You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુકાનદાર વિનાની દુકાન, મશીનને પૈસા આપો ને સામાન લઈ જાઓ, આ દેશમાં આવું ચલણ કેમ?
- લેેખક, ડેવિડ કેન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયાના પાટનગર સોલના એક છેડેના વિસ્તારમાં અડધી રાતનો સમય છે. મને કંઈ ખાવાનું મન થયું છે. મારા એપાર્ટમેન્ટની પેલે પાર એક નહીં, પરંતુ ત્રણ-ત્રણ ખાણીપીણીની દુકાનો છે અને એ 24 કલાક ખુલ્લી રહે છે.
હું જે દુકાનમાં ગયો, ત્યાં આઇસક્રીમ મળે છે. દુકાનની અંદર જુદા જુદા પ્રકારની આઇસક્રીમથી ભરેલાં ફ્રીઝરોની જાણે કતાર છે.
પરંતુ દુકાનમાં ના કોઈ ગાર્ડ છે, ના કોઈ કર્મચારી. બધો સામાન ગોઠવાયેલો છે. અંદર એક ઑટોમેટિક મશીન છે, જેના પર પોતાની પસંદનો સામાન રાખવાનો છે અને પેમેન્ટ ડિસ્પ્લે થાય છે, આમ પેમેન્ટ કરી દો.
અહીં આઇસક્રીમ સિવાય સ્ટેશનરી, પેટ ફૂડ અને સુશી સુધીની દુકાનો છે. પરંતુ બધામાં કોઈ કર્મચારી નથી. આ દુકાનમાં કોઈ કર્મચારી નથી દેખાતા.
એટલું જ નહીં, સોલના અંદરના ભાગે ભીડભાડવાળા વિસ્તારોમાં બાર સુધ્ધાં કર્મચારી વિનાના છે. આવા જ એક કર્મચારીરહિત બાર 'સૂલ 24'ના માલિક છે કિમ સુંગ -રે. સૂલ 24નો અર્થ છે 24 કલાક.
કિમ કહે છે કે, "આટલા મોટા બારમાં નફો રળવા માટે મારે 12થી 15 કર્મચારીઓની જરૂર પડશે. પરંતુ હું અહીં માત્ર બે લોકોનો ઉપયોગ કરું છું."
આ પહેલાં કિમ નજીકમાં જ વધુ એક બાર ચલાવતા હતા. પરંતુ ત્યાં કમાણી સારી નહોતી થતી, તેથી તેમણે કર્મચારીરહિત બાર ચલાવવાનું શરૂ કરી દીધું.
દક્ષિણ કોરિયામાં આવું ચલણ કેમ વધી રહ્યું છે?
દક્ષિણ કોરિયામાં દાયકાઓથી ઓછા જન્મદર અને વધતા પગારદરોને કારણે દુકાનોમાં ઑટોમેશનનું ચલણ વધ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ કોરિયા સૌથી ઓછો પ્રજનનદરવાળા દેશોમાં સામેલ છે.
વર્ષ 2023ના આકંડા અનુસાર, ત્યાં એક મહિલાનો સરેરાશ પ્રજનનદર 0.72થી પણ નીચે જતો રહ્યો છે.
એક સ્થિર વસ્તી માટે પ્રજનનદર ઓછામાં ઓછો 2.1 હોવો જોઈએ. દક્ષિણ કોરિયામાં છેલ્લે 1982માં આટલો પ્રજનનદર હતો.
ઓછાં બાળકો પેદા થવાને કારણે શ્રમબજારમાં કામ કરતા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. વર્ષ 2000 બાદ ન્યૂનતમ મજૂરી સતત વધી રહી છે, તેમ છતાં કામ કરનાર લોકો નથી મળી રહ્યા.
બાર ચલાવનારા કિમ હવે પોતાના કર્મચારીઓને પ્રતિ કલાક લગભગ 600 રૂપિયા એટલે કે સાત ડૉલર ચૂકવે છે.
તેઓ કહે છે કે, "મેં એટલા માટે કર્મચારી વગરનું બાર ખોલ્યું, કારણ કે અહીં ન્યૂનતમ મજૂરી દર વધતો જઈ રહ્યો છે. આ પડકારનો સામનો કરવાની બે રીતો છે : રોબૉટ્સનો ઉપયોગ અને ઑટોમેશન."
રોબૉટનો ઉપયોગ મોંઘો પડ્યો હોત. તેથી કિમે કર્મચારીરહિત બારનો વિચાર પસંદ કર્યો. કોવિડ મહામારીએ ઑટોમેશનના વલણને વધુ પ્રોત્સાહન આપ્યું છે.
'નવી પેઢીને ખેતી અને દુકાનોમાં કામ કરવાનું પસંદ નથી'
કેટલાક લોકો કહે છે કે નવી પેઢી કહેવાતી '3ડી નોકરીઓ' નથી કરવા માગતી. એટલે કે તેઓ 'ડર્ટી, ડેન્જરસ અને ડિફિકલ્ટ' કામોથી અંતર જાળવે છે.
આ પેઢી ઉત્પાદન, ખેતી અને હવે દુકાનોમાં કામ કરવાનું પસંદ નથી કરી રહી.
ચો જુંગ-હુન દક્ષિણ કોરિયાની નૅશનલ ઍસેમ્બ્લીમાં સત્તાધારી પક્ષ પીપલ્સ પાવરના સભ્ય છે.
ચો કહે છે કે, "યુવા પેઢી માત્ર મોટાં શહેરોમાં કામ કરવાની કોશિશ કરે છે. અને તેઓ પોતાના ખુદના વ્યવસાય, બિઝનેસ પણ શરૂ કરવા માગે છે. અને નોકરી પણ સારા પગારના હાઇ-ટેક બિઝનેસમાં કરવા માગે છે."
"હું પોતાની યુવાપેઢીને આવી પ્રાથમિકતાઓ માટે દોષિત નથી ઠરાવતો. આંકડા જણાવે છે કે આપણે આગામી વર્ષોમાં કામ કરનારા લોકોની ઘટતી જતી સંખ્યાના પડકારનો સામનો કરવો પડશે."
સ્થાનિક થિંક ટૅન્ક કોરિયા ઇકૉનૉમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને આશા છે કે 20 વર્ષમાં 43 ટકા નોકરીઓ ઑટોમેશનનો શિકાર થઈ જશે.
તેનો અર્થ એ છે કે બ્રાઉનીના સીઇઓ ક્વોન મિન - જે જેવા લોકો માટે આગામી વર્ષો આશાથી ભરપૂર છે. ક્વોન એક એવી કંપની ચલાવે છે, જે દુકાનદારો માટે ઑટોમેશનનું કામ કરે છે. તેમણે વર્ષ 2022માં કોવિડ સંકટના અંતમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.
ક્વોન કહે છે કે, "અમે કર્મચારીરહિત આઇસક્રીમ સ્ટોર, કિરાણાની દુકાનો અને કાફેનું પ્રબંધન કરીએ છીએ."
ક્વોન કહે છે કે દુકાનો ભલે કર્મચારીરહિત બની જાય, પરંતુ તેમાં સામાન મૂકવા, સફાઈ કરવાની જરૂર પડે છે. શરૂઆતમાં દુકાનમાલિકોએ આ કામો ખુદ કર્યાં. હવે ક્વોનની કંપની એવા કર્મચારી પૂરા પાડી રહી છે, જે દુકાનની જાળવણી કરી શકે છે.
આ વિશે વધુ જણાવતાં તેઓ કહે છે કે, "અમારા કર્મચારીઓ આખો દિવસ ઘણા સ્ટોર્સ પર જાય છે. માલિક અમને દુકાનોના મૅનેજમૅન્ટ માટે દર મહિને 100 કે 200 ડૉલરની વધારાની રકમ ચૂકવે છે."
ક્વોનની કંપની 100 કરતાં વધુ સ્ટોર્સનું પ્રબંધન કરે છે.
દક્ષિણ કોરિયામાં ચોરીનું પ્રમાણ
દક્ષિણ કોરિયામાં ચોરીનું પ્રમાણ ખૂબ ઓછું છે. આવી દુકાનોની સફળતાનું આ પણ એક કારણ છે.
બાર ચલાવનારા કિમ કહે છે કે, "એવા મામલા પણ સામે આવી રહ્યા છે કે જ્યારે લોકો ચુકવણી કરવાનું ભૂલી ગયા, પરંતુ બાદમાં મને પોતાના બિલની ચુકવણી કરવા બોલાવ્યા. હું અન્ય દુકાનો વિશે નથી જાણતો, પરંતુ અહીં આવનારા યુવાનો પોતાના ટેબલ પર ચિંતા વગર પાકીટ અને ફોન મૂકી દે છે."
કિમ માને છે કે ચોરીથી નુકસાન થઈ શકે છે, પરંતુ એ એટલું નહીં હોય કે તેમનો ધંધો જ પડી ભાંગે.
તેઓ કહે છે કે, "ખરેખર હું ચિંતા નથી કરતો. ઑટોમેશન દ્વારા રૂપિયા બચાવવાનું રોકાણ એમ પણ અમુક નુકસાન કરતાં વધુ છે. અને નાનીમોટી ચોરીથી બચવા માટે ગાર્ડ રાખ્યો તો તેનો ખર્ચ સંભવિત ચોરી કરતાં વધુ હશે."
ટેકનૉલૉજીમાં થઈ રહેલી પ્રગતિને કારણે ભવિષ્યમાં સ્વચાલિત કારો પણ સામાન્ય બની જશે.
એક અનુમાન અનુસાર દક્ષિણ કોરિયાને 2%નો આર્થિક વિકાસદર જાળવી રાખવા માટે 2032 સુદી 8.9 લાખ કરતાં વધુ વધારાના કર્મચારીઓની જરૂર હશે.
(આ સ્ટોરી બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમ બિઝનેસ ડેલીના એક એપિસોડ પરથી લેવાઈ છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન