કાર્બન ડાયોક્સાઇડનું શું કરવાનું? તેમાંથી પ્લાસ્ટિક અને ગાદલાં બનાવાનાં?

સારાંશ

  • પ્લાસ્ટિક બનાવવા માટે હાલ ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે
  • કાર્બન ડાયોક્સાઇડ મોટા ભાગે માત્ર ઉત્સર્જનમાંથી જ નીપજતો નથી
  • જર્મનીના કોવેસ્ટ્રો પેટ્રોકેમિકલ ગ્રૂપે એક ગાદલું બનાવ્યું છે, જેમાં 20 ટકા કાર્બન છે
  • કંપનીના સેલ્સ વિભાગનાં લીડ ટેલરે જણાવ્યું હતું કે, “નવા મટીરિયલની ગુણવત્તા પ્લાસ્ટિક જેવી જ છે”
  • બ્રિટનની સાવાંસી યુનિવર્સિટીનાં પ્રોફેસર એન્રિકો એન્ડ્રીઓલી ઈથાઈલીન માટે કેટલિસ્ટ બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે

પ્લાસ્ટિક આપણા વાતાવરણ માટે એક મોટી સમસ્યા બની ગયું છે. જમીન અને સમુદ્રમાં લગભગ સાડા સાત ટ્રિલિયન ટન પ્લાસ્ટિક છે. જોકે, તેનું એક બીજું પાસું પણ છે. આપણને પ્લાસ્ટિકની જરૂર છે અને વીસમી સદીમાં પ્લાસ્ટિક આપણા માટે સૌથી મોટું પરિવર્તન લાવ્યું છે.

રેકૉર્ડેડ મ્યુઝિક કે સિનેમા પ્લાસ્ટિક વિના શક્ય નથી. આધુનિક દવાઓ પણ પ્લાસ્ટિક પર નિર્ભર છે. બ્લડ બૅન્ક, સિરિંજ ટ્યૂબમાં પણ તેનો ઉપયોગ થાય છે.

મોટરકારથી માંડીને વિમાન સુધીની સંખ્યાબંધ ચીજોમાં તેનો ઉપયોગ થાય છે. તેની મદદથી જ આપણે દુનિયાનો પ્રવાસ કરી શકીએ છીએ.

એ ઉપરાંત કમ્પ્યુટર, ફોન તથા ઇન્ટરનેટ સાથે જોડાયલી બીજી ટેકનૉલૉજીમાં પણ પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. તમે આ સ્ટોરી કદાચ પ્લાસ્ટિકના કારણે જ વાંચી રહ્યા છો.

પ્લાસ્ટિક બનાવવા માટે હાલ ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બાળવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે, જે એક પ્રકારનો ગ્રીનહાઉસ ગૅસ છે અને ક્લાયમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનમાં યોગદાન આપે છે.

મુદ્દો એ છે કે, આપણે કાર્બન ઉત્સર્જન વિના પ્લાસ્ટિકનાં ગાદલાં, ફૉમ ઇન્સ્યુલેશન, પ્લાસ્ટિકના કપ-પ્લેટ કે કેન બનાવી શકીએ?

નવી ટેકનૉલૉજી વડે કાર્બન ડાયોક્સાઇડને પ્લાસ્ટિકમાં પરિવર્તિત કરવાનું શક્ય છે. તેના વડે કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાય છે, પરંતુ કઈ રીતે એ સમજવા માટે તેની પાછળના વિજ્ઞાનને સમજવું પડે.

કાર્બન ડાયોક્સાઇડમાંથી નાયલોનનું નિર્માણ

પ્લાસ્ટિક સિન્થેટિક પૉલીમર હોય છે. લાંબા મૉલિક્યૂલ વારંવાર રિપીટ થઈને સાંકળની માફક એકમેકની સાથે જોડાયેલા હોય છે.

બ્રિટનના સેન્ટર ફૉર કાર્બન ડાયોક્સાઇડ યુટિલાઇઝેશન(સીએફસીડીયુ)ના સંશોધકોએ નાયલોન બનાવવાની તરકીબ શોધી કાઢી છે. આ એક પ્રકારનું પૉલીપર છે, જેને પૉલીક્રાઇલામાઇ કહેવામાં આવે છે અને તે કાર્બન ડાયોસ્કાઇડમાંથી બનાવવામાં આવે છે.

સીએફસીડીયુના ડિરેક્ટરે કહ્યું હતું કે, “કાર્બન ડાયોક્સાઇડમાંથી નાયલોનનું નિર્માણ. આ વાત સાંભળવામાં વિચિત્ર લાગે છે, પરંતુ અમે તે બનાવી લીધું છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “ઈંધણનો કાચા માલની જેમ ઉપયોગ કરવાના બદલે કાર્બન ડાયોક્સાઇડમાં કેટલાંક કેમિકલ્સ નાખીને તેનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી સમગ્ર પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં મોટું પરિવર્તન કરશે.”

કાર્બન ડાયોક્સાઇડ મોટા ભાગે માત્ર ઉત્સર્જનમાંથી જ નીપજતો નથી. એ અનેક રાસાયણિક પ્રક્રિયાની આડપેદાશ પણ હોય છે, પરંતુ ફેક્ટરીઓમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડને કૅપ્ચર કરવાના પ્રયાસ સંશોધનકર્તાઓ કરી રહ્યા છે.

કાર્બન ડાયોક્સાઈડમાંથી પ્લાસ્ટિક બનાવવા વૈજ્ઞાનિકોએ કેટલિસ્ટનો ઉપયોગ કરવો પડે

કાર્બન ડાયોક્સાઇડમાંથી પ્લાસ્ટિક બનાવવા માટે વૈજ્ઞાનિકોએ અનેક કેટલિસ્ટનો ઉપયોગ કરવો પડે છે. તેનાથી કેમિકલ રિએક્શન ઝડપી બને છે. જર્મનીના કૉવેસ્ટ્રો પેટ્રોકેમિકલ ગ્રૂપે એક ગાદલું બનાવ્યું છે, જેમાં 20 ટકા કાર્બન છે.

તેમણે એક કેટલિસ્ટ બનાવ્યું છે, જે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનો વચ્ચે પ્રતિક્રિયાનું કારણ બને છે તથા પૉલીયૂરેથેન નામનું ફેમિલી બનાવે છે. આ મટીરિયલમાંથી ગાદલાં બનાવી શકાય છે. તેના વડે ફ્રીઝનું ઈન્સ્યુલેશન પણ બનાવી શકાય છે.

આખી દુનિયામાં 15 મિલિયન ટનથી વધારે પૉલિયુરેથેનનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી કાર્બન ડાયોક્સાઇડ વડે કાચો માલ બનાવવાનું બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેનાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો પણ થઈ શકે છે.

શુદ્ધ હવા

સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગ વડે વિવિધ પ્રકારનું પ્લાસ્ટિક બનાવી રહ્યા છે.

બ્રિટનમાં પૉલિયુકેથેન બનાવતી ઇકૉનિક નામની કંપનીને આશા છે કે, આગામી બે વર્ષમાં તે ફોનની વિવિધ પ્રોડક્ટ્સ બજારમાં રજૂ કરી દેશે. કાર્બન ડાયોક્સાઇડ વડે કોટિંગ અને ઇલાસ્ટોમર પણ બનાવી શકાય છે. ઇલાસ્ટોમર રબર જેવો પદાર્થ હોય છે.

કંપનીના સેલ્સ વિભાગનાં લીડ ટેલરે જણાવ્યું હતું કે, “નવા મટીરિયલની ગુણવત્તા પ્લાસ્ટિક જેવી જ છે.”

તેમણે કહ્યું હતું કે, “અમારું મટીરિયલ અનેક રીતે ઉત્તમ હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમાં આગ નથી લાગતી અને લિસાટા પણ નથી પડતા.”

ઇકૉનેટની ધારણા છે કે, ક્રૉસ લિન્કિંગ માટે ઉપયોગમાં લેવાતા પૉલિઓલના કુલ પૈકીનો 30 ટકા હિસ્સો કાર્બન ડાયોક્સાઇડમાંથી બનાવવામાં આવે તો 90 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય. વળી કાર્બન ડાયોક્સાઇડની કિંમત પ્રોપલાઇન ઑક્સાઇટથી પણ અડધી છે.

ભવિષ્યની સંભાવનાઓ

એ સિવાય વૈજ્ઞાનિકો કાર્બન ડાયોક્સાઇડમાંથી એવાં પોલીકાર્બોનેટ બનાવી રહ્યાં છે, જેનાથી કન્ટેનર અને બૉટલ્સ બનાવી શકાય. તેમાં ઝાઇલોઝ સામેલ છે અને તેને કૉફીમાંથી તારવવામાં આવે છે.

આ શુગર બેઝ્ડ પ્રોડક્ટ્સ અગાઉની પ્રોડક્ટ્સ કરતાં વપરાશ માટે વધારે સલામત છે. તે સિવાય કાર્બન ડાયોક્સાઇડમાંથી ઇથાઇલીન બનાવવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે.

વિશ્વના કુલ પૈકીનું અડધોઅડધ પ્લાસ્ટિક ઇથાઇલીનમાંથી બનાવવામાં આવે છે. તે સૌથી મહત્ત્વની કાચી સામગ્રી છે.

બ્રિટનની સાવાંસી યુનિવર્સિટીનાં પ્રોફેસર એન્રિકો ઍન્ડ્રીઓલી ઇથાઇલીન માટે કેટલિસ્ટ બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. કાર્બન ડાયોક્સાઇડની સાથે પાણી અને વીજળીનો ઉપયોગ કરીને ઇથાઇલીન બનાવવામાં આવે છે.

કાર્બન ડાયોક્સાઇડથી બનેલા પૉલીઇથાઇલીનનો વ્યાપક ઉપયોગ શરૂ થવામાં 20થી વધુ વર્ષ લાગી શકે છે, પરંતુ પ્રોફેસર એન્રિકો એન્ડ્રીઓલી માને છે કે, એ માટે પ્રયાસ જરૂર કરવા જોઈએ.

તેમણે કહ્યું હતું કે, “30-40 વર્ષ પછી આપણે ઈંધણમાંથી ઇથાઇલીન બનાવી શકીશું નહીં. તેથી આપણે બીજી તરકીબ શોધવી પડશે.”

બાયોપ્લાસ્ટિક નિરાકરણ કે નવી સમસ્યા?

પરંતુ પ્લાસ્ટિકના પ્લાનથી અનેક રીતે નુકસાન પણ થઈ શકે છે.

બાયોપ્લાસ્ટિક બાબતે તાજેતરમાં આવેલા ઘણા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, દાવો કરવામાં આવે છે, એટલી ઝડપે બાયોપ્લાસ્ટિક નષ્ટ થતું નથી.

કાર્બન ઉત્સર્જનની વાત કરીએ તો તેને બનાવવામાં સારા એવા પ્રમાણમાં કાર્બન વાતાવરણમાં ભળે છે, કારણ કે પાક લણવાથી માંડીને કાચો માલ પ્રોસેસ કરવાની પ્રક્રિયા હાલ વપરાશમાં લેવાતા પ્લાસ્ટિકથી લાંબી છે.

તેનો અર્થ એ થયો કે, કાર્બન ડાયોક્સાઇડની મદદથી જે પ્લાસ્ટિક બનવાનું છે તેના વડે અનેક સમસ્યાનું નિરાકરણ થઈ શકશે, પણ એ બધી સમસ્યાનું નિરાકરણ છે એમ કહેવું ખોટું ગણાશે.

આ અહેવાલબીબીસી અર્થ પર પ્રકાશિત ઝો કોમરની સ્ટોરી પર આધારિત છે.