં 5.5 ટકા વધારે છે. આ જ સમયગાળા દરમિયાન નૉન-સર્જિકલ પ્રોસિજર્સમાં પણ લગભગ બે ટકા વધારો જોવા મળ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.