અદાણી ગ્રૂપ સામેની મુશ્કેલીથી ભારતની હરિત ઊર્જાની સ્વપ્નપૂર્તિને ફટકો પડશે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ગ્રીન ઍનર્જી ક્ષેત્રે વિરાટ શક્તિ બનાવવાની જાહેરાત બે વર્ષ પહેલાં કરી હતી.

તેમણે ઉત્સર્જનનું પ્રમાણ નેટ ઝીરો કરવાનું અથવા દેશને કાર્બન ન્યૂટ્રલ બનાવવાનું વચન પણ આપ્યું હતું. તેનો અર્થ એ કે 2070 સુધીમાં ગ્રીનહાઉસ વાયુઓની માત્રામાં ઉમેરો નહીં થાય. (ભારતની ઊર્જાની માગ તથા ઉત્સર્જનનું પ્રમાણ પશ્ચિમી દેશો કરતાં ઓછું હોવા છતાં તે ગ્રીનહાઉસ વાયુઓનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ઉત્સર્જક દેશ છે) 2030 સુધીમાં ભારત તેની કુલ પૈકીની અરધોઅરધ ઊર્જા પુનઃપ્રાપ્ય (રિન્યુએબલ) સ્રોતમાંથી મેળવતું થઈ જશે અને એ જ વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટન ઘટાડો કરશે એવું વચન પણ નરેન્દ્ર મોદીએ આપ્યું હતું.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, નરેન્દ્ર મોદીની ગ્રીન ઍનર્જી યોજનાનો એક મહત્ત્વનો હિસ્સો છે. ગૌતમ અદાણી એશિયાના સમૃદ્ધ લોકો પૈકીના એક છે અને તેમનો ઉદ્યોગસમૂહ પૉર્ટથી માંડીને ઍનર્જી સુધીના ક્ષેત્રમાં કાર્યરત્ છે. તેમાં અદાણી ગ્રીન ઍનર્જી નામની રિન્યુએબલ ઍનર્જી કંપની સહિતની સાત પબ્લિક ટ્રેડેટ કંપનીઓનો સમાવેશ થાય છે. ગ્રીન ઍનર્જી ક્ષેત્રે 70 અબજ ડૉલરનું રોકાણ કરવાની અને 2030 સુધીમાં રિન્યુએબલ ઍનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવાની ગૌતમ અદાણીની યોજના છે.

આ નાણાંનો ખર્ચ હાયબ્રિડ રિન્યુએબલ ઍનર્જી ઉત્પાદન, બૅટરી તથા સોલાર પેનલ્સના ઉત્પાદન અને પવનઊર્જા તેમજ ગ્રીન હાઈડ્રોજનના ઉપયોગ માટે ખર્ચવામાં આવશે.

જોકે, ગૌતમ અદાણી ગ્રૂપ સામે તાજેતરમાં સર્જાયેલી સમસ્યાઓ, ભારતની આભ આંબતી ઊર્જામહત્ત્વકાંક્ષાને હાંસલ કરવાની દિશામાં નડતરરૂપ બનશે કે કેમ તેવી ચિંતા સર્જાઈ છે.

'ગ્રીન ઍનર્જી ક્ષેત્રે મોટો ખેલાડી'

અમેરિકાસ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર શૅરોની કિંમતમાં 'બેશરમ' હાથચાલાકી તથા હિસાબમાં ગોબાચારીનો આક્ષેપ કરતો અહેવાલ પ્રકાશિત કર્યો પછી અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂમાં લગભગ 120 અબજ ડૉલરનું ધોવાણ થયું છે.

અદાણી ગ્રૂપે આ આક્ષેપોને દુષ્ટતાભર્યા તથા ખોટા ગણાવીને ફગાવી દીધા છે અને તેને 'ભારત પરનો હુમલો' ગણાવ્યા છે.

રોકાણકારોની ચિંતાના પ્રથમ સંકેતમાં ટોટલ ઍનર્જી નામના ફ્રેન્ચ ઑઇલ તથા ગૅસ ગ્રૂપે પરિસ્થિતિ વધારે 'સ્પષ્ટ' ન થાય ત્યાં સુધી અદાણી ગ્રૂપ સાથેના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં ચાર અબજ ડૉલરના રોકાણને સ્થગિત કર્યું છે. રોકાણકારોને હૈયાધારણ આપતાં અદાણી ગ્રૂપે જણાવ્યું છે કે તેની કંપનીઓએ "મટીરિયલ રિફાઇનાન્સિંગના કે નજીકના ગાળાની પ્રવાહિતાની સમસ્યાનો" સામનો કરવો પડ્યો નથી.

અદાણી ગ્રૂપના પ્રવક્તાએ બીબીસીને કહ્યું હતું કે "અદાણી પૉર્ટફોલિયોની ઍનર્જી ટ્રાન્ઝિશન યોજનાઓમાં કોઈ ફેરફાર અપેક્ષિત નથી." નિષ્ણાતો માને છે કે તાજેતરની ઘટનાઓની ભારતની ક્લાયમેટ યોજનાઓ પરની અસરનું મૂલ્યાંકન કરવું અત્યારે બહુ વહેલું ગણાશે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍનર્જી ઇકૉનોમિક્સ ઍન્ડ ફાઇનાન્સિયલ એનાલિસિસનાં વિભૂતિ ગર્ગે કહ્યું હતું કે "ગ્રીન ઍનર્જી ક્ષેત્રે અદાણી ગ્રૂપ બહુ મોટો ખેલાડી છે. નવા રોકાણમાં થોડો વિલંબ થઈ શકે છે. તેઓ વધુ નાણાં એકઠાં નહીં કરી શકે તો તેની ગ્રીન ઍનર્જી રોકાણ પર થોડી અસર થશે, પરંતુ રિન્યુએબલ ઍનર્જીમાં ગતિ જળવાઈ રહેશે."

મોટાભાગની વધારાની ઊર્જા રિન્યુએબલ સ્રોતોમાંથી જ

આગામી દાયકાઓમાં ભારતનું ઊર્જા સંક્રમણ વિશ્વમાં સૌથી મોટું હશે. 1.4 અબજ લોકોની વસ્તી ધરાવતા આ દેશમાં નાગરિકોના એક મોટા હિસ્સાને તથા છેવાડાના માણસને આવરી લેવાનો છે.

ભારતમાં શહેરી વસ્તીમાં દર વર્ષે ઇંગ્લૅન્ડની રાજધાની જેટલા લોકોનો ઉમેરો થાય છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ વધી રહી છે. હીટવેવ્ઝ જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ વધુ બની રહી છે. ઈલૅક્ટ્રિકલ વાહનોને વેગ આપવાના પ્રયાસોને કારણે વીજળીની માગમાં વધારો થશે.

આગામી પાંચ વર્ષમાં માગ બમણી થવાની વીજળીક્ષેત્રના નિયમનકર્તાની ધારણા જરાય આશ્ચર્યજનક નથી. ભારત કોલસાનું સૌથી વધુ ઉત્પાદન અને વપરાશ કરતો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે.

કુલ પૈકીની ત્રણ ચતુર્થાંશ વીજળીનું ઉત્પાદન કોલસા વડે કરવામાં આવે છે અને ભારત હજુ પણ થર્મલ પ્લાન્ટ્સનું નિર્માણ કરી રહ્યું છે. તેમ છતાં મોટા ભાગની વધારાની ઊર્જા રિન્યુએબલ સ્રોતોમાંથી જ મળવાની છે.

2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના સ્તરે પહોંચવા માટે ભારતને આજથી 2030 સુધી દર વર્ષે 160 અબજ ડૉલરના રોકાણની જરૂર પડશે, તેવો ઈન્ટરનેશનલ ઍનર્જી એજન્સીનો અંદાજ છે. રોકાણનું તે પ્રમાણ હાલના સ્તર કરતાં ત્રણ ગણું વધારે છે.

અદાણી, અંબાણી અને તાતા

અદાણી ગ્રૂપ સિવાય ગ્રીન ઍનર્જી ક્ષેત્રે બીજા મોટા ખેલાડી મુકેશ અંબાણી છે. તેમના વડપણ હેઠળના રિલાયન્સ ગ્રૂપની ગુજરાતમાં રિન્યુએબલ પ્રોજેક્ટ્સમાં 80 અબજ ડૉલરના રોકાણની યોજના છે.

ઊર્જાક્ષેત્રે વિરાટ ગણાતું ટાટા ગ્રૂપ પણ ક્લિન ઍનર્જી ક્ષેત્રે પ્રવેશી રહ્યું છે. તેમ છતાં નિષ્ણાતો કહે છે કે ભારતની સતત વધતી ઊર્જા માગને સંતોષવા માટે અનેક ખેલાડીઓની જરૂર છે.

દિલ્હીસ્થિત થિન્ક ટેન્ક સેન્ટર ફૉર પોલિસી રિસર્ચના અશ્વિની કે સ્વૈને કહ્યું હતું કે "ઊર્જાની જંગી માગને પહોંચી વળવા માટે વધારે ખાનગી કંપનીઓની જરૂર પડશે. "

અડધો ડઝન સામાન્ય કંપનીઓ અને બે જંગી કંપનીઓ અપૂરતી છે." અશ્વિની સ્વૈન માને છે કે સ્થાનિક સ્તરે ગ્રીન ઍનર્જી ક્ષેત્રે કંપનીઓની સંખ્યા વધવી જરૂરી છે.

આ કારણસર અદાણી ગ્રૂપની મુશ્કેલીઓ રિન્યુએબલ ઍનર્જી ક્ષેત્રની અન્ય કંપનીઓ માટે વાસ્તવમાં તક બની શકે છે, એવું ઓસ્ટ્રેલિયાસ્થિત ક્લાઈમેટ ઍનર્જી ફાઈનાન્સના ટીમ બર્કલેએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે "વૈશ્વિક મુડીની ઉપલબ્ધતા અને ભારતમાં રિન્યુએબલ તથા ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણમાં વધતા રસ સાથે ભારતની અન્ય રાષ્ટ્રીય કંપનીઓ માટે તેમના સ્થાનિક કૌશલ્ય તથા ક્ષમતાનો લાભ લેવાની બહુ મોટી તક સર્જાઈ છે."

ક્લિન ઍનર્જી ક્ષેત્રે જ 500 ગીગાવોટનો ઉમેરો કરવાની યોજના

ભારતની ક્લિન તથા ડર્ટી ઍનર્જીની કુલ ઉત્પાદનક્ષમતા 400 ગીગાવોટની છે અને તેમાં 2030 સુધીમાં માત્ર ક્લિન ઍનર્જી ક્ષેત્રે જ 500 ગીગાવોટનો ઉમેરો કરવાની ભારતની યોજના છે.

આ સાહસભરી મહત્ત્વકાંક્ષા છે. પોતાની ઊર્જામાગને સંતોષવા માટે અત્યાર સુધી કોલસા તથા ઑઇલ પર નિર્ભર રહેલા દેશ માટે આટલું જંગી સંક્રમણ આસાન નથી.

અશ્વિની સ્વૈન માને છે કે ભારતે કોલસાક્ષેત્રે ઉત્પાદનક્ષમતા વધારવાનું બંધ કરવું જોઈએ અને તેના બદલે ઊર્જાના વધારે સ્વચ્છ સ્રોતોમાંથી પોતાની નવી માગને પહોંચી વળવા તરફ આગળ વધવું જોઈએ.

દાખલા તરીકે ભારતની કુલ પૈકીની 20 ટકા ઊર્જા માગ વિશાળ ખેતરોમાં સિંચાઈ માટેની હોય છે. દિવસ દરમિયાન ખેતરોમાં સૌર ઊર્જા વડે વીજળી પૂરી પાડવાથી સૌને રાજી રાખી શકાય.

અશ્વિની સ્વૈને કહ્યું હતું કે "રિન્યુએબલ ઍનર્જી ક્ષેત્રે ભારતે નમૂનેદાર પ્રગતિ કરી છે. તેમાં થોડો વિલંબ અને નરમાઈ હશે, પરંતુ તેનાથી રિન્યુએબલ ઍનર્જીની વૃદ્ધિમાં અવરોધ સર્જાવો જોઈએ નહીં."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો