ગુજરાત પર વાવાઝોડાનો ખતરો? અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે અને તે ગુજરાત તરફ આવશે?

ભારતમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને એ પહેલાં અરબી સમુદ્રમાં હલચલ વધવાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાનનાં કેટલાંક મૉડલ્સ દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે.

હાલ સોશિયલ મીડિયા અને કેટલાંક માધ્યમોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે અને તે ગુજરાત તરફ આવશે તેવી ચર્ચા થઈ રહી છે.

ભારતના દરિયામાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે.

વર્ષ 2023માં પણ અરબી સમુદ્રમાં ચોમાસું શરૂ થયું તે પહેલાં જ 'બિપરજોય' નામનું વાવાઝોડું સર્જાયું હતું અને તે કચ્છના દરિયાકિનારે ત્રાટક્યું હતું.

હાલ ચોમાસું આંદામાન અને નિકોબારના ટાપુઓ, બંગાળની ખાડીના દક્ષિણના ભાગો તથા આંદામાન સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ વધીને ત્રણથી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણના ભાગો સુધી પહોંચે એવી શક્યતા છે?

અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં વાવાઝોડું સર્જાશે?

ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ આવનારા દિવસોમાં જોર પકડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે.

જોકે, આ સિસ્ટમ હજી ડિપ્રેશન કે વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હવામાનનાં મોટાભાગનાં મૉડલ્સ એકમત નથી. કેટલાંક મૉડલ્સ પ્રમાણે અહીં સિસ્ટમ બને છે અને તે મજબૂત બનશે તો કેટલાંક મૉડલ્સ કોઈ સિસ્ટમ બનશે કે નહીં તેની માહિતી આપતાં નથી.

હવામાન વિભાગ ઉત્તર ભારતીય સમુદ્રમાં ચક્રવાત સર્જાવા અંગેનું બે અઠવાડિયાંનું પૂર્વાનુમાન રજૂ કરે છે. જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાં સર્જાશે કે નહીં તેના માટેની શક્યતાઓ અને કેવી પરિસ્થિતિઓ છે તેની માહિતી આપવામાં આવે છે.

આ પૂર્વાનુમાન મુજબ હવામાનનું મૉડલ યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફૉરકાસ્ટ (ECMWF) એવું દર્શાવે છે કે 23 મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લૉ-પ્રેશર એરિયા બની શકે છે.

જે બાદ આ સિસ્ટમ 25 મે સુધી ઉત્તર તરફ આગળ વધશે એટલે કે ગુજરાત તરફ આગળ આવી શકે છે. જે બાદ તે વળાંક લઈને ભારતના દરિયાકિનારાથી દૂર જતી રહેશે.

હવામાન વિભાગનું GFS મૉડલ પણ દર્શાવે છે કે 24 મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લૉ-પ્રેશર એરિયા બની શકે છે. જે બાદ કદાચ તે વધારે મજબૂત બને અને 25 મેના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.

જોકે, NCEP GFS અને NCUM (G) નામનાં હવામાનનાં મૉડલ્સ આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સર્જાય એવું દર્શાવી રહ્યાં નથી.

અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાશે અને ગુજરાતને અસર કરશે?

હાલ વિશ્વભરમાં હવામાનની આગાહી કરવા માટે મોટા ભાગે આંકડાકીય મૉડલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વિવિધ મૉડલ્સ શું દર્શાવે છે તેના પરથી જે તે એજન્સી આગાહી કરતી હોય છે.

હાલની સ્થિતિમાં અરબી સમુદ્રમાં બે મૉડલ્સ દર્શાવે છે કે સિસ્ટમ બનશે અને બાકીનાં બે મૉડલ્સ દર્શાવતાં નથી કે સિસ્ટમ બનશે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અરબી સમુદ્રમાં 23મેની આસપાસ સિસ્ટમ બનવાની શક્યતા 40થી 50 ટકા જેટલી છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય એ પહેલાં ભારતનું હવામાન વિભાગ તેની માહિતી આપતું હોય છે અને તેના આધારે અન્ય વિભાગો આગોતરાં પગલાં લેતા હોય છે.

હાલ લાંબાગાળાના પૂર્વાનુમાનમાં હવામાન વિભાગે સિસ્ટમની શક્યતા દર્શાવી છે, પરંતુ તેના દરરોજના બુલેટિનમાં કોઈ માહિતી આપી નથી.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25 મે સુધી વરસાદ ચાલુ જ રહેશે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 મેથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે.

22 મે બાદ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.

જો સિસ્ટમ બની અને તે વાવાઝોડું ના પણ બને અને લૉ-પ્રેશર એરિયાના રૂપમાં આગળ વધે તો પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાં કઈ તરફ જાય છે?

હવામાન વિભાગની માહિતી પ્રમાણે 1961થી 2024 સુધી મે મહિનામાં બંગાળની ખાડીમાં કુલ 39 વાવાઝોડાં સર્જાયાં છે અને અરબી સમુદ્રમાં 16 વાવાઝોડાં સર્જાયાં છે.

અરબી સમુદ્રમાં મે મહિનામાં સર્જાયેલાં આ વાવાઝોડાંમાંથી સાત વાવાઝોડાં દરિયાકાંઠે ત્રાટક્યાં છે. જેમાંથી બે ગુજરાત પર આવ્યાં, એક પાકિસ્તાન પર, એક કોંકણ અને ગોવા પર અને ત્રણ ઇરાન, આરબ દેશો અને આફ્રિકા તરફ ગયાં હતાં.

અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાં ભારતના પશ્ચિમ તરફના દરિયાકાંઠાને સીધી અસર કરે છે. જેમાં ગુજરાત રાજ્યના દરિયાકિનારાનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય રીતે અહીં બનતાં ચોમાસા પહેલાંનાં વાવાઝોડાં મોટા ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા અને કર્ણાટકના દરિયાકિનારાને અસર કરતાં હોય છે.

આ ઉપરાંત વાવાઝોડાં જો વળાંક લઈ લે તો તે ઓમાન, યમન, પાકિસ્તાન અને સોમાલિયા તરફના દરિયાકાંઠાને અસર કરે છે અને ક્યારે કે ઇરાન અને બીજા દેશો સુધી પણ પહોંચે છે.

સામાન્ય રીતે ચોમાસા બાદનાં વાવાઝોડાં ગુજરાત કે મહારાષ્ટ્ર તરફ આવતાં નથી, પરંતુ તે મોટા ભાગે યમન અને સોમાલિયાના દરિયાકાંઠે જતાં હોય છે.

ઉપરોક્ત તમામ સંભાવનાઓમાં એ વાત મહત્ત્વની છે કે વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્યાં સર્જાય છે અને તે સમયે હવામાનની સ્થિતિ કેવી હોય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો કઈ તરફ જશે એટલે કે તેના માર્ગની આગાહી કરવી વધારે મુશ્કેલ હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન