You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૌતમ અદાણી સામે અમેરિકામાં છેતરપિંડીના કેસ પછી કેટલા મોટા પડકારો છે?
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના સૌથી અમીર અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાં 62 વર્ષના ગૌતમ અદાણીનું નામ આવે છે.
અમેરિકામાં તેમના પર અને તેમના થોડા સાથીદારો પર છેતરપિંડી કરવાના આરોપો લાગ્યા છે. અત્યાર સુધીમાં તેમના પર લાગેલા આરોપોમાં આ સૌથી વધારે ગંભીર આરોપ છે.
આ આરોપો અમેરિકાની સરકારી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને યુએસ સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચૅન્જ કમિશને (SEC) લગાવ્યા છે.
જોકે, અદાણી જૂથે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે જ કહ્યું છે કે અમે કાયદાકીય વિકલ્પોની તપાસ કરીશું.
અદાણી જૂથ સામે ઊઠી રહેલા સવાલો
અદાણી સમૂહ પર લાગેલા આરોપોના કારણે જૂથની કંપનીઓના શૅરમાં અત્યંત ઘટાડો નોંધાયો છે.
આરોપની ગંભીરતા અને તેમના પર આવેલી પ્રતિક્રિયાને ધ્યાનમાં લઈએ તો એક વાત તો ચોક્કસ છે કે આ મામલો એમ જલદી પૂરો થશે નહીં.
કારણ કે પ્રશ્નો ઘણા છે. અમેરિકામાં આ બાબત સાથે જોડાયેલા કાયદાકીય પ્રક્રિયા કેવી હશે? આ આરોપોથી અદાણી જૂથના વેપાર પર કેવી અસર પડશે ?
શું ગૌતમ અદાણી અને તેમના પાર્ટનર્સ જેલ ભેગા થઈ શકે છે? ભવિષ્યમાં અદાણી જૂથને પોતાના પ્રોજેક્ટ માટે વિદેશથી કેવી રીતે નાણા મળી શકશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલોના જવાબ જાણવા માટે બીબીસીએ ભારત અને અમેરિકાના ઘણા નિષ્ણાતો સાથે વાત કરી.
કાયદાકીય પ્રક્રિયા અને તકલીફો
બ્રાયન પીસ ન્યૂ યૉર્કના સરકારી ઍટર્ની છે.
ગૌતમ અદાણી અને અન્ય સામેના આરોપો અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, "ભારતમાં સરકારી અધિકારીઓને અબજો ડૉલરના કૉન્ટ્રેક્ટ મેળવવા માટે લાંચ આપવા માટે એક યોજના બનાવવામાં આવી હતી."
“ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન અમેરિકા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે તેમણે ખોટું બોલ્યું."
આનંદ આહુજા અમેરિકામાં સંરક્ષણ વકીલ છે. ત્રણ દાયકાથી પણ વધારે સમયથી તેઓ ત્યાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે, “મને લાગે છે કે આરોપો સાબિત કરવા એટલા સરળ નહીં હોય. હું તમને આનાં બે કારણો કહું."
“પ્રથમ, તેઓ કહે છે કે જેમને લાંચ આપવામાં આવી છે તેઓ ભારતમાં છે. તો અમેરિકન અધિકારીઓ ભારતમાં લોકોના નિવેદન કેવી રીતે લેશે? આમાં ભારતના કાયદાને પણ જોવો પડશે. વળી, એ જો કોઈ સરકારી અધિકારી છે તો તેની સામે આવી કોઈ કાયદાકીય પ્રક્રિયા માટે સરકારની પરવાનગી લેવી પડે છે. તેથી આ એક જટિલ કેસ પણ બની શકે છે."
“અમેરિકાના સરકારી વકીલ એ આ લોકોની અને ખાસ કરીને સરકારી અધિકારીઓની કેટલી હદે પૂછપરછ કરી શકે છે તે જોવાનું બાકી છે."
તેઓ કહે છે, "ભારતની સુપ્રીમ કોર્ટ પણ ભવિષ્યમાં આ મામલે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે કાયદો શું કહે છે તે ફક્ત સુપ્રીમ કોર્ટ જ નક્કી કરી શકે છે."
તેઓ જણાવે છે, “બીજું કારણ એ છે કે છેતરપિંડીના કેસમાં જજની સામે એક વાત ફરજિયાત સાબિત કરવી પડે છે. એક જ સાથે આરોપીની નિયત અને તેણે કરેલા કામ બંનેથી છેતરપિંડી થઈ હોય તે સાબિત કરવું પડે છે.”
"ઉદાહરણ તરીકે તમે કોઈ કૃત્ય કર્યું પણ તમે તેને સાબિત કરી શકો છો કે તમે તેને કોઈ ખોટા ઈરાદાથી નથી કર્યું તો તેને છેતરપિંડી તરીકે સાબિત કરવી મુશ્કેલ છે. અમેરિકન સરકારના વકીલો આ સાબિત કરી શકશે કે કેમ તે જોવાનું બાકી છે."
તો પછી આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે?
આ પ્રશ્ન પર આહુજા કહે છે કે, “ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના પહેલાના કેસ તમે જોશો ત્યારે નજરે પડશે કે સામાન્ય રીતે આરોપ દાખલ થવાથી ટ્રાયલ પૂર્ણ થવામાં છ મહિનાથી એક વર્ષનો સમય લાગે છે."
ગૌતમ અદાણીને શું કોઈ સજા થઈ શકે છે?
એચપી રનીના એક વરિષ્ઠ કૉર્પોરેટ વકીલ છે. તેમનું માનવું છે કે, "આરોપ અત્યંત ગંભીર છે. જો સાબિત થઈ જાય છે તો આરોપીઓને જેલ પણ થઈ શકે છે અથવા દંડ પણ ચૂકવવો પડી શકે છે તથા આ બંને સજા એકસાથે પણ થઈ શકે છે."
"જો આપણે એવું માની લઈએ કે જ્યૂરી આરોપીઓને દોષી કહે છે કે તો સજા ત્યાંના જજ નક્કી કરશે."
રનીનાના અનુસાર, "જ્યાં સુધી યુએસ સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચૅન્જ કમિશનની વાત છે, તો તે દંડ માટે સમાધાન કરી શકે છે. "
"જોકે, આરોપોને જોતા લાગે છે કે, દંડની રકમ વધારે પણ હોઈ શકે છે. તે દંડની ચુકવણી અદાણી જૂથની બીજી કંપનીઓને પણ અસર કરી શકે છે.”
વર્ષ 1997માં ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યર્પણને લઈને સમજૂતી થઈ હતી.
સવાલ એ પણ થઈ રહ્યા છે કે, અમેરિકા ગૌતમ અદાણીની ધરપકડ કરવાની માગ પણ કરી શકે છે. જો એવું થશે તો ભારતનો જવાબ શું હશે?
રનીનાએ જણાવ્યું, “આ તો પ્રત્યર્પણથી જોડાયેલી શરતો પર નિર્ભર કરે છે. મારું માનવું છે કે બંને સરકાર આમાં સામેલ થઈ શકે છે. તેથી આ મામલાની ગંભીરતાને જોતા બંને વચ્ચે એક સમાન સહમતિ બની શકે છે."
ગૌતમ અદાણી પરના આરોપોની અસર શું થશે?
અમેરિકામાં લાગેલા આરોપો બાદ કેન્યાની સરકારે અદાણી જૂથની સાથે થયેલા કરારને રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ કરાર અંતર્ગત અદાણી જૂથ કેન્યાની રાજધાની નૈરોબીમાં જૉમો કૅન્યાટ્ટા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટમાં 1.85 અજબ ડૉલરનું રોકાણ કરવાનું હતું.
તેના બદલામાં અદાણીને ઍરપૉર્ટનું 30 વર્ષ સુધી સંચાલન કરવાનો કૉન્ટ્રેક્ટ મળવાનો હતો. આ સિવાય 736 મિલિયન ડૉલરનો વધુ એક કરાર હતો. તે અંતર્ગત વીજળીની લાઇન લગાવવા માટેનું કામ અદાણીને મળ્યું હતું.
બંને મામલામાં ભ્રષ્ટાચારના આરોપો લાગતા રહ્યા છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ પણ ગુરુવારે આ કરારને રદ્દ કરવાનું એલાન કરતી વખતે ભ્રષ્ટાચારનો હવાલો આપ્યો હતો.
રુટોએ કેન્યાની સંસદમાં કહ્યું હતું કે, “અમારી તપાસ એજન્સીઓ અને ભાગીદાર દેશો દ્વારા આપવામાં આવેલી નવી માહિતીમાં ભ્રષ્ટાચાર વિશે નિર્વિવાદ પુરાવા અને વિશ્વસનીય માહિતી બહાર આવી છે. હું આના પર નિર્ણાયક પગલાં લેવામાં ખચકાટ નહીં અનુભવું.”
કેન્યાની જેમ અદાણી ગ્રૂપની કંપનીઓ ઘણા દેશોમાં પ્રોજેક્ટ ચલાવી રહી છે અથવા શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીઓના આ જૂથે ભારતમાં ઘણી રાજ્ય સરકારો અને વિદેશમાં ઘણી સરકારો સાથે પણ કરાર કર્યા છે.
જોકે, કેન્યાએ જે રીતે પગલાં લીધાં છે, તે હજુ સ્પષ્ટ નથી કે અન્ય દેશોમાં પણ આવું થઈ શકે છે.
ગયા ગુરુવારે અદાણી ગ્રૂપની વિવિધ કંપનીઓના શૅરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, આરોપોને કારણે શૅરના ભાવમાં ઘટાડો અગાઉ જોવા મળ્યો છે.
વિશેષજ્ઞો શું કહે છે?
અંબરીશ બલીગા શૅરબજારના નિષ્ણાત છે અને કોઈ સંસ્થા સાથે સંકળાયેલા નથી.
તેમણે બીબીસીને કહ્યું, "મને લાગે છે કે આ વખતે અદાણી ગ્રૂપ માટે શૅરના ભાવમાં ઘટાડો એટલો મોટો નહીં હોય જેટલો હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી આપણે જોયો હતો."
જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચ નામની અમેરિકન સંસ્થાએ પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
આ જ સપ્તાહમાં અદાણી ગ્રૂપની કંપનીઓના કુલ સ્ટૉકમાર્કેટના મૂલ્યમાં અંદાજે 50 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો.
બલીગા સમજાવે છે, “આ એટલા માટે છે કે આપણે જોયું છે કે આ જૂથ પડકારોનો સામનો કરીને તેનો માર્ગ શોધવામાં સફળ થાય છે. પરંતુ હા, આવા અહેવાલો તેમની છબી પર સવાલો ઊભા થાય છે.”
“તેના કારણે જૂથને ભંડોળ એકત્ર કરવામાં વિલંબનો સામનો કરવો પડે છે. યોગાનુયોગ છે કે આ વખતે જ્યારે આરોપો સામે આવ્યા છે ત્યારે તેઓ અદાણી ગ્રીન માટે ફંડ એકઠું કરી રહ્યો હતો.”
"જ્યારે હિન્ડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે તે અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે ભંડોળ એકત્ર કરી રહ્યો હતો."
અદાણી ગ્રૂપની ઈમેજ પર અસર?
સંતોષ દેસાઈ બ્રાન્ડ ઍનાલિસ્ટ છે. તેઓ માને છે કે આ વિવાદ અદાણી સમૂહની ઈમેજને અસર કરશે.
તેઓ કહે છે, “રોકાણકારો ડરી જશે. મને લાગે છે કે ભવિષ્યમાં અદાણી સમૂહ માટે વિદેશમાં સંસ્થાકીય ભંડોળ મેળવવાનું સરળ નહીં રહે.
"તો પ્રશ્ન એ છે કે, શું આ કેસથી સામાન્ય લોકો તેને કેવી રીતે જુએ છે તેનાથી કોઈ ફરક પડે છે? મને લાગે છે કે અદાણી રાજકીય ધ્રુવીકરણનું પ્રતીક બની ગયા છે.”
"જે લોકો તેને પસંદ કરે છે તેઓ તેમને ચૅમ્પિયન તરીકે જોશે. તેઓ માનશે કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેઓ તેમને નાપસંદ કરે છે તેઓ કહેશે કે તેઓ હંમેશાં આ જૂથ વિશે સાચા હતા."
સંતોષ દેસાઈ કહે છે, “રોકાણકારો ફાયદો અને સ્થિરતા ઇચ્છે છે. જો ભારત તે આપી શકે તો કોઈ કંપની શું કરે છે અને શું નથી કરતી, તેનાથી તેને કોઈ ફર્ક નહીં પડે.”
“અને આપણે એવી દુનિયામાં રહે છે, તેમાં કોઈ કદાચ જ કોઈ બીજા પર આંગળી ઉઠાવવાની કાબેલિયત રાખતું હોય. હા, એ મામલો એ ધારણાને આગળ વધારી શકે છે વેપાર જગતમાં કેટલીક હદ સુધી રાજકીય સંરક્ષણની એક જરૂર છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન